મોન્તેત, પિયેરે

February, 2002

મોન્તેત, પિયેરે (Montet, Pierre) (જ. 27 જૂન,1885, વીલ ફ્રાન્સ-સુર-સોન; અ. 19 જૂન 1966) : ફ્રેંચ પુરાતત્વવિદ. યુનિવર્સિટી ઑવ્ સ્ટ્રૅસબર્ગ ખાતે ઇજિપ્તવિદ્યાના પ્રાધ્યાપક તરીકે ઈ. સ. 1919–1948 સુધી અને ત્યારબાદ પૅરિસની ‘કૉલેજ દ ફ્રાન્સિસ’માં 1948–1956 સુધી કાર્યભાર સંભાળ્યો. આ સમયગાળામાં 1921–1924માં સૌપ્રથમ પદ્ધતિસરનું ઉત્ખનનકાર્ય બિબ્લોસ (અર્વાચીન જુબયાલ, લેબેનોન) ખાતે કર્યું. આ ઉત્ખનન દ્વારા સંભવત: વસાહતી સાતત્ય ધરાવતા વિશ્વના પ્રાચીન નગરના અવશેષો શોધાયા. એમ માનવામાં આવે છે કે આ ઉત્ખનન દ્વારા સૌથી પ્રાચીન મૂળાક્ષરીય લખાણો ઉપલબ્ધ થયાં. તેમણે આ સંશોધનકાર્ય 1928માં ‘બાયબ્લૉસ અત લિ ઇજિપ્ત’માં પ્રકાશિત કર્યું.

1929થી 1951 સુધી ટેનિસ ખાતે સતત ઉત્ખનન કાર્ય દ્વારા મહત્વની રાજવંશી કબરોના અવશેષો શોધ્યા. આ કબરોમાંથી મળેલ ધાતુકામમાં સિરિયાનો પ્રભાવ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. આ કબરોમાંથી ચાંદીની મડદાપેટીઓ અને સોનાનાં મહોરાં પ્રાપ્ત થયાં. આ ઉત્ખનન દ્વારા મોન્તેત ઇજિપ્ત અંગેના પુરાવિદ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યા. નાઇલ નદીના પાટનગર ટેનિસ ખાતે પ્રમુખ ઉત્ખનન દ્વારા પ્રાપ્ત પુરાતત્વીય અવશેષોને આધારે પ્રાચીન ઇજિપ્તના 21મા અને 22મા રાજવંશો (આશરે ઈ. સ. પૂ. 1567–525)નો એક હજાર વર્ષનો ઇતિહાસ પ્રાપ્ત થયો. આ કબરોમાંથી અન્ત્યેષ્ટિક્રિયાનો સમૃદ્ધ ખજાનો પ્રાપ્ત થયો છે. આ સંશોધન તેમણે ફ્રેન્ચ ભાષામાં ‘લાનેક્રોપોલ રૉયાલ દ તાની’ નામે પ્રકાશિત કરેલ છે. અંગ્રેજી ભાષામાં પ્રાચીન ઇજિપ્તના રોજિંદા જીવન વિશે ‘એવરીડે લાઇફ ઇન ધ ડેઝ ઑવ્ રૅમિસીસ ધ ગ્રેટ’ (1958) અને ‘ઇટર્નલ ઇજિપ્ત’ મોન્તેતના પ્રસિદ્ધ ગ્રંથો છે.

કિરીટ ભાવસાર