મુલ્લા વજ્હી (જ. ; અ. 1659) : ઉર્દૂના પ્રશિષ્ટ કવિ તથા લેખક. આખું નામ મુલ્લા અસદુલ્લા વજ્હી. તેમણે ગોલકોન્ડા(હૈદરાબાદ)માં ઉર્દૂ ભાષાને નવું રૂપ આપ્યું. તેઓ સુલતાન મુહમ્મદ કુલી કુતુબશાહના દરબારી રાજકવિ હતા. પદ્યમાં તેમનું મસ્નવી કાવ્ય ‘કુતુબ-મુશ્તરી’ અને ગદ્યમાં ‘સબરસ’ નામની તેમની સાહિત્યિક કૃતિ ઉર્દૂમાં અગ્રસ્થાન ધરાવે છે.

મુલ્લા વજ્હી

મુલ્લા વજ્હી તેમના આશ્રયદાતાની જેમ ભોગવિલાસમાં ડૂબેલા અને સ્વભાવે કવિ હતા. તેમની પદ્યકૃતિ ‘કુતુબ-મુશ્તરી’ની (1609) ઉર્દૂની પ્રાચીનતમ મસ્નવીઓમાં ગણના થાય છે. આ કાવ્યમાં સુલતાન મુહમ્મદ કુલી કુતુબશાહ અને મુશ્તરીની પ્રેમવાર્તા વર્ણવવામાં આવી છે. સુલતાનને ભાગમતી નામની નૃત્યાંગના સાથે ઉત્કટ પ્રેમ હતો અને તેના નામ ઉપરથી નવા વસાવેલા નગરનું નામ ભાગનગર રાખ્યું હતું. પોતાના મહેલમાં દાખલ કરીને સૌપ્રથમ તેને ‘મુશ્તરી’નું ઉપનામ અને પાછળથી ‘હૈદરમહેલ’નું શુભ નામ આપ્યું હતું. આ જ મુશ્તરી અથવા હૈદરમહેલનું નામ ભાગનગરને આપીને તેનું નામ હૈદરાબાદ રાખ્યું, જે આજદિન સુધી પ્રચલિત છે. કવિએ કદાચ સુલતાનના કહેવાથી ‘કુતુબ-મુશ્તરી’ની પ્રેમકથાને કવિતાનું રૂપ આપ્યું હતું. કવિએ જીવનના એક ઐતિહાસિક સત્યને પ્રેમકથા(દાસ્તાન)નાં બધાં પરિમાણો દાખલ કરીને એક આકર્ષક કલામય રૂપ આપ્યું છે. આ મસ્નવી તેની ભાષા, તેની કાવ્યાત્મકતા અને તેના વર્ણનની ખૂબીઓને લઈને ઘણી નોંધપાત્ર ગણાઈ છે. 1611માં સુલતાન કુલી કુતુબશાહના અવસાન પછી કવિ મુલ્લા વજ્હી નિવૃત્ત તથા ગુમનામ થઈ ગયા. 27 વર્ષના ગાળા પછી નવા રાજવી અબ્દુલ્લા કુતુબશાહે વજ્હીને એક પ્રેમકથા લખવા આમંત્રણ આપ્યું. કવિએ આ વખતે ગદ્યમાં ‘સબરસ’ નામે પ્રેમવાર્તા લખી તેની પહેલાં ઉર્દૂ ગદ્યમાં માત્ર ધાર્મિક રંગની કૃતિઓ લખાતી હતી. વજ્હીની ‘સબરસ’ ઉર્દૂની પ્રથમ સાહિત્યિક ગદ્યકૃતિ ગણાઈ છે. આ એક રૂપકકથા છે અને તેનાં મૂળ એક ફારસી દાસ્તાનમાં મળે છે. 1436માં મુહમ્મદ યહયા ફત્તાહી નીશાપૂરીએ ‘દસ્તૂરે ઉશ્શાક’ નામનું રૂપકકાવ્ય લખ્યું અને પાછળથી તેનો ખુલાસો ફારસી ગદ્યમાં ‘કિસ્સએ હુસ્ન વ દિલ’ નામે તૈયાર કર્યો. આ કૃતિઓમાં વર્ણવવામાં આવેલી પ્રેમકથાએ 300 વર્ષ સુધી ઈરાન, તુર્કી તથા હિંદના સાહિત્યકારોને પ્રભાવિત કર્યા હતા અને તેના પરિણામે અનેક વાર તેનું અનુકરણ થયું હતું. ઓગણીસમી તથા વીસમી સદીમાં યુરોપમાં અંગ્રેજ તથા જર્મન વિદ્વાનોએ પણ તેના અનુવાદો કર્યા હતા. એવું જણાય છે કે વજ્હીએ ‘દાસ્તાને હુસ્ન વ દિલ’ના નમૂના ઉપરથી ‘સબરસ’ નામનું ગદ્ય-રૂપક ઉર્દૂમાં લખ્યું હતું. એક રૂપકના સ્વરૂપમાં ‘સબરસ’ સંપૂર્ણ અને અજોડ કૃતિ છે. ભાષાની ર્દષ્ટિએ પણ તેનું આગવું મહત્વ છે. વજ્હીએ આ કૃતિ દ્વારા પ્રાચીન દક્કની ઉર્દૂને નવીન ઉર્દૂની નજીક પહોંચાડવામાં ઘણો પુરુષાર્થ કર્યો છે.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી