મુહસિનુલ મુલ્ક, નવાબ મેહદીઅલી (જ. 9 ડિસેમ્બર 1837, ઇટાવા અ. 16 ઑક્ટોબર 1907, સંજોલી, સિમલા) : અગ્રિમ ઉર્દૂ લેખક તથા વિચારક. સૈયદ મેહદીઅલી મુહસિનુલ મુલ્કે પોતાની કારકિર્દીની શરૂઆત સરકારી નોકરીથી કરી હતી. તેઓ ઉત્તર પ્રદેશમાં શિરસ્તેદાર, તહસીલદાર તથા નાયબ કલેક્ટરની પદવી સુધી પહોંચ્યા હતા. 1874માં નિઝામ હૈદરાબાદની સેવામાં દાખલ થઈને તેમણે મહેસૂલ તથા કાયદાને લગતા વહીવટમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. તેમની સેવાની કદર કરીને તેમને પ્રથમ ‘મુનીરનવાઝ જંગ બહાદુર’નો ખિતાબ, 2,500 ઝાત અને 500 સવારનું માન મળ્યું હતું. થોડા જ સમય પછી નવાબ ‘મુહસિન ઉદ્-દૌલા મુહસિનુલ મુલ્ક’નો ખિતાબ પણ અર્પણ થયો હતો.

તેમણે 1893માં હૈદરાબાદ રાજ્યની નોકરી છોડી અને તેઓ સર સૈયદ અહમદખાનની રાષ્ટ્રીય તથા શૈક્ષણિક ચળવળમાં જોડાયા હતા. તેમને સર સૈયદની ચળવળના સૌથી વધુ ઉલ્લેખનીય સભ્ય ગણવામાં આવે છે. જોકે તેમને સર સૈયદના ધાર્મિક વિચારો પ્રત્યે અણગમો હતો, છતાં તેઓ અલીગઢ ચળવળ સાથે સંકળાયેલી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા હતા. તેઓ સાયન્ટિફિક સોસાયટી, મુસલમાનોની શૈક્ષણિક પ્રગતિ વગેરે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત અલીગઢ કૉલેજના ટ્રસ્ટી હતા તથા સર સૈયદે શરૂ કરેલ સામયિક ‘તેહઝીબ-ઉલ-અખ્લાક’માં નિયમિત રીતે લેખો લખતા હતા. સર સૈયદના અવસાન બાદ તેઓ 1907 સુધી અલીગઢ કૉલેજના સેક્રેટરીના પદ ઉપર રહ્યા હતા. તેમને કૉલેજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુરોપિયન સ્ટાફનો અસહકાર, વિદ્યાર્થી-હડતાળ, કૉલેજના બીજા અધિકારીઓ સાથે મતભેદ, ઉત્તર પ્રદેશના અંગ્રેજ ગવર્નર સર ઍન્ટની મૅકડૉનલ્ડ સાથે ઉર્દૂ-હિન્દીના મતભેદ તથા કૉલેજના વહીવટમાં સરકારી દખલ અંગે વિવાદ – આમ અનેક પ્રશ્નોનો તેમણે સામનો કર્યો હતો અને તે સાથે તે જ સમયગાળા દરમિયાન અલીગઢ કૉલેજની શાનદાર પ્રગતિ પણ જાળવી રાખી હતી. તેમણે બંધ પડેલા ‘અલીગઢ ઇન્સ્ટિટ્યૂટ ગૅઝેટ’ને 1901માં ફરીથી ચાલુ કર્યું; અલીગઢમાં કન્યાશાળા શરૂ કરી અને મુસ્લિમ એજ્યુકેશનલ કૉન્ફરન્સનું કામ પણ આગળ ધપાવ્યું. તેમણે સર સૈયદના બુદ્ધિવાદી વિચારોનો તો વિરોધ કર્યો ન હતો, પરંતુ આધુનિક શિક્ષણને લઈને સમાજ ધર્મથી દૂર જઈ રહ્યો હતો તેનું તેમને ઘણું દુ:ખ હતું. આથી મુસ્લિમ ઉલેમાઓ સર સૈયદ કરતાં તેમને સ્વીકાર્ય ગણતા હતા. મુહસિનુલ મુલ્કે સર સૈયદના વિચારોને ઉદાર અને સ્વીકાર્ય બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. અલીગઢના સામયિક ‘તેહઝીબ-ઉલ-અખ્લાક’માં પ્રગટ થયેલા તેમના નિબંધો, વિચાર તથા ભાષાની ર્દષ્ટિએ ઉર્દૂ સાહિત્ય તથા હિન્દુસ્તાનમાંના મુસ્લિમ વિચારધારાની પ્રગતિના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અલીગઢ ચળવળના લેખકોમાં સર સૈયદ પછી તેમનું જ સ્થાન લેખાય છે. તેમણે એક તરફ અરબ ઇતિહાસકાર અને સમાજવિદ્યાના સ્થાપક ઇબ્ને ખલદૂનના ઇતિહાસ વિશેના વિચારોની છણાવટ કરી છે તો બીજી તરફ મહાન મુસ્લિમ વિચારક ઇમામ ગઝાલીના નીતિ વિશેના વિચારોની સમજૂતી આપી છે. સંસ્કૃતિ અને સભ્યતા વિશેનાં તેમનાં લખાણો નોંધપાત્ર ગણાયાં છે. તેમના ગ્રંથો આ પ્રમાણે છે : (1) ‘મીલાદ શરીફ’ (1860), (2) ‘આયાતે બપ્પિનાત’ (1870), (3) ‘રિસાલાહાએ ક્વાનીન’ (ફોજદારી તથા રેવન્યૂ કાયદા), (4) ‘કિતાબ-ઉલ-મુહબ્બત વ અલ-શોખ’ (ઇમામ ગઝાલીની એક કૃતિનો ખુલાસો, (5) ‘તકલીદ વ અમલ’, (6) વ્યાખ્યાન-સંગ્રહ (1904), (7) ‘તેહઝીબ-ઉલ-અખ્લાક’ના નિબંધો, (8) ‘મકાતિબાદ-અલ-ખિલાન’ (પત્ર-સંગ્રહ), (9) ‘મકાતીબ મુહસિનુલ મુલ્ક’.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી