રક્તમોક્ષણ (ફસ ખોલવી)

January, 2003

રક્તમોક્ષણ (ફસ ખોલવી) : આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા.  આયુર્વેદવિજ્ઞાનની અનેક પેટાશાખાઓ છે. આયુર્વેદમાં જેમ વનસ્પતિ-ઔષધિ-ઉપચાર છે, તેમ નાની-મોટી સર્જરી કે વાઢ-કાપનું પણ જ્ઞાન છે. ‘સુશ્રુત-સંહિતા’ લખનાર મહર્ષિ સુશ્રુત ભારતના પ્રાચીન કાળના મહાન જનરલ સર્જ્યન હતા, જેમણે વનસ્પતિ કે ઔષધિ-ઉપચારોથી ન મટી શકતાં કે ખૂબ વિલંબે મટનારાં દર્દો માટે શલ્ય-શાલાક્ય (surgery) તથા ક્ષારકર્મ, અગ્નિકર્મ, પંચકર્મ, જલૌકાકર્મ તથા ‘રક્તમોક્ષણ’ જેવી અન્ય અનેક ચિકિત્સાપદ્ધતિઓ બતાવેલી છે, જેનું તે પછીના ગ્રંથકાર મહર્ષિ વાગ્ભટ્ટે પોતાના ગ્રંથ ‘અષ્ટાંગહૃદય’માં પણ વર્ણન કરેલું છે. સુશ્રુતસંહિતામાં ‘શારીર સ્થાન’નો આઠમો અધ્યાય  ‘સિરાવ્યધ વિધિ’ નામે આપેલ છે તેમજ ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથમાં સૂત્રસ્થાનના 27મા અધ્યાયમાં ‘સિરાવ્યધ વિધિ’ નામના પ્રકરણમાં આ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપેલ છે.

રક્તનું મહત્વ : માનવશરીરના સ્વાસ્થ્યનો મોટો આધાર શરીરના વાયુ-પિત્ત-કફાદિ ત્રણ દોષો, રસ-રક્તાદિ સાત ધાતુઓ અને મલાદિની શુદ્ધિ ઉપર નિર્ભર રહે છે. શરીરનાં તમામ અંગો હૃદયમાંથી નીકળતા શુદ્ધ રક્તની શુદ્ધતા અને પૂરતા પ્રમાણને કારણે જરૂરી ક્ષતિપૂર્તિ અને પુષ્ટિ મેળવી સ્વસ્થ અને શક્તિસંપન્ન રહે છે. આપણા દેહના સ્વાસ્થ્યમાં શરીરમાં રક્ત(લોહી)નો ફાળો સૌથી વધુ છે. હૃદયમાંથી પ્રસારિત–વહેતું શુદ્ધ રક્ત શરીરના હાથ-પગનાં આંગળાંથી શિર જેવાં અંતિમ સ્થળો સુધી પહોંચતાં કંઈક મલિન થઈ જાય છે. અંગોના છેડેથી મેલું કે કંઈક અસ્વચ્છ થયેલું રક્ત પુન: સ્વચ્છ થવા શિરાઓ (veins) દ્વારા હૃદયના જમણા ભાગમાં જાય છે. શિરાઓમાં વહેતું લોહી કંઈક શ્યામ (કાળું) અને મેલું હોય છે. પ્રાય: દેહનું લોહી વાયુ, પિત્ત કે કફ દોષથી અથવા બે કે ત્રણે દોષના મિશ્રણથી વધુ બગડે છે. એવું થાય ત્યારે શરીરમાં વિવિધ રોગો પેદા થાય છે. આવાં દર્દો રક્તશુદ્ધિ કે દૂષિતરક્તમોક્ષ કરવાથી જ મટી શકે.

વિશિષ્ટ ચિકિત્સા : આયુર્વેદના અનુભવી પંડિતોએ જાણ્યું કે શરીરના ખૂબ વધુ મેલા–દોષયુક્ત–થયેલા લોહીને શુદ્ધ કરવામાં દર્દીને અનેક જાતની ઔષધિઓ લાંબા સમય સુધી આપવી પડે. પરંતુ મેલા કે દૂષિત થયેલા લોહીને જળો, અલાબુ (તૂમડી), ઘટી (કુલડી) કે શૃંગમ (રૂમડી) દ્વારા અથવા શિરાવેધ દ્વારા શરીરમાંથી કાઢી નંખાય, તો તેમાં ખૂબ જ થોડા સમયમાં દર્દ નાબૂદ થાય છે.

શિરાવેધ વિધિ : શિરા(vein)માં વહેતા દૂષિત-મેલા લોહીને દર્દીના દર્દનાં સ્થાન, પ્રકાર અને પ્રમાણ અનુસાર, યોગ્ય શિરા પસંદ કરી, તે જગ્યાએ અણીદાર અસ્ત્રથી છેદ કરી, તે લોહીને બહાર કાઢી નાંખવામાં આવે છે. આ ક્રિયા જરૂર પડ્યે 2થી 3 વાર પણ કરી શકાય છે, જેથી મૂળ દર્દ ખૂબ ઝડપથી નાબૂદ થાય છે. આવા દર્દીને શરીરની બહાર કાઢી નાંખેલા રક્તની જગ્યાએ નવું રક્ત જલદી બને અને તેની પૂર્તિથી રક્તનું પ્રમાણ દેહમાં બરાબર જળવાઈ રહે, તેનું વૈદ્ય ખાસ ધ્યાન રાખે છે. આમ દેહની શિરાને વીંધીને કરાતી ચિકિત્સાને ‘શિરાવેધ વિધિ’ કે ફસ ખોલવી કહે છે. એ દ્વારા શરીરના દૂષિત રક્તને બહાર કાઢી નાંખવાની જે ક્રિયાવિધિ થાય છે તેને આયુર્વેદમાં ‘રક્તમોક્ષણ’ કહે છે. ટૂંકમાં ‘રક્તમોક્ષણ’ એ દેહના દૂષિત રક્તને ઝડપથી બહાર કાઢી નાંખવાની એક વૈદકીય ચિકિત્સા છે. આયુર્વેદોક્ત આ ચિકિત્સાનો પ્રયોગ ઘણા ઍલોપૅથિક તબીબો પણ કરે છે.

રક્તવિકારથી થતાં દર્દો : શરીરનું લોહી બગડવા કે દૂષિત થવાથી વિસર્પ (રતવા), ગડ-ગૂમડ, બરોળ, ગોળો, મંદાગ્નિ, તાવ, મુખરોગ, આંખના રોગ, માથાના રોગ, મદ, તરસ. મોં ખારું લાગવું, કોઢ (પત), ત્વચાનાં દર્દો, રક્તપિત્ત (રક્તસ્રાવ), તીખો કે ખાટો ઓડકાર જેવા રોગો થાય છે. માટે આ બધા રોગોને જલદી મટાડવા માટે ક્રિયાકુશળ વૈદ્ય ઇચ્છે તો, દર્દીના રક્તનું મોક્ષણ કરી, દર્દીના દર્દને ઝડપથી ઓછા ખર્ચે મટાડી શકે છે.

રક્તમોક્ષણ ક્યારે કરવું ? : દૂષિત લોહી કાઢવા માટે ફસ (શિરા) ખોલવાની વિધિ માટે કેટલાક નિયમો છે. જે 16 વર્ષથી નાની અને 70 વર્ષથી વધુ વયના હોય, જેમનું લોહી (થોડા સમય) પૂર્વે કાઢ્યું હોય કે રક્તદાન કર્યું હોય, જેમને ફસ ખોલતા પહેલાં થતી સ્નેહપાન તથા શેક જેવી વિધિ ન કરી હોય, કે જેમને વધુ પડતો શેક થયો હોય, જે સગર્ભા કે પ્રસૂતા હોય, જે અર્જીણ, રક્તપિત્ત (રક્તસ્રાવ), દમ, ઉધરસ, ઝાડા, ઉદરરોગ, ઊલટી, પાંડુ તથા આખા શરીરે સોજાવાળા હોય, તેમજ જેમને વમન–વિરેચન જેવાં પંચકર્મ કર્યાં હોય, તેવા દર્દીઓનું રક્તમોક્ષણ કરવાની આચાર્યોએ મનાઈ કરી છે. આ ઉપરાંત જે સમયે હવામાનમાં વધુ પડતી ઠંડી કે વધુ પડતી ગરમી કે વધુ પડતો પવન વાતો હોય, વાદળાં થયાં હોય, ત્યારે દર્દીની ફસ (શિરા) ખોલી, તેનું લોહી ન કાઢવું અથવા દર્દી પર હવામાનની અસર ન થાય તેવા કમરામાં રાખીને તે ક્રિયા કરવી.

વર્તમાન સ્થિતિ : આજકાલ ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યોમાં ફસ ખોલી ‘રક્તમોક્ષણ’ કરવાની ચિકિત્સા બહુ જૂજ વૈદ્યો કરે છે. જેઓ કરે છે, તેઓ હવે ઇંજેક્શન અને તેની સોયનો ઉપયોગ કરી, રક્તમોક્ષણ કરે છે, જે વધુ સાનુકૂળ પડે છે. આ ચિકિત્સા ખરેખર ખૂબ લાભપ્રદ છે, જે હાલમાં વૈદ્યસમાજમાં વિસ્મૃત શી થઈ ગઈ છે. તેનું પુન:પ્રચલન થાય તો, દર્દીઓનાં દર્દ જલદીથી મટી શકે.

રક્તમોક્ષણ પછી પથ્ય આહારવિહાર : રક્તમોક્ષણ કરાવેલા દર્દીએ બહુ ગરમ ન હોય કે બહુ ઠંડું અથવા હલકું (વાયડું) ન હોય તથા જે ભૂખ ઉઘાડે અને જલદી પચી જાય તેવો ખોરાક લેવો તથા શારીરિક શ્રમ ન કરતાં, તડકે ન રહેતાં છાંયે આરામ કરવો લાભપ્રદ છે. રક્તદાન (બ્લડ ડોનેશન) કરેલી વ્યક્તિને જેમ મોસંબી કે નારંગીનો રસ અપાય છે, તેમ રક્તમોક્ષણ કરેલા દર્દીને પણ આવાં ફળોનો રસ દેવાથી નવું રક્ત ઝડપથી બનાવી, રક્તની પૂર્તિ કરી શકે છે.

 બળદેવપ્રસાદ પનારા