મેજર, ક્લૅરન્સ (જ. 31 ડિસેમ્બર 1936, ઍટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના લેખક અને સંપાદક. અશ્વેત પ્રજાસમુદાયની ચેતના તથા તેમના આત્મસન્માનને લગતા કાવ્યલેખન માટે તેઓ સવિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. ‘સ્વૅલો ધ લેક’ (1970) તથા ‘સિમ્પટમ ઍન્ડ મૅડનેસ’(1971)ની રચનાઓમાં તેમણે લોકબોલી, લયબદ્ધતા અને વિવિધ મનોભાવોના રુચિકર સંયોજન વડે અશ્વેત મન:સ્થિતિ તથા અનુભૂતિ આલેખવાનો સબળ પ્રયાસ કર્યો છે. તેમના મતે સંસ્કાર-પરંપરાની જે કાલ્પનિક કથાઓ તથા અવાસ્તવિક ઘેલછાઓથી અમેરિકી સમાજ અને માનસ ઘેરાઈ ગયું છે તેનાથી મુક્ત બનેલા વિશ્વનું કલ્પનાચિત્ર તેમણે ‘ઑલ-નાઇટ વિઝિટર્સ’ (1969) તથા ‘નૉ’ (1973) નામની બે નવલોમાં આલેખ્યું છે. તેમની અન્ય કૃતિઓમાં ‘ડિક્સનરી ઑવ્ આફ્રો-અમેરિકન સ્લૅંગ’ (1970) તથા વિવેચનગ્રંથ ‘ધ ડાર્ક ઍન્ડ ફીલિંગ’ (1974) મુખ્ય છે.

મહેશ ચોકસી