રક્તગુંજ (ગુંજ; ચણોઠી)

January, 2003

રક્તગુંજ (ગુંજ; ચણોઠી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. રક્તગુંજ, ગુંજા; મ. ગુંજ; હિં. ગુંજા, ધુધચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; ગુ. ચણોઠી, ગુંજા; તે. ગુલવિંદે; ત. ગુંડુમની, કુંતુમની, મલ. કુન્ની, કુન્નીકુરુ; અં. ક્રૅબ્ઝ આઇ, ઇંડિયન લિકોરિશ, જેક્વિરિટી.) છે. તે લગભગ બે મીટર જેટલી ઊંચી, અરોમિલ, મોટેભાગે લીલાશ પડતી પીળી શાખાઓ ધરાવતી વળવેલ છે અને સમગ્ર ભારતમાં થાય છે. બાહ્ય હિમાલયમાં 1,050 મી.ની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. તેનાં પર્ણો વિષમ પિચ્છાકાર (imparipinnate) હોય છે અને 5થી 17 અંડાકાર (ovate), પ્રતિઅંડાકાર (obovate) કે લંબચોરસ (oblong) પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પવિન્યાસ ઘટ્ટ અને દાત્રાકાર (falcate) હોય છે. પુષ્પો આછા જાંબલીથી પીળાશ પડતાં અથવા ગુલાબી કે ગુલાબી છાંટવાળાં સફેદ અને અવૃંતપ્રાય (subsessile) હોય છે. પુષ્પનિર્માણ વર્ષાઋતુમાં થાય છે. ફળ શિંબી (legume) પ્રકારનું લંબચોરસ અને રોમિલ હોય છે. બીજ અંડાકાર, સિંદૂરી લાલ રંગનાં ચળકતાં અને લીસાં હોય છે અને નાભિ(hilum)ની ફરતે કાળા રંગનું ટપકું હોય છે. કોઈક બીજ સફેદ રંગનાં હોય છે અને નાભિ કાળું ટપકું ધરાવે છે.

મૂળ અને પર્ણો ગ્લિસિરહાઇઝીન ધરાવે છે, જે જેઠીમધનો મુખ્ય  ઘટક છે અને જેઠીમધની અવેજીમાં કફ અને શ્લેષ્મીય (catarrhal) સોજા કે દાહમાં વપરાતું હોવાથી વનસ્પતિને ‘ભારતીય જેઠીમધ’ કહે છે. મૂળ મૂત્રલ, પૌષ્ટિક અને વમનકારી (emetic) ગુણધર્મો ધરાવે છે અને પરમિયો (gonorrhoea), કમળો અને હીમોગ્લોબિનયુક્ત પિત્તમાં આપવામાં આવે છે.

મૂળનું ચૂર્ણ પ્રિકોલ (C37H70O4), એબ્રોલ (C42H62O5), ગ્લિસિર્હાઇઝીન (1.5 %), એબ્રેસાઇન (C18H21N3O3) અને પ્રિકેસાઇન ધરાવે છે. સમાગમ પછી 1થી 5 દિવસો માટે ઉંદરોને પ્રતિ-દિવસ મૂળના પેટ્રોલિયમ ઈથર અને આલ્કોહૉલીય નિષ્કર્ષો 100 મિગ્રા./કિગ્રા.ની માત્રામાં આપતાં ગર્ભસ્થાપન 100 % થતું નથી. આલ્કોહૉલિક નિષ્કર્ષ પ્રતિઇસ્ટ્રોજેન સક્રિયતા દાખવે છે.

પર્ણો સ્વાદે મીઠાં હોય છે. તે ઘણી વાર કાચાં કે શાકભાજી તરીકે અથવા પાન સાથે ખવાય છે. પર્ણોમાં ગ્લિસિરહાઇઝીન (9.6 %),  એક સંતૃપ્ત આલ્કોહૉલ (C30H62O), એક સ્ફટિકી સંયોજન (C18H26O8) અને પિનિટોલ હોય છે. પર્ણોનો ક્વાથ શરદી, કફ અને શૂલ(colic)માં વપરાય છે. પર્ણનો રસ સ્વરરુક્ષતા(hoarseness)માં ઉપયોગી છે. તેને તેલ સાથે મિશ્ર કરી સોજા ઉપર લગાડવામાં આવે છે. પર્ણો પિત્તદોષ, સફેદ કોઢ, ખૂજલી અને અન્ય ત્વચાના રોગોમાં વપરાય છે.

બીજ ઝેરી હોય છે. ઢોરોના ખાવામાં આવે તો તેમને ઝેર ચઢે છે. તેનો ગર્ભપાત-કારક (abortifacient) તરીકે ઉપયોગ થાય છે. તેનો નિષ્કર્ષ ચાંદાંમાં અને ત્વચાના રોગોમાં વાપરવામાં આવે છે. તેનો મલમ રાંઝણ (sciatica), જકડાયેલા ખભાના સાંધાઓ અને લકવા ઉપર લગાડાય છે. તે અતિસાર (diarrhoea) અને મરડામાં ઉપયોગી છે અને કૃમિહર (anthelmintic) સક્રિયતા દાખવે છે. બીજનો ઇથેનોલીય નિષ્કર્ષ Micrococcus pyogenes Var. aureus, આંત્રીય (enteric) અને મરડો લાગુ પાડતા સૂક્ષ્મ જીવો, કેટલાક અન્ય બૅક્ટેરિયા અને કેટલીક રોગજન ફૂગની વૃદ્ધિ અવરોધે છે. બીજને રતી પણ કહે છે અને તેનો સોનાના અલંકારોનું વજન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ગળાનો હાર અને અન્ય અલંકારો બનાવવામાં પણ થાય છે.

બીજમાં રહેલો મુખ્ય વિષાળુ ઘટક ઍબ્રિન છે. તે એરંડીના બીજમાં રહેલા રીસીન સાથે સામ્ય ધરાવતું ટૉક્સાબ્લૂમિન છે. ઍબ્રિન શક્તિશાળી ઉત્તેજક (irritant) છે અને સંરોપણ(inoculation)ના સ્થાને શોથ (oedema) અને નીલ લાંછન (ecchymosis) ઉત્પન્ન કરે છે. ગ્લોબ્યુલિન અને આલ્બુમિનોઝ બંને ઝેરી હોય છે અને ગરમી આપવાથી નિષ્ક્રિય બને છે. હિમેગ્લુટિન અને એબ્રેલિન નામનો ગ્લુકોસાઇડ પણ બીજમાં હોય છે. આ ઉપરાંત, બીજ આલ્કેલૉઇડો, એબ્રાઇન (C12H14O2N2), હાઇપેફોરિન, કોલાઇન, ટ્રાઇગોનેલિન,  પ્રિકેટોરિન (C14H11NO6) અને N, N–ડાઇમિથાઇલ ટ્રિપ્ટોફેન મિથો ધનાયન(cation)નો મિથાઇલ ઍસ્ટર ધરાવે છે. એબ્રાઇન મુખ્ય આલ્કેલૉઇડ છે. બીજમાં 5b-કોલેનિક ઍસિડ હોય છે. સ્ટિગ્મેસ્ટેરૉલ, b-સિટોસ્ટેરૉલ અને અન્ય બે સ્ટેરૉઇડીય ઘટકોનું પણ બીજમાંથી નિષ્કર્ષણ કરવામાં આવ્યું છે.

ઍબ્રિન અત્યંત વિષાળુ પ્રોટીન છે. તેની ઉંદર માટેની ઘાતક માત્રા 50 [lethal dose50 (LD50)] 0.029 મિગ્રા./કિગ્રા. છે. બીજમાં તેનું 0.15 % જેટલું પ્રમાણ હોય છે. તેની પ્રતિ-અર્બુદ (antitumor) સક્રિયતા ઉપર બહોળા પ્રમાણમાં સંશોધનો થયાં છે. ઉંદરો ઉપર થયેલા પ્રયોગોમાં ઍબ્રિન એર્લિક જલોદર (Ehrlich ascites) અર્બુદની વૃદ્ધિને અવરોધે છે. અર્બુદ-સંરોપણ બાદ ત્રણ દિવસ માટે 20 માઇક્રોગ્રામ/કિગ્રા.ની માત્રાએ અંત:ઉદરાવરણીય (intraperitoneal) અંત:ક્ષેપણ (injection) કરતાં અર્બુદની વૃદ્ધિનો તે નાશ કરે છે. ઉંદરના વજનમાં ઘટાડો થાય છે અને 50 દિવસ પછી ઉદરગુહા(peritonial cavity)માં અર્બુદ-કોષો (tumor-cells) જોવા મળતા નથી. બીજના પ્રોટીન નિષ્કર્ષો ઉંદરને થતા યોશિદા-માંસાર્બુદ (Yoshida sarcoma) અને તંતુ-માંસાર્બુદ (fibro sarcoma) ઉપર પ્રતિ-અર્બુદ સક્રિયતા દર્શાવે છે. નિષ્કર્ષની અર્બુદકોષો ઉપર સીધેસીધી વિષાળુ અસર થાય છે. તેના શુષ્ક બીજમાંથી ઍબ્રિન ‘એ’ અને ઍબ્રિન ‘સી’ નામનાં બે વિષાળુ અને સંભવત: અર્બુદ-અવરોધક (neoplasm-inhibitory) પ્રોટીનોનું નિષ્કર્ષણ કરવામાં આવ્યું છે.

બીજનું ચૂર્ણ ગર્ભાશયનાં કાર્યોમાં વિક્ષેપ પહોંચાડી સ્ત્રીઓમાં ગર્ભસ્થાપનની પ્રક્રિયા અવરોધે છે. બીજનો પેટ્રોલિયમ ઈથર-નિષ્કર્ષ ઉંદરમાં પ્રતિ-ફળદ્રૂપતા (antifertility) સક્રિયતા દાખવે છે. તેનો જલીય નિષ્કર્ષ ઉંદરમાં ગર્ભવિકાસ અને સગર્ભતા (pregnancy) ઉપર પ્રતિકૂળ અસરો નિપજાવે છે.

બીજાવરણમાં રહેલાં રંજકદ્રવ્યોમાં એક મૉનોગ્લુકોસાઇડ ઍન્થોસાયનિન, ઍબ્રેનિનનો સમાવેશ થાય છે. અન્ય ઓળખાયેલાં ઍન્થોસાયનિન ડેલ્ફિનિડીન-3, 5-ડાઇગ્લુકોસાઇડ, પેલાર્ગોનિડીન-3-ગ્લુકોસાઇડ અને સાયનિડીન-3-ગ્લુકોસાઇડ છે. બીજાવરણમાં ગૅલિક ઍસિડ પણ હોય છે.

બીજમાંથી આછા લાલ રંગનું તેલ (2.5 %) ઉત્પન્ન થાય છે. આ તેલ મનુષ્યમાં વાળની વૃદ્ધિ પ્રેરે છે. બીજમાં ઍસ્પાર્ટિક, થ્રિયોનિન, ગ્લાયસિન, વેલાઇન, મિથિયોનિન, લ્યુસિન, ટાયરોસિન આર્જિનિન, ફિનિલ એલેનિન, લાયસિન અને હિસ્ટિડીન નામના એમીનોઍસિડ હોય છે.

આયુર્વેદ અનુસાર રક્તગુંજ સ્વાદુ, કડવી, બલકર, ઉષ્ણ, તૂરી, ત્વચાને હિતાવહ, કેશ્ય, રુચ્ય, શીત અને વૃષ્ય છે, અને નેત્રરોગ, વિષ, પિત્ત, ઇન્દ્રલુપ્ત, વ્રણ, કૃમિ, ખરજ, કોઢ, કફ, તાવ, મુખરોગ, શીર્ષરોગ, વાયુ, ભ્રમ, દમ, તૃષા, મોહ તથા મદનો નાશ કરે છે. તેનાં બીજ વાંતિકારક અને શૂળનાશક હોય છે. બીજનો ખાવાના ઔષધ તરીકે ઉપયોગ કરતા પહેલાં શોધન કરી લેવું જરૂરી છે. તેને પોટલીમાં બાંધી દોલાયંત્રથી મંદાગ્નિ ઉપર કાંજીમાં ત્રણ કલાક પચન કરી, સ્વચ્છ જળથી ધોવાથી શુદ્ધ થાય છે. ઉપરનાં ફોતરાં અને અંદરની જીભ કાઢી નાખવામાં આવે છે. તેનાં પર્ણો વિષનાશક છે. તેનો ઉપયોગ આધાશીશી અને આંખમાં ફૂલ પડ્યું હોય તે ઉપર, વીર્યવૃદ્ધિ માટે, માથે ટાલ પડે તે ઉપર, અવાજ સાફ થવા માટે, ગરમીથી મોઢામાં ફોલ્લા પડે તે ઉપર, લાલ મેહ, રતવા, ખરજવું, મૂત્રકૃચ્છ્ર, સિંદૂરનું વિષ, શિરોરોગ, વાયુરોગ, ગાંઠ, ઉપદંશ, ગંડમાળા અને તિમિર (અંધારાં આવવાં) રોગ ઉપર થાય છે.

રક્તગુંજ ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ વગેરે પ્રાંતોમાં મુખ્યત્વે વાડોમાં કોઈ પણ જાતની કાળજી વિના થાય છે.

  1. fruticulosus Wall. ex. Wight & Arn. syn., A. pulchellus Wall., A. laevigatus E. Mey. રક્તગુંજની બીજી આરોહી કે ભૂપ્રસારી ક્ષુપ-જાતિ છે અને ભારતમાં સર્વત્ર થાય છે. તે A. precatorius જેવા જ ઔષધ-ગુણધર્મો ધરાવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ