મેરી કવિતા, મેરે ગીત

February, 2002

મેરી કવિતા, મેરે ગીત (1969) : ડોગરી કવયિત્રી પદ્મા સચદેવ(1940)નો કાવ્યસંગ્રહ. ડોગરી સાહિત્યનાં અગ્રણી કવયિત્રીનો આ પહેલો કાવ્યસંગ્રહ છે. આશરે 14 વર્ષ દરમિયાન લખાયેલાં કુલ 51 કાવ્યો તથા ગીતો તેમાં સ્થાન પામ્યાં છે. અનેક ઘટનાઓથી ભરેલા આ ગાળા દરમિયાન કવયિત્રીએ અનુભવેલા વિવિધ ભાવો અને વિચારો – તે સાથે સંલગ્ન મન:સ્થિતિઓ તેમાં આલેખાઈ છે. તેમાંથી કવયિત્રીનું નિખાલસ અને રસિક વ્યક્તિત્વ ઊપસી આવે છે; તેમાંથી નારીના હૃદયનાં પ્રેમ, ઝંખના વગેરેનું દર્શન થાય છે. આ કવયિત્રી જીવનની કઠોર વાસ્તવિકતા હસતે મુખે સ્વીકારીને પ્રસન્નચિત્ત રહે છે. તેમને ચિંતા હોય તો પોતાની ડોગરી જાતિના લોકોનાં કલ્યાણ, ઉત્કર્ષ અને સુરક્ષાની.

તેમના મુખ્ય કાવ્યવિષયો છે : શૈશવનાં સંસ્મરણો, જનેતાના ઘરમાં ગાળેલા દિવસોની સ્મૃતિઓ, અબાધિત નચિંતતા, યાચના વગરનો પ્રેમ, મુક્તિની ઝંખના, વિરહ અને એકાંતની પીડા, આનંદની સરી જતી ક્ષણોને જકડી રાખવાની ખેવના અને પ્રકૃતિના વિવિધ ભાવો. સંગ્રહનાં મોટાભાગનાં કાવ્યોમાં સ્ત્રીની પોતાની પ્રિયતમ પ્રત્યેની પ્રણયભાવનાના બહુવિધ વિવર્તો આલેખાયા છે, જોકે કેટલાંક કાવ્યોમાં વિચાર, ભાવ, ઉક્તિનું પુનરાવર્તન થતું જોવાય છે; પરંતુ લાગણીની તીવ્રતા તથા સચ્ચાઈનો રણકો આસ્વાદ્ય લાગે છે. સ્ત્રી-હૃદયની મન:સ્થિતિ અને લાગણીઓ કવયિત્રીએ સહજ કુશળતાથી વૃક્ષ અને વેલી, કળી અને પુષ્પ તથા નૌકા અને વર્ષાની ધારામાં સંક્રાંત કરી છે.

આ કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી