મેન્દેલિવિયમ (Mendelevium) : માનવસર્જિત અનુયુરેનિયમ (transuranium) તત્વોમાં 9મું અને આવર્તક કોષ્ટકમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું 12મા ક્રમનું રાસાયણિક તત્વ. સંજ્ઞા Md; પરમાણુક્રમાંક 101; ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn] 5f¹³ 7s². તે કુદરતમાં મળી આવતું નથી. 1955માં કૅલિફૉર્નિયા રેડિયેશન લૅબોરેટરી ખાતે અમેરિકન રસાયણવિદો આલ્બર્ટ ઘિયૉર્સો, બર્નાર્ડ જી. હાર્વે, ગ્રેગરી આર. ચૉપિન, સ્ટૅન્લી જી. ટૉમ્સન અને ગ્લેન ટી. સીબર્ગે તેનું સંશ્લેષણ કર્યું હતું. તેમણે આઇન્સ્ટિનિયમ-99ના તે સમયે પ્રાપ્ત અલ્પ જથ્થા પર 41 MeV ઊર્જાવાળા હિલિયમ-આયનોનો મારો ચલાવી આ તત્વ પ્રાપ્ત કર્યું હતું.

આ પ્રયોગો નોંધપાત્ર એટલા માટે હતા કે તેમાં લક્ષ્ય (target)  પદાર્થ ઘણા ઓછા જથ્થામાં (253Esના આશરે 109 પરમાણુઓ) લઈ, પ્રતાડન (bombardment) માટે નવી તકનીકનો ઉપયોગ કરી, નીપજનો અલ્પ જથ્થો (પ્રયોગદીઠ આશરે 1થી 3 પરમાણુઓની પરખ) મેળવવામાં આવેલો. તેમના પ્રયોગોનું 12 વખત પુનરાવર્તન કર્યા બાદ આ વૈજ્ઞાનિકો Mdના 17 પરમાણુઓ ઉત્પન્ન કરી શક્યા હતા. તેની પરખ આયન વિનિમય અધિશોષણ-ક્ષાલન (elution) પદ્ધતિ દ્વારા કરવામાં આવેલી. અન્વેષકો(investigators)એ આ નવા તત્વને આવર્તક કોષ્ટક વિકસાવનાર રશિયન વૈજ્ઞાનિક દમિત્રી મેન્દેલિયેવના માનમાં મેન્દેલિવિયમ નામ આપ્યું હતું. વજન કરી શકાય તેટલા જથ્થામાં આ તત્વ પ્રાપ્ય નથી.

Md તત્વ તેના વિરલ મૃદ્ (rare earth) સમધર્મી થૂલિયમની જેમ વર્તે છે. તેના 13 સમસ્થાનિકો જાણીતા છે, જે બધા વિકિરણધર્મી છે. 1967ના સપ્ટેમ્બરમાં આ તત્ત્વના લગભગ બે મહિના(58 દિવસ)નું અર્ધ આયુ ધરાવનાર સમસ્થાનિક 258Mdની શોધ થઈ હતી.

મેન્દેલિવિયમનું ગલનબિંદુ 827° સે. હોવાનું માનવામાં આવે છે. તત્વના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ અલ્પમાત્રિક સ્તર પૂરતો સીમિત છે. આયનવિનિમય ક્રોમેટૉગ્રાફીમાં આ તત્વની વર્તણૂક એમ દર્શાવે છે કે તે જલીય દ્રાવણમાં અન્ય ઍક્ટિનાઇડ તત્વોની માફક 3+ ઉપચયન અવસ્થા ધરાવે છે. તે 2+ અને 1+ અવસ્થા પણ ધરાવી શકે છે.

Md3+ + e = Md2+ પ્રક્રિયા માટે અપચયન વિભવ આશરે –0.2V છે, જ્યારે M3+/M = –1.7V છે.

જ. દા. તલાટી