મુન્નીબાઈ (જ. 1902; અ. બિજાપુર જિલ્લાના એક ગામમાં) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિનાં અભિનેત્રી. 10 વર્ષની વયે ખુરશેદજી મહેરવાન બાલીવાલાની ‘વિક્ટોરિયા થિયૅટ્રિકલ કંપની’થી કારકિર્દીની શરૂઆત. ત્યારે પગાર રૂ. 10. 1911માં ‘સૈફાઈ મુસલમાન’માં ‘માસૂમા’નું પાત્ર ભજવ્યું. કંપનીના દિગ્દર્શક હોરમસજી પાસેથી નાટ્યકળાનું અને લતીફખાં પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. 13 વર્ષની ઉંમરે નાયિકાની ભૂમિકા ભજવતાં થયાં. ‘હરિશ્ર્ચંદ્ર’, ‘દિલ કી પ્યાસ’, ‘રાજા ગોપીચંદ’, ‘આશિક કા ખૂન’ વગેરે નાટકોમાં સુમધુર ગાયકી સાથે કુશળ અભિનયના પરિણામે પ્રશંસા પામ્યાં. તેથી તેમનો પગાર વધીને રૂ. 120 થયો.

મુન્નીબાઈ

1926માં નકુભાઈ કાળુભાઈ શાહના શ્રી આર્યનૈતિક નાટક સમાજમાં જોડાયાં. ‘રતી મડમ’, ‘રા’ ક્વાટ’, ‘હૅન્ડસમ બ્લેગાર્ડ’ અને ‘એક અબળા’ (‘નિરંજના’નું પાત્ર) જેવાં નાટકોમાં પણ કીર્તિ કમાયાં. 1935માં બાપુલાલ બી. નાયકની ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’નાં નાટકો ‘ઘેલી ગુણિયલ’, ‘નેપોલિયન’ તથા ‘સુકન્યા-સાવિત્રી’માં અભિનય આપ્યો અને 2 નાટકોમાં સંગીત આપ્યું. 1939માં સંસ્થા બંધ થઈ. 1940થી 1944 સુધી ધ ન્યૂ બાલીવાલા ડ્રામૅટિકનાં 10 નાટકોમાં અભિનય આપવાની સાથોસાથ સંગીતનિયોજન પણ સંભાળ્યું. 1946માં સંસ્થાની માલિકી સંભાળી 3 નાટકો રજૂ કર્યાં. ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીએ 14 ઑગસ્ટ 1964ના રોજ મુન્નીબાઈનું સન્માન કર્યું હતું.

ધીરેન્દ્ર સોમાણી