મેસ્લો, અબ્રાહમ હૅરોલ્ડ (જ. 1 એપ્રિલ 1908, બ્રુકલિન; અ. 8 જૂન 1970, કૅલિફૉર્નિયા) : અમેરિકન મનોવૈજ્ઞાનિક તથા માનવવાદી મનોવિજ્ઞાન(humanistic psychology)ના પ્રણેતા. તેઓ મનોવિજ્ઞાનના ક્ષેત્રે તેમના ‘પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત’ તથા ‘સ્વ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓની લાક્ષણિકતાઓ’ના વર્ણન માટે ખ્યાતિ પામેલા છે. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ – એ બે પ્રવાહો પ્રચલિત હતા ત્યારે માનવવાદી અભિગમનો ત્રીજો પ્રવાહ શરૂ કરનાર તેઓ ખ્યાતનામ મનોવૈજ્ઞાનિક છે. માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તરફ મનોવૈજ્ઞાનિકો અને સમાજવિજ્ઞાનીઓનું ધ્યાન દોરવામાં તેઓ અગ્રેસર હતા. ઈ. સ. 1950માં મેસ્લો વિચારજાગૃતિના ઉદબોધક તરીકે જાણીતા થયા હતા.

1930માં અબ્રાહમે યુનિવર્સિટી ઑવ્ વિસ્કૉન્સિનમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવીઓ મેળવી અને 1934માં ‘અ સ્ટડી ઑવ્ ધ સોશ્યલ કૅરેક્ટરિસ્ટિક્સ ઑવ્ મન્કિઝ’ એ વિષય ઉપર પીએચ.ડી.ની પદવી મેળવી. 1935માં કોલંબિયા યુનિવર્સિટીમાં ફેલોશિપ મેળવ્યા બાદ બ્રુકલિન કૉલેજમાં સહાયક અધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી, જ્યાં તેમણે લગભગ પંદર વર્ષ એટલે કે 1951 સુધી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ બ્રાન્ડિસ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થઈ. ત્યાં તેમણે 1951થી 1969 સુધી અધ્યાપનકાર્ય કર્યું. મેસ્લો 1967–68ના વર્ષમાં એ.પી.એ.(American Psychological Association)ના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. છેલ્લે કૅલિફૉર્નિયામાં આવેલા ડબ્લ્યૂ. પી. લૉફ્લિન ચૅરિટેબલ ફાઉન્ડેશન(W. P. Laughlin Charitable Foundation)માં તેઓ રેસિડન્ટ ફેલો તરીકે નિમાયા હતા.

1928માં બર્થા ગુડમૅન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમને બર્થાથી ઍન અને એલન (Ann, Ellen)  નામની બે પુત્રીઓ પ્રાપ્ત થઈ.

પ્રેરણાઓનો શ્રેણીક્રમ(hierarchy of motives) : અગાઉના મનોવૈજ્ઞાનિકો પ્રેરણાની બાબતે શારીરિક ઇચ્છાઓ પર ભાર મૂકતા હતા. મેસ્લો પ્રેરણાના વિષયમાં આવી અધૂરી અને બિનપદ્ધતિસરની રીતોથી અસંતુષ્ટ હતા. ઈ. સ. 1943માં તેમણે ‘હૉલિસ્ટિક ડાયનૅમિક’ નામનો પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો, જે પોતાના પુસ્તક ‘મોટિવેશન ઍન્ડ પર્સનાલિટી’માં વિસ્તૃત રીતે રજૂ કર્યો છે.

મેસ્લોએ નીચે મુજબની જરૂરિયાતોને ચડતા ક્રમની શ્રેણીમાં દર્શાવી છે :

(7) આત્માભિવ્યક્તિની જરૂરિયાત

(6) સૌંદર્યલક્ષી જરૂરિયાતો,

(5) જ્ઞાન અને સમજણની જરૂરિયાત,

(4) આત્મગૌરવ-સ્વમાનની જરૂરિયાત,

(3) પ્રેમ, સ્નેહ અને મમતાની જરૂરિયાત,

(2) સલામતીલક્ષી જરૂરિયાતો,

(1) શરીરલક્ષી જરૂરિયાતો,

મેસ્લો માને છે કે જ્યાં સુધી પાયાની જરૂરિયાતો ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતોના સંતોષ માટે સક્રિય થતી નથી. પહેલાં ભૂખ, તરસ, નિદ્રા, જાતીયતા જેવી શરીરલક્ષી જરૂરિયાતો સંતોષાય ત્યારપછી સલામતી અને રક્ષણની જરૂરિયાતો માટે માનવી સક્રિય બને છે. આ બન્ને નિમ્નકક્ષાની જરૂરિયાતોના સંતોષ પછી જ પ્રેમ, સ્નેહ, આત્મગૌરવ, જ્ઞાન અને સમજણ જેવી બોધાત્મક જરૂરિયાતો અને સૌંદર્યલક્ષી ઉચ્ચકક્ષાની જરૂરિયાતોના સંતોષ માટે માનવી જાગ્રત થઈને સક્રિય બને છે. જરૂરિયાતોની શ્રેણીની ટોચ પર આત્માભિવ્યક્તિની જરૂરિયાતનો સમાવેશ થયો છે. એટલે કે અગાઉની બધી જરૂરિયાતોના સંતોષ પછી જ માનવી સૌથી ઉચ્ચકક્ષાની એવી આત્માભિવ્યક્તિની જરૂરિયાતના સંતોષ માટે સક્રિય બને છે.

આત્માભિવ્યક્તિ (self-expression) શબ્દ સૌપ્રથમ કર્ટ ગોલ્ડસ્ટાઇને પોતાના પુસ્તક ‘ધી ઑર્ગેનિઝમ(The Organism)’માં આપેલો છે; પરંતુ મેસ્લોએ આ શબ્દનો વિશિષ્ટ અર્થમાં ઉપયોગ કર્યો છે. મેસ્લોના મતે ‘આત્માભિવ્યક્તિ’ એટલે ‘પોતાની પરિપૂર્ણતા માટેની ઇચ્છા,’ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિને ઉત્તમ રીતે અભિવ્યક્ત કરવી. મેસ્લો જણાવે છે કે આગળના ક્રમની બધી જરૂરિયાતોના સંતોષ પછી જ માનવીને પોતાની સુષુપ્ત શક્તિઓનો સાક્ષાત્કાર કરવાનો વિચાર આવે છે.

આમ, મેસ્લોના મતે જરૂરિયાતોને સંતોષવામાં તેનો ક્રમ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. જ્યાં સુધી પાયાની જરૂરિયાતો ન સંતોષાય ત્યાં સુધી તે પછીની જરૂરિયાતો જાગ્રત થતી નથી. નિમ્ન કક્ષાની જરૂરિયાતોના સંતોષ પછી જ વ્યક્તિને બોધાત્મક અને સૌંદર્યલક્ષી જેવી ઉચ્ચકક્ષાની જરૂરિયાતો વિશે વિચારવાનો સમય મળે છે અને સૌથી છેલ્લે તે આત્માભિવ્યક્તિ માટે પ્રયત્નશીલ થાય છે. એટલે જે સમાજના લોકોને ખોરાક, સલામતી, રક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે જ હંમેશાં ઝૂઝવું પડે છે તે સમાજના લોકો વૈજ્ઞાનિક અને કલાત્મક વિકાસ માટે પ્રયત્નશીલ થઈ શકે જ નહિ.

આત્મઆવિષ્કાર (self-actualization) : આત્મ-આવિષ્કાર અંગેના પોતાના મતના સમર્થન માટે મેસ્લોએ જુદાં જુદાં ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હોય તેવી વ્યક્તિઓનો અભ્યાસ રજૂ કર્યો છે. તેમણે વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ વગેરે ક્ષેત્રોની પ્રખ્યાત વિભૂતિઓના વ્યક્તિત્વના અભ્યાસનું તારણ ઈ. સ. 1950માં પોતાના એક લેખ ‘સેલ્ફ-ઍક્ચુઅલાઇઝિંગ પીપલ’માં રજૂ કર્યું છે. આ પ્રખ્યાત વિભૂતિઓમાં અબ્રાહમ લિંકન, એલિનોર રૂઝવેલ્ટ, ટૉમસ જેફરસન, બીથોવન, થૉરો, વૉલ્ટ વ્હિટમૅન વગેરેનો સમાવેશ થાય છે. તેમના અભ્યાસને આધારે આત્મ-આવિષ્કારયુક્ત વ્યક્તિનાં લક્ષણો મેસ્લોએ નીચે મુજબનાં જણાવ્યાં છે :

(1) આત્મ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓ વાસ્તવિક પ્રત્યક્ષીકરણ ધરાવે છે.

(2) તેઓ પોતાની જાતને તેમજ અન્ય વ્યક્તિઓને – દુનિયાને – જેવી છે તેવી સમજી અને સ્વીકારી શકે છે.

(3) તેમનામાં સાહજિકતા, સરળતા અને સ્વાભાવિકતા જોવા મળે છે.

(4) કોઈ સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે અંગત સ્વાર્થને જતો કરીને સમસ્યા ઉપર જ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

(5) તેઓ અનાસક્તિ અને અંગતપણાની લાગણી (a need for privacy) ધરાવે છે.

(6) આસપાસના વાતાવરણમાંથી, અન્ય વ્યક્તિઓના સાંનિધ્યમાંથી તેમજ પોતાના દરેક અનુભવમાંથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે.

(7) તેમના વર્તનમાં અન્ય લોકો પ્રત્યે કરુણા અને પ્રશંસાનું સાતત્ય જોવા મળે છે.

(8) આવી વ્યક્તિઓ ઘણી વખત સામાન્ય લોકોમાં જોવા ન મળે તેવા આધિભૌતિક-ચમત્કારિક અનુભવો ધરાવતી જોવા મળે છે.

(9) તેઓ માનવજાત સાથે તાદાત્મ્યની લાગણી ધરાવે છે.

(10) તેમના આંતરવૈયક્તિક સંબંધો ઘનિષ્ઠ અને આત્મીયતાવાળા હોય છે.

(11) તેઓ લોકશાહી મૂલ્યો ધરાવે છે. સામાજિક વિકાસ અને સમાજસુધારણાના ક્ષેત્રમાં તેઓ ઘણો ફાળો આપી શકે છે.

(12) તેઓ સાધન અને સાધ્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે.

(13) તેઓ મૌલિક વિનોદવૃત્તિ ધરાવે છે.

(14) તેઓ સર્જનાત્મકતા અને સંશોધનવૃત્તિ ધરાવે છે.

(15) તેઓ અડગ – અચળ હોય છે. ગમે તેવા વિરોધ સામે ટકી રહેવાની શક્તિ તેઓ ધરાવે છે.

મેસ્લો જણાવે છે કે આવી આત્માભિવ્યક્તિ સાધનાર વ્યક્તિઓ પણ અપૂર્ણતાઓથી મુક્ત હોતી નથી. તેમનામાં વ્યક્તિગત ક્ષતિઓ રહેલી હોય છે. ગુનાની લાગણી, ચિંતા કે સંઘર્ષથી તેઓ મુક્ત હોતી નથી. જીવનની અનિવાર્ય વિષમતાઓ તેમને પણ લાગુ પડે છે. પરંતુ તેઓ પોતાના વ્યક્તિત્વને અને શક્તિઓને સારી રીતે ઓળખીને તેમને વિકસાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે.

માનવવાદી મનોવિજ્ઞાન : મેસ્લોએ 1961માં પોતાના અભિગમને વર્ણવવા માટે ‘માનવવાદી’ એવું વિશેષણ પ્રયોજ્યું. માનવવાદી મનોવિજ્ઞાનને તેમણે મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદ પછીની ત્રીજી મહત્ત્વની શાખા ગણાવી છે. આ શાખા દ્વારા માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તેમજ માનવવાદી મૂલ્યોનો અભ્યાસ થાય છે. આ અંગેનાં તેમનાં વ્યાખ્યાનો 1962 અને 1968માં પ્રસિદ્ધ થયેલા તેમના પુસ્તક ‘ટોવર્ડ સાયકૉલૉજી ઑવ્ બીઇંગ’માં જોવા મળે છે. આ ઉપરાંત તેમણે ધર્મ અને મૂલ્ય વિશે પણ અભ્યાસ કર્યો છે. તેમના મતે ધાર્મિક અનુભવોનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે થઈ શકે છે.

આમ મેસ્લોએ આપેલ માનવવાદી મનોવિજ્ઞાન દ્વારા મનોવિજ્ઞાનને એક નવો અભિગમ પ્રાપ્ત થયો, જેમાં માનવી અને તેની શક્તિઓ વિશે વિધાયક ખ્યાલો રજૂ થયેલા છે.

રેણુકા મહેતા