મૂત્રપૂયરોધકો (urinary antiseptics) : મૂત્રમાર્ગમાં જીવાણુઓની સંખ્યાવૃદ્ધિ રોકતાં ઔષધો. તેમનો ઉપયોગ શરીરના અન્ય ભાગના ચેપની સારવારમાં થતો નથી, કેમ કે લોહીમાં કે અન્ય પેશીઓેમાં તેમની પૂરતા પ્રમાણમાં સાંદ્રતા (concentration) થતી નથી; પરંતુ મૂત્રકનલિકાઓ(renal tubules)માં તેમની પૂરતી સાંદ્રતા થતી હોવાથી મૂત્રમાર્ગના ચેપમાં તેમનો ઉપયોગ કરાય છે. આમ તેમનો મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના ચેપ પૂરતો જ ઉપયોગ કરાય છે. હાલ વપરાશમાં મિથેનેમાઇન અને નાઇટ્રોફ્યુરેન્ટૉઇન મુખ્ય ઔષધો છે. મૂત્રમાર્ગના ચેપમાં વપરાતાં પેનિસિલિન્સ, ક્વિનોલોન, સલ્ફોનેમાઇડ, ટેટ્રાસાઇક્લિન્સ, સિફેલોસ્પોરિન, કો-ટ્રાઇમેક્ઝેઝોલ જેવાં અન્ય ઔષધો મૂત્રપૂયરોધકના જૂથમાં સમાવવામાં આવતાં નથી; કેમ કે, તેમનું લોહી અને અન્ય પેશીઓમાં પણ વધુ સાંદ્રતાવાળું પ્રમાણ હોવાથી તેઓ માત્ર મૂત્રમાર્ગની સ્થાનસીમિત સારવાર માટે નહિ, પણ શરીરમાં અન્યત્ર થયેલા ચેપની વ્યાપક અથવા બહુતંત્રીય સારવારમાં પણ વપરાય છે.

મિથેનેમાઇન : તેનું રાસાયણિક બંધારણ નીચે મુજબ છે :

તેને હેક્ઝામિથાઇલિનટેટ્રામાઇન (હેક્ઝામિથાઇલિનેમાઇન) પણ કહે છે. તે પાણીમાં વિસંયોજન (decomposition) પામીને ફૉર્માલ્ડિહાઇડ બનાવે છે. તેનું રાસાયણિક સૂત્ર આ મુજબનું છે :

 N4(CH2)6 + 6H2O + 4H+ → 4NH4+ + 6HCHO.

અમ્લીય (acidic) pH હોય ત્યારે જ ફૉર્માલ્ડિહાઇડ બને છે. તેથી 7.4 pHના સ્તરે 0 %, 6 pHના સ્તરે 6 % અને 5 pH સ્તરે 20 % જેટલું ફૉર્માલ્ડિહાઇડનું ઉત્પાદન થાય છે. તેને કારણે પેશાબને અમ્લીય બનાવવામાં આવે ત્યારે ધીમે ધીમે પ્રતિજીવાણુ-સક્રિયતા (antibacterial activity) ઉદભવતી જોવા મળે છે. તે લગભગ દરેક પ્રકારના જીવાણુનો નાશ કરી શકે છે; પરંતુ યુરિયા-દ્વિભાજન કરતા પ્રોટિયસ જૂથના જીવાણુઓ પેશાબનું pH સ્તર ઊંચું કરીને ફૉર્માલ્ડિહાઇડનું ઉત્પાદન ઘટાડે છે. તેથી તેવા જીવાણુઓ પર તેની અસર થતી નથી. ફૉર્માલ્ડિહાઇડની અસરકારકતા સામે ઔષધીય સહ્યતા (tolerance) કે અવરોધ (resistance) કદી ઉદભવતાં નથી. દવા મુખમાર્ગે આપવાથી આશરે 10 % થી 30 % દવા જઠરના અમ્લીય વાતાવરણમાં વિસંયોજિત થાય છે. માટે આંત્રાવરણીય (enteric coated) દવા અપાય છે, જે ફક્ત આંતરડામાં જ દવાને અવશોષણાર્થે મુક્ત કરે છે. તેની સાથે પેશાબને અમ્લીય કરવાના ઔષધ રૂપે સાથે મેન્ડેલિક ઍસિડ અથવા હિપ્યુરિક ઍસિડ અપાય છે. જ્યારે જરૂર પડે ત્યારે વિટામિન-સી પણ સાથે અપાય છે. મિથેનેમાઇનના ચયાપચયમાં એમોનિયા બનતો હોવાથી તેને યકૃત(liver)ની નિષ્ફળતા કે રોગોવાળા દર્દીઓને ન આપવા સૂચવાય છે. વધુ માત્રામાં દવા અપાય તો જઠર-આંતરડામાં દુખાવો થાય છે; ક્યારેક પેશાબમાં બળતરા થાય છે; પેશાબમાં લોહી કે આલ્બ્યુમિનનું તત્વ વહે છે તથા ચામડી પર સ્ફોટ (rash) નીકળી આવે છે. મિથેનેમાઇન ઝેરી ઔષધ નથી માટે મૂત્રપિંડની નિષ્ફળતામાં પણ તેને વાપરી શકાય છે, પરંતુ તેની સાથે મેન્ડેલિક ઍસિડ આપવામાં આવે (મિથેનેમાઇન મેન્ડેલેટ) તો તેને મૂત્રપિંડની નિષ્ફળતામાં આપી શકાતું નથી. મેન્ડેલેટ ભાગ ક્યારેક પેશાબમાં સ્ફટિકો વહેવડાવે છે. તેને સ્ફટિકમૂત્રમેહ (crystalluria) કહે છે. મિથેનેમાઇન અને સલ્ફા-ઔષધો એકબીજા સાથે સંયોજાય છે અને એકબીજાની અસર ઘટાડે છે, માટે તેમને સાથે અપાતાં નથી. હાલ વપરાશ માટે મિથેનેમાઇન મેન્ડેલેટની મુખમાર્ગી ગોળીઓ ઉપલબ્ધ છે. તેવી રીતે મિથેનેમાઇન હિપ્યુરેટ પણ મળે છે. તેનો ઉપયોગ ઉગ્ર ચેપની સારવારમાં થતો નથી, પણ દીર્ઘકાલી ચેપના અવદાબનમાં થાય છે.

નાઇટ્રોફ્યુરેન્ટૉઇન : તે એક સંશ્લેષિત નાઇટ્રોફ્યુરાન રસાયણ છે, જેનો ઉપયોગ મૂત્રમાર્ગના ચેપના પૂર્વનિવારણ અને સારવારમાં થાય છે. તેનું રાસાયણિક બંધારણ નીચે મુજબ છે :

નાઇટ્રોફ્યુરેન્ટૉઇનનું ઉત્સેચકોની મદદથી વિભાજન થાય છે, જે સક્રિય સંયોજનો સર્જે છે. આ સક્રિય સંયોજનો જીવાણુના DNAને નુકસાન કરે છે. માનવશરીરના કોષો કરતાં જીવાણુઓ તેનું વિભાજન જલદી કરે છે અને તેથી તેમની ઉપર વધુ અસર રહે છે. નાઇટ્રોફ્યુરેન્ટૉઇનથી અસરગ્રસ્ત થતા જીવાણુઓ ભાગ્યે જ તેનો અવરોધ કરી શકે છે. તે ઈ. કોલી અને એન્ટેરોકોકાઈ જૂથના જીવાણુઓ સામે વિશિષ્ટ રૂપે અસરકારક રહે છે; જ્યારે પ્રોટિયસ, સ્યૂડોમોનાસ, એન્ટેરોબૅક્ટર અને ક્લેબ્સિયેલા જૂથના જીવાણુઓ પર તેની ખાસ અસર નથી. મિથેનેમાઇનની માફક નાઇટ્રોફ્યુરેન્ટૉઇન પણ જીવાણુઓની સંખ્યાવૃદ્ધિ અટકાવે છે, પરંતુ તેમને મારતી નથી. અમ્લીય પેશાબમાં તેની અસરકારકતા વધે છે.

મોં વાટે ગોળી રૂપે લીધા પછી તે ઝડપથી અવશોષાય છે અને ધીમે ધીમે મૂત્રમાં વહે છે. 5 pHના સ્તરે તે સૌથી વધુ સક્રિય હોય છે. જે દર્દીઓને મૂત્રપિંડની નિષ્ફળતા હોય તેમનામાં તેનું મૂત્રપિંડ દ્વારા ગાળણ ઘટે છે. તેથી તેની અસરકારકતા પણ ઘટે છે અને શારીરિક ઝેરી અસર વધે છે. તે મૂત્રને છીંકણી રંગનું કરે છે. તેની મુખ્ય આડઅસરોમાં ઊબકા, ઊલટી તથા પાતળા ઝાડાનો સમાવેશ થાય છે. તેના તરફ અતિસંવેદિતા (hypersensitivity) હોય તો ટાઢ વાઈને તાવ આવે છે, લોહીના શ્વેતકોષો ઘટે છે, રક્તકોષોનું વિલયન (lysis) થાય છે (ખાસ કરીને ગ્લુકોઝ–6–ફૉસ્ફેટ હાઇડ્રૉજિનેઝ–G6PD–નામના ઉત્સેચકની ઊણપ હોય તો), યકૃતકોષોને ઈજા થાય છે, પિત્તસ્થાયી કમળો (cholestatic jaundice) થાય છે અને ક્યારેક દીર્ઘકાલી સક્રિય યકૃતશોથ (chronic active hepatitis) થઈ આવે છે. કોઈક કિસ્સામાં છાતીમાં દુખાવો, તાવ, ધ્રુજારી થવી, ઉગ્ર ફેફસીશોથ (pneumonitis) થવો, લોહીમાં ઈયોસિનરાગી કોષોની સંખ્યા વધવી વગેરે જોવા મળે છે. લાંબા સમય પછી ફેફસાંમાં તંતુઓ જામે છે. તેને ફેફસીતંતુતા (pulmonary fibrosis) કહે છે. આવો વિકાર મોટી ઉંમરે વધુ થાય છે. કેટલાક કિસ્સામાં માથું દુખવું, ચક્કર આવવાં, ઘેન રહેવું, સ્નાયુ કળવા, નેત્રડોલન (nystagmus) થવું વગેરે વિવિધ ચેતાતંત્રીય વિકારો પણ થાય છે. ક્યારેક પરિધીય ચેતાઓમાં રુગ્ણતા (peripheral neuropathy) આવે છે તથા સ્નાયુ ક્ષીણ થાય છે.

તે મુખમાર્ગી ગોળીના રૂપે મળે છે. સામાન્ય રીતે તેને વધુમાં વધુ સળંગ 14 દિવસ માટે અપાય છે. વધુ સમય માટે આપવાની જરૂર પડે તો વચ્ચે થોડોક સમય વિરામ રખાય છે. સગર્ભા સ્ત્રી, જેને મૂત્રપિંડની નિષ્ફળતા હોય તેને કે 1 વર્ષથી નાના બાળકને તેની  મદદથી સારવાર કરાતી નથી. તે ફક્ત મૂત્રમાર્ગના ચેપની સારવારમાં અને પુર:સ્થ ગ્રંથિ(prostate gland)ની શસ્ત્રક્રિયા પછી ચેપ લાગતો અટકાવવા માટે જ વપરાય છે.

શિલીન નં. શુક્લ