યઝીદ બિન હઝરત મુઆવિયા

January, 2003

યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ.

હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે તેવા પ્રયત્નો કર્યા. યઝીદનું ચારિત્ર્ય એવું હતું કે કોઈ પણ મુસલમાન તેને અમીર (શાસક) બનાવવા તૈયાર ન હતો. પરંતુ તેમણે હઝરત મુઆવિયાને ર્દષ્ટિ સમક્ષ રાખીને યઝીદનું આધિપત્ય સ્વીકાર્યું. આમ છતાં આરબોના ચાર-પાંચ આગેવાનોએ યઝીદના આધિપત્ય(બૈઅત)નો સ્વીકાર કર્યો નહિ. હઝરત મુઆવિયાએ યઝીદને તેમની સાથે સારો વ્યવહાર કરવાની શિખામણ આપી અને એમાંયે હઝરત ઇમામ હુસેન વિશે ખાસ ટકોર કરતાં કહ્યું હતું કે તેઓ રસૂલ હ. મુહમ્મદના દૌહિત્ર છે, તેમની ઉપર ખાસ મહેરબાની રાખજે.

યઝીદ હવારીનમાં હતો ત્યારે તેને હઝરત અમીર મુઆવિયાના અવસાનના સમાચાર પહોંચાડવામાં આવ્યા. એ દિવસ 7મી એપ્રિલ ઈ. સ. 680નો હતો. પિતાના અવસાનના દિવસે યઝીદ ગાદી ઉપર બેઠો.

યઝીદ સારો કવિ, કલાકાર અને પ્રખર વક્તા હતો. કવિ તરીકેની તેની કૃતિઓ આજે પણ સચવાયેલી છે. તે ઝડપી નિર્ણય લેવામાં પાવરધો હતો. શરૂઆતમાં તેણે હઝરત અમીર મુઆવિયાની વહીવટી પદ્ધતિને ચાલુ રાખી અને તેમાં કેટલાક સુધારા કર્યા. ગાદી સંભાળ્યા પછી યઝીદે તુર્કસ્તાન અને આફ્રિકામાં લશ્કર મોકલ્યું હતું. ઉત્તર આફ્રિકાના ઘણા પ્રદેશો ઉપર તેના લશ્કરે વિજય મેળવ્યો હતો. યઝીદ સંગીતનો પણ ભારે શોખીન હતો. આ ગુણો સિવાય તેનામાં કેટલાક ગંભીર દોષો હતા, જેને પરિણામે તેનો ટૂંકો શાસનકાળ તમામ વર્ગોમાં ખૂબ જ અપ્રિય થઈ પડ્યો. તે આળસુ, શરાબી અને વ્યભિચારી હતો. સાથોસાથ શિકારમાં એટલો પ્રવૃત્ત રહેતો કે વહીવટ ઉપર યોગ્ય ધ્યાન આપી શકતો નહિ. રંગીન મહેફિલો માણવામાં સદા મશગૂલ રહેતો.

તેની આ કુટેવોને પરિણામે આરબ આગેવાનો તેનાથી નારાજ હતા. તેમણે યઝીદના આધિપત્યને ઠુકરાવી દીધું હતું. તેમનામાં મુખ્ય હતા હઝરત ઇમામ હુસેન, હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર, હઝરત અબ્દુર્રહમાન બિન અબુબકર, હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબેર. હઝરત અમીર મુઆવિયાએ તેને આ મહાનુભાવો સાથે સારો વ્યવહાર કરવાની શિખામણ આપી હતી. પરંતુ સત્તાના નશામાં ચકચૂર યઝીદે તેમને પોતાનું આધિપત્ય કબૂલાવવા બળજબરી કરી અને તેના પરિણામે કરબલાની કરુણ ઘટના અસ્તિત્વમાં આવી. યઝીદના શાસનકાળ દરમિયાન ત્રણ બનાવો એવા બન્યા કે જેથી ઇસ્લામી જગતમાં યઝીદ ધિક્કારપાત્ર બની રહ્યો. એટલે સુધી કે યઝીદ નામ રાખવા કોઈ મુસલમાન તૈયાર નથી.

એક હતી કરબલાની દારુણ ઘટના કે જેમાં કરબલાના મેદાનમાં ધર્મની રક્ષા કાજે હઝરત ઇમામ હુસેને પોતાની અને પોતાના વહાલા કુટુંબકબીલાની સહર્ષ કુરબાની આપી, જેની યાદમાં દર વર્ષે ઇસ્લામી મોહર્રમ માસની દસમી તારીખ ‘યૌમે આશૂરા’ (દશમીની તિથિ) મનાવવામાં આવે છે.

બીજી ઘટના યઝીદના શાસનકાળ દરમિયાન મદીના ઉપરના આક્રમણની છે. આ પવિત્ર શહેરનો પ્રત્યેક જીવ અને પદાર્થ અત્યંત શ્રદ્ધેય છે, કેમ કે હઝરત મુહમ્મદ પયગંબરનો પવિત્ર મકબરો અહીં આવેલો છે. આમ છતાં યઝીદે 10 હજારના લશ્કરને મુસ્લિમ બિન ઉકબાની આગેવાની હેઠળ મોકલી મદીના શહેરના લોકોને લૂંટ્યા. એમની કત્લેઆમ કરી અને સ્ત્રીઓની આબરૂ લૂંટી. યઝીદના શાસનકાળ દરમિયાન યઝીદના લશ્કરે મદીના શહેરના લોકો ઉપર જે ત્રાસ ગુજાર્યો તે કોઈ પણ સભ્ય સમાજ સાંખી શકે તેવો નહોતો. આ શહેરના લોકોનો ગુનો એટલો જ હતો કે તેમણે કરબલાની કરુણ અને હૃદયદ્રાવક ઘટનાને લક્ષમાં લઈ યઝીદ જેવા પાપી શાસકની ધૂંસરી ફગાવી દીધી હતી અને હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબેરને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. ત્રણ દિવસ સુધી યઝીદનું લશ્કર મદીના શહેરને ખેદાનમેદાન કરતું રહ્યું.

ત્રીજી ઘટના ઇસ્લામી જગત માટે ખૂબ જ શરમજનક છે. ઇસ્લામ ધર્મનાં મુખ્ય પાંચ અવશ્યકર્તવ્યો(અર્કાન)માંનું છેલ્લું મુહમ્મદ પયગંબરના જન્મસ્થાન અને કાબાના ધર્મસ્થાન મક્કાની હજનું છે. આ પવિત્ર સ્થળે હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબેરે મદીનાની કાળજું કંપાવી નાખનારી ઘટના પછી શરણ લીધું હતું. મુસ્લિમ બિન ઉકબાના અવસાન પછી હસીન બિન નઝીરને યઝીદે લશ્કરનું સુકાન સોંપ્યું હતું. તેણે મક્કાને ઘેરો નાખ્યો અને પથ્થરમારો શરૂ કરી દીધો. આથી કાબાના ધર્મસ્થાનને પુષ્કળ નુકસાન થયું. મક્કાનો ઘેરો ચાલુ હતો એવામાં યઝીદનું મૃત્યુ થયું.

ઝહીરમોહંમદ જાનમોહંમદ શેખ