મુફતી, સદરુદ્દીન આઝુર્દા

February, 2002

મુફતી, સદરુદ્દીન આઝુર્દા (જ. 1789; અ. 16 જુલાઈ 1868) : ઉત્તર ભારતના ઓગણીસમી સદીના પ્રખર વિદ્વાન અને ન્યાયાધીશ. તેમણે દિલ્હીની મોગલ સલ્તનતના છેલ્લા દિવસોમાં મુફતી તરીકે અને અંગ્રેજી શાસનના શરૂઆતના દિવસોમાં સદ્ર-ઉસ-સુદૂર (મુખ્ય ન્યાયાધીશ) તરીકે પ્રશંસનીય સેવા બજાવી હતી. વળી તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. તેમના શિષ્યોમાં કેટલાયે મુસ્લિમ આગેવાનો હતા. વળી તેમના મિત્રવર્તુળમાં મિર્ઝા ગાલિબ, મોમિન, નવાબ મુસ્તુફાખાન શૈફતા અને બીજા અનેક યુગપુરુષોનાં નામ લેવામાં આવે છે. મુફતી સદરુદ્દીનના પિતા મૌલવી લુત્ફુલ્લાહ કાશ્મીરી, દિલ્હીના એક વિદ્વાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમનું કુટુંબ વિદ્યા અને સભ્યતા બંને માટે વખણાતું હતું. મુફતી સદરુદ્દીનને બાળપણમાં દિલ્હીના પ્રખર વિદ્વાનોએ ધાર્મિક અને પરંપરાગત શિક્ષણ આપ્યું હતું. તેઓ દિલ્હી કૉલેજ જેવી સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં નિરીક્ષક તથા પરીક્ષક પણ હતા. તેમણે સતત 30 વર્ષ સુધી સરકારી નોકરી કરી હતી. દિલ્હીની જામે મસ્જિદ પાસે તેમની હવેલી હતી, જેમાં રોજ રાત્રે શહેરના આગળ પડતા વિદ્વાનો, કવિઓ, લેખકો, ધર્મપુરુષો તથા કલાકારોની મહેફિલ જામતી હતી. તેઓ ઉર્દૂ અને ફારસી બંને ભાષાઓમાં કાવ્યો લખતા હતા અને દિલ્હીનાં કવિસંમેલનોમાં ભાગ લેતા હતા. 1857ના આઝાદીના પ્રથમ જંગમાં તેમણે બહાદુરશાહ ‘ઝફર’નો પક્ષ લીધો હતો, તેથી અંગ્રેજોએ તેમને કેદ કર્યા હતા તથા તેમની માલમિલકત, હોદ્દા અને જાગીર વગેરે જપ્ત કરી લીધાં હતાં. મુફતી સદરુદ્દીનને સૌથી વધુ અફસોસ પોતાના કીમતી પુસ્તકાલયનો હતો, જેના માટે તેમણે કેદમાંથી છૂટ્યા પછી લાહોર જઈને અંગ્રેજ કમિશનરને ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ તેમણે જીવનનાં છેલ્લાં વર્ષો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં અને ધર્માચરણમાં ગાળ્યાં હતાં. તેમનો ઘણો સમય કુરાનની તફસીર અને હદીસના અભ્યાસમાં જતો હતો. ડિસેમ્બર, 1867માં તેમને લકવો થતાં 16 જુલાઈ, 1868માં તેમનું અવસાન થયું. તેમને દરગાહ ચિરાગ-દિલ્હીમાં દફન કરવામાં આવ્યા હતા. મુફતી સદરુદ્દીન અરબી, ફારસી તથા ઉર્દૂના સારા લેખક હતા અને તેમણે ઇસ્લામી વિદ્યાઓ વિશે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં હતાં. ઉર્દૂ-ફારસીમાં પત્રલેખનની શૈલીને તેમણે નવો વળાંક આપ્યો હતો. તેમની મોટાભાગની કૃતિઓ અપ્રાપ્ય છે. તેમનાં ઉર્દૂ-ફારસી કાવ્યો જુદાં જુદાં જીવન-ચરિત્રો(તઝકિરાઓ)માં મળી આવે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી