મોહમ્મદ ઇસ્હાક (જ. 1 નવેમ્બર 1898, કૉલકાતા; અ. 12 સપ્ટેમ્બર 1969, કૉલકાતા) : અરબી-ફારસીના વિદ્વાન. તેમના પિતાનું નામ મૌલવી અબ્દુર્રહીમ હતું.

પ્રારંભિક શિક્ષણ કૉલકાતાના એક સ્થાનિક ‘મકતબ’માં મેળવી પછી તેઓ અરબીના વધુ અભ્યાસ અર્થે ‘કૉલકાતા મદ્રસહ’માં દાખલ થયા. તેમની રુચિ વિજ્ઞાન પ્રત્યે હોઈ સ્કૂલ તથા કૉલેજમાં અભ્યાસ કરવાની તેમને તક પ્રાપ્ત થઈ. સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી તેમણે બી.એસસી.ની પદવી મેળવી. તેમની ઇચ્છા એરોનૉટિકલ એન્જિનિયરિંગની પદવી મેળવવાની હતી; પરંતુ દુર્ભાગ્યે તેમાં પ્રવેશ ન મળતાં ફરીથી તેમને અરબીનો અભ્યાસ કરવાની ફરજ પડી. કૉલકાતા યુનિવર્સિટીમાં એમ.એ.(અરૅબિક)માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને તેઓ ઉત્તીર્ણ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કૉલકાતા કૉર્પોરેશન તથા ડિગ્રી-કૉલેજોમાં હંગામી ધોરણે કરી. છેવટે કૉલકાતા યુનિવર્સિટીમાં ફારસી-અરબી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. ફારસી-અરબીનો સંયુક્ત વિભાગ હોઈ યુવાન મોહંમદ ઇસ્હાકને ફારસીના તાસ લેવાની ફરજ પાડવામાં આવી. અરબી વિષયના અનુસ્નાતક હોવા છતાં તેમણે આ પડકારનો સ્વીકાર કરી લીધો અને એક ઈરાની સદગૃહસ્થ પાસેથી 3 માસના ટૂંકા ગાળામાં તેમણે ફારસીમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરી લીધું. ફારસીનો વધુ અભ્યાસ કરવા 6 માસ માટે ઈરાનના શૈક્ષણિક પ્રવાસે ગયા અને ત્યાં આધુનિક ફારસી સાહિત્યકારો વિશે માહિતી એકત્રિત કરી અને ભારત પાછા આવીને 1933માં ‘સુખનવરાને ઈરાન દર અસ્રે હાઝિર’નો ભાગ 1 અને ભાગ 2 પ્રકાશિત કર્યા. કદાચ ભારતમાં આ પ્રકારનું પ્રકાશન કરનાર તેઓ સૌપ્રથમ હતા.

1943માં તેમણે લંડન યુનિવર્સિટીમાંથી ‘આધુનિક ફારસી’ વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. તેમની કૃતિઓમાં ‘સુખનવરાને ઈરાન દર અસ્રે હાઝિર’ (ભાગ 1 તથા ભાગ 2) ઉપરાંત ‘રવઝતુલ જન્નાહ’ ભાગ 1 અને ‘હફત ઇકલીમ’નો સમાવેશ થાય છે. તેમણે રૉયલ એશિયાટિક સોસાયટી, બંગાળની હસ્તપ્રતોના કૅટલૉગનું સંપાદન પણ કર્યું હતું.

આ ઉપરાંત ભારત તથા વિદેશોનાં વિવિધ સામયિકોમાં ફારસી તથા અરબી વિષયના તેમના ઘણા શોધ-નિબંધો પ્રસિદ્ધ થયા છે. ફારસી-અરબીના શિક્ષણક્ષેત્રે તેમણે અનન્ય સેવા બજાવી છે. તેમની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ તે 1944માં કૉલકાતા ખાતે કરેલી ઈરાન સોસાયટીની સ્થાપના છે.

કૉલકાતા કૉર્પોરેશન તરફથી તેમના બહુમાનમાં ‘કયદ સ્ટ્રીટ’ને ‘ડૉ. એમ. ઇસ્હાક રોડ’એવું નામ આપવામાં આવ્યું. ‘ઇન્ડો-ઈરાનિકા’ તરફથી તેમના માનમાં ‘ઇસ્હાક નંબર’ નામે વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમણે સ્થાપેલી ઈરાન સોસાયટીના હૉલમાં તેમનું પૂરા કદનું તૈલરંગી ચિત્ર મૂકવામાં આવ્યું છે. ફારસી વિષયના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કૉલરશિપ આપવામાં આવે છે.

નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી