મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર

February, 2002

મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર (acute renal insufficiency) : મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં અચાનક થઈ આવતો ઘટાડો. હૉસ્પિટલમાં દાખલ થતા 5 % દર્દીઓ અને ઘનિષ્ઠ સારવાર કક્ષ(intensive care unit, ICU)માં દાખલ થતા 30 % દર્દીઓને મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં અચાનક ઘટાડો થયેલો જોવા મળે છે. હૉસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પણ 2 % થી 5 %માં તેવો વિકાર થઈ આવે છે. તેને ઉગ્ર મૂત્રપિંડી ક્રિયાનિષ્ફળતા અથવા અપર્યાપ્તતા (acute renal insufficiency) અથવા ઉગ્ર મૂત્રપિંડ-અનુપાત પણ કહે છે. મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં ઘટાડો થવાથી પેશાબ બનતો ઘટે છે અથવા બંધ થાય છે તેને અનુક્રમે અલ્પમૂત્રતા (oliguria) અથવા અમૂત્રતા (anuria) કહે છે. દિવસ દરમિયાન પેશાબ 400 મિલી.  કે તેથી ઓછો થાય ત્યારે તેને અલ્પમૂત્રતા કહે છે અને જો તે 100 મિલી.થી પણ ઓછો થાય તો તેને અમૂત્રતા કહે છે. તેને કારણે શરીરનું પાણી અને ક્ષારોનું સંતુલન વિક્ષિપ્ત થાય છે અને નાઇટ્રોજનયુક્ત કચરાના નિકાલને પણ અસર પહોંચે છે. પરિણામે લોહીમાં ક્રિયેટિનિનની રુધિરરસ-સપાટી તથા રુધિરી યુરિયાનાઇટ્રોજન(blood urea nitrogen, BUN)ની સપાટી વધી જાય છે. રુધિરરસીય ક્રિયેટિનિન(serum creatine)ની સપાટી જાણવાથી નિદાન કરી શકાય છે. જો મૂત્રપિંડનું કાર્ય સદંતર બંધ થાય તો દરરોજ 1થી 1.5 મિગ્રા./ડેસિલિટરના દરે ક્રિયેટિનિનની સપાટી વધે છે.

પેશાબમાં બહાર નીકળતા કોષો, જીવાણુઓ, સ્ફટિકો તથા ઘનરૂપો (casts) : (1) સ્ફટિકો, (2) અધિચ્છદીય કોષો, (3) રક્તકોષો, (4) સપૂય કોષો (શ્વેતકોષો), (5) જીવાણુઓ, (6) નત્રલઘનરૂપ (protein cast), (7) રક્તકોષ ઘનરૂપ (red blood cell cast), (8) અધિચ્છદીય કોષ (ઘનરૂપ) (epithealial cell cast), (9) સકણ ઘનરૂપ (granular cast).

ચિહનો, લક્ષણો અને નિદાન : મૂળ કારણરૂપ વિકારને આધારે ચિહનો અને લક્ષણો ઉદભવે છે. આ ઉપરાંત નત્રલયુક્ત પદાર્થોના ભરાવાથી પણ ચિહનો અને લક્ષણો વરતાઈ આવે છે. નત્રલયુક્ત વિષસમ પદાર્થોના ભરાવાની સ્થિતિને નત્રલવિષરુધિરતા (azotaemia) કહે છે. તેને કારણે ઊબકા, ઊલટી, થકાવટ અને સભાનાવસ્થામાં ઘટાડો જોવા મળે છે. જલ-ક્ષારનું સંતુલન બગડે છે, અને લોહીનું દબાણ પણ વધી શકે છે. મૂત્રપિંડ કે મૂત્રમાર્ગના રોગને કારણે ઉદભવતા વિકારમાં શરીરમાં પાણી ભરાય છે અને રુધિરાભિસરણતંત્રમાં પ્રવાહીનું પ્રમાણ વધે છે. તેને અતિજલરુધિરતા (hypervolaemia) કહે છે. મૂત્રપિંડ કે મૂત્રમાર્ગ સિવાયના રોગોમાં થતા મૂત્રપિંડી નિષ્ફળતાના વિકારમાં શરીર અને રુધિરાભિસરણમાં લોહીનું કદ ઘટે છે અને તેને અલ્પજલરુધિરતા (hypovolaemia) કહે છે. નત્રલવિષરુધિરતાને કારણે હૃદયની આસપાસના પરિહૃદ્-કલા (pericardium) નામના આવરણમાં પ્રવાહી ભરાય છે. તેને પરિહૃદ્-ઉદ્સારણ (pericardial effusion) કહે છે. ક્યારેક વધુ પડતું પ્રવાહી ભરાય તો તે હૃદયના કાર્યમાં વિક્ષેપ પાડે છે અને પૂરતું પહોળું થઈને લોહી સ્વીકારી શકતું નથી. તેને હૃદીય જલદમ્યતા (cardiac temponade) કહે છે. લોહીમાં પોટૅશિયમ નામના આયનોનું પ્રમાણ વધે છે. તેને અતિપોટૅશિયમ-રુધિરતા (hyperkalaemia) કહે છે. તેને કારણે હૃદયના ધબકારા અનિયમિત બને છે. અતિજલરુધિરતાને કારણે ફેફસાંમાં પણ પાણી ભરાય છે અને ત્યાં બુદબુદધ્વનિ (crepitations) સંભળાય છે. ક્યારેક પેટમાં દુખાવો થાય છે અને આંતરડાં અગતિશીલ બને છે. તેનાથી ઉદભવતા આંતરડાંમાંના અવરોધને અગતિશીલ આંત્રરોધ (ileus) કહે છે. લોહીમાંના ગંઠકકોષો(platelets)ના કાર્યમાં વિક્ષેપ ઉદભવવાથી લોહી વહેવાનો વિકાર થાય છે. ચેતાતંત્રમાં પણ વિકાર ઉદભવે છે. દર્દીના હાથમાં પક્ષીપંખ જેવું કંપન (flapping tremors) થાય છે. તે માનસિક ગૂંચવણ અનુભવે છે. જો યોગ્ય સારવાર ન મળે તો દર્દીને જલ-ક્ષાર-અસંતુલનને કારણે આંચકી (ખેંચ, convulsion) આવે છે. અંગુલિવંકતા (tetany) તથા મુખગુહાની આસપાસ પરા-સંવેદનાઓ થઈ આવે છે. લોહીમાં ક્રિયેટિનિન અને BUN વધે છે; પોટૅશિયમ વધે છે, ચયાપચયી અતિઅમ્લતા-વિકાર (metabolic acidosis) થાય છે, ફૉસ્ફેટનું પ્રમાણ વધે છે અને હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા (anaemia) થઈ આવે છે.

કારણવિદ્યા અને વર્ગીકરણ : મૂત્રપિંડી અપર્યાપ્તતા થવાનાં કારણો મુખ્ય 3 જૂથનાં છે – મૂત્રપિંડી વિકારો (renal disorders), મૂત્રમાર્ગીય વિકારો અથવા મૂત્રપિંડોત્તર વિકારો (postrenal disorders) અને મૂત્રપિંડ કે મૂત્રમાર્ગ વગરના અવયવોના વિકારો અથવા મૂત્રપિંડ-પૂર્વ વિકારો (prerenal disorders). સારણી 1માં તેમના વિશેની માહિતી સંક્ષિપ્તમાં દર્શાવી છે.

(1) મૂત્રપિંડની ઉગ્ર નિષ્ફળતાનાં કારણોમાં સૌથી વધુ જોવા મળતાં કારણો રૂપે મૂત્રપિંડ-પૂર્વ વિકારો છે. રુધિરાભિસરણમાં થતા વિકારને કારણે મૂત્રપિંડને લોહીનો પુરવઠો પૂરતો મળે નહિ ત્યારે તે થાય છે. રુધિરાભિસરણનો વિકાર ઘટે કે તેની યોગ્ય સારવાર થાય એટલે મૂત્રપિંડની નિષ્ફળતા પણ ઘટે છે કે દૂર થાય છે. મૂત્રપિંડની પેશીને કોઈ ખાસ નુકસાન થયેલું હોતું નથી; પરંતુ જો રુધિરાભિસરણનો વિકાર (દા.ત., લોહીનું ઘટેલું દબાણ) લાંબો સમય રહે તો તેથી મૂત્રપિંડમાં અવાહિતા(ischaemia)ની સ્થિતિ સર્જાય છે અને મૂત્રપિંડની નિષ્ફળતા ઉદભવે છે. કોઈ અવયવમાં લોહીનું પરિભ્રમણ ઘટે કે બંધ થઈ જાય તો તેને તે અવયવની અવાહિતા કહે છે. મૂત્રપિંડના રુધિરાભિસરણમાં થતો ઘટાડો મુખ્યત્વે ત્રણ રીતે થાય છે – હૃદયના ઘટેલા કાર્યથી શરીરમાં લોહીનો ઓછો પુરવઠો ઠલવાય, નસોની દીવાલ જાડી થવાથી કે અન્ય કારણે નસોમાં વહેતા લોહી સામે અવરોધ ઉદભવે કે લોહીમાંના પ્રવાહી ભાગમાં ઘટાડો થવાથી પરિભ્રમણ પામતા લોહીનું કદ ઘટે, શરીરમાં કે બહાર લોહી વહે, ઝાડા-ઊલટી થઈ જાય. નિર્જલન (dehydration) થયું હોય, વધુ પડતો પેશાબ કે પરસેવો થઈ જાય, નસોની બહાર અને કોષોની વચ્ચેની જગ્યામાં પ્રવાહી વહી જાય, સ્વાદુપિંડશોથ(pancreatitis)નો રોગ થાય, ઈજા થાય, દાઝી જવાય કે પેટના પોલાણનું આવરણ બનાવતી પરિતનકલા(peritoneum)માં ચેપનો વિકાર થાય તો નસોમાં પ્રવાહીનું પ્રમાણ ઘટે છે અને અલ્પજલરુધિરતા (hypovolaemia) થાય છે. શરીરમાં ચેપ ફેલાય, તીવ્ર પ્રકારની  વિષમોર્જા(allergy)ને લીધે આઘાત(shock)ની સ્થિતિ સર્જાય છે. હૃદય કે લોહીના દબાણ પર અસર કરતી કેટલીક દવાઓ વાહિનીજન્ય અવરોધ(vascular resistance)માં ફેરફાર લાવે છે. યકૃતકાઠિન્ય (liver cirrhosis) તથા હૃદયની રુધિરભારી ક્રિયાનિષ્ફળતા (congestive cardiac failure)ના દર્દીમાં પ્રતિશોથ (anti-inflammatory) ઔષધો આપવાથી ઘણી વખત વાહિનીજન્ય અવરોધ ઘટે છે. હૃદયની ક્રિયાનિષ્ફળતા થાય, હૃદયની આસપાસ આવરણમાં પ્રવાહી ભરાવાથી તેનું દબાણ થાય કે ફેફસાંની ધમનીમાં બહારથી આવેલું રુધિરગુલ્મ (લોહીનો ગઠ્ઠો) અંતર્રોધ સર્જે તો હૃદયના સંકોચન વડે બહાર ફેંકાતા લોહીના પુરવઠામાં ઘટાડો થાય છે. આ ત્રણેય પ્રકારની સ્થિતિઓમાં લોહીના પ્રવાહીનું કદ ઘટે, નસોનો અવરોધ બદલાય કે હૃદયમાંથી નીકળતા લોહીનો પુરવઠો ઘટે તો મૂત્રપિંડનું રુધિરાભિસરણ ઘટે છે અને તેને કારણે મૂત્રકમાં થતું ગાળણ ઘટે છે. આમ મૂત્રપિંડ-પૂર્વ વિકારોને કારણે મૂત્રપિંડની ઉગ્ર પ્રકારની ક્રિયા-નિષ્ફળતા (અપર્યાપ્તતા) જોવા મળે છે.

સારણી 1 : મૂત્રપિંડી નિષ્ફળતાનો નિદાનભેદ

ક્રમ પ્રકાર કારણો BUN અને ક્રિયેટિનિનનો ગુણોત્તર (BUN : Pcr) પેશાબમાં સોડિયમનું પ્રમાણ (UNa) (meq/L) સોડિયમનો ઘટકીય ઉત્સર્ગ (FENa%) મૂત્રની આસૃતિ (osmolality) (mosm/Kg) મૂત્રમાં અવક્ષેપ (sediment)
ક. મૂત્રપિંડ-પૂર્વ વિકાર – અલ્પજલરુધિરતા

– હૃદયની રુધિર-ભારિત નિષ્ફળતા

> 20 : 1 < 20 < 1 > 7,500 – કાચવત્ અવક્ષેપ
ખ. મૂત્રપિંડોત્તર વિકાર – મૂત્રમાર્ગમાં અવરોધ > 20 : 1 અનિશ્ચિત > 1 < 400 – કોઈ અવક્ષેપ નહિ

– રક્તકોષો, શ્વેતકોષો અથવા સ્ફટિકો

ગ.

 

 

મૂત્રપિંડી વિકાર – લોહીના દબાણનું ઘટી જવું.

– મૂત્રપિંડ પર ઝેરી પદાર્થની અસર

< 20 : 1 > 20 > 1 250  – 300 – કણિકામય અવક્ષેપ

– મૂત્રક-નલિકા કોષો

– ઉગ્ર મૂત્રકનલિકાકીય કોષનાશ (acute renal tubular necrosis)
– ઉગ્ર સગુચ્છી મૂત્રપિંડ શોથ (acute glomerulo nephritis) – સ્ટ્રૅપ્ટૉકોકલ જીવાણુના ચેપ પછીનો વિકાર સ્વકોષઘ્ની (autoimmnue) વિકાર ≤ 20 : 1 < 20 < 1 > 500 – મૂત્રપિંડ-કોષો

– રક્તકોષી અવક્ષેપ

– ઉગ્ર અંતરાલીય પેશીસહ મૂત્રપિંડશોથ (acute interstitial nephritis) – વિષમોર્જા-(allergy) જન્ય

– ઔષધ સામેની પ્રતિક્રિયા રૂપે

< 20 : 1

 

 

અનિશ્ચિત

 

 

< 1 કે > 1

 

 

અનિશ્ચિત

 

 

– શ્વેતકોષો

– શ્વેતકોષી અવક્ષેપ

– ઔષધ સામેની

– ક્યારેક ઇયોસિનરાગી કોષો

મૂત્રકમાં થતું ગાળણ (ગુચ્છી ગલન, glomerular filtration) ઘટવાને કારણે ગુચ્છી ગલન-દર (GFR) ઘટે છે, GFR ઘટે એટલે તે ઘટાડો મૂત્રપિંડની ક્રિયા-નિષ્ફળતા મૂત્રપિંડના રોગોને કારણે છે કે ઉપર જણાવેલા રુધિરાભિસરણને અસર કરતા વિકારોને કારણે છે તે જાણવું જરૂરી બને છે. તે માટે લોહીમાંના BUN અને ક્રિયેટિનિનનો ગુણોત્તર, પેશાબમાં સોડિયમનું પ્રમાણ (મિલી. ઇક્વિવેલન્ટ/લિટર), સોડિયમનો ઘટકીય ઉત્સર્ગ (fractional excretion of sodium ions, FeNa, પેશાબની આસૃતિ (osmolality, મિલી. ઑસ્મોલ/ કિગ્રા.) તથા પેશાબમાંના અવક્ષેપ (sediments) અંગે જાણકારી મેળવીને નિદાન કરાય છે. (જુઓ સારણી 1). સોડિયમના આયનોનો ઘટકીય ઉત્સર્ગ (FeNa) ગણી કાઢવા માટે નીચેનું સૂત્ર વપરાય છે :

 એટલે કે,

સોડિયમનો ઘટકીય ઉત્સર્ગ = મૂત્રમાં સોડિયમ આયનો/રુધિરપ્રરસ(plasma)માં સોડિયમ આયનો

=  મૂત્રમાં ક્રિયેટિનિન/રુધિરપ્રરસમાં ક્રિયેટિનિન

મૂત્રપિંડ-પૂર્વના વિકારની સારવારમાં મૂળ કારણરૂપ વિકાર/રોગની સારવાર કરાય છે, જેથી કરીને મૂત્રપિંડનું રુધિરાભિસરણ સુધરે. જો GFRને ઝડપથી સામાન્ય કરી દેવાય તો 1–2 દિવસમાં મૂત્રપિંડનું કાર્ય પણ સમઘાત થઈ જાય છે.

(2) મૂત્રાશયનલિકામાં અવરોધ (દા.., પથરી, ગાંઠ કે પુર:સ્થ ગ્રંથિની અતિવૃદ્ધિ) : મૂત્રાશયની દુષ્ક્રિયાશીલતા તથા બંને મૂત્રપિંડનલિકાઓમાં અવરોધ કરે તેવી પેટ કે શ્રોણી(pelvis)માંની ગાંઠ મૂત્રપિંડોત્તર વિકાર સર્જીને મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતા સર્જે છે. તેનું એકંદર પ્રમાણ 5 % થી ઓછું છે. સ્ત્રીઓમાં અંડપિંડ કે ગર્ભાશય-ગ્રીવા(મુખ)ની ગાંઠ તથા પુરુષોમાં પુર:સ્થગ્રંથિ(prostate gland)માંની ગાંઠ મુખ્યત્વે આ પ્રકારનો વિકાર સર્જે છે. મૂત્રાશયમાં ગાંઠ કે તેની ચેતાતંત્રીય દુષ્ક્રિયાશીલતાનો વિકાર પણ આવી જ સ્થિતિ સર્જે છે. જો દર્દીનો એક જ મૂત્રપિંડ ક્રિયાશીલ હોય તો તેની નલિકા(મૂત્રપિંડનલિકા, ureter)માં ઉદભવતો અવરોધ પણ મૂત્રપિંડોત્તર વિકાર સર્જે છે. ક્યારેક મૂત્રમાર્ગમાંની પથરી પણ આવો વિકાર સર્જે છે.

દર્દીનો પેશાબ ઘટી જાય છે (અલ્પમૂત્રતા કે અમૂત્રતા) અથવા વધુ પ્રમાણમાં થાય છે (અતિમૂત્રતા, polyuria). દર્દીને પેટમાં દુખાવો થાય છે. મૂત્રમાર્ગમાંનો અંતર્રોધ કે બહિર્રોધ સતત કે સમયાંતરિત હોય છે. મોટેભાગે તપાસમાં મોટી થયેલી પુર:સ્થગ્રંથિ, સ્ત્રીનાં આંતરિક જનનાંગોમાં ગાંઠ કે પહોળું થયેલું મૂત્રાશય જોવા મળે છે. પેશાબની આસૃતિ વધેલી હોય છે, સોડિયમ ઘટેલું હોય છે અને BUN : ક્રિયેટિનિનનો ગુણોત્તર વધેલો હોય છે. FeNa ઘટે છે. આ પ્રકારની સ્થિતિ મૂત્રપિંડ-પૂર્વના વિકારમાં પણ જોવા મળે છે. મૂત્રાશયમાં નિવેશિકા-નળી (catheter) મૂકીને મૂત્રમાર્ગ ખુલ્લો કરાય છે. ક્યારેક આવા સમયે અતિમૂત્રતા થાય છે અને તેથી શરીરમાં પાણી ઘટી ન જાય તે ખાસ જોવાય છે. દરેક મૂત્રપિંડી ઉગ્ર ક્રિયા-નિષ્ફળતાવાળા દર્દીમાં ધ્વનિચિત્રણ (sonography) કરીને મૂત્રમાર્ગમાં રોધ છે કે નહિ તે શોધી કઢાય છે. જો પ્રવાહી ભરેલા ફૂલેલા મૂત્રપિંડ સાથેનો સજલ મૂત્રપિંડશોથ (hydronephresis) હોય તો તે મૂત્રમાર્ગમાં થયેલો રોધ સૂચવે છે. ક્યારેક પુર:સ્થગ્રંથિ જેની મોટી થયેલી હોય તેવા પુરુષે ચૂંકવિરોધી પ્રતિકોલિન (anticholinergic) ઔષધ લીધેલું હોય તોપણ મૂત્રપિંડોત્તર વિકાર થઈ આવે છે. શક્ય એટલો જલદી મૂત્રમાર્ગનો રોધ દૂર કરવાથી સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત થાય છે.

(3) મૂત્રપિંડના રોગ કે વિકારને લીધે થતી ઉગ્ર ક્રિયા-નિષ્ફળતા 45 થી 50 % દર્દીઓમાં જોવા મળે છે. મૂત્રપિંડમાંનો વિકાર મૂત્રકનલિકાઓ (renal tubules), મૂત્રકગુચ્છ (glomerulus), અંતરાલીય પેશી (intestitium) કે મૂત્રપિંડી વાહિનીઓ(નસો)ને અસર કરતો હોય છે. તેનાં મુખ્ય ત્રણ ઉદાહરણો છે : ઉગ્ર મૂત્રકનલિકાકીય કોષનાશ (acute tubular necrosis), અંતરાલીય મૂત્રપિંડશોથ (interstitial nephritis) અને સગુચ્છી મૂત્રપિંડશોથ (glomerulonephritis).

(3–અ) ઉગ્ર મૂત્રકનલિકાકીય કોષનાશ : ઉગ્ર મૂત્રપિંડી ક્રિયાનિષ્ફળતા, સોડિયમ આયનોનો 1 %થી ઓછો (ઘટેલો) ઘટકીય ઉત્સર્ગ તથા પેશાબમાં અવક્ષેપ રૂપે મૂત્રકનલિકાના અધિચ્છીય કોષો અને કણિકામય ઘાટરૂપો (granular casts) હોય તો આ વિકારનું નિદાન કરાય છે. મૂત્રકનલિકાને કોઈ ઝેર કે રુધિરાભિસરણમાં થયેલા ઘટાડાને કારણે થયેલી ઈજાને કારણે જો મૂત્રપિંડની નિષ્ફળતા થાય તો તેને ઉગ્ર મૂત્રકનલિકાકીય કોષનાશ કહે છે. શરીરમાંથી પાણીનું ઘટવું, લોહીનું દબાણ ઘટી જવું, શરીરમાં ચેપ ફેલાવો, વિવિધ પ્રકારના ઔષધની ઝેરી અસર થવી કે ચયાપચયી વિકારોમાં મૂત્રકનલિકા પર ઝેરી અસર થવી વગેરે વિવિધ સ્થિતિઓમાં મૂત્રકનલિકાનો કોષનાશ થાય છે. મૂત્રકનલિકા પર ઝેરી અસર કરતાં ઔષધોમાં મુખ્યસ્વરૂપે ઍમિનોગ્લાયકોસાઇડ જૂથના ઍન્ટિબાયૉટિક્સ (દા.ત., જેન્ટામાયસિન, એમિકેસિન વગેરે), એન્ફોટેરિસિન, વેન્કોમાયસિન, એસાઇક્લોવિર તથા કેટલાક સિફેલોસ્પોરિન્સનો સમાવેશ થાય છે. એક્સ-રે-ચિત્રણો માટે વપરાતું એક્સ-રે-રોધી દ્રવ્ય પણ આવી ઈજા કરી શકે છે. જો દર્દીને અગાઉથી મૂત્રપિંડનો કોઈ રોગ હોય, મધુપ્રમેહને કારણે મૂત્રપિંડની ક્રિયાક્ષમતા ઘટેલી હોય (સીરમ ક્રિયેટિનિન 2 મિગ્રા./ડેસિલિટરથી વધુ હોય) અથવા અન્ય મૂત્રપિંડી વિષકારક ઔષધનો ઉપયોગ થયેલો હોય તો એક્સ-રે-રોધી ઔષધના ઉપયોગ પછી આવો વિકાર થઈ આવે છે. સાઇક્લોસ્પૉરિન નામનું ઔષધ મૂત્રકનલિકાના દૂરના છેડે ઝેરી અસર કરે છે. આ ઉપરાંત સિસ્પ્લેટિન નામનું કૅન્સર-વિરોધી ઔષધ તથા પારો, આર્સેનિક અને કૅડ્મિયમ નામની ધાતુઓ પણ ઝેરી અસર પહોંચાડે છે. વિવિધ વિકારોમાં હીમોગ્લોબિન કે માયોગ્લોબિનના અણુઓ અને અવશેષો, યુરિક ઍસિડ તથા બહુમજ્જાર્બુદ(multiple myeloma)માં ઉદભવતા બેન્સજૉન્સ પ્રોટીનના અણુઓ પણ મૂત્રકનલિકાને નુકસાન પહોંચાડે છે. આમ શરીરમાંનાં અને બહારનાં ઝેરી દ્રવ્યો મૂત્રકનલિકાઓને ઈજા પહોંચાડીને ઉગ્ર મૂત્રકનલિકાકીય કોષનાશ સર્જે છે. તેને કારણે પેશાબ ગંદો અને છીંકણી રંગનો થાય છે અને તેનાં કણિકામય ઘાટસ્વરૂપો, મૂત્રકનલિકાના કોષો તથા તે કોષોનાં ઘાટસ્વરૂપો (casts) જોવા મળે છે.

સારવારમાં આનુષંગિક તકલીફ થતી અટકે અને ઝડપથી પુન:સ્વાસ્થ્ય સ્થપાય (recovery) તે માટે પગલાં લેવાય છે. પાણી, પોટૅશિયમ તથા સોડિયમને ઓછા પ્રમાણમાં અપાય છે. ફ્રુસેમાઇડ નામનો મૂત્રવર્ધક ઘણી મોટી માત્રામાં મુખમાર્ગે કે નસ વાટે અપાય છે. તેના કારણે ક્યારેક બહેરાશ આવે છે. ખોરાકમાં પ્રોટીનની માત્રા ઘટાડાય છે. લોહીમાં ફૉસ્ફેટ ઓછું કરવા ફૉસ્ફેટ સાથે સંયોજાતાં ઔષધો અપાય છે, જેમ કે ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ. મૅગ્નેશિયમવાળી દવાઓ અપાતી નથી. અન્ય જરૂરી બધી જ દવાઓનો મૂત્રમાર્ગે ઉત્સર્ગ હોય તો માત્રા ઘટાડાય છે. જો જીવનને જોખમી આનુષંગિક તકલીફો થાય કે થવાની સંભાવના હોય તો પારગલન(dialysis)ની પ્રક્રિયા કરાય છે. આવી જીવનને જોખમી તકલીફોમાં લોહીમાં પોટૅશિયમનું વધતું પ્રમાણ, શરીરમાં પાણીનો ભરાવો, મૂત્રવર્ધકોની ઘટેલી અસરકારકતા, અતિઅમ્લતા-વિકાર (acidosis), આંચકી આવવી (convulsion) કે મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) થઈ આવવી વગેરેનો સમાવેશ થાય છે. અલ્પમૂત્રતાવાળા વિકારને યોગ્ય મૂત્રતાવાળો વિકાર કરવાના પ્રયત્નોથી મૃત્યુદર ઘટે છે. તે માટે ઓછી માત્રામાં ડોપામિન, ફ્રુસેમાઇડ તથા મેનિટૉલ વાપરવાના પ્રયોગો થાય છે.

સામાન્ય રીતે શરૂઆતની ઈજા પછી સ્થિરસ્થિતિ અને પુન:સ્વાસ્થ્યના તબક્કા આવે છે. સ્થિરસ્થિતિ વખતે પેશાબ બનતો રહે (400 મિલી./દિવસ કે વધુ) તો સારું થવાની સંભાવના વધે છે. સામાન્ય રીતે આ તબક્કો 1થી 3 અઠવાડિયાં ચાલે છે. પરંતુ ક્યારેક તે વધુ મહિના સુધી પણ રહે છે. પેશાબનું પ્રમાણ વધવા માંડે એટલે પુન:સ્વાસ્થ્યની શરૂઆત ગણી શકાય છે. શસ્ત્રક્રિયાલક્ષી વિકારો હોય તો 70 % દર્દીઓ અને અવયવોની ક્રિયાશીલતાના વિકારો હોય તો 20 % થી 50 % દર્દીઓ મૃત્યુ પામે છે. મોટી ઉંમર, જોખમી રોગોની હાજરી કે અનેક અવયવોની નિષ્ફળતા હોય તો મૃત્યુદર ઊંચો રહે છે. મૃત્યુનું કારણ ચેપ, જલક્ષારનું અસંતુલન કે કારણરૂપ રોગમાં થયેલો વધારો હોય છે. છેલ્લાં 20 વર્ષમાં મૃત્યુદર ઘટ્યો ન હોવાથી આવો વિકાર થતો અટકાવવો એ વધુ સલાહભર્યું ગણાય છે.

(2) અંતરાલીય મૂત્રપિંડશોથ (interstitial nephritis) : તાવ અને નાની ફોલ્લી અને ડાઘાવાળા ચામડી પરના સ્ફોટની સાથે મૂત્રપિંડની ઉગ્ર નિષ્ફળતા થયેલી હોય તથા પેશાબમાં લોહી અને ક્યારેક પરુ હોય તથા શ્વેતકોષી ઘાટસ્વરૂપો (white cell casts) હોય તો તે અંતરાલીય મૂત્રપિંડશોથ સૂચવે છે. તેનું મૂત્રપિંડી નિષ્ફળતાકારી વિકારોમાં 10 % થી 15 % જેટલું પ્રમાણ છે. પેનિસિલીનો, સિફેલોસ્પોરિનો, સલ્ફોનેમાઇડ, પ્રતિશોથ (anti-inflammatory) ઔષધો, રિફામ્પિન, ફેનિટોઇન અને એલોપ્યુરિનોલ જેવાં ઔષધો, સ્ટ્રેપ્ટોકૉકાઈ, લેપ્ટોસ્પારાઈ, સાયટોમેગેલોવિષાણુ વગેરેના ચેપ તથા ક્યારેક પોતાના જ કોષોને મારે એવા સ્વકોષઘ્ની રોગો(autoimmune disorders)ને કારણે કોષ સંબંધિત રોગપ્રતિકાર તંત્ર(પ્રતિરક્ષાતંત્ર)માં વિકારો ઉદભવે છે. તે સમયે મૂત્રપિંડની અંતરાલીય પેશી અસરગ્રસ્ત થાય છે. આ વિકારમાં પુન:સ્વાસ્થ્ય સ્થાપવાનું પ્રમાણ ઘણું ઊંચું છે. જોકે ત્રીજા ભાગના કિસ્સામાં પારગલનની પ્રક્રિયા કરવી પડે છે. બહુ ઓછા દર્દીઓમાં છેલ્લા તબક્કાની મૂત્રપિંડી ક્રિયા-નિષ્ફળતા થાય છે. જો ઉગ્ર વિકાર સમયે પેશાબ બનવાનું ઘટી ગયું હોય તો મૃત્યુનું જોખમ રહે છે. સારવારમાં આધારદાયી સારવાર અને જરૂર પડે તો 1 કે 2 અઠવાડિયાં માટે પ્રેડ્રિનસોલોન અપાય છે.

(3) સગુચ્છી મૂત્રપિંડશોથ (glomerulonephritis) : આ વિકારમાં ઉગ્ર મૂત્રપિંડી ક્રિયા-નિષ્ફળતાની સાથે લોહીનું ઊંચું દબાણ, પગે સોજા તથા પેશાબમાં લોહી, લોહીના કોષો તથા પ્રોટીનનો ઉત્સર્ગ જોવા મળે છે. (જુઓ મૂત્રપિંડરુગ્ણતા, સગુચ્છીય). મૂત્રપિંડી ક્રિયા-નિષ્ફળતાનો આ સૌથી ઓછો જોવા મળતો કારણરૂપ વિકાર છે. વિવિધ રુધિરરસીય સૂચકદ્રવ્યો (markers) વડે તેનું વર્ગીકરણ કરાય છે. તેનાં વિવિધ કારણો છે. સારવાર રૂપે ભારે માત્રામાં સ્ટીરૉઇડ અપાય છે. જરૂર પડે તે કિસ્સામાં સાઇક્લોફૉસ્ફેમાઈ પણ અપાય છે. જો ગુડ પાશ્ચરનું સંલક્ષણ નામનો વિકાર થયો હોય તો રુધિરપ્રરસ વિનિમય(plasma exchange)ની સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ