મૂત્રપિંડશોથ, સદ્રોણી (Pyelonephritis) : તાવ, કેડમાં દુખાવો તથા પેશાબ કરતી વખતે તકલીફ થાય તેવો મૂત્રપિંડ અને મૂત્રપિંડ-દ્રોણી(renal pelvis)નો ચેપજન્ય વિકાર. મૂત્રપિંડમાં આવેલા મૂત્રકો(nephrones)માં તૈયાર થયેલું મૂત્ર નાની નાની નળીઓ દ્વારા એકઠું થઈને મૂત્રપિંડનળીમાં વહે છે. મૂત્રાશયનળીનો ઉપલો છેડો નાળચા જેવો પહોળો હોય છે. તેને મૂત્રપિંડ-દ્રોણી અથવા મૂત્રપિંડ-કુંડ (renal pelvis) કહે છે. મૂત્રપિંડની પ્રમુખપેશી (parenchyma) તથા તેમાં આવેલી મૂત્રપિંડ-દ્રોણીમાં જ્યારે ચેપ લાગે ત્યારે ટૂંકા સમયમાં શરૂ થયેલો વિકાર થાય છે. તેને ઉગ્ર સદ્રોણી મૂત્રપિંડશોથ  (acute pyelonephritis) કહે છે.

મોટે ભાગે ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ (gram-negative bacteria) દા.ત., ઈ. કોલી, પ્રોટિએસ, ક્લેબ્સિએલા, ઍન્ટેરોબૅક્ટર તથા સ્યૂડોમોનાસ વગેરે વડે ચેપ લાગે છે. ક્યારેક ઍન્ટેરોકોકસ ફિકાલિસ તથા સ્ટૅફાયલોકોકસ ઑરિયસ જેવા અથવા ગ્રામ-અભિરંજિત (gram-positive) જીવાણુઓ પણ ચેપ કરે છે. મોટાભાગના ચેપ નીચલા મૂત્રમાર્ગમાંથી વિપરીત માર્ગે ઉપર ચડીને મૂત્રપિંડને અસરગ્રસ્ત કરે છે પરંતુ સ્ટૅફાયલોકૉકસ જીવાણુનો ચેપ લોહી દ્વારા (રુધિરમાર્ગી, haematogenous) આવેલો હોય છે. ચેપ લાગવાને કારણે તેની સામે પ્રતિકાર કરવા માટે શરીર જે સ્થાનિક પ્રતિભાવ દર્શાવે છે તેને શોથ (inflammation) કહે છે. લોહીમાંના શ્વેતકોષો તથા કેટલાંક સ્થાનિક રસાયણોવાળું પ્રવાહી તે સ્થળે એકઠું થઈને પીડાકારક સોજો કરે છે તેને શોથ કહે છે. મૂત્રપિંડ તથા દ્રોણી બંનેમાં શોથનો વિકાર થતો હોવાથી આ રોગને સદ્રોણી-મૂત્રપિંડશોથ કહે છે.

મૂત્રમાર્ગે ઉદભવતા મૂત્રવહનમાંના અવરોધને કારણે ચેપ લાગવાની સંભાવના વધે છે. પુરુષોમાં પુર:સ્થગ્રંથિ (prostate gland) મોટી ઉંમરે વધે છે. સ્ત્રીઓમાં સગર્ભાવસ્થામાં કે ગર્ભાશય અથવા અંડપિંડની ગાંઠો થાય ત્યારે પણ મૂત્રમાર્ગ પર બહારથી દબાણ કરીને અવરોધ સર્જાય છે. સ્ત્રી-પુરુષમાં મૂત્રમાર્ગમાં પથરી હોય કે ગાંઠ થાય તો પણ આવી સ્થિતિ ઉદભવે છે. મૂત્રમાર્ગમાંના અવરોધને કારણે મૂત્રમાર્ગ(મૂત્રાશય કે મૂત્રપિંડ-દ્રોણી)માં મૂત્ર ભરાઈ રહે છે, જેમાં જીવાણુઓ ઊછરીને ચેપ કરે છે. મૂત્રમાર્ગમાં દબાણ વધવાને લીધે મૂત્ર ઊલટા માર્ગે ઉપર સરકે તો તે ચેપને ઉપર તરફ ધકેલે છે. મૂત્રમાર્ગના અવરોધમાં નિવેશિકાનળી (catheter) મૂકીને પેશાબ કરાવવો પડે છે અથવા મૂત્રમાર્ગમાં અંત:દર્શક-(endoscope)ની નળી નાંખીને નિદાન કરાય છે. આવા સમયે ચેપ લાગવાનો ભય વધે છે.

નિદાન : દર્દીને ટાઢ વાઈને તાવ આવે છે, કટિવિસ્તાર(loin)માં દુખાવો થાય છે તથા પેશાબ કરતી વખતે ઉતાવળ થવાની (અતિશીઘ્રમૂત્રતા, urgency) તથા દુખાવો થવાની (સપીડમૂત્રતા અથવા દુ:મૂત્રતા, dysuria) સંવેદના થાય છે. દર્દીને વારંવાર પેશાબ કરવા જવાની તકલીફ થઈ આવે છે. તેને પુનરાવર્તી મૂત્રતા (frequency of micturition) કહે છે. ઘણી વખત દર્દીને ઊબકા, ઊલટી તથા ઝાડા થઈ આવે છે. દર્દીના નાડીના ધબકારા ઝડપી બને છે તથા તેની પીઠમાં પાંસળીઓ અને કરોડસ્તંભના મણકા વચ્ચેના ખૂણાવાળા ભાગમાં દબાવવાથી દુખાવો થાય છે. તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. લોહીમાં શ્વેતકોષો વધે છે અને ઓછી કેન્દ્રખંડિકાઓ(nuclear lobes)વાળા તટસ્થ કોષો(neutrophils)ની સંખ્યા વધે છે. પેશાબમાં પૂયકોષો (pus cells), જીવાણુઓ તથા રક્તકોષો જાય છે. તેને અનુક્રમે સપૂયમૂત્રમેહ (pyuria), જીવાણુમૂત્રમેહ (bacteruria) અને રુધિરમૂત્રમેહ (haematuria) કહે છે. પેશાબમાં શ્વેતકોષોના બનેલા સૂક્ષ્મ ગઠ્ઠા વહે છે. તેને શ્વેતકોષ-ઘનરૂપ (white cell casts) કહે છે. પેશાબમાંના જીવાણુઓને યોગ્ય માધ્યમ પર ઉછેરી શકાય છે. તેને જીવાણુ-સંવર્ધન (bacterial culture) કહે છે. તેમાં જુદી જુદી ઍન્ટિબાયૉટિક-વશ્યતા જાણી લેવાય છે. આ પ્રકારની કસોટીને સંવર્ધન અને વશ્યતા કસોટી (culture and sensitivity test) કહે છે. આવી રીતે લોહીમાં ફરતા જીવાણુઓનું પણ સંવર્ધન કરીને ઍન્ટિબાયૉટિક-વશ્યતા શોધી શકાય છે. જો દર્દીને મૂત્રપિંડમાં લાગેલા ચેપની સાથે અન્ય કારણરૂપ વિકારો કે રોગો હોય (દા.ત., પથરી, મૂત્રમાર્ગમાં રોધ કે સજલમૂત્રપિંડશોફ, hydronephrosis હોય તો તે ધ્વનિચિત્રણ (sonography) વડે દર્શાવી શકાય છે.

પેટમાં જુદા જુદા અવયવોમાં ચેપને કારણે પીડાકારક કે તાવ લાવતા રોગો પણ ઘણી વખત ઉગ્ર સદ્રોણી-મૂત્રપિંડશોથ જેવાં લક્ષણો સર્જે છે માટે તેમની વચ્ચે નિદાનભેદ કરાય છે. તેમાં મુખ્ય રોગો છે – આંત્રપુચ્છશોથ (appendicitis), પિત્તાશયશોથ (cholecystitis), સ્વાદુપિંડશોથ (pancreatitis) તથા અંધનાલીશોથ (diverticulitis), જે અનુક્રમે આંત્રપુચ્છ (intestinal appendix), પિત્તાશય (gall bladder), સ્વાદુપિંડ (pancreas) તથા આંતરડાની દીવાલમાં ફુગ્ગાની માફક ફૂલીને નાની નાની કોથળી જેવી અંધનાલી (diverticulum) બની હોય તો તેમાં ચેપને કારણે થતા શોથવિકારો છે. પુરુષોમાં તેને પુર:સ્થગ્રંથિ (prostate gland) તથા અધિવૃષણ(epididymis)ના ચેપજન્ય શોથવિકારોથી અલગ પડાય છે. તેમને અનુક્રમે પુર:સ્થગ્રંથિશોથ (prostatitis) તથા અધિવૃષણશોથ (epididymitis) કહે છે. પુર:સ્થગ્રંથિ મૂત્રાશયની નીચે આવેલી છે અને તેમાંથી મૂત્રાશયનળી પસાર થાય છે, જ્યારે શુક્રપિંડ(વૃષણ)ની ઉપર નળીઓના ગૂંચળાથી અધિવૃષણ બને છે.

આનુષંગિક તકલીફો (complications) : જો ચેપ શરીરમાં ફેલાય તો તે લોહીનું દબાણ તથા રુધિરાભિસરણને અસર કરે છે અને આઘાત(shock)ની સ્થિતિ ઉદભવે છે. મધુપ્રમેહના દર્દીમાં જો વાયુ ઉત્પન્ન કરતા જીવાણુઓનો ચેપ લાગે તો તેની તરત અને પર્યાપ્ત સારવારની જરૂર પડે છે કેમ કે તે ક્યારેક ઘાતક નીવડે છે. ક્યારેક ચેપની સારવાર પૂરેપૂરી થયેલી ન હોય તો તે ગૂમડું કરે છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય સ્થપાય છે, પરંતુ જો કોઈ મૂત્રમાર્ગીય રોગ કે અન્ય કારણોની હાજરી હોય તો મૂત્રપિંડના રુઝાયેલા ભાગમાં ક્ષતચિહન (scar) રહી જાય છે. વારંવાર આવું થાય તો તેને કારણે ઉદભવતા મૂત્રપિંડના વિકારને દીર્ઘકાલી સદ્રોણી-મૂત્રપિંડશોથ (chronic pyelonephritis) કહે છે.

સદ્રોણી-મૂત્રપિંડશોથમાં કાં તો દવાથી ચેપ મટે છે અથવા અન્ય પરિસ્થિતિઓ ઉદભવે છે, જેમ કે મૂત્રપિંડ કે તેની આસપાસ ગૂમડું થાય, મૂત્રપિંડી પ્રાંકુરો(papilla)માં કોષનાશ (necrosis) થાય, વારંવાર ચેપ લાગ્યા કરે કે દીર્ઘકાલ સદ્રોણી-મૂત્રપિંડશોથના વિકારમાં તે પરિણમે, ઍન્ટિબાયૉટિક વડે સારવારને કારણે હવે ગૂમડું થવાની કે પ્રાંકુરી કોષનાશ (papillary necrosis) થવાની સંભાવના ઘણી ઘટેલી છે.

સારવાર : મુખ્ય સારવાર રૂપે યોગ્ય ઍન્ટિબાયૉટિક ઔષધનો પર્યાપ્ત ઉપયોગ કરવામાં આવે છે. તીવ્ર વિકાર હોય કે અન્ય રોગની હાજરી હોય (દા.ત., મધુપ્રમેહ) તો જરૂર પડ્યે તે કિસ્સામાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરાય છે. તે સમયે નસ દ્વારા ઔષધો અપાય છે. એમ્પિસિલિન, કોટ્રાઇમેક્ઝેઝોલ કે સિપ્રોફ્લોક્સાસિન કે ઑફ્લૉક્સાસિન જેવા ક્વિનોલોન જૂથનાં ઍન્ટિબાયૉટિક ઔષધો વડે સારવાર કરાય છે. સાથે સાથે મૂત્રપરીક્ષણ દ્વારા જીવાણુઓનું સંવર્ધન અને ઍન્ટિબાયૉટિક-વશ્યતાની કસોટી કરીને તેમને ઓળખી કાઢવામાં આવે છે તથા સૌથી વધુ અસરકારક ઔષધ પણ જાણી લેવામાં આવે છે. સારવારથી થયેલો લાભ તથા વશ્યતા-કસોટીના પરિણામને આધારે ઍન્ટિબાયૉટિકની સારવાર અપાય છે. ઉગ્ર સદ્રોણી-મૂત્રપિંડશોથના મોટા ભાગના કિસ્સામાં તે 3 અઠવાડિયાં માટે અપાય છે. દીર્ઘકાલી સદ્રોણી- મૂત્રપિંડશોથના દર્દીને તે 3થી 6 મહિના સુધી આપવાની ઘણી વખત જરૂર પડે છે.

સારવાર શરૂ કર્યા પછી ઘણી વખત 72 કલાક સુધી તાવ રહે છે. જો ધાર્યું પરિણામ ન જણાય તો ધ્વનિચિત્રણ કરાય છે. તેની મદદથી અન્ય વિકારો કે રોગો તથા આનુષંગિક તકલીફો થયેલી હોય તો તે જાણી શકાય છે. જો મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહેલો હોય તો નિવેશિકાનળી વડે તેને બહાર કઢાય છે. જો તે સંભવિત ન હોય તો મૂત્રપિંડછિદ્રણ (nephrostomy) કરીને સીધેસીધું મૂત્રપિંડમાંથી જ મૂત્રને બહાર કઢાય છે. ઝડપી નિદાન અને પર્યાપ્ત સારવાર હોય તો ઉગ્ર સદ્રોણી-મૂત્રપિંડશોથના ઉપચારનું પરિણામ સારું આવે છે પરંતુ મોટી ઉંમર, મધુપ્રમેહ જેવા રોગો તથા મૂત્રપિંડ કે મૂત્રમાર્ગના કોઈ અન્ય રોગો હોય તો ક્યારેક ધાર્યું પરિણામ મળતું નથી.

દીર્ઘકાલી સદ્રોણીમૂત્રપિંડશોથ (chronic pyelonephritis) : વારંવાર લાગતો ચેપ (ઉગ્ર સદ્રોણી-મૂત્રપિંડશોથ) રૂઝાય ત્યારે મૂત્રપિંડમાં ક્ષતચિહ્નો (scars) બને છે. ક્ષતચિહનમાં મુખ્યત્વે તંતુપેશી (fibrous tissue) હોય છે. ક્ષતચિહનો સિવાયનો મૂત્રપિંડ સામાન્ય પ્રકારનો હોય છે. જો અવરોધ કે અન્ય કોઈ કારણસર વારંવાર ચેપ લાગે તો ક્ષતચિહનોની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત લાંબા સમય સુધી મૂત્રપિંડની પેશીમાં શોથકારી વિકાર રહે તો ત્યાંની નાની અને અંતિમ ધમનીઓમાં સોજો આવે છે. તેને અંતિમ-ધમનીશોથ (end arteritis) કહે છે. તેને કારણે પણ મૂત્રપિંડની પેશીમાં ક્ષીણતા આવે છે. જો દર્દીને મૂત્રમાર્ગમાં અવરોધ હોય તો પેશાબ ભરાઈ રહે છે અને તે મૂત્રપિંડ પર અંદરથી દબાણ કરે છે. તેને કારણે મૂત્રપિંડના મધ્યક ભાગ(medulla)માં વિકૃતિ સર્જાય છે. ઉપર જણાવેલાં ક્ષતચિહનો પણ મૂત્રપિંડના મધ્યક ભાગમાં વિકૃતિ સર્જે છે. ક્ષતચિહનોની તંતુતાથી મૂત્રપિંડ બાહ્યકમાં આવતી વિકૃતિ, અંતિમ ધમનીશોથથી થતી મૂત્રપિંડની પેશીની ક્ષીણતા તથા મૂત્રમાર્ગમાંના અવરોધને કારણે મૂત્રપિંડ-મધ્યકમાં આવતી વિકૃતિ મૂત્રપિંડની રચના અને તેના કાર્યને વિષમ કરે છે. તેને કારણે વારંવાર ચેપ લાગે છે. વળી જો તેમાં લોહીનું દબાણ વધે તો મૂત્રપિંડને નુકસાન વધે છે. ક્ષતચિહ્નો, કોષનાશ તથા મૂત્રપિંડી વિકૃતીકરણને કારણે તેનું કદ ઘટે છે અને તેની સપાટી ખાંચાખૂંચીવાળી બને છે. મૂત્રકનલિકાઓ (renal tubules) વિકૃત બને છે. તેથી પેશાબની સાંદ્રતા વધારવાની ક્ષમતા ઘટે છે. આ સમગ્ર વિકારને દીર્ઘકાલી સદ્રોણી-મૂત્રપિંડશોથ કહે છે. સમય જતાં વિકાર વધે છે અને તેથી દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળ થાય છે, મૂત્રવિષરુધિરતા (uraemia) ઉદભવે છે અને તે અંતિમફલકીય મૂત્રપિંડરોગ (end stage renal disease, ESRD) કરે છે, જેથી મૃત્યુ થાય છે. મૂત્રવિષરુધિરતાને કારણે થતાં મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુ દીર્ઘકાલી સદ્રોણી-મૂત્રપિંડશોથને કારણે થાય છે.

ક્ષયરોગજન્ય સદ્રોણીમૂત્રપિંડશોથ : ફેફસામાંનો ક્ષયરોગ લોહી દ્વારા ફેલાઈને અથવા નીચલા મૂત્ર-જનનમાર્ગનો ક્ષયરોગ ઉપર તરફ ફેલાઈને સદ્રોણી-મૂત્રપિંડશોથ કરે છે. સામાન્ય રીતે તે એક બાજુના મૂત્રપિંડને અસર કરે છે. તાવ, રાત્રે પરસેવો અને વજનનો ઘટાડો થાય છે. મૂત્રપિંડમાં ચેપ છે એવું દર્શાવતાં કોઈ વિશિષ્ટ લક્ષણો કે ચિહનો ન પણ હોય અથવા ક્યારેક કેડમાં દુખાવો અને પેશાબમાં બળતરા તથા લોહી વહેવાનો વિકાર થાય છે. જો સાથે સાથે અન્ય જીવાણુઓથી ચેપ લાગે તો પૂયમૂત્રમેહ (pyuria) થાય છે. મૂત્રપિંડમાંના ક્ષયરોગની સારવાર અન્ય સ્થાનના ક્ષયરોગની સારવારના સિદ્ધાંતો મુજબ કરાય છે, પરંતુ તે વધુ સમય માટે કરવી પડે છે.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ