મોદી, નરેન્દ્ર (જ. 17 સપ્ટેમ્બર 1950, વડનગર, જિ. મહેસાણા) : ભારતના 14મા વડાપ્રધાન. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી. 26મી મે 2014ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. 2019મા બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે.

1965માં પંદર વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 1972માં તેના પૂર્ણ સમયના પ્રચારક બન્યા. પક્ષના સંગઠનમાં વિવિધ કક્ષાએ તેમણે આકરી તાલીમ મેળવી અને પક્ષના નિષ્ઠાવાન કાર્યકરથી સફળ નેતા બન્યા.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડનગરની બી. એન. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને તેઓ રાજ્યશાસ્ત્ર વિષયમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. 1983માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.

પક્ષના તમામ સ્તરના કાર્યકરો સાથેના જીવંત સંપર્કોને કારણે 1977ની કટોકટી દરમિયાન ભારતીય જનતા પક્ષના કાર્યકરોનું શક્તિશાળી જૂથ તૈયાર કર્યું. અને કેન્દ્ર સરકારને હંફાવવામાં મદદકર્તા બન્યા. ભૂગર્ભવાસ વેઠી એ સમયે રચાયેલી લોકસંઘર્ષ સમિતિમાં તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી. કટોકટી પછી 1977ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસનો ધબડકો થયો હતો. ત્યારબાદ વિવિધ સ્તરે ગુજરાતને પ્રથમ હરોળમાં રાખી ગુજરાતના ભા.જ.પ.ના મુખ્ય ઘડવૈયા પુરવાર થયા. 1986માં લાલકૃષ્ણ અડવાણી ભાજપના પ્રમુખ બન્યા એ ગાળામાં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સચિવ તરીકે જવાબદારી મળી. 1989માં ગુજરાત જનતા દળ સાથેની સમજૂતી દ્વારા લોકસભાની તમામ 12 બેઠકો પર ભાજપ વિજેતા બન્યો. 1990માં તેમને ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરાયા. એ ગાળામાં જ લાલકૃષ્ણ અડવાણીની વિખ્યાત રામરથ યાત્રામાં તેઓ સહભાગી બન્યા અને મુરલી મનોહર જોશીની એકતા યાત્રામાં પણ તેમણે મહત્વના આયોજનો પાર પાડ્યા.

1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 181માંથી 121 બેઠકો સાથે બે-તૃતીયાંશ બહુમતી મળી એમાં તેમની ચૂંટણી વ્યૂહરચનાની ખૂબ જ મહત્વની ભૂમિકા હતી. 1995ની મધ્યમાં યોજાયેલી તાલુકા તથા જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને 85 % જેટલી બેઠકો પ્રચંડ બેઠકો અપાવવામાં પણ તેમનો અગત્યનો ફાળો હતો. ગુજરાતમાં ભા.જ.પ.ના સમર્પિત નેતા તરીકેની તેમની છાપ સુર્દઢ બની અને આપબળે તેઓ પક્ષના નેતાઓમાં આદરપાત્ર બન્યા. ગુજરાતમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હોવાથી એ જ વર્ષે પાર્ટીએ તેમને રાષ્ટ્રીય મહામંત્રીની ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી. એટલું જ નહીં, હરિયાણા, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોના પ્રભારીપદે રહીને તેમણે ગુજરાતની જેમ આ રાજ્યોમાં પણ ચૂંટણીઓનું સુચારુરૂપે સંચાલન કરી પક્ષને વિજયના પંથે આગળ વધાર્યો. વિવિધ ચૂંટણીઓમાં પક્ષની આવી ઉત્તરોત્તર સફળતાને કારણે તેઓ ‘ચૂંટણી વ્યૂહરચનાકાર’ (electioneering) અને સફળ સંગઠનકાર તરીકે યશ પામ્યા.

1996માં ગુજરાત ભાજપમાં બળવો થયો. શંકરસિંહ વાઘેલાએ અસંતુષ્ટ ધારાસભ્યોના સમર્થનથી નવો પક્ષ બનાવ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 1998માં આવી પડેલી ચૂંટણી ભાજપ માટે ખૂબ કપરી હતી. ભાજપ-કોંગ્રેસ અને શંકરસિંહ વાઘેલાના રાષ્ટ્રીય જનતા પક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. એ ચૂંટણીમાં પણ ભાજપને 115 બેઠકો અપાવવામાં નરેન્દ્ર મોદીની વ્યૂહરચનાનો મોટો ફાળો હતો.

2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો. એ ભૂકંપમાં કચ્છમાં તારાજી સર્જાઈ. રાજ્યમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હતી એટલે એ વખતે પક્ષના જ કાર્યકરો અને નેતાઓમાંથી સત્તા પરિવર્તનની માગણી ઉઠી. આખરે હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા. 7મી ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા. એ સાથે જ તેમના પર દોઢ વર્ષ પછી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવાની જવાબદારી પણ આવી.

2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના કારણે રાજ્યની મોદી સરકારની ટીકા થઈ હતી અને એ મુદ્દે તપાસ પણ ચાલી હતી. દરમિયાન ડિસેમ્બર, 2002માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પક્ષને ઐતિહાસિક 127 બેઠકો પર વિજય મળ્યો હતો. તે સાથે જ મોદીએ બીજી વખત મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા. તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કેટલીય મહત્વની યોજનાઓ ગુજરાતને મળી હતી. તો કેટલીય અગાઉની યોજનાના કામમાં ગતિ આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત, જ્યોતિગ્રામ, બેટી બચાવો, કન્યા કેળવણી, ચેક ડેમ અને ગામડાંના રસ્તાઓનું બાંધકામ વગેરે યોજનાઓ ખૂબ સફળ થઈ હતી.

2007ની વિધાનસભાની ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં લડાઈ અને ભાજપને 117 બેઠકો પર વિજય મળ્યો હતો. તેમના વિકાસના નારાને ગુજરાતની જનતાએ વધાવી લીધો હતો. 2012માં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં પણ 115 બેઠકો સાથે મોદીના નેતૃત્વમાં ભાજપને વિજય મળ્યો હતો. સૌથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ પણ નરેન્દ્ર મોદીના નામે નોંધાયો.

2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે સપ્ટેમ્બર-2013માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા. મોદીના નેતૃત્વમાં લડાયેલી એ ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 282 બેઠકો મળી હતી. મોદીએ પ્લાનિંગ કમિશનને બદલે નીતિ આયોગની રચના કરી હતી. એ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, ઉજ્જવલા યોજના, જીએસટી, નોટબંધી જેવા પગલાં નોંધપાત્ર બન્યા છે. 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 303 બેઠકો મળી છે. તે સિવાય નરેન્દ્ર મોદીના નેતૃત્વને ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર જેવા રાજ્યોમાં પણ સ્વીકારવામાં આવ્યું હતું અને એ રાજ્યોમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લાં સાત વર્ષમાં નોંધપાત્ર સફળતા મળી છે. કાશ્મીરમાંથી 370ની કલમ રદ્ કરવાનો નિર્ણય ઐતિહાસિક ગણાયો. તે ઉપરાંત ત્રિપલ તલાક સામે તેમણે કાયદો બનાવ્યો. સર્વે શિક્ષા અભિયાન, આયુષ્યમાન ભારત, સ્વચ્છ ભારત જેવી મહાત્વાકાંક્ષી યોજનાઓ તેમણે શરૂ કરી છે. દેશને ટેકનોલોજીના યુગમાં લઈ જવાનો યશ તેમને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની અસંખ્ય યોજનાઓ ઓનલાઈન કરીને તેમણે નવો ચીલો પાડ્યો છે. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પમી ઓગસ્ટ, 2020ના રોજ અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો. રામજન્મભૂમિ અને હનુમાનગઢીની મુલાકાત લેનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. પક્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત રહેવા સાથે તેમણે ‘સંઘર્ષમાં ગુજરાત’, ‘સેતુબંધ’ અને ‘પત્રરૂપ ગુરુજી’ જેવા પુસ્તકો લખ્યા છે.

નરેન્દ્ર મોદીને જગ વિખ્યાત સામયિક ટાઈમે દુનિયાના સૌથી પ્રભાવી નેતાઓમાંના એક ગણાવ્યા છે. અમેરિકાએ પર્યાવરણના ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ તેમને 2018માં એનાયત કર્યો છે. નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં દુનિયાના સૌથી લોકપ્રિયતા નેતા ગણાય છે.

રક્ષા મ. વ્યાસ

હર્ષ મેસવાણિયા