મૉન્તેન, માઇકલ આયકેમ દ

February, 2002

મૉન્તેન, માઇકલ આયકેમ દ (જ. 28 ફેબ્રુઆરી 1533, શૅતો દ મૉન્તેન, બૉર્દો નજીક, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર, 1592, શૅતો દ મૉન્તેન) : ફ્રૅન્ચ લેખક, તત્ત્વચિંતક અને નિબંધના જનક. ‘એસેઝ’(Essays) (1572–1580)ના રચયિતા. શિક્ષણ કૉલેજ દ ગાયેનમાં, યુનિવર્સિટી ઑફ તૂલૂઝમાં એમણે પ્રશિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. બૉર્દોના મેયરપદે રહી ચૂકેલા – સૈનિક, વકીલ અને જમીનદાર પિયર ઇક્વેમ તેમના પિતા હતા. માતા આંત્વાવાનેત દ લોપેઝ સ્પૅનિશ મૂળનાં યહૂદી હતાં. આઠ સંતાનોમાં મૉન્તેન સૌથી મોટા હતા. તેમના જર્મન ટ્યૂટરને ફ્રેન્ચ આવડતું ન હતું. તેમની પાસે તે લૅટિન શીખ્યા. ‘ઑન એજ્યુકેશન’ નાયક નિબંધમાં એમણે એ અનુભવોનું વર્ણન કર્યું છે. માત્ર છ વર્ષની ઉંમરે તેમને ઉપર્યુક્ત કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં જ્યૉર્જ બ્યુકૅનનન અને એમ.એ. દ મુરેત તેમના શિક્ષકો હતા. એતીન દ લા બોતી જેવા સમર્થ વકીલ તેમના મિત્ર હતા. 38 વર્ષની ઉંમરે તેમને વારસામાં સ્થાવર-જંગમ મિલકત અને ‘શૅતો દ મૉન્તેન’નો ઇલકાબ મળ્યાં. જિંદગીનો મોટો ભાગ તેમણે પોતાની જાગીરમાં ગાળ્યો. તેમણે જર્મની, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડના  પ્રવાસો કર્યા. ત્યાંથી પરત આવી બૉર્દોના મેયર તરીકે બે વાર (1581, 1584) રહ્યા.

સાહિત્યક્ષેત્રે સૌપ્રથમ તેમણે સ્પૅનિશ ધર્મશાસ્ત્રી રેમન્ડ ઑવ્ સેબાના લૅટિન ગ્રંથ ‘થિયૉલોજિયા નેચરાલિસ’નો ફ્રૅન્ચમાં અનુવાદ કર્યો. તેમાં ઈશ્વર પ્રત્યે મનુષ્યની ફરજોનું બયાન કરવામાં આવ્યું છે. મૂળ પુસ્તકના કેટલાક ભાગના લખાણ પર રોમન કૅથલિક ચર્ચે પ્રતિબંધ જાહેર કરેલો; જોકે મોન્તેનના અનુવાદ પર આવો કોઈ પ્રતિબંધ ન હતો. જર્મની અને ઇટાલીમાં કરેલા પ્રવાસનું વર્ણન તેમણે ‘જર્નલ દ વૉયેજ’માં કર્યું છે. લા બોતીનાં લખાણોની સંશોધિત આવૃત્તિ પ્રસિદ્ધ કરવા પાછળ તેમણે ખૂબ મહેનત ઉઠાવી હતી. ‘એસેઝ’ ભાગ 1 અને 2નું (લેખનનું) કાર્ય તેમણે લગભગ નવ વર્ષ કર્યું. તેમાં કુલ 94 પ્રકરણો છે. શરૂઆતના નિબંધો ટૂંકા અને એકંદરે વ્યક્તિનિરપેક્ષ છે. તેમાં વ્યક્ત થયેલા મહત્વાકાંક્ષા, વેદના અને મૃત્યુને લગતા વિચારો રસપ્રદ છે. ‘અનુભવ વિશે’, ‘દારૂના વ્યસન વિશે’ તેમજ ‘ઘોડેસવારીનાં જોખમ અને બહાદુરી’ પર તેમણે કરેલી તર્કબદ્ધ દલીલો વિચારપ્રેરક છે. ‘એપૉલૉજી ફૉર રેમંડ સેબા’ સૌથી લાંબો નિબંધ છે. તેમાં માનવમનની મર્યાદા, ઈશ્વર વિશે માણસનું અજ્ઞાન અને તેમાં રહેલી અપૂર્ણતાના વિચારો વ્યક્ત થયા છે. મૉન્તેનને મન નિબંધ એટલે એક પ્રયત્ન, અગમ્ય સ્થળ, વસ્તુ કે વિચારને સમજવા માટેનું એક સાહિત્ય-સાધન છે; કહો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચારના ગુણદોષને પારખવા માટે લખેલો ગદ્યનો નમૂનો કે અંશ છે. 1578–80 દરમિયાન લખાયેલા નિબંધો આશાવાદવાળા છે. માનવમર્યાદાને બદલે હવે લેખકનું ધ્યાન માનવસંસાધન તરફ જાય છે. અત્યાર સુધી નકારાત્મક વલણ દાખવતા લેખક ‘ઑવ્ ધી એજ્યુકેશન ઑવ્ ચિલ્ડ્રન’માં સારી તાલીમ કેવું અદભુત પરિણામ મેળવી શકે છે તે બતાવે છે. ‘એસેઝ’ ભાગ 3જાના શરૂઆતના નિબંધોમાં લેખક એકતા વિશે પોતાની નવી સમજ રજૂ કરે છે. તેમના જણાવ્યા મુજબ મનુષ્યે પોતાના અંતરાત્માના અવાજને સાંભળવો પડશે અને તેમ થતાં પોતાના જ સ્વભાવના શાસનને તે જાણી શકશે. હવે લેખકનું પોતાનું ચિત્ર માનવસ્વભાવનું ચિત્રણ બને છે. હવે તેઓ પોતાની જાતનો અભ્યાસ કરે છે. સો વાતની એક વાત કહેતાં તેઓ લખે છે કે સૌથી મોટું ડહાપણ એટલે અન્ય પ્રત્યે આપણી ફરજ અદા કરવી. નિબંધોનાં છેલ્લાં પાનાંઓ જીવનનો અપૂર્વ મહિમા ગાતાં સ્તોત્રો છે. 1588 પછી નવા નિબંધો ન લખતાં એક હજાર જેટલા નવા ફકરાઓ જે તે નિબંધમાં તેઓ ઉમેરે છે ! 1603માં તેમના નિબંધોનો અનુવાદ અંગ્રેજીમાં થયો. ત્યારપછી ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં ફ્રાન્સિસ બેકન કે રાલ્ફ વાલ્ડો એમર્સન જેવા સમર્થ સાહિત્યકારોએ મૉન્તેનના નિબંધોને મન ભરીને માણ્યા છે. તેઓ નિબંધના ઉત્તમ સર્જક તો છે જ, પણ સાથે સાથે સત્ય અને જીવનની કલાના સમર્થ મર્મજ્ઞ છે. ડૉનાલ્ડ એમ. ફ્રેમે તેમનું જીવનચરિત્ર ‘મૉન્તેન’ (1965) પ્રસિદ્ધ કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી