મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ

March, 2002

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ (જ. 2 ઑગસ્ટ 1842, ચાપરા, જિ. સરન, બિહાર; અ. 3 ઑગસ્ટ 1908) : પટણાની પ્રસિદ્ધ ઓરિયેન્ટલ લાઇબ્રેરીના સ્થાપક. તેમના પિતા મહંમદબક્ષ વકીલ હતા. ખુદાબક્ષ પણ એક વકીલ તથા અરબી, પર્શિયન તથા ઇજિપ્શિયન સંસ્કૃતિનો પરિચય આપતી હસ્તપ્રતોના સંગ્રાહક તથા ચાહક હતા.

સને 1857ના વિપ્લવ બાદ અંગ્રેજ સરકારે અપનાવેલી રાજનીતિનો પ્રભાવ બિહાર તથા બંગાળ પ્રાંતમાં વધ્યો તેવો સમયગાળો ખુદાબક્ષના વિકાસનો પણ ઓળખી શકાય તેમ છે.

1859માં ખુદાબક્ષે પટણાની હાઈસ્કૂલ છોડીને કૉલકાતામાં નવાબ અમીરઅલીખાનના આશ્રયે રહીને કૉલકાતા યુનિવર્સિટીની એન્ટ્રન્સ પરીક્ષા 1861માં પાસ કરી. ત્યારબાદ પટણા પરત આવીને તેમણે ડિસ્ટ્રિક્ટ જજની કચેરીમાં ‘પેશકાર’ તરીકે અને શાળાના ‘ઉપનિરીક્ષક’ તરીકે સવેતન કામ કર્યું. 1868માં તેમણે વકીલાત માટેની સનદ મેળવવાની પરીક્ષા પાસ કરીને ધંધામાં સારી નામના મેળવી.

તેમને 1881માં સરકારી વકીલની કામગીરી સોંપાઈ તથા ‘ખાન બહાદુર’નો ખિતાબ પણ અપાયો. પટણાની મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ અને પટણા જિલ્લા બૉર્ડના સભ્ય તથા કૉલકાતા યુનિવર્સિટીના ‘ફેલો’ તરીકે નિમણૂક થયેલી. સી. આઇ. ઇ.નો ખિતાબ પણ અપાયેલો. 1895–98ના ગાળામાં હૈદરાબાદ હાઈકૉર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થતાં તેમણે પટણામાં આવીને વકીલાત ફરીથી ચાલુ કરી.

ખુદાબક્ષ માટે સૌથી મોટો ખિતાબ તેમણે સ્થાપેલી અને વિકસાવેલી ખુદાબક્ષ ઓરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરીના પેટ્રન તરીકેનો ગણાય છે.

ઇસ્લામિક સંસ્કૃતિના સંદર્ભસ્રોત તરીકે ઉપયોગી એવી હસ્તપ્રતો તેમના પિતાએ તેમને સોંપેલી અને વ્યવસ્થિત ગ્રંથભંડાર તરીકે વિકસાવવાની પ્રેરણા કરેલી. 1891માં તે લાઇબ્રેરીને ટ્રસ્ટના રૂપમાં બંગાળ સરકારને સોંપવામાં આવી. બંગાળના ગવર્નર ચાર્લ્સ ઇલિયટે લાઇબ્રેરીનું ઉદઘાટન કરેલું. 1903માં અંગ્રેજ સરકારે ખુદાબક્ષને તે લાઇબ્રેરીના સવેતન મંત્રી તરીકે નીમીને ભરપૂર આર્થિક મદદ પણ કરી. ઇજિપ્ત, ઈરાન, અરબસ્તાન જેવા દેશોમાંથી મહત્વની હસ્તપ્રતો ખોળી કાઢવા તથા ખરીદી લાવવા માટે તેમણે એક અનુભવી પગારદાર આરબની પણ નિમણૂક કરેલી. હસ્તપ્રતોના કૅટલૉગ 32 ભાગમાં ઉપલબ્ધ કરાયા.

1857ના વિપ્લવ બાદના ગાળામાં બંગાળ તથા બિહારના લોકોની માનસિકતાને સમજવા માટે ખુદાબક્ષનો તે સમયનો અભિપ્રાય ઉપયોગી થાય તેમ છે. અંગ્રેજી સત્તાકાળના કેટલાક આભાસી આશીર્વાદની તેઓ પ્રશંસા કરતા પરંતુ તેઓ માનતા કે પશ્ચિમની અસરને લીધે લોકોમાં ધર્મ પ્રત્યે અશ્રદ્ધા વિકસી છે, અને પરંપરાગત સંયુક્ત કુટુંબો તૂટી રહ્યાં છે. રાજકીય ચળવળો કરતાં સામાજિક સુધારાઓ અને બૌદ્ધિક પ્રગતિને વધારે પ્રાથમિકતા આપવાનો તેમનો અભિગમ હતો. ખુદાબક્ષ અંગ્રેજી ઉપરાંત ફારસી અને અરબી ભાષાના સારા જાણકાર હતા. જિંદગીનાં છેવટનાં પાંચેક વર્ષોમાં તેમણે કાવ્યસંગ્રહના ચાર ભાગ તથા આત્મકથા લખવાનો પ્રયાસ કરેલો પણ તે પ્રગટ ન કરી શક્યા. 1919માં પ્રસિદ્ધ થયેલ જે. એન. સરકારના પુસ્તક ‘સ્ટડીઝ ઇન મુઘલ ઇન્ડિયા’માં ખુદાબક્ષ વિશેની માહિતી ઉપલબ્ધ છે.

સાધારણ ઊંચાઈ, પાતળું શરીર, દાઢીવાળો ચહેરો અને દેશી પોશાકવાળા ખુદાબક્ષના દેહને તેમણે બંધાવેલી લાઇબ્રેરીના પરિસરમાં દફનાવવામાં આવેલો.

એક મહેનતુ માણસ કુટુંબના તથા રાજસત્તાના ટેકાથી કેટલું મોટું કામ કરી શકે અને વ્યવસાય ઉપરાંત પોતાના શોખના વિષયની પાછળ કેટલો લગાવ જાળવી શકે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ખુદાબક્ષનું જીવન છે. ઓગણીસમી સદીમાં ઇસ્લામિક સંસ્કૃતિની વિદ્યાકીય પરિસ્થિતિ જાણવા માટે તેમણે ભેગી કરેલી હસ્તપ્રતો ઉપયોગી સંદર્ભસ્રોત ગણી શકાય.

રિખવભાઈ શાહ