મેજર, જૉન (જ. 29 માર્ચ 1943, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના રાજકારણી અને 1990થી 1997 સુધીના ગાળાના વડાપ્રધાન. તેમણે પ્રારંભ કર્યો બૅંકિંગ ક્ષેત્રથી. પછી તેઓ 1979માં હન્ટિંગડનશાયરમાંથી રૂઢિચુસ્ત પક્ષ તરફથી પાર્લમેન્ટના સભ્ય બન્યા. 1981માં તેઓ માર્ગારેટ થૅચરની સરકારમાં જુનિયર પ્રધાન તરીકે જોડાયા. 1987માં તેઓ ટ્રેઝરી ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. ત્યારપછી તેમની સંનિષ્ઠ કામગીરીના પરિણામે તેઓ વડાપ્રધાનના ધ્યાનમાં વસી ગયા અને તેમની પ્રગતિ વેગીલી બની રહી. 1989માં સર જૉફ્રી હૉવના વિદેશ મંત્રી તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા. એ જ વર્ષે, લૉસને નાટ્યાત્મક ઢબે રાજીનામું આપતાં, ચાન્સેલર તરીકે ‘ટ્રેઝરી’માં તેમનું પુનરાગમન થયું. 1990માં રૂઢિચુસ્ત પક્ષની નેતાગીરીની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં તેઓ થૅચરને વફાદાર રહ્યા.

જૉન મેજર

પછી થૅચરે પક્ષની નેતાગીરીની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને એવો ગર્ભિત ઇશારો કર્યો કે જૉન મેજર તેમની પસંદગીના ઉમેદવાર છે. આથી માઇકલ હૅજલટીન તથા ડગ્લાસ હર્ડ સામે તેઓ જીતી ગયા અને પરિણામે તેઓ વડાપ્રધાન બન્યા. 1997ની સાર્વત્રિક ચૂંટણીમાં તેમના પક્ષની હાર થવાથી તેમણે રૂઢિચુસ્ત પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું.

મહેશ ચોકસી