મૂત્રપિંડી, કોષ્ઠીરોગો

February, 2002

મૂત્રપિંડી, કોષ્ઠીરોગો (Cystic Dieases of Kidney) : મૂત્રપિંડમાં થતા પ્રવાહી ભરેલી પોટલી(કોષ્ઠ)વાળા રોગો. મૂત્રપિંડી કોષ્ઠ(renal cyst)માં પ્રવાહી અથવા અર્ધઘન દ્રવ્ય ભરેલું હોય છે અને તેની અંદરની દીવાલ પર અધિચ્છદ(epithelium)નું આચ્છાદન (lining) હોય છે. મૂત્રપિંડમાં અનેક મૂત્રકો (nephrons) હોય છે. તેઓ લોહીની અશુદ્ધિઓને ગાળનારા મુખ્ય એકમો છે. તેના બે મુખ્ય ભાગ છે : ગળણી આકારનું બાઉમેનનું સંપુટ (capsule) અને મૂત્રકનલિકાઓ (renal tubules). બાઉમેનના સંપુટમાં કેશવાહિનીઓ આવેલી છે તેને મૂત્રકગુચ્છ કહે છે. મૂત્રકગુચ્છમાં લોહીમાંની અશુદ્ધિઓ ગળાય છે અને ત્યારપછી તે ગળાયેલી અશુદ્ધિઓ અને અન્ય દ્રવ્યો મૂત્રકનલિકાઓમાંથી પસાર થાય છે; જેમાં કેટલાંક દ્રવ્યોનું પુન:શોષણ (reabsorption) થાય છે તો કેટલાંક દ્રવ્યોનું વિસ્રવણ (secretion) થાય છે. મૂત્રકનલિકાઓને અંતે મૂત્ર તૈયાર થાય છે, જેનો ઉત્સર્ગ થાય છે. મૂત્રનલિકાઓનાં પેશી-તત્વો(elements)માંથી મૂત્રપિંડના કોષ્ઠો બને છે.

મૂત્રપિંડી કોષ્ઠોના વિવિધ પ્રકારો છે : (1) સાદો કોષ્ઠ (simple cyst) અથવા એકાકી કોષ્ઠ (solitary cyst), (2) સંપ્રાપ્ત કોષ્ઠ (acquired cyst), (3) પ્રવાહી દેહસૂત્રીય (autosomal) વારસાથી ઉદભવતો બહુકોષ્ઠીય રોગ (polycystic disease), (4) છિદ્રાળુ મધ્યપેશીય મૂત્રપિંડિતા (medullary spongy kidney) અને (5) મધ્યપેશીય કોષ્ઠી મૂત્રપિંડિતા (medullary cystic kidney). તેમને વિશેની માહિતી ટૂંકમાં સારણી 1માં દર્શાવી છે.

50 વર્ષથી વધુ ઉંમરની આશરે 50 % વ્યક્તિઓમાં એક કે વધુ સંખ્યામાં સાદી કોષ્ઠો થાય છે. તેઓ ભાગ્યે જ કોઈ તકલીફ કરે છે અને તેથી તેમને કોઈ ખાસ નૈદાનિક મહત્વ અપાતું નથી; પરંતુ બહુકોષ્ઠીય રોગમાં મૂત્રપિંડમાં વ્યાપક રીતે કોષ્ઠો ફેલાયેલા હોય છે અને આગળ વધીને ક્યારેક અંતિમ ફલકીય મૂત્રપિંડી રોગ (end-stage renal disease) અથવા મૂત્રપિંડી નિષ્ફળતા (અપર્યાપ્તતા) સર્જે છે.

સારણી 1 : મૂત્રપિંડી, કોષ્ઠીરોગો

પરિમાણ સાદો કોષ્ઠ સંપ્રાપ્ત કોષ્ઠ

(acquired)

બહુકોષ્ઠીય

રોગ (પ્રભાવી

દેહસૂત્રીય)

છિદ્રાળુ

મધ્યપેશીય

મૂત્રપિંડિતા

મધ્યપેશીય

કોષ્ઠી

મૂત્રપિંડિતા

વસ્તીપ્રમાણ

(prevalency)

ઘણી વખત મૂત્રપિંડી

પારગલન-

(dialysis)ના

દર્દીઓમાં

દર 1000ની

વસ્તીએ 1

દર 5000ની

વસ્તીએ 1

ભાગ્યે જ
વારસાગત

પ્રણાલી

કદી નહિ કદી નહિ દેહસૂત્રીય

પ્રભાવી

વારસાગત

કદી નહિ દેહસૂત્રીય પ્રભાવી

વારસો

વિકૃતિની શરૂઆત

તે વખતે ઉંમર

20–40 વર્ષ 40–60 વર્ષ પુખ્ત વયે
મૂત્રપિંડનું કદ

કોષ્ઠનું સ્થાન

સામાન્ય

બાહ્યક (cortex)

અને મધ્યપેશીય

(medullary)

નાનું

બાહ્યક અને

મધ્યપેશીય

મોટું

બાહ્યક અને

મધ્ય પેશીય

સામાન્ય

સંચયન-

નલિકાઓ

(collecting

ducts)

નાનું

બાહ્યક-મધ્યપેશી

જોડાણ

પેશાબમાં લોહી વહેવું પ્રસંગોપાત્ત પ્રસંગોપાત્ત ઘણે ભાગે ભાગ્યે જ ભાગ્યે જ
લોહીનું ઊંચું દબાણ નહિ અનિશ્ચિત ઘણે ભાગે નહિ નહિ
અન્ય આનુષંગિક તકલીફો નહિ કોષ્ઠમાં ગ્રંથિકૅન્સર (adeno- carcinoma) થાય પેશાબમાં ચેપ. મૂત્રપિંડમાં પથરી. મૂત્રપિંડમાં પથરી, પેશાબના માર્ગમાં ચેપ લાગે મગજની નસોમાં વાહિનીપેટુ (aneurysm) યકૃતમાં કોષ્ઠ વારંવાર પેશાબ થવો, પેશાબમાં ક્ષાર વહી જવો.
મૂત્રપિંડી નિષ્ફળતા કદી નહિ કદી નહિ ઘણી વખતે કદી નહિ કદી નહિ

સાદા અથવા એકાકી કોષ્ઠો : મૂત્રપિંડમાંના કદવિકારોના 65 % થી 70 % કિસ્સાઓમાં સાદા કોષ્ઠો જોવા મળે છે. તેઓ બહારના બાહ્યકમાં હોય છે અને રુધિરપ્રરસના સૂક્ષ્મ ગાળણ(ultrafiltrate of plasma)ના જેવા પ્રવાહીથી ભરેલા હોય છે. સામાન્ય રીતે કોઈ અન્ય કારણસર કરાયેલા ધ્વનિચિત્રણના (sonography) પરીક્ષણમાં તે શોધી કઢાય છે. તેઓ કોઈ ખાસ તકલીફ કરતા નથી, પરંતુ ક્યારેક તેમાં ચેપ લાગે છે. તેમને કૅન્સર, ગૂમડું, પથરી કે બહુકોષ્ઠીય રોગથી અલગ પાડવામાં આવે છે. ધ્વનિચિત્રણમાં તેઓની અપ્રતિઘોષિતા (echo-free), સ્પષ્ટ રેખાંકિતતા(sharp demarcation)વાળી સીધી દીવાલ તથા પ્રવાહીમાંથી ધ્વનિતરંગો સહેલાઈથી પસાર થતા હોવાથી પાછલી દીવાલની સુસ્પષ્ટતા – આ ત્રણ મુખ્ય લાક્ષણિક તત્વો વડે સાદા કોષ્ઠનું નિદાન કરાય છે. સંકુલ કોષોની દીવાલ જાડી હોય છે. તેમાં કૅલ્શિયમ જામેલું હોય છે અને ઘનવિસ્તારો હોય છે તથા તેમની પ્રતિઘોષિતા મિશ્ર પ્રકારની (mixed ecogenicity) હોય છે. ક્યારેક મોટા થયેલા મૂત્રપિંડના નિદાનમાં સી. એ. ટી. સ્કૅન વપરાય છે. તેમાં પણ સાદી કોષ્ઠની સીધી, પાતળી અને સુસ્પષ્ટ દીવાલ જોવા મળે છે એક્સ-રે-રોધી દ્રવ્ય આપવાથી તે વધુ ગાઢી બનતી નથી. કોઈક કિસ્સામાં મૂત્રપિંડી વાહિનીચિત્રણ (renal angiography) વડે મૂત્રપિંડની નસોનું ચિત્રણ લેવાય છે. તેમાં પણ સાદા કોષ્ઠનું નિદાન કરી શકાય છે. મૂત્રપિંડમાં કૅન્સર હોય તો 80 % કિસ્સામાં તેમાં લોહીની નસોનું પ્રમાણ વધેલું હોય છે. જો સૌમ્ય પ્રકારના કોષ્ઠનું નિદાન થાય તો તેને નિયમિતપણે તપાસવામાં આવે છે અને અન્ય કોઈ સારવાર અપાતી નથી, પરંતુ નિદાનમાં શંકા હોય તો શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે.

મૂત્રપિંડી, કોષ્ઠીરોગો

દેહસૂત્રી પ્રભાવી વારસાજન્ય બહુકોષ્ઠીય મૂત્રપિંડી રોગ (autosomal dominant polycystic kidney disease) : આ એક વારસાગત રોગ છે, જે દેહસૂત્રો (રંગસૂત્રોનો એક પ્રકાર) પર આવેલા પ્રભાવી જનીનો (dominant genes) દ્વારા વારસામાં ઊતરે છે. અમેરિકામાં તેનું પ્રમાણ દર 400થી 1000 વ્યક્તિએ એકમાં તે જોવા મળે છે. 60 વર્ષની ઉંમરે તેમાંના 50 % દર્દીઓને અંતિમ ફલકીય મૂત્રપિંડિતા (end stage renal disease) થઈ આવે છે. તેના વારસા માટે ADPKD–1 અને ADPKD–2 નામના 2 જનીનો જવાબદાર ગણાય છે. મોટાભાગના દર્દીઓ પેટમાં કે કમર(flank)માં દુખાવાની તથા સુસ્પષ્ટ કે સૂક્ષ્મ સ્વરૂપની રુધિરમૂત્રમેહ(haematuria)ની તકલીફ સાથે આવે છે. પેશાબમાં લોહી વહેતું હોય તો તેને રુધિરમૂત્રમેહ કહે છે. આશરે ¾ ભાગના દર્દીઓના કુટુંબમાં આ રોગ થયેલો હોય છે. લગભગ અર્ધા ભાગના દર્દીને સાથે લોહીના ઊંચા દબાણની તકલીફ પણ હોય છે. પેટ પર હાથથી તપાસ કરતાં ઘણી વખત મોટું થયેલું મૂત્રપિંડ જોવા મળે છે. આ ઉપરાંત 40 % થી 50 % દર્દીઓમાં સાથે યકૃત (liver), સ્વાદુપિંડ (pancreas) કે બરોળ(spleen)માં પણ કોષ્ઠો હોય છે. પેશાબની તપાસ કરતાં તેમાં લોહી અને પ્રોટીન વહી જતું જોવા મળે છે, જેને અનુક્રમે રુધિરમૂત્રમેહ અને નત્રલમૂત્રમેહ (proteinuria) કહે છે. સોનોગ્રાફીની તપાસમાં બંનેના બાહ્યક અને મધ્યપેશીમાં મૂત્રપિંડમાં 5–5 કે વધુ કોષ્ઠો જોવા મળે છે. જો સોનોગ્રાફીમાં નિદાન સ્પષ્ટ ન થાય તો સી.એ.ટી. સ્કૅન કરાય છે.

પેટ કે કમરમાં થતા દુખાવાનું કારણ ચેપ લાગવો, પથરી થવી કે કોષ્ઠમાં લોહી વહેવું – એ હોય છે. દર્દીને આરામ અને પીડાનાશક દવા લેવાનું સૂચવાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં કોષ્ઠમાંથી પ્રવાહીને શોષીને બહાર કઢાય છે. કોષ્ઠ ફાટે, પથરી થાય કે ચેપ લાગે તો પેશાબમાં લોહી વહે છે. તે સમયે આરામ અને પુષ્કળ પાણી લેવાનું સૂચવાય છે. 50 વર્ષથી વધુ વયે પેશાબમાં વારંવાર લોહી પડે તો તે મૂત્રપિંડના કૅન્સરની સંભાવના સૂચવે છે. કોષ્ઠમાં ચેપ લાગે તો કમરમાં દુખાવો, તાવ, ક્યારેક પેશાબમાં લોહી તથા લોહીમાં શ્વેતકોષોની વધેલી સંખ્યા જોવા મળે છે. લોહીમાંના જીવાણુનું સંવર્ધન કરી શકાય છે. ઘણી વખત પેશાબમાં કોઈ વિષમતા હોતી નથી. સી.એ.ટી. સ્કૅનમાં ચેપગ્રસ્ત કોષ્ઠની જાડી થયેલી દીવાલ જોઈ શકાય છે. ઍન્ટિબાયૉટિકની સારવારમાં ઘણી વખત મોડું પરિણામ મળે છે. તે માટે સિપ્રોફ્લૉક્સાસિન, કો-ટ્રાઇમેક્ઝેઝોલ અને ક્લોરેમ્ફેનિકોલ વપરાય છે. ઘણી વખત બે અઠવાડિયાં સુધી ઇન્જેક્શન દ્વારા સારવાર આપવી પડે છે. ત્યારબાદ પણ લાંબા સમય માટે મોં વાટે ઍન્ટિબાયૉટિક્સ અપાય છે. આશરે 20 % દર્દીઓમાં પથરી થાય છે અને 50 % દર્દીઓમાં લોહીનું દબાણ વધે છે. આશરે 10 % થી 15 % દર્દીઓમાં મગજની નસોમાં ફુગ્ગા જેવા પહોળા વિસ્તારો થાય છે. તેમને વાહિનીપેટુ (aneurysm) કહે છે. ક્યારેક હૃદયના દ્વિદલ કપાટનો અપભ્રંશ (mitral valve prolapse), મહાધમની-પેટુ (aortic aneurysm) કે મહાધમની-કપાટની વિષમતાઓ (aortic valve abnormalities) પણ જોવા મળે છે. ઓછા પ્રોટીનવાળો ખોરાક અને લોહીના દબાણનું નિયંત્રણ મૂત્રપિંડની નિષ્ફળતાને મોડી કરે છે પરંતુ તે અટકાવી શકાતી નથી. યુવાન વય, લોહીનું ઊંચું દબાણ, પુરુષજાતિ, પેશાબમાં લોહી તથા પ્રોટીનનું વહન વહેલી મૂત્રપિંડી નિષ્ફળતા સૂચવે છે.

મધ્યપેશીય છિદ્રાળુ મૂત્રપિંડિતા : આ જન્મજાત, સામાન્ય રીતે જોવા મળતો, જોખમી, આનુષંગિક તકલીફો વગરનો; પરંતુ મોટી ઉંમરે (40થી 50 વર્ષે) સામાન્ય રીતે નિદાન પામતો રોગ છે. મધ્યપેશીમાંના વ્યાપક રીતે ફેલાયેલા કોષ્ઠો ‘સ્વિસ-પનીર’ જેવો દેખાવ સર્જે છે. દર્દીના પેશાબને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેમાં લોહીના કોષો જોવા મળે છે. દર્દીને વારંવાર પેશાબમાં ચેપ લાગે છે અને પથરી થાય છે. ઘણી વખતે મૂત્રપિંડમાં કૅલ્શિયમ જામે છે. નસ વાટે (શિરા માર્ગે) એક્સ-રે-રોધી દ્રવ્ય આપીને મૂત્રમાર્ગનું ચિત્રણ લેવામાં આવે તો તેને શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP) કહે છે. તેના વડે નિદાન થાય છે. ક્યારેક પ્રથમ પ્રકારનો મૂત્રકનલિકાજન્ય અતિઅમ્લતાવિકાર (type–1, renal tubular acidosis) થાય છે. આ વિકારની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. પથરી થતી અટકાવવા પુષ્કળ પાણી પીવાનું કહેવાય છે. અતિઅમ્લતાવિકાર થાય તો સોડાબાયકાર્બ અપાય છે. ચેપ અને પથરી થતાં અટકાવાય તો લાંબા સમય સુધી બીજી કોઈ તકલીફ થતી નથી.

મધ્યપેશીય કોષ્ઠી રોગ : આ ભાગ્યે જ જોવા મળતો પરંતુ અનિવાર્યપણે મૂત્રપિંડી નિષ્ફળતામાં પરિણમતો રોગ છે. જો તે બાળપણમાં થાય તો તેને દેહસૂત્રી પ્રચ્છન્ન વારસા(autosomal recessive)થી થતી યુવાનવયી મૂત્રકક્ષીણતા (juvenile nephronophthisis) કહે છે. મોટી ઉંમરે તે દેહસૂત્રી પ્રભાવી વારસાગત રોગ રૂપે જોવા મળે છે. બંને પ્રકારોમાં મધ્યપેશી અને બાહ્યક-મધ્ય પેશીના જોડાણ પર અનેક નાના-નાના કોષ્ઠો થાય છે. જેમ સમય જાય તેમ રોગ વધુ વિકસે છે અને મૂત્રકગુચ્છોમાં તંતુકાઠિન્ય (sclerosis) થાય છે. દર્દીને વારંવાર પેશાબ થવો, ફિક્કાશ થવી તથા થાક લાગવો જેવી તકલીફો થાય છે. પાછળ લોહીનું દબાણ વધે છે. યુવાનવયી વિકારમાં વહેલી મૂત્રપિંડી નિષ્ફળતા થાય છે અને શારીરિક વૃદ્ધિ પણ ઘટે છે. પેશાબમાં ક્ષાર વહી જતો હોવાથી દર્દીએ પુષ્કળ પ્રમાણમાં પાણી અને ક્ષાર લેવા પડે છે. ધ્વનિચિત્રણ અને સી. ટી. સ્કૅનમાં નાના કોષ્ઠો જોવા મળે છે. મૂત્રપિંડનું જીવપેશીપરીક્ષણ (biopsy) કરવાથી નિદાન થાય છે. તેની કોઈ વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ નથી.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ