મૉર્લે-મિન્ટો સુધારા

February, 2002

મૉર્લે-મિન્ટો સુધારા (1909) : અંગ્રેજ સરકારે હિંદમાં ઈ. સ. 1909માં જાહેર કરેલા બંધારણીય સુધારા. એ સમયે હિંદના સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા તરીકે લૉર્ડ મૉર્લે અને ગવર્નર જનરલ તરીકે લૉર્ડ મિન્ટો હતા. 1905માં બંગાળના ભાગલાને કારણે અંગ્રેજો સામે હિંદમાં પ્રચંડ રોષ અને ઉગ્ર વિરોધની લાગણી હતી. લોકોના આ ઉશ્કેરાટને શાંત પાડવા અને કૉંગ્રેસના વિનીત જૂથને સંતોષવા આ સુધારા જાહેર કરવામાં આવ્યા હતા.

આ સુધારાઓથી મધ્યસ્થ ધારાસમિતિ(Imperial Legislative Council)ની સભ્યસંખ્યા 16થી વધારીને 60ની કરવામાં આવી. એમાં 37 સરકારી અને 23 બિનસરકારી સભ્યો રહેવાના હતા. મુંબઈ, ચેન્નાઈ, બંગાળ વગેરે પ્રાંતોમાં ધારાસમિતિની સભ્યસંખ્યા 20થી વધારીને 50 કરવામાં આવી. આ સમિતિના સભ્યોને ઠરાવો લાવવાની, પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછવાની તથા અંદાજપત્ર ઉપર સુધારા રજૂ કરવાની મર્યાદિત સત્તા મળી હતી.

સમિતિના સભ્યોની ચૂંટણી માટે ત્રણ પ્રકારનાં મતદારમંડળો રચાયાં હતાં : (1) સામાન્ય મતદારમંડળો, જેમાં નગરપાલિકાઓ, જિલ્લા બૉર્ડો વગેરેનો સમાવેશ થતો હતો. (2) વર્ગીય મતદારમંડળો, જેમાં જમીનદારો અને મુસ્લિમ મતદારમંડળોનો સમાવેશ થતો હતો. (3) ખાસ મતદારમંડળો, જેમાં વિદ્યાપીઠો, વ્યાપારી મંડળો, કૉર્પોરેશનો વગેરેનો સમાવેશ થતો હતો.

આ સુધારા અનુસાર હિંદી વજીરની સમિતિ(India Council)માં બે હિંદી સભ્યો તથા ગવર્નર જનરલની સમિતિમાં એક હિંદી સભ્ય નીમવાનું નક્કી થયું.

આમ, આ સુધારાથી હિંદની ધારાસભાઓનો વિસ્તાર કરવામાં આવ્યો અને તેમના સભ્યોને મર્યાદિત સત્તા આપવામાં આવી. આ સુધારો કૉંગ્રેસના વિનીત જૂથને સંતોષ આપી શક્યો; પરંતુ જહાલ જૂથનો વિરોધ ચાલુ રહ્યો. આ સુધારાથી પહેલી જ વાર મુસ્લિમ મતદારમંડળો રચાયાં અને મુસ્લિમોને અલગ કોમી મતાધિકાર મળ્યો. તેથી કોમવાદને પોષણ મળ્યું. ભવિષ્યમાં આ કોમવાદે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું અને તેને લીધે હિંદને ઘણું નુકસાન કર્યું.

મુગટલાલ પોપટલાલ બાવીસી