યોશીડા, શિગેરુ

January, 2003

યોશીડા, શિગેરુ (જ. 22 સપ્ટેમ્બર 1878, ટોકિયો, જાપાન; અ. 20 ઑક્ટોબર 1967, ઓઇસો, જાપાન) : જાપાનના રાજકારણી અને વડાપ્રધાન. 1906માં ટોકિયો

શિગેરુ યોશીડા

ઇમ્પિયરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની બી.એલ.ની ડિગ્રી મેળવી અને વિદેશ મંત્રાલયમાં જોડાયા. વિશ્વની કેટલીય રાજધાનીઓમાં તેમણે વિવિધ પ્રકારનો કાર્યભાર સંભાળ્યો. 1928માં તેઓ સ્વીડન, નૉર્વે તથા ડેન્માર્કમાં મંત્રી નિમાયા. 1928–30 દરમિયાન નાયબ વિદેશમંત્રી, 1930–32 દરમિયાન ઇટાલીમાં અને 1936–38 દરમિયાન લંડનમાં એલચી તરીકે કાર્યભાર સંભાળ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 1945ના પ્રારંભિક ગાળામાં, જાપાન સરકારને શરણાગતિ સ્વીકારવા સમજાવી હતી; પરિણામે તેમની ધરપકડ થઈ. ઑક્ટોબર 1945માં તેઓ વિદેશમંત્રી નિમાયા; ત્યારબાદ 22 મે 1946ના રોજ નવા બંધારણનો પ્રારંભ કર્યો અને વડાપ્રધાન-પદે નિયુક્ત (1946–47 તથા 1948–54) થયા. એ પછી 1954માં રાજીનામું આપ્યું અને 1955માં રાજકારણમાંથી તેમણે નિવૃત્તિ સ્વીકારી.

મહેશ ચોકસી