મુન્સેલ રંગ-પ્રણાલી (Munsell Colour System) : જુદા જુદા રંગોને ઓળખવા કે તેમને ચિહનિત કરવા માટે રચવામાં આવેલી એક ખાસ પદ્ધતિ. તે વીસમી સદીના આરંભે આલ્બર્ટ એચ. મુન્સેલ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. મુન્સેલ એક અમેરિકન કલાકાર તેમજ કલા-પ્રશિક્ષક હતા. મુન્સેલ રંગ-પ્રણાલીમાં વિવિધ રંગોનું વર્ગીકરણ કરવા માટે પ્રત્યેકનાં વર્ણ (hue), મૂલ્ય (value) અને રંજકતા(chroma)ના આધારે એક માપક્રમ બનાવવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ આ ત્રણેય બાબતો અનુક્રમે સૌથી વધુ મહત્વની તરંગ-લંબાઈ, પ્રકાશીય તીવ્રતા (intensity) અને રંગની શુદ્ધતા દર્શાવે છે. ઉક્ત રંગ-પ્રણાલી હવે આંતરરાષ્ટ્રીય ધોરણે વાપરવામાં આવે છે અને તે દ્વારા રાસાયણિક રંગો (dyes) કે વર્ણકો(pigments)ને સુસ્પષ્ટ કરી શકાય છે.

મુન્સેલે 1913માં આ રંગ-પ્રણાલી રજૂ કરી અને તેને લગતી નકશાપોથી (atlas) પણ પ્રસિદ્ધ કરી. આ નકશાપોથીમાં 15 જેટલા નકશાઓની મદદથી સેંકડો રંગપટ્ટીઓ(colour-strips)ને ઉપર્યુક્ત ત્રણ બાબતોના આધારે વર્ગીકૃત કરવામાં આવી. 1918માં આ કલાકારના અવસાન બાદ સ્થપાયેલ મુન્સેલ કલર કંપનીએ તેનું કાર્ય ચાલુ રાખ્યું. 1929માં ઉક્ત નકશાપોથીની નવી આવૃત્તિ ‘Munsell Book of Colours’ના નામે પ્રસિદ્ધ કરવામાં આવી. આ સાથેના ચિત્રમાં મુન્સેલ-પ્રણાલીની ત્રિ-પરિમાણી રજૂઆત કરવામાં આવી છે; તેને ‘મુન્સેલ ટ્રી’ પણ કહે છે.

કમલનયન ન. જોશીપુરા