મુદ્રણ

મુદ્રણ એટલે મુખ્યત્વે કાગળ ઉપર શાહીથી કરવામાં આવતું છાપકામ. આજે પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો તથા અન્ય મુદ્રિત સામગ્રી એટલી તો સુલભ છે કે મુદ્રણની શોધ થઈ તે પહેલાં આ વસ્તુઓ હતી જ નહિ અને મુદ્રણની શોધ થઈ ત્યારપછીના દાયકાઓમાં તે અત્યંત દુર્લભ હતી તે માનવાનું પણ અઘરું લાગે છે.

મુદ્રણના ઉદગમ અને વિકાસની કથા રોમાંચક છે. શાહીના અત્યંત પાતળા પડ અથવા આવરણને એક સપાટી પરથી બીજી સપાટી પર સામાન્ય દબાણ આપી ફેરવવાની પ્રક્રિયા અને તેનું જોઈતા પ્રમાણમાં પુનરાવર્તન એવી મુદ્રણની સાદામાં સાદી વ્યાખ્યા આપી શકાય. નાના મુદ્રણાલયમાં છાપકામના નાનામાં નાના ટ્રેડલ મશીન પર થતું છાપકામ અને વર્તમાનપત્ર છાપવાના ગંજાવર રોટરી મશીન પરથી પાણીના ધોધની જેમ છપાઈને બહાર પડતાં વર્તમાનપત્રોના છાપકામમાં મૂળગત રીતે તો મુદ્રણની આ સાદી વ્યાખ્યા પ્રમાણે શાહીના અત્યંત પાતળા આવરણને એક સપાટી પરથી બીજી સપાટી પર કાગળ પર સામાન્ય દબાણ આપી ફેરવવાની પ્રક્રિયા અને તેનું સતત પુનરાવર્તન જ થતું હોય છે.

આ પ્રક્રિયાને તદ્દન સામાન્ય અને સુલભ એવા રબર-સ્ટૅમ્પના ઉદાહરણ દ્વારા સમજી શકાય.

મુદ્રણની પ્રક્રિયા : રબર-સ્ટૅમ્પનો હાથો પકડી તેની પીઠ જોતાં રબર-સ્ટૅમ્પથી જે છાપ લેવાની છે તેની આયનામાં દેખાય છે તેવી અવળી પ્રતિકૃતિ જોવા મળશે. જરા ધ્યાનથી જોતાં જણાશે કે આ અવળી છાપવાળા અક્ષરો એકસરખી ઊંચી સપાટી પર છે અને તે સિવાયનો ભાગ, જેની છાપ નથી લેવાની તે, એકસરખી નીચી સપાટી પર છે. રબર-સ્ટૅમ્પમાં અક્ષરો સિવાયના આ ભાગને કોતરી કાઢેલો હોય છે.

એટલે જ્યારે રબર-સ્ટૅમ્પને ઇન્ક-પૅડ પર દબાવવામાં આવે છે. ત્યારે એકસરખી ઊંચી સપાટી પર આવેલા અક્ષરો (અલબત્ત, અવળા) પર શાહી લાગે છે. તેના કોતરી કાઢેલા એકસરખી નીચી સપાટીવાળા ભાગ પર શાહી લાગતી નથી. ત્યારબાદ શાહી લગાડેલા રબર-સ્ટૅમ્પને કાગળ પર દબાવતાં એકસરખી ઊંચી સપાટીવાળા અવળા અક્ષરો પર લાગેલું શાહીનું અતિ  પાતળું પડ (ફિલ્મ) કાગળ પર અંકાઈ જાય છે, છપાઈ જાય છે. કાગળ પર છપાયેલી આ છાપ સવળી હોય છે. આમ, એક વખત રબર-સ્ટૅમ્પથી કાગળ પર છાપ લેતાં મુદ્રણની પ્રક્રિયાનું એક ચકરડું પૂરું થાય છે. બીજી વાર છાપ લેવા રબર-સ્ટૅમ્પને ફરી ઇન્ક-પૅડ દર દબાવવો પડે છે. તેમાં એકસરખી ઊંચી સપાટી પર આવેલા અક્ષરો પર ફરી શાહીનું પડ લાગી જાય છે અને તેને કાગળ પર દબાવતાં એ પડ કાગળ પર ફરીથી અંકાઈ જાય છે, છપાઈ જાય છે અને મુદ્રણનું બીજું ચકરડું પૂરું થાય છે.

આમ શાહીના અત્યંત પાતળા પડને એક સપાટી પરથી બીજી સપાટી પર સામાન્ય દબાણ આપી ફેરવવાની પ્રક્રિયા અને તેનું જરૂર મુજબ પુનરાવર્તન એટલે મુદ્રણ.

આ પ્રક્રિયાને હવે મુદ્રણની પરિભાષામાં જોઈએ. રબર-સ્ટૅમ્પનો જે ભાગ છાપવાનો છે તેને છાપભાગ (image area) કહે છે. જે ભાગ નથી છાપવાનો તેને કોરો ભાગ (non-image area) કહે છે. રબર- સ્ટૅમ્પમાં છાપભાગ એકસરખી ઊંચી સપાટી પર છે અને કોરો ભાગ એકસરખી નીચી સપાટી પર રહે છે. એટલે જ્યારે રબર-સ્ટૅમ્પને ઇન્ક-પૅડ પર દબાવવામાં આવે છે ત્યારે છાપભાગ પર શાહી લાગે છે અને જે ભાગની છાપ લેવાની નથી હોતી તે કોરા ભાગ પર શાહી લાગતી નથી. પછી રબર-સ્ટૅમ્પને કાગળ પર દબાવતાં છાપભાગ પર લાગેલું શાહીનું અત્યંત પાતળું પડ (film) કાગળ પર અંકિત થઈ જાય છે અને બાકીનો કાગળ છે તેવો કોરો રહી જાય છે. આમ, મુદ્રણનું એક ચકરડું પૂરું થાય છે. આ રીતે જેટલી છાપ જોઈતી હોય તેટલી વાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું રહે છે.

મુદ્રણનો ઇતિહાસ : મુદ્રણની શોધના શરૂઆતના તબક્કામાં જે છાપકામ થતું તે રબર-સ્ટૅમ્પથી સિક્કા મારવાની પ્રક્રિયાને મળતું આવતું હતું. મુદ્રણની શોધ કોણે કરી એ વિશે આજે ઠીક-ઠીક મતમતાંતરો પ્રવર્તે છે. પરંતુ એક વાત નક્કી છે કે કાગળ બનાવવાની અને લાકડાના ટુકડાઓ પર અક્ષરો કોતરી કાઢી તેના પરથી છાપકામ કરવાની કળા ચીનમાં છેક નવમી સદીમાં અસ્તિત્વમાં હતી. ઈ. સ. 1900માં ચીનમાં એક ગુફામાંથી દુનિયાનું જૂનામાં જૂનું છાપેલું પુસ્તક મળી આવ્યું છે. તે ઈ. સ. 1035માં આ ગુફામાં મૂકી દેવામાં આવ્યું હોવાનું મનાય છે. ‘હીરકસૂત્ર’ નામનું આ પુસ્તક, કાગળના સાત ટુકડાઓને સાંધીને બનાવેલા વીંટાના રૂપમાં છે અને તેના પર જોવા મળતા ઉલ્લેખો મુજબ તે 11મી મે ઈ. સ. 868ના અરસામાં છપાયું હોવાનું અનુમાન છે.

લાકડાના ટુકડા પર રબર-સ્ટૅમ્પની જેમ અક્ષરો કોતરી કાઢી તે પરથી છાપવાની કળા ચીને સારી પેઠે વિકસાવી હતી. ચીન અને જાપાનમાં લાકડાના બીબા પરથી ખાસ પ્રકારનું ઉત્તમ મુદ્રણ કરવાનું હજુ ત્રણ દાયકા પહેલાં પણ ચાલુ હતું. ઈ. સ. 1049માં ચીનમાં અક્ષરોનાં માટીનાં બીબાં બનાવી, તેને પકવી, જરૂરિયાત મુજબ ગોઠવી, તે પરથી છાપકામ કરવાનો પ્રયોગ થયો હતો. આ પછી 13મી સદીમાં કોરિયામાં મુદ્રણ માટે ધાતુનાં બીબાં બનાવવાનો પ્રયોગ થયાનો ઉલ્લેખ છે; પરંતુ ચીન, કોરિયા અને જાપાનની લિપિ મુદ્રણ માટે અનુકૂળ ન હોવાથી આ પ્રયોગ ઝાઝો સફળ થયો નહોતો એમ લાગે છે.

14મી સદીમાં લાકડાના ટુકડા પર અક્ષરો કોતરી તેની છાપ લેવાની કળા ખૂબ વિકસી હતી. પરંતુ તેનાથી પુસ્તકોની ઘણી પ્રતો તથા ઘણાં પુસ્તકો છાપવાનું મુશ્કેલ હતું. લાકડા પર ઝીણા અક્ષરો કોતરવાનું મુશ્કેલ હતું, તેથી મોટા અક્ષરો કોતરવા પડતા. એક પાનામાં મર્યાદિત સંખ્યામાં લીટીઓ સમાતી અને પુસ્તકનું કદ મોટું થઈ જતું. એક લીટીમાં થોડાક જ શબ્દો અને એક પાનામાં થોડીક જ લીટીવાળાં આવાં પુસ્તકો વાંચવાનું કંટાળાજનક થઈ પડતું.

આમાંથી આખાં ને આખાં પાનાં કોતરવાને બદલે, જો દરેક અક્ષરનું જુદું જુદું બીબું કોતરી રાખ્યું હોય તો એ અક્ષરોને જરૂર મુજબ ગોઠવી તેના પરથી છાપકામ કરવાનો વિચાર વિકસ્યો. એમ થાય તો એકનાં એક બીબાંને જરૂર મુજબ ગોઠવી, છાપકામ કરી, છૂટાં પાડી, વારંવાર ઉપયોગમાં લઈ શકાય.

પરંતુ દરેક અક્ષર માટે લાકડાનું જુદું જુદું બીબું બનાવવાનું મુશ્કેલ હતું. નાનીસરખી સળીની ટોચ પર એક અક્ષર કોતરવાનું યા ઉપસાવવાનું શક્ય નહોતું. તેથી પહેલાં માટીના, પછી તાંબા અને જસતની મિશ્ર ધાતુ અને કલાઈના ટાઇપ ઢાળવાનો પ્રયોગ થયો, પણ ચીનની ચિત્રલિપિની ક્લિષ્ટતાને કારણે તે ચીન અને કોરિયામાં સફળ ન થયો.

મુદ્રણનો આદ્યપ્રવર્તકજૉન ગૂટનબર્ગ : ચીનાઓ ધાતુના ટાઇપ ઢાળવાની પદ્ધતિ પ્રચલિત કરી શક્યા નહિ. પણ ચીન અને કોરિયા થઈ પશ્ચિમના દેશોમાં પહોંચેલા આ વિચારને ઈ. સ. 1450ના અરસામાં જૉન ગૂટનબર્ગે મૂર્ત સ્વરૂપ આપ્યું. વિજ્ઞાનના વિકાસને ધાતુના ઉપયોગના શાસ્ત્ર સાથે સાંકળી તેણે દરેક અક્ષરનાં છૂટાં છૂટાં બીબાં ઢાળવાની સહેલી અને કાર્યક્ષમ રીત શોધી કાઢી. છાપકામ માટેના ટાઇપ પાડવામાં આજે જેને મોલ્ડ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરી મિશ્રધાતુનાં બીબાં ઢાળવાની તેણે શોધ કરી. તેથી પશ્ચિમે તેને મુદ્રણના પિતા તરીકે નવાજ્યો.

જૉન ગૂટનબર્ગ

ગૂટનબર્ગે લોખંડના કડક સળિયાના ટેરવા પર દરેક અક્ષરનું, અરીસામાં દેખાય છે તેવું અવળું બીબું દોરી, તે સિવાયના ભાગને કોતરીને કાઢી નાખ્યો. આમ દરેક અક્ષર માટે ‘પંચ’ બનાવી, તેને પિત્તળ કે તાંબાની સપાટ પટ્ટી પર મૂકી, તેની પર જોરથી હથોડી ઠોકી, પિત્તળ કે તાંબાની પટ્ટી પર અક્ષર કોતરી કાઢ્યો અને તેમ થતાં છાપકામ માટેના અક્ષરો ઢાળવા માટેનું બીબું તૈયાર થઈ ગયું. આ બીબું ‘મેટ્રિક્સ’ તરીકે ઓળખાય છે. તે રીતે અંગ્રેજીના 26 અક્ષરો માટે 26 મેટ્રિક્સ તૈયાર થઈ એટલે તે પરથી જોઈએ તેટલા ટાઇપ ઢાળી શકાય એવી સગવડ થઈ. જુદા જુદા કદના ટાઇપ માટે આવા 26 મેટ્રિક્સના સેટ બનાવવાથી જુદા જુદા કદમાં ટાઇપ મળે એવું શક્ય થયું.

ગૂટનબર્ગની આ શોધ એ જમાનામાં ક્રાન્તિકારી શોધ હતી. તેણે બનાવેલાં પંચ, મેટ્રિક્સ, મોલ્ડ અને તે પરથી વિપુલ પ્રમાણમાં સરળતાથી ઢળાતાં બીબાંને જોઈએ તે મુજબ ગોઠવતા જઈ, શબ્દ વચ્ચેની જગ્યા છોડવા બીબાંની ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈનું બીબું (space) ગોઠવતા જઈ શબ્દો, લીટીઓ અને પાનાંનાં પાનાં તૈયાર કરી શકાય, તેને છાપી લઈ, બીબાંને પાછાં છૂટાં પાડી, નવેસરથી જરૂરિયાત મુજબ ગોઠવી નવું છાપકામ થઈ શકે.

એકબીજા સાથે ગોઠવી શકાય તેવાં છૂટાં બીબાંઓ(types)ની શોધ આજે ભલે સામાન્ય લાગે, પણ 14મી સદીમાં તે ક્રાન્તિકારી હતી. ત્યારથી આજ સુધી બીબાં ઢાળવાની પદ્ધતિમાં સુધારાવધારા થયા છે, તેની ધાતુના મિશ્રણ અંગે સંશોધન દ્વારા ફેરફાર કરી ટાઇપ માટે ઉત્તમ ધાતુ બનાવાઈ છે, નવી નવી ડિઝાઇનના ટાઇપો બનાવાયા છે. પરંતુ ટાઇપ ઢાળવા માટે ગૂટનબર્ગે શોધેલી રીત અને તેનો એકબીજા સાથે ગોઠવી શકાય તેવો ટાઇપ દેશ અને દુનિયાનાં અગણિત મુદ્રણાલયોમાં આગળ જોઈશું તેમ, છેલ્લા દોઢ-બે દાયકામાં કમ્પ્યૂટરની મદદથી છાપકામ માટેની મૂળ છાપ (primery image) મેળવવાની શોધ થઈ ત્યાં સુધી એકચક્રી શાસન ભોગવતો રહ્યો. આમ ગૂટનબર્ગ એ મુદ્રણ સાથે સંકળાયેલું અમર નામ છે. પણ કમ્પ્યૂટરની મદદથી છાપકામ માટે જેવી જોઈએ તેવી મૂળ છાપ તૈયાર કરવાની શોધે, તેના અમરત્વને ઇતિહાસના પાનામાં પૂરી દીધું છે.

ઔદ્યોગિક ક્રાન્તિ બાદ : ગૂટનબર્ગની ટાઇપની શોધ ક્રાન્તિકારી જરૂર હતી, પણ તેનીયે કેટલીક મર્યાદાઓ હતી. એકનો એક ટાઇપ ફરી ફરી વપરાય એટલે ઘસાય અને ખંડિત પણ થાય. એવો ટાઇપ ફરી વપરાશમાં આવે તો તેના પરથી ઉત્કૃષ્ટ મુદ્રણ થઈ શકે નહિ. બીજી મર્યાદા ઝડપની હતી. આ ટાઇપોની ગોઠવણી હાથ વડે કરવી પડતી. ટાઇપો ગોઠવનાર એક કંપોઝિટર આ બે ગ્રંથનાં પાનાં છાપી શકાય તેટલા ટાઇપ આઠ કલાકમાં ગોઠવી શકે. આ ઝડપ લાકડામાં અક્ષરો કોતરવા કરતાં વધુ ગણાય, પુસ્તકો છાપવા માટે ચલાવી લેવાય. પણ છાપાં છાપનારાઓને માટે પૂરતી ન ગણાય. તેમ છતાં ગૂટનબર્ગની શોધ બાદ ચાર સદી સુધી તો છાપાંઓ પણ કંપોઝિટરો હાથે ટાઇપ ગોઠવીને જ તૈયાર કરતા હતા. આ માટે છાપાંઓનાં મુદ્રણાલયોમાં કંપોઝિટરોની મોટી ફોજ તૈયાર રાખવી પડતી હતી. ગૂટનબર્ગના ટાઇપે આમ ચાર સદી સુધી મુદ્રણ ઉદ્યોગ પર એકચક્રી શાસન ભોગવ્યું.

ઔદ્યોગિક ક્રાન્તિ બાદ મુદ્રણ-ઉદ્યોગમાં યાંત્રિક સંશોધનોએ વેગ પકડ્યો. અહીં એક વાત નોંધવા જેવી છે. છાપકામ માટેનાં યંત્રોનો વિકાસ ક્રમે ક્રમે થતો ગયો. પહેલાં ટ્રેડલ મશીન કે પદચાલિત મુદ્રણયંત્ર, પછી મોટા કાગળ છાપી શકાય તેવાં સિલિન્ડર મશીન કે નાના નળાકાર દ્વારા દાબ આપી છાપ મેળવવાનું યંત્ર અને પછી ઝડપથી અસંખ્ય નકલો છાપી શકાય તેવાં રોટરી મશીનો કે વિશાળ નળાકારો પર ભરાવેલી પટ્ટિકાઓ દ્વારા કાગળના વીંટા ઉપર છાપ મેળવતાં યંત્રો આવ્યાં. આજે પણ જુદી જુદી જાતનાં છાપકામ માટે બનાવાયેલાં, એક યા એકથી વધુ, ચાર રંગ માટેનાં, ચતુરંગી છાપકામ માટેના પૂર્ણ એકમ ધરાવતાં નાનાં તેમજ વિશાળકાય ઑટોમૅટિક મશીનો ઝડપ અને ગુણવત્તા બંનેમાં સંતોષકારક કામ આપે છે. પણ છાપકામ માટેનાં મશીનોનો આવો વિકાસ તે ઉત્ક્રાન્તિ છે. અત્યાર સુધીમાં જે વાતો જોઈ તે પરથી એટલું તો સમજાય તેમ છે કે, કમ્પ્યૂટરની મદદથી છાપકામ માટેની પ્રાથમિક છાપ મેળવવાની શોધ હજુ બે દાયકા પર થઈ, ત્યાં સુધી, ટાઇપોને જોઈતા ક્રમમાં ગોઠવી છાપવા માટે મુદ્રણસપાટી તૈયાર કર્યા વગર છાપકામ કરવાનું શક્ય ન હતું.

ઔદ્યોગિક ક્રાન્તિ બાદ, મુદ્રણ માટે ટાઇપો ગોઠવવા ઝડપ લાવવા માટે યંત્રોને જોતરવાના પ્રયોગો થતા રહ્યા હતા. આ પ્રયોગોની સફળતા બાદ કંપોઝની બે યાંત્રિક પદ્ધતિઓ પ્રચારમાં આવી.

લાઇનોટાઇપ અને મૉનોટાઇપ : યંત્રની મદદથી બીબાં ગોઠવવાની શરૂઆત ઈ. સ. 1822માં થઈ. વિલિયમ ચર્ચ નામના શોધકે ગૂટનબર્ગના ટાઇપો ગોઠવવા માટે મશીન બનાવ્યું. આ મશીન પર ટાઇપો ગોઠવાઈ જાય પછી લાઇનો હાથ પડે જસ્ટિફાઇ કરવી પડતી એટલે કે હાંસિયા સરખા કરવા પડતા અને છપાયા બાદ તેને હાથ વડે છોડવી પડતી. વિલિયમ ચર્ચને તેના આ મશીનથી સંતોષ નહોતો. એક વખત ટાઇપ ગોઠવી, તે પરથી છાપકામ કર્યા પછી તેને ઓગાળી નાખી, કાયમ નવા ટાઇપથી જ કંપોઝ કરવામાં આવે તો મુદ્રણ સુંદર થાય એ વાત તેણે પહેલી વાર આગળ કરી. આજના મૉનોટાઇપ મશીનનાં બીજ આ વિચારમાં પડેલાં હતાં.

તેના આ વિચાર પર અને તેની સાથે સંકળાયેલા પ્રશ્નો પર લગભગ સિત્તેર વરસ સુધી સંશોધન અને પ્રયોગો થતાં રહ્યાં. તેને અંતે 1890ના અરસામાં લાઇનોટાઇપ અને ઇન્ટરટાઇપ મશીનો બજારમાં આવ્યાં. લાઇનોટાઇપ મશીન, તેનું નામ સૂચવે છે તેમ, જોઈતા લખાણની લાઇનની લાઇન સીસામાં ઢાળી આપતું હતું, જેના થકી પછી છાપકામ થઈ શકતું. તેનું કળપટ (key board) ટાઇપરાઇટરના કળપટને મળતું હતું. કળપટની ચાવીઓ દબાવતાં જે તે જોઈતા અક્ષરની મેટ્રિક્સ (matrix) એક નક્કી જગ્યાએ પડી ક્રમવાર ગોઠવાતી જતી. એ રીતે મેટ્રિક્સો(matrices)ની લાઇન ગોઠવાઈ જાય એટલે મશીનની સાથેના જ લાઇન ઢાળવાના યુનિટમાં ક્રમવાર ગોઠવાયેલી મેટ્રિક્સોમાંથી ટાઇપોની આખી લાઇન ઢળાઈને બહાર આવતી અને મેટ્રિક્સો પાછી યાંત્રિક રચનાથી પોતપોતાના ખાનામાં પહોંચી જતી. આમ કળપટ પર અપાતી માહિતી મુજબ એક પછી એક લાઇનો ઢળાતી જતી.

હાથે ટાઇપો ગોઠવવા કરતાં આ મશીનના આગમનથી બીબાં ગોઠવણીની ઝડપ ચારથી છગણી વધી ગઈ. વળી લાઇનો ઢળાઈને મળે તે પરથી છાપકામ કરી, તેને નવા કામ માટે ઓગાળી નાખવાની હોવાથી છાપકામ માટે દર વખતે નવી ઢાળેલી લાઇનો મળતી હોવાથી મુદ્રણની ગુણવત્તા સુધરી ગઈ. છાપકામ કરી લીધા પછી લાઇનોને ઓગાળી નાખવાની હોવાથી ટાઇપોને ફરી છાપકામ કરવા માટે છોડવાની જરૂર પણ ન રહી.

વીસમી સદીની શરૂઆતથી લગભગ સાતથી આઠ દાયકા સુધી દૈનિકો છાપતાં મુદ્રણાલયોમાં લાઇનોટાઇપ મશીનોએ ‘વર્ક હૉર્સ’ તરીકે વૈતરું કર્યું; પરંતુ મુદ્રણ માટેની પ્રાથમિક છાપ તૈયાર કરી આપવામાં કમ્પ્યૂટરની મદદથી ચાલતા કૅમેરા તેમજ લેઝર પ્રિન્ટરની શોધની સફળતા બાદ એક વખતના ‘વર્ક હૉર્સ’ તરીકે ઓળખાતાં આ મશીનો હવે સંગ્રહાલયમાં મૂકવાનાં મશીન બની ગયાં છે !

યાંત્રિક કંપોઝની બીજી પદ્ધતિ મૉનોટાઇપ મશીન તરીકે ઓળખાય છે. મૉનો એટલે એક. તેનું નામ સૂચવે છે તેમ, તેમાં એક એક ટાઇપ, હાથે ગોઠવાતા ટાઇપની જેમ, જુદો જુદો હોય છે. આ મશીનનું કળપટ  અને ટાઇપ ઢાળવાનું કાસ્ટિંગ મશીન જુદાં જુદાં હોય છે. કળપટ મેટ્રિક્સોના સમૂહ ડાઇકેસને ટાઇપ ઢાળવામાં નિશ્ચિત સ્થાન આપવા માટેની સંજ્ઞા કાગળના રોલમાં છિદ્રો દ્વારા વ્યક્ત કરે છે. કાસ્ટિંગ મશીનમાં આ સંજ્ઞા મુજબ 256 મેટ્રિક્સો ધરાવતો ડાઇકેસ કળપટ  દ્વારા સપ્ટા કાગળના રોલ પર આપેલી સંજ્ઞા મુજબ સ્થાન લેતો રહે છે. અને જોઈતા ક્રમમાં ટાઇપ ઢળાઈને બહાર આવે છે. આમ આ કાસ્ટિંગ મશીન ટાઇપો ઢાળવાની અને ગોઠવવાની એમ બેવડી કામગીરી કરે છે.

આ પદ્ધતિમાં ટાઇપો છૂટા છૂટા હોવાથી રહી ગયેલી ભૂલોના સુધારા સરળતાથી થઈ શકતા. લાઇનો-ટાઇપમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો આખી લાઇન મશીન પર બનાવી, ભૂલવાળી લાઇનની જગ્યાએ બદલવી પડતી. લાઇનોટાઇપ કરતાં મૉનોટાઇપની ઝડપ ઓછી હતી; પરંતુ પ્રાદેશિક ભાષાઓ માટે, મેટ્રિક્સના કદમાં લાઇનોટાઇપમાં રાખવી પડતી મર્યાદા ન હોવાને કારણે મૉનોટાઇપ મશીનો વધુ પ્રચાર પામ્યાં હતાં. બ્રિટનમાં દર વરસે વરસ દરમિયાન છપાયેલાં 100 સુંદર પુસ્તકોનું પ્રદર્શન થાય છે. તેમાં મૉનોટાઇપ પર કંપોઝ થયેલાં પુસ્તકોની સંખ્યા હંમેશાં 75 જેટલી રહેતી.

આકૃતિ 2 : લેટરપ્રેસ પદ્ધતિ (1) મુદ્રણસપાટી યા ફૉર્મ, (2) શાહી લગાવવી, (3) કાગળ મૂકવો, (4) છાપ લેવા દાબ આપવો, (5) કાગળ પર આવી જતી છાપ

આ બંને મશીનો યુરોપમાં પહેલા વિશ્વયુદ્ધ પહેલાં રૂઢ થઈ ગયાં હતાં. વિશ્વયુદ્ધ બાદ તે દુનિયાના બીજા દેશોમાં પણ ગયાં. ખાસ કરીને મૉનોટાઇપે અરબી સહિત જુદી જુદી લિપિઓ માટે મશીનો બનાવ્યાં અને લાઇનોટાઇપની હરીફાઈમાં ટાઇપો ગોઠવવામાં ડિઝાઇનની ર્દષ્ટિએ અઘરી લાગતી લિપિઓ માટે પણ યાંત્રિક કંપોઝની પદ્ધતિ પૂરી પાડી. કમ્પ્યૂટરની મદદથી મુદ્રણ માટેની પ્રાથમિક છાપ મેળવવામાં થયેલી સરળતા બાદ આ મશીનો પણ હવે મુદ્રણના ઇતિહાસમાં ધરબાઈ ગયાં છે.

ઑફસેટમુદ્રણ : ગૂટનબર્ગે શોધેલા ટાઇપો ગોઠવી તેની પરથી થતું છાપકામ ‘લેટર પ્રેસ’ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તેમાં આ પૂર્વે જોયું તેમ, છાપભાગ અને કોરો રાખવાનો ભાગ રબર-સ્ટૅમ્પમાં હોય છે તેમ બે જુદી જુદી સપાટી પર હોય છે.

જ્યારે ઑફસેટ પદ્ધતિના મુદ્રણમાં છાપભાગ અને કોરો રાખવાનો ભાગ બંને એક જ સપાટી પર હોય છે. આ કારણે ‘ઑફસેટ’ પદ્ધતિનું મુદ્રણ પ્લેનૉગ્રાફિક પ્રિન્ટિંગ તરીકે પણ ઓળખાય છે.

જે ભાગની છાપ લેવાની હોય તે અને જે ભાગ કોરો રાખવાનો હોય તે એક જ સપાટી પર હોવા છતાં તેની પર કાગળ મૂકી જોઈતી છાપ કેવી રીતે લઈ શકાય ? એક જ સપાટી પર હોવા છતાં એ સપાટી પર શાહી લગાવતાં જે ભાગ છાપવાનો હોય તે ભાગ પર જ શાહી લાગે અને જે ભાગ કોરો રાખવાનો હોય તે ભાગ પર શાહી ન લાગે તેવું કેવી રીતે બને ? જો ‘ઑફસેટ’નો મૂળ સિદ્ધાંત સમજી લેવાય તો આ પ્રશ્નો આપોઆપ સમજાઈ જાય.

આકૃતિ 3 : શિલામુદ્રણ; લિથોગ્રાફી : (1) મુદ્રણ સપાટી યા શિલા, (2) પાણીભીનો રોલ, (3) શાહીવાળો રોલ, (4) કાગળ મૂકવો, (5) દાબ-રોલર ફેરવવો, (6) કાગળ પર આવી જતી છાપ

શાહી (grease) અને પાણી બંનેને એકબીજા સાથે બાપે માર્યાં વેર છે. તેઓ એકબીજા સાથે સહેજ પણ ભળતાં નથી, એકબીજાને દૂર રાખે છે. એ મૂળ સિદ્ધાંત પર આ પદ્ધતિ રચાયેલી છે. શાહી અને પાણીના એકબીજાથી અળગાં રહેવાના આ નૈસર્ગિક ગુણને કારણે જો એક જ સપાટી પર છાપભાગને શાહી આકર્ષે તેવો અને કોરા રાખવાના ભાગને પાણી કે ભેજ આકર્ષે તેવો બનાવી દેવાય તો, તેવી મુદ્રણ સપાટી પરથી કાગળ પર છાપ લઈ શકાય. આ વાત પહેલવહેલી સન 1797માં ઑફસેટ-મુદ્રણના શોધક સેનફેલ્ડરને સૂઝી. એ શોધના રસિક અને રોમાંચક ઇતિહાસની મૂળભૂત વાત અહીં ટૂંકમાં રજૂ કરી છે :

સેનફેલ્ડર નાટકોનો લેખક હતો અને પોતાનાં નાટકો છાપવા માટે મુદ્રણના પ્રયોગો કર્યા કરતો હતો. આ પ્રયોગો કરતાં એક દિવસ આકસ્મિક રીતે શાહી અને પાણીના એકબીજાને અળગાં રાખવાના નૈસર્ગિક ગુણને કારણે એક જ સપાટી પર રહેલા છાપભાગ અને કોરા રાખવાના ભાગ પરથી છાપ મેળવી શકાય એ સિદ્ધાંત તેના હાથમાં આવ્યો. તેમાંથી લિથોગ્રાફી એટલે કે શિલામુદ્રણનો વિકાસ થયો.

આકૃતિ 4 : ઑફસેટ પ્રિન્ટિંગ પ્લેટ સિલિન્ડર 6 ઉપર છાપભાગ અને કોરો ભાગ એકસરખી સપાટી પર છે. તેની પર ડૅમ્પિંગ રોલ 4 પાણી લગાવે છે તે વખતે કોરો રાખવાનો ભાગ પાણીથી ભીનો થઈ જાય છે; પછી શાહીનો રોલ 5 ફરતાં છાપભાગ પર જ શાહી લાગે છે. પ્લેટ પરથી છાપ બ્લૅન્કેટ-સિલિન્ડર 3 પર ફેરવાય છે અને પછી ઇમ્પ્રેશન-સિલિન્ડર 2 અને બ્લૅન્કેટ-સિલિન્ડર 3 વચ્ચેથી કાગળ પસાર થતાં તેની પર છાપ આવી જાય છે. 1 કાગળ મૂકવાની જગ્યા બતાવે છે.

શિલામુદ્રણમાં છિદ્રાળુ પથ્થર પર જે છાપ લેવી હોય તેને અવળી (મિરર ઇમેજ) દોરવામાં આવે છે. એ છાપની ઉપર શાહી લગાવી દેતાં તે શાહી આકર્ષે તેવી થઈ જાય છે અને બાકીનો ભાગ પાણીનું પોતું મારતાં ભીનો બની પાણીને આકર્ષે તેવો થઈ જાય છે. આમ છાપભાગ અને તે સિવાયનો કોરો ભાગ એક જ સપાટી પર હોવા છતાં તેની પર કાગળ મૂકતાં, રબરના સિક્કા પરથી મળે તેવી જ છાપ મેળવી શકાય છે. લેટરપ્રેસ-પદ્ધતિમાં મુદ્રણ-સપાટી પર શાહી લગાવી કાગળ મૂકી તે પરથી છાપ લઈ લેવાય છે. શિલામુદ્રણમાં શિલા પર પહેલાં પાણીનું પોતું ફેરવી, પછી શાહી લગાવી પછી કાગળ મૂકી છાપ લેવાય છે.

લિથોગ્રાફી માટે છિદ્રાળુ શિલા મેળવવી, તેને સાચવવા જગ્યા રોકવી અને તેને મશીન પર ગોઠવવી–એ ત્રણ મુશ્કેલીઓ હોવા ઉપરાંત તેમાં બીજી મુશ્કેલી હતી. એક તો જે કંઈ લખાણ છાપવું હોય તે શિલા પર અવળું લખવું પડતું. આ મુશ્કેલી ખાસ  જાતના કાગળ પર સવળું લખાણ લખી, તેને શિલા પર ફેરવતાં અવળું થઈ જાય તેવી શોધથી દૂર થઈ. બીજી મુશ્કેલી શિલામુદ્રણમાં ન છાપવાના ભાગને પાણીથી ભીનો, ભેજવાળો બનાવાતો તેમાંથી જન્મતી. આ ભેજવાળી શિલા પર કાગળ મૂકતાં કાગળ ભેજ પકડતો, તેની પ્રતિક્રિયા કાગળ પર થતી. રંગીન મુદ્રણમાં આ મુશ્કેલી વધારે કઠતી. એટલે આ બે મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયાસો થતા રહ્યા, જે ઑફસેટ પ્રિન્ટિંગની શોધમાં પરિણમ્યા.

‘ઑફસેટ’માં શિલાનું સ્થાન એનોડાઇઝ્ડ ઍલ્યુમિનિયમની પ્લેટ લે છે. ફોટોગ્રાફિક પદ્ધતિથી છાપભાગને આ પ્લેટ પર ઉતારી તેની પર શાહી લગાવતાં તે માત્ર શાહીને જ આકર્ષે તેવો થઈ જાય છે અને તે સિવાયના કોરા રાખવાના ભાગને ભેજ આકર્ષે તેવો બનાવી દેવાય છે. અહીં સુધીની વાત લિથોગ્રાફી જેવી જ છે; પણ ઑફસેટમાં આ તબક્કે એક પગથિયું વધુ ઉમેરાય છે. ઑફસેટની પ્લેટ પર શાહી આકર્ષે તેવી જે છાપ તૈયાર કરવામાં આવે છે તે આ લખાણ વાંચીએ તેવી સવળી હોય છે. તેના પરથી સીધેસીધી કાગળ પર છાપ લેવામાં આવે તો તે અવળી આવે અને કાગળને ભેજવાળી સપાટીના સંપર્કમાં આવવું પડે. આ બે ખામી દૂર કરવા ઑફસેટ-પદ્ધતિમાં પ્લેટ પરથી કાગળ પર સીધી છાપ લેવામાં આવતી નથી. પ્લેટ મઢેલા સિલિન્ડર પરથી આ છાપ પહેલાં રબરનું બ્લૅન્કેટ મઢેલા સિલિન્ડર પર જાય છે જ્યાં તે છાપ અવળી થઈ ગયેલી હોય છે. પછી આ બ્લૅન્કેટ પરથી છાપ કાગળ પર ‘ઑફસેટ’ થાય છે, છપાય છે, ત્યારે સવળી થઈ જાય છે. આમ કાગળ સીધો પ્લેટના સંપર્કમાં આવતો નથી એટલે ભેજ પકડવાથી ઘણે અંશે મુક્ત રહે છે.

પુનર્મુદ્રણ માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ છે. એક વખત છપાયેલા પુસ્તકની નૅગેટિવ લઈ તેને પ્લેટ પર ઉતારી તે પરથી છાપકામ કરી લેવાથી કંપોઝ કરવામાં જતો સમય અને શ્રમ તથા પ્રૂફ વાંચવાની કંટાળાજનક પ્રવૃત્તિમાંથી ઊગરી જવાય છે. ફોટોગ્રાફિક નૅગેટિવ લેતી વખતે અક્ષરોને વાંચી શકાય તેટલી મર્યાદામાં ઝીણામાં ઝીણું રૂપ આપવું હોય તો આપી શકાય છે. અક્ષર મોટા કરવા હોય તો થઈ શકે છે. કાગળ મુદ્રણ-સપાટીના સીધા સંપર્કમાં ન આવતાં રબર-બ્લૅન્કેટ પરથી છાપ લેવાતી હોવાથી ન્યૂઝ-પ્રિન્ટ જેવા હલકા કાગળ પર પણ ફોટોગ્રાફ અને રંગીન ફોટોગ્રાફનું સારું છાપકામ થઈ શકે છે. ઑફસેટની પ્લેટ ગોળાકાર સિલિન્ડર પર વીંટી શકાતી હોવાથી અને તે પરથી છાપકામ કરવાનું હોવાથી છાપકામની ગતિ પણ જોઈએ તે મુજબ વધારી શકાય છે. આ કારણે આ પદ્ધતિ ઝડપથી પ્રચલિત થઈ છે.

આકૃતિ 5 : ઑફસેટ પ્રિન્ટિંગ

ગ્રેવ્યોર મુદ્રણ : મુદ્રણની ત્રીજી મુખ્ય પદ્ધતિ ગ્રેવ્યોર મુદ્રણ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં છાપવાના ભાગને પ્લેટ યા સિલિન્ડર પર કોતરી કાઢવામાં આવેલો હોય છે અને કોરો રાખવાનો ભાગ સપાટી પર હોય છે. છાપવાની પ્લેટ યા સિલિન્ડર પર છાપવાના ભાગને કોતરવાનું કામ છબીકલા (photography) અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. મુદ્રણની લેટરપ્રેસ તથા ઑફસેટપદ્ધતિ જેટલી પ્રચલિત થઈ તેટલી આ પદ્ધતિ પ્રચલિત થઈ નથી. તેનું કારણ આ પદ્ધતિથી કરવાના મુદ્રણ માટેની પ્લેટ યા સિલિન્ડર બનાવવાનું પ્રમાણમાં વધુ ખર્ચાળ અને અટપટું છે એ છે. આ કારણે આ પદ્ધતિનો ઉપયોગ ચોક્કસ પ્રકારના છાપકામ માટે જ થાય છે. ખાસ કરીને લાખો નકલોનો ફેલાવો ધરાવતાં ચતુરંગી છબીઓવાળાં સામયિકો. પૅકેજિંગ માટેનાં જુદી જુદી જાતનાં ખોખાંઓ છાપવામાં આ પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે. જુદી જુદી જાતનાં પાઉચ માટે વપરાતી પ્લાસ્ટિક ફિલ્મ, ઍલ્યુમિનિયમ ફૉઇલ વગેરે પર છાપકામ કરવામાં પણ આ પદ્ધતિ વધુ અનુકૂળ છે.

આકૃતિ 6 : ગ્રેવ્યોર-મુદ્રણ-પદ્ધતિ

મુદ્રણમાં છબી (photograph) છાપવા માટેની પદ્ધતિમાં જાળીદાર પડદા કે સ્ક્રીનનો ઉપયોગ કરી કાગળ પર છાપ ઊભી કરવામાં આવે છે. લેટરપ્રેસ પદ્ધતિ નામશેષ થવાની સાથે બીબાંથી છબી છાપવાનું પણ ભૂતકાળની ઘટના બની ગયું છે. ઑફસેટમાં છાપકામ માટેની પ્લેટ ઉપર જ છબીની સ્ક્રીન વાપરી લીધેલી નૅગેટિવ/પૉઝિટિવ ઉતારી તે પરથી છબીનું છાપકામ થાય છે. બ્લૉક કે ઑફસેટ પ્લેટ પરથી છપાતી છબીમાં સ્ક્રીનની મદદથી તૈયાર કરેલાં ટપકાંઓની જાળીમાં, ટપકાંઓ વચ્ચેના વધતા-ઓછા અંતરને કારણે આપણને છબીની પ્રતિકૃતિ છપાયેલી જોવા મળે છે. આમાં કાગળ ઉપર શાહીની જે પાતળી ફિલ્મ યા પડ ઊતરે છે, તેમાં શાહીનું પ્રમાણ એકસરખું હોય છે. કાગળ ઉપર છબીને બરાબર ઉતારવા માટે સ્ક્રીનથી રચાતી ટપકાંઓની જાળી ઉપરાંત જરૂર પ્રમાણે વધતી-ઓછી શાહી મૂકી શકાય તો છબીનું છાપકામ વધુ હૂબહૂ બને. ગ્રેવ્યોર પદ્ધતિમાં આ શક્ય છે. આ કારણે ઉત્કૃષ્ટ છબીઓનું મુદ્રણ કરવાની જરૂરવાળાં સામયિકો આ પદ્ધતિ ખર્ચાળ અને અટપટી હોવા છતાં પસંદ કરે છે. જુઓ બીબું.

સાથેની રેખાકૃતિમાં ગ્રેવ્યોર-મુદ્રણ કેવી રીતે થાય છે તે બતાવ્યું છે. મુદ્રણ માટે તૈયાર કરેલો સિલિન્ડર શાહી ભરેલા ટબમાં ફરતો હોય છે. આ શાહી અર્ધ-દ્રાવણ પ્રકારની હોય છે. સિલિન્ડર જ્યારે શાહીમાં ફરે ત્યારે તેમાં કોતરેલા છાપભાગમાં શાહી ભરાઈ જાય છે. કોતરેલા છાપભાગમાં શાહી ભરાવાની સાથે સાથે જ સિલિન્ડરની સપાટી પર, નહિ કોતરેલા એવા કોરા રાખવાના ભાગ પર પણ શાહી લાગી જાય છે. સિલિન્ડર કાગળના સંપર્કમાં આવે તે પહેલાં કોરા રાખવાના ભાગ પર લાગી ગયેલી શાહી હટાવી લેવી જોઈએ. તે કામ ડૉક્ટર-બ્લેડ કરે છે. ડૉક્ટર-બ્લેડ સિલિન્ડર પરથી કોરા રાખવાના ભાગ પરથી શાહી ઉસરડી લે છે અને તેમ થતાં સિલિન્ડર પર કોતરેલા છાપભાગમાં ભરાયેલી શાહી જ રહી જાય છે. આ સિલિન્ડર જ્યારે કાગળના સંપર્કમાં આવે છે ત્યારે કોતરેલા ભાગમાં ભરાયેલી શાહી કાગળ પર ફેરવાઈ જાય છે અને આમ કાગળ પર જોઈતી છાપ મળી જાય છે.

આકૃતિ 7 : ગ્રેવ્યોર-મુદ્રણની વિશેષતા

કાગળ ઉપર જરૂર મુજબ વધતી યા ઓછી શાહીવાળું પડ યા ફિલ્મ માત્ર ગ્રેવ્યોર-પદ્ધતિ જ ચઢાવી શકે છે. આ કારણે શ્વેતશ્યામ યા ચતુરંગી મુદ્રણમાં ગ્રેવ્યોર-મુદ્રણથી મળતી છાપ વધુ હૂબહૂ હોય છે. એટલે ઉત્કૃષ્ટ છબીઓનું આલબમ યા તેવી છબીઓવાળાં સામયિકો, ટપાલ-ટિકિટો, ચલણની નોટ ઇત્યાદિના છાપકામમાં ગ્રેવ્યોર-મુદ્રણ વધુ વપરાય છે. તે વધુ જટિલ અને ખર્ચાળ હોવાથી સામાન્ય મુદ્રણમાં પ્રચલિત નથી.

આ મુખ્ય ત્રણ મુદ્રણ-પદ્ધતિઓ ઉપરાંત મુદ્રણની ગૌણ પદ્ધતિઓમાં કોલોટાઇપ, સ્ક્રીન-પ્રિન્ટિંગ, હોલોગ્રાફી, ઝેરૉક્સ, ડિજિટલ-પ્રિન્ટિંગ જેવી પદ્ધતિઓ ઉલ્લેખનીય છે.

ઈ. સ. 1895માં ઑફસેટ-પ્રિન્ટિંગ વ્યવસાયી સફળતાની એરણે ચઢી પાર ઊતર્યું. લગભગ તે જ સમયે આ ક્ષેત્રમાં પ્રયોગ કરનારા ઇજનેરોએ છબીકલાના સિદ્ધાંતોને આધારે અક્ષરોના જોઈતા ક્રમમાં ફોટા પાડતા જઈ, તે પરથી છાપકામ માટેની સીધી નૅગેટિવ કે પૉઝિટિવ મેળવી છાપકામ કરવાની દિશામાં શોધ આરંભી. તે દિવસે કમ્પ્યૂટર હજુ શોધાયું સુધ્ધાં ન હતું. એટલે તેના મુદ્રણક્ષેત્રે પ્રવેશનો તો કોઈ પ્રશ્ન જ ન હતો; તેમ છતાં આજે મુદ્રણમાં કમ્પ્યૂટર જે રીતે વ્યાપી ગયું છે તેના સંદર્ભમાં ઑફસેટ-પ્રિન્ટિંગ તથા ફોટોટાઇપ-સેટિંગની શોધે કમ્પ્યૂટરના મુદ્રણપ્રવેશ માટેની ભૂમિકા તૈયાર કરી આપી હતી તે ખાસ નોંધવા જેવું છે. કારણ, લગભગ પાંચ સદીથી ચાલ્યાં આવતાં, હાથથી થતાં કંપોઝ કે મૉનો/લાઇનોટાઇપથી થતાં કંપોઝ પરથી છાપકામ કરવાની લેટરપ્રેસ-પદ્ધતિ કરતાં ઑફસેટ-પ્રિન્ટિંગ અને ફોટોટાઇપ-સેટિંગ કમ્પ્યૂટરને આવકારવા માટે વધુ અનુકૂળ હતાં.

ઈ. સ. 1916માં પ્રેઝસોલ્ટ નામના એક હંગેરિયન ઇજનેરે ઑફસેટ-પ્રિન્ટિંગ માટે ફોટોગ્રાફિક પેપર ઉપર અક્ષરો જેવાં કિરણો વ્યવસ્થિત રીતે નાખી શકાય તેવું સાધન, ખાસ જરૂરિયાતો માટેનો કૅમેરા બનાવ્યો. તેની સાથે જ આજે કમ્પ્યૂટરની મદદથી ચાલતા આધુનિક ફોટોટાઇપ-સેટિંગ સિસ્ટમનાં બી વવાયાં. ઈ. સ. 1928માં એડમંડ દુવા નામના બીજા હંગેરિયન ઇજનેરે મુદ્રણની બધી જરૂરિયાતો વિચારી બીજું વધુ સુધરેલું ફોટોટાઇપ-સેટિંગ મશીન બનાવ્યું. મુદ્રકોએ તેને આવકાર્યું, સ્વીકાર્યું. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધ સુધી આ યંત્રો ઝાઝો પ્રચાર પામી શક્યાં નહિ.

આ શોધોમાંથી પ્રેરણા લઈ મૉનોટાઇપ કંપનીએ તેના કાસ્ટિંગ મશીનની ધાતુની મેટ્રિક્સ(બીબાં ઢાળવા માટેનું બીબું)ને ફોટોટાઇપ-સેટિંગને અનુકૂળ કરી મશીનમાંથી માપસર ટાઇપ ઢાળવા માટેના મોલ્ડ અને ધગધગતા સીસાની ભઠ્ઠી દૂર કરી તેની જગ્યાએ કૅમેરા બેસાડી મૉનોફોટો સિસ્ટમ બજારમાં મૂકી. મૉનોટાઇપ મશીનમાંથી જેમ કંપોઝ કરેલા ટાઇપો મળતા હતા તેમ હવે હસ્તપ્રત ફોટોગ્રાફિક પેપર પર જોઈતી સાઇઝના અક્ષરોમાં કંપોઝ થઈને મળતી થઈ. તેવી જ રીતે લાઇનોટાઇપે પણ પોતાના મશીનને કૅમેરા માટે અનુકૂળ કરી લાઇનો-ફોટો-મશીન બજારમાં મૂક્યું. આનાથી હૅન્ડ-કંપોઝ કરતા મશીનથી થતા કંપોઝમાં બમણી થયેલી ઝડપ ત્રણગણી થઈ અને ઊકળતા સીસામાંથી મુક્તિ મળી ગઈ. હૉટ મેટલ ટાઇપ સેટિંગની સામે કોલ્ડ-કંપોઝિશન શરૂ થયું. તોય તે હજી કમ્પ્યૂટરની મદદ વગરનું કંપોઝ હતું. મુદ્રણના કમ્પ્યૂટર પ્રવેશની આ ભૂમિકા હતી. કમ્પ્યૂટરને મુદ્રણમાં સાંકળવા હજુ એક પગલું આગળ વધવાનું હતું.

આમ ગૂટનબર્ગના બેતાળીસ લાઇનવાળા બાઇબલથી ફોટોટાઇપ સેટિંગ સુધી પહોંચતાં પૂરી પાંચ સદી પૂરી થઈ ગઈ. વીસમી સદીના પૂર્વાર્ધમાં જ્ઞાન અને માહિતીના વિસ્ફોટને મુદ્રણ દ્વારા પ્રસારિત કરવા માટે હાથથી થતી બીબાં-ગોઠવણી કરતાં ત્રણ-ચારગણી ઝડપે કામ કરતાં ફોટોટાઇપ-સેટિંગ મશીન પણ હવે ધીમાં લાગવા માંડ્યાં. વળી, ફોટો-કંપોઝમાંથી મળેલા ટાઇપ-સેટિંગમાંય ભૂલો તો થતી જ અને તેને સુધારવાનું હજુ હાથ વડે કાપકૂપ ને પટ્ટાપટ્ટીની પદ્ધતિથી જ થતું હતું. આમાં ખાસ્સો સમય જતો હતો.

પુસ્તકો છપાવનારા પ્રકાશકો, સામયિક કે દૈનિક પ્રગટ કરનારાઓને આ ધીમી ગતિ જેટલી ખૂંચતી હતી તેના કરતાં મુદ્રણ સાથે જેને માત્ર વાંચવાનો સંબંધ છે તેવા વૈજ્ઞાનિકોને તે વધુ ખૂંચતી હતી. ઈ. સ. 1957માં પ્રસારણ માટેના ઉપગ્રહોના સંશોધનમાં ગૂંથાયેલા અમેરિકન વૈજ્ઞાનિકોને સંશોધનો માટેની માહિતીની વિપુલ અને અનિવાર્ય વિગતો છપાઈને મળવામાં થતો વિલંબ ખૂબ કઠતો હતો. તે સમયે કમ્પ્યૂટર તેની પ્રાથમિક અવસ્થામાં અવતરી ચૂક્યું હતું. ‘‘આ ‘કહ્યાગરા ગુલામ’ને ટાઇપસેટિંગ માટે મદદે લેવાય તો કેવું ?’’ એમ આ વૈજ્ઞાનિકોએ મુદ્રણ અને ટાઇપસેટિંગના નિષ્ણાતોને સૂચવ્યું. ફોટોટાઇપસેટિંગમાં ઝડપ આણવામાં અને પ્રૂફરીડિંગ કર્યા બાદની ભૂલો સુધારવામાં આમ એક નવા પરિમાણનો, કમ્પ્યૂટરનો, ઉમેરો થયો.

ટાઇપરાઇટર અને કમ્પ્યૂટર : માહિતીવિસ્ફોટના યુગની સાથે તેના પ્રસારણ માટેનાં છાપકામ જેવાં સાધનોમાં સતત સુધારાની દિશામાં સંશોધનો ચાલુ હતાં. પુસ્તકો તથા સામયિકો નહિ, પરંતુ થોડી સંખ્યામાં જોઈતા અહેવાલો, પરીક્ષાનાં પ્રશ્નપત્રો, માહિતીપત્રકો કે માહિતી આપતા પરિપત્રો ઇત્યાદિની જોઈતી નકલો મેળવવા માટે ટાઇપરાઇટર પર સ્ટેનસિલ કાપી સાઇક્લોસ્ટાઇલ મશીન પરથી નકલો મેળવવાની પદ્ધતિ વ્યાપક થઈ હતી. ટાઇપરાઇટર પણ સુધરી અને વિકસી રહ્યું હતું. આઇબીએમ કંપનીએ તેના નવા ઇલેક્ટ્રૉનિક ટાઇપરાઇટરમાં જુદી જુદી પૉઇન્ટ-સાઇઝના તથા જુદી જુદી ટાઇપ-ડિઝાઇનના ટાઇપ બદલી શકાય તેવી રચના કરી નવાં ટાઇપરાઇટર બજારમાં મૂક્યાં. તેને ઑફસેટ-પ્રિન્ટિંગ કરનારાઓએ રસપૂર્વક આવકાર્યાં. એ જ અરસામાં ગૉલ્ફ બૉલવાળાં ટાઇપરાઇટર પણ બજારમાં મુકાયાં. ટાઇપરાઇટર પર સિંગલ યૂઝ રિબન આવી અને ટાઇપ થયેલો પત્ર છાપેલો હોય તેવો લાગવા માંડ્યો. આ શોધ મુદ્રક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. ટાઇપરાઇટરે હવે તેનું ઑફિસ-ઇક્વિપમેન્ટ તરીકેનું સ્થાન જાળવી રાખવા સાથે મુદ્રકના ટાઇપ-સેટિંગ રૂમમાં પ્રવેશ કર્યો. ઇંગ્લૅંડમાં લંડનથી સોએક કિલોમીટર પર આવેલા. ‘ઑલ્ડ વૉકિંગ’માં એક મુદ્રકે ‘ટાઇપરાઇટર ટાઇપ-સેટિંગ’ તરીકે પછીથી ઓળખાયેલી કંપોઝ કરવાની પદ્ધતિને બરાબર વિકસાવી. તેણે હૉટ મેટલ ટાઇપ-સેટિંગ તથા ફોટોટાઇપ-સેટિંગ બંનેને બાજુએ રાખી ઑફસેટ-પ્રિન્ટિંગ માટે ટાઇપરાઇટર પરથી પ્રથમ છાપ મેળવી, અટપટી સંજ્ઞાઓવાળાં ગણિતનાં પુસ્તકો અને સામયિકો છાપવાનો જાણે ઠેકો લઈ લીધો. હજી કમ્પ્યૂટર સાથે ફ્લૉપી અને હાર્ડ ડિસ્ક જોડાયાં નહોતાં. કમ્પ્યૂટર ફોર ચૅનલ અને ફાઇવ ચૅનલ પેપર-ટેપ તૈયાર કરતું હતું અને પેપર-ટેપ પર સંઘરાયેલા સંકેતોથી ચાલતું હતું. જે ટાઇપ-સેંટિગ થતું તે પેપર-ટેપ પર સંઘરી લેવાતું. તેના પ્રૂફરીડિંગ બાદ તેમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે માત્ર સુધારાની એક નવી પેપર-ટેપ બનાવવામાં આવતી. આ માત્ર પ્રૂફના સુધારાવાળી ટેપ અને મૂળ ટેપ ભેગી થઈ જે નવી પેપર-ટેપ બનતી તેના પરથી ભૂલો સુધારેલું અને સમાન હાંસિયાવાળું કંપોઝ થયેલું પાનું મેળવવામાં આવતું. આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ તો હતી જ. તેમ છતાં ઑફસેટ-પ્રિન્ટિંગ માટેની પ્રથમ છાપ માટે પુસ્તકોમાં આવે છે તેવાં પાનાં ઝડપથી તૈયાર કરવામાં ટાઇપરાઇટર ટાઇપ-સેટિંગે કાઠું કાઢ્યું હતું. એ અરસામાં વિદ્યાર્થીઓ માટેનાં નાનાં પુસ્તકો તેમજ જ્ઞાનસત્ર, પરિસંવાદ વગેરેમાં રજૂ થયેલા અભ્યાસનિબંધો આ પદ્ધતિથી તૈયાર થઈ બહાર પડવા માંડ્યાં.

કમ્પ્યૂટર દ્વારા ફોટો ટાઇપસેટિંગ : બીજી તરફ ફોટોટાઇપ-સેટિંગ સિસ્ટમ પણ વિકસી રહી હતી. ફોટોટાઇપ-સેટિંગ આવતાં જુદી જુદી ટાઇપ-સાઇઝ અને જુદા જુદા ટાઇપ-ફેઇસ મેળવવાની સરળતા વધતી જતી હતી; તેમ છતાં ઑપરેટરે સહેજે કરેલી ભૂલો તથા લેખકના પાછળથી આવેલા સુધારાઓ કેમ સુધારવા તે સમસ્યા હજુ હતી. તેને માટે ‘ગમ ઍન્ડ સિઝર’ યા ‘કટિંગ-પેસ્ટિંગ’ની પદ્ધતિ હજુ ચાલુ હતી. પ્રૂફ વાંચવા માટે ફિલ્મ કરતાં સસ્તા કાગળ પર પ્રિન્ટ મેળવવાની પદ્ધતિ પણ વિકસી રહી હતી.

એ તબક્કે કમ્પ્યૂટર ફોટોટાઇપસેટિંગની મદદે આવ્યું. કમ્પ્યૂટરમાં શરૂઆતમાં પેપર-ટેપ પર, પછી મૅગ્નેટિક ટેપ પર, અને પછી હાર્ડ ડિસ્ક અને ફ્લૉપી પર ડેટા-વિગતો સંઘરવાની શરૂઆત થઈ. સંઘરાયેલા ડેટાનું ડૉટ મેટ્રિક્સ-પ્રૂફ પણ મેળવી શકાતું થયું. સુધારા આમેજ કરી નવી સુધારેલી ફોટોપ્રિન્ટ પણ મેળવી શકાતી થઈ. પરંતુ તે અતિ ખર્ચાળ હતું. વધુમાં ફોટોપ્રિન્ટ કે ફિલ્મ ડેવલપ કરવા માટે પણ સમય જતો હતો; તેમ છતાં ફોટોટાઇપ-સેટિંગ સિસ્ટમ હવે કમ્પ્યૂટર એઇડેડ ફોટોટાઇપ-સેટિંગ સિસ્ટમ બનતાં મુદ્રણ માટેની ઑફસેટ-પ્લેટ બનાવવા માટે જોઈતી પૉઝિટિવ-નૅગેટિવ કે પેપર-પ્રિન્ટ મેળવવા માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ અને સરળ થઈ હતી.

ડેસ્કટૉપ પબ્લિશિંગ : મુખ્યત્વે મૉનોટાઇપ અને લાઇનોટાઇપ કંપનીની ફોટોટાઇપ-સેટિંગ સિસ્ટમ (મૉનોકૉમ્પ અને લાઇનોટ્રૉન) વિકસીને સ્થિર થઈ રહી હતી તે તબક્કે લેઝર બીમની શોધે મુદ્રણમાં પ્રવેશ કર્યો. મૂળે ઑફિસ-ઇક્વિપમેન્ટ તરીકે કમ્પ્યૂટર પર ડેટા-એન્ટ્રી કરી સ્ટોર કરેલા પત્રની છાપ મેળવવા માટે ઉપયોગમાં લેવા બનાવાયેલું લેઝર-પ્રિન્ટર મુદ્રકોમાં સારું એવું આવકાર્ય અને આશીર્વાદરૂપ પુરવાર થયું. મુદ્રકના કંપોઝખાતામાં ટનબંધ ટાઇપો, તેને વ્યવસ્થિત રાખવાના અપર-લોઅર તથા સાઇડ કેસવાળા ઘોડાઓ તથા તૈયાર પાનાં સંઘરવાના ઘોડાઓ હવે સીધા મુદ્રકના 3 × 6 ફૂટના નાનકડા ટેબલ પર આવી ગયા ! એક કમ્પ્યૂટર-ઑપરેટર લગભગ દસ કંપોઝિટર જેટલું કામ આપે તેવી ક્ષમતા હોવાથી કંપોઝિટરની મોટી ફોજ હવે બિનજરૂરી થઈ ગઈ.

લેઝર-પ્રિન્ટર અને કમ્પ્યૂટરને મુદ્રકના ઉપયોગ માટે અનુકૂળ કરી ‘ડેસ્ક-ટૉપ-પબ્લિશિંગ’ (ડીટીપી) સિસ્ટમ બજારમાં મૂકવામાં આવી. મુદ્રકના ટાઇપ-સેટિંગની એકેએક જરૂરિયાતને આ સિસ્ટમ સંતોષતી હોવાથી મુદ્રકો માટે આ શોધ ‘જે જોઈએ છે તે મળી ગયું’ જેવી થઈ પડી. ડીટીપી-સિસ્ટમ કિંમત એટલે કે મૂડીરોકાણની ર્દષ્ટિએ પરવડે તેવી હતી, ઉપયોગમાં પણ સરળ હતી. તેને લઈને મુદ્રણાલયોમાં લગભગ ગૂટનબર્ગના ટાઇપનું એક જમાનામાં જે સ્થાન અને પ્રભુત્વ હતું તે સ્થાન અને પ્રભુત્વ ડીટીપીએ જમાવી દીધું.

કમ્પ્યૂટરની મદદથી થતું ફોટોટાઇપ-સેટિંગ જે જાતનું કામ આપી શકે છે તે, બલકે તેથી પણ વધારે કામ, ડીટીપી સિસ્ટમ આપી શકે છે. વધુમાં લેઝર-પ્રિન્ટરની મદદથી ફિલ્મ કે બ્રોમાઇડ પેપરને બદલે સાદા કાગળ પર કે બટર પેપર પર છાપ લઈ શકાય છે. પરિણામે ડીટીપી-સિસ્ટમ તેની પુરોગામી એવી ફોટોટાઇપ-સેટિંગ સિસ્ટમ કરતાં સરખામણીમાં ઘણી કરકસરયુક્ત પુરવાર થઈ છે. મુદ્રણમાં, ખાસ કરીને સામયિકો અને દૈનિકોના છાપકામમાં સમયની બચત બહુ મહત્ત્વની છે, ફોટોટાઇપ-સેટિંગમાં બ્રોમાઇડ કે ફિલ્મ ડેવલપ કરવા માટે ધોવા અને સૂકવવામાં જતા સમયનો ડીટીપી સિસ્ટમમાં છેદ ઊડી જાય છે. આમ, મુદ્રકની જરૂરિયાત – ઝડપ, સરળતા, સુઘડતા, વૈવિધ્ય, વિપુલતા અને ગુણવત્તા- ડીટીપી-સિસ્ટમ પૂરી કરે છે. આનો બધો યશ કમ્પ્યૂટરને ફાળે જાય છે.

હસ્તપ્રત વાંચતું સૉફ્ટવેર : મુદ્રણ માટે આવતી નાની કે મોટી કોઈ પણ હસ્તપ્રત ટાઇપ-સેટિંગ કરનારે વાંચવી પડે છે. પહેલાં હાથ વડે બીબાં-ગોઠવણી થતી ત્યારે કંપૉઝિટર તે વાંચીને બીબાં ગોઠવણી કરતો. પછી મૉનો અને લાઇનોમશીનો આવ્યાં તેમાંય ઑપરેટરે હસ્તપ્રત વાંચતા જઈ કળપટ પરની ચાંપો દબાવવી પડતી. કમ્પ્યૂટરની મદદથી થતા ટાઇપસેટિંગમાં પણ ઑપરેટરે (ડેટા ઍન્ટ્રી કરનારે) હસ્તપ્રત વાંચતા જઈ કળપટ પરની ચાંપો દબાવતા જવું પડે છે. અલબત્ત, આ ચાંપો દબાવવામાં સહેજ સરખું પણ જોર કરવું પડતું નથી. વળી, અગાઉથી કેટલાક કમાન્ડ આપી રાખેલા હોવાથી ઑપરેટરે તો માત્ર લખાણ વાંચતા જઈ કળપટ પરની જે તે ચાંપ જ દબાવતા જવાનું હોય છે. આનાથી કામ સરળ અને ઝડપી થયું છે.

હવે, છાપેલા પુસ્તકનું પુનર્મુદ્રણ કરવા માટે તેનું ટાઇપ-સેટિંગ કરવું હોય, કે ટાઇપ કરેલી હસ્તપ્રત પરથી ટાઇપ-સેટિંગ કરવું હોય, કે સારા અક્ષરે લખેલી હસ્તપ્રત પરથી ટાઇપ-સેટિંગ કરવું હોય તો તેની ડેટા એન્ટ્રી કરવા માટે ઑપરેટરની જરૂર નથી. એવાં કમ્પ્યૂટર-સૉફ્ટવેર આવ્યાં છે, જે છાપેલી, ટાઇપ કરેલી કે સુવાચ્ય અક્ષરે લખેલી હસ્તપ્રત વાંચી તેની ડેટા-ઍન્ટ્રી કરી આપે છે. તેમ થતાં જોઈતી ટાઇપ-સાઇઝ, ટાઇપ-ફેઇસ, મેઝર, ગેઇજ, લેડિંગ વગેરેના કમાન્ડ આપી ડેટા-ઍન્ટ્રી કરેલી ફ્લૉપી પરથી લેઝર-પ્રિન્ટર દ્વારા જોઈતું પ્રૂફ મેળવી શકાય છે. તે વાંચી, સુધારી તે પરથી ઑફસેટ-પ્રિન્ટિંગ માટેની પેપર-પ્રિન્ટ, પૉઝિટિવ કે બટરપ્રિન્ટ મેળવી તે પરથી છાપકામ કરી શકાય છે.

આમાં, કમ્પ્યૂટર હસ્તપ્રત વાંચવામાં ભૂલ કરે ખરું ? – એવો પશ્ન થાય. ભૂલ કરે, જેમ ખરાબ અક્ષરોવાળી હસ્તપ્રત વાંચવામાં કંપોઝિટર કે ઑપરેટર ભૂલ કરે તેમજ અને તેવી ભૂલ કમ્પ્યૂટર પણ કરે. પણ સરવાળે ભૂલ ઓછી થાય અને તે પહેલું પ્રૂફ વાંચતાં સુધારી લેવાય. છાપેલી, ટાઇપ કરેલી યા સારા અક્ષરે લખેલી હસ્તપ્રત વાંચવાની કમ્પ્યૂટરની ઝડપ કમ્પ્યૂટર પર સામાન્ય રીતે ઑપરેટર જે ઝડપથી કામ કરી શકે તેના કરતાં ઘણી વધારે હોય છે. હાલમાં માત્ર રોમન લિપિ એટલે કે અંગ્રેજી ભાષા માટે જ આવા પ્રોગ્રામ મળે છે, પણ સમય જતાં તે પ્રાદેશિક ભાષા માટે પણ ઉપલબ્ધ થશે. કારણ કે પ્રાદેશિક ભાષાનું સૉફ્ટવેરનું બજાર પણ નાનું નથી.

પ્રૂફરીડર અને કૉપીએડિટરની મદદે કમ્પ્યૂટર : કમ્પ્યૂટરની મદદથી ટાઇપ-સેટિંગ થવા માંડ્યું તેની સાથે જ સ્પેલચેક-પ્રોગ્રામ પણ આવ્યો અને સુધરતો ગયો, વિકસતો ગયો, હજુ વિકસતો જાય છે. સામાન્ય છાપ એવી આપવામાં આવે છે કે તમે સ્પેલચેક પ્રોગ્રામ લઈ લીધો એટલે તમારું કમ્પ્યૂટર જોડણીની ભૂલ કરે જ નહિ, ખોટી જોડણી સ્વીકારે જ નહિ, ખોટી જોડણી આપમેળે સુધારી લે ! આ સામાન્ય સમજ ભ્રામક છે. સ્પેલચેક પ્રોગ્રામનો અર્થ એટલો જ કે કમ્પ્યૂટરની મેમરીમાં એક ડિક્ષનરી ભરેલી છે. વધુમાં તમે તમારે જોઈતા વધારાના શબ્દોની ડિક્ષનરી પણ બનાવી શકો છો, ને તેને મેમરીમાં ભરી દઈ શકો છો. જોડણી અંગે શંકા જતાં તમે જેમ ડિક્ષનરીમાં શબ્દની સાચી જોડણી શોધો છો તેમ ઑપરેટરને જોડણી અંગે શંકા જાય તો તે સ્પેલચેક પ્રોગ્રામની સવલતનો લાભ લઈ સાચી જોડણી શોધી શકે છે. કમ્પ્યૂટરની જોડણી ખોટી છે તે પણ કહે છે અને સાચી જોડણીવાળા શબ્દો ઝડપથી શોધીને રજૂ કરે છે. ઑપરેટર તેની મદદથી સાચી જોડણીની ઍન્ટ્રી કરી શકે છે. સ્પેલચેક પ્રોગ્રામ હાલ અંગ્રેજી માટે જ ઉપલબ્ધ છે પણ પ્રાદેશિક ભાષાઓ માટે પણ તે બનાવી શકાય તેમ છે.

કૉપી-એડિટિંગ તો સંપૂર્ણપણે અનુભવ અને ઝીણવટની કસરત છે. કમ્પ્યૂટર કાંઈ તે કરી શકે નહિ. પણ કૉપી એડિટરના કામકાજની મહેનત ઘટાડવામાં કમ્પ્યૂટર ચોક્કસ મદદ કરી શકે, જેમ કે, એક શબ્દની જોડણી ખોટી હોય તે સુધારી લેવાય તો આખી હસ્તપ્રતમાં તે સુધારો જ્યાં-જ્યાં આવતો હોય ત્યાં-ત્યાં આમેજ કરી લેવાય કે આપમેળે આમેજ થઈ જાય. અમુક ઐતિહાસિક વર્ષનો ઉલ્લેખ આવતો હોય તો તે જ્યાં-જ્યાં આવે ત્યાં-ત્યાં કમ્પ્યૂટર અટકીને તમને તે સાલ સાચી છે કે ખોટી તે ચકાસી લેવાની તક આપે અને તમે તેની ચકાસણી કરી શકો અને જરૂરી હોય તો સુધારી શકો.

સૂચિ બનાવવામાં કમ્પ્યૂટર આશીર્વાદરૂપ થઈ પડે. સામાન્ય રીતે વ્યક્તિવાચક નામ સૂચિમાં સમાવવાનાં હોય છે. કમ્પ્યૂટર વ્યક્તિવાચક નામની યાદી અને તે કયા કયા પાન ઉપર આવે છે તે બતાવી આપી શકે. તે પરથી સૂચિ સરળતાથી બનાવી શકાય અને કમ્પ્યૂટર તે કક્કાવારી પ્રમાણે ગોઠવી પણ આપે.

સમગ્ર હસ્તપ્રતમાં જોડણીની બાબતમાં, લિપ્યંતર કરેલ નામ કે શબ્દની બાબતમાં, વિરામચિહ્નોના ઉપયોગની બાબતમાં, સંક્ષેપ લખવાની પદ્ધતિની બાબતમાં, સાલવારી લખવાની પદ્ધતિની બાબતમાં એકસૂત્રતા હોવી જોઈએ. તે છે કે નહિ અને હોય તો કેવી હોવી જોઈએ તે કૉપી-એડિટરે નક્કી કરવાનું હોય છે. કૉપી એડિટરને આ કામ કરવામાં કમ્પ્યૂટરનો સમજપૂર્વકનો ઉપયોગ ખૂબ સરળતા કરી આપે છે.

આમ, પ્રૂફરીડર અને કૉપી-એડિટર બંનેને કમ્પ્યૂટર અમુક જાતનાં એકસરખાં કે એકધારાં કામ કરવાની મહેનતમાંથી બચાવી લે છે; તેમ છતાં કમ્પ્યૂટર, પ્રૂફરીડરની કે કૉપી-એડિટરની સંપૂર્ણ કામગીરી કરતું થઈ જશે એવો ભય રાખવાની જરૂર આજે નથી. કારણ, જે કાંઈ છપાવા જઈ રહ્યું છે તે ભલે કમ્પ્યૂટરે ચકાસી લીધું હોય તોય તેમાં કાંઈ ભૂલ રહી તો નથી ગઈ ને, તેટલું ચકાસી લેવા માટે પણ પ્રૂફરીડરની જરૂર રહેવાની. આમ, પ્રૂફરીડરોની તંગી વચ્ચે પણ પ્રૂફરીડરનો વંશ હજુ કમ્પ્યૂટર-યુગમાંય સલામત છે.

ચિત્રકારની મદદે કમ્પ્યૂટર : કમ્પ્યૂટરની ફ્લૉપી પર જેમ અક્ષરો અને અક્ષરોમાંથી બનતું લખાણ સંઘરી શકાય છે તે જ રીતે જુદી જુદી અસંખ્ય આકૃતિઓ અને આકારો પણ સંઘરી શકાય છે. ભૌમિતિક આકૃતિઓ ઉપરાંત ચિત્ર દોરવામાં ખપ લાગે તેવી અનેક આકૃતિઓ જેવી કે પંખીઓ, પશુઓ, વૃક્ષો, પર્વતો, વાહનો, યંત્રો, માણસે વિકસાવેલાં કામ માટેનાં અનેક જાતનાં સાધનો, વિવિધ મનુષ્યાકૃતિઓ વગેરે દોરી તેને અગાઉથી સંઘરી રાખી શકાય છે. કમ્પ્યૂટર પર ચિત્ર દોરનાર સ્ક્રીન પર આ આકારો કે આકૃતિઓ બોલાવી, તેમને જોઈતા કદનાં કરી, જોઈતા સ્થાને ગોઠવી, જેમ કાગળ પર ચિત્ર દોરે તેમ ચિત્ર દોરી શકે છે. તૈયાર આકૃતિ અને આકારો મળી ગયા બાદ ચિત્રકારનું કામ સંયોજન અને જોઈતા ફેરફાર કરવાનું જ રહે છે. હવે તો કૉરલ ડ્રૉ ઉપરાંત ક્લિપઆર્ટની કૉમ્પૅક્ટ ડિસ્ક (સીડી) પણ મળે છે, જે ચિત્રકારને ચિત્રો દોરવામાં ઘણી મૂળાકૃતિઓ પૂરી પાડી મદદરૂપ થાય છે. આમ, કમ્પ્યૂટરે પીંછી અને પેન્સિલ યા ચૉકથી મૂળાકૃતિઓ દોરવાની ઘણી મહેનત લઈ ચિત્ર દોરનારાઓનું કામ ઘણે અંશે સરળ અને ઝડપી કર્યું છે. આ ચિત્રોમાં કમ્પ્યૂટરની મદદથી રંગો પણ પૂરી શકાય છે અને અક્ષરો કે લખાણ પણ ઉમેરી તેની રંગીન પ્રિન્ટ પણ મેળવી શકાય છે. આવી પ્રિન્ટ આર્ટવર્કનું કામ આપે છે અને છાપકામની પ્લેટ બનાવવા માટે જોઈતી નૅગેટિવ-પૉઝિટિવ પણ કમ્પ્યૂટરની મદદથી ચાલતાં સ્કૅનર આવતાં શ્વેતશ્યામ તસવીરો અને ચિત્રોનું છાપકામ પણ અગાઉ બ્લૉક બનાવી કરવું પડતું હતું તેવા છાપકામની સરખામણીમાં સાવ સરળ અને સુલભ થઈ ગયું છે.

ચિત્રો અને છબીઓના મુદ્રણમાં કમ્પ્યૂટર : અક્ષરો અથવા લખાણના મુદ્રણ કરતાં ચિત્રો અને છબીઓનું છાપકામ કરવા માટે થોડી વિશેષ તૈયારી કરવી પડે છે. ચિત્રોના બ્લૉક બનાવવા પડે છે અને છબીઓના બ્લોક બનાવવામાં સ્ક્રીનનો ઉપયોગ કરી હાફટોન બ્લૉક બનાવવામાં આવે છે. બ્લૉક બનાવવા માટે મૂળ ચિત્ર કે છબીની નૅગેટિવ તથા પૉઝિટિવ લેવી, પછી તેને જસત યા તાંબાના સમતળ ચકચકતા પતરા પર ફેરવવી અને પછી ઍસિડમાં ફેરવતા રહી, ન જોઈતા ભાગને ખોતરી કાઢવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય જાય છે. બેઅઢી દાયકા પહેલાં આ કારણે સાંજે મોડી પૂરી થયેલી જાહેર સભા કે મેળાવડાની છબી બીજા દિવસના છાપામાં છાપવી હોય તો બ્લૉક બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડતી; નહિ તો તસવીર બીજે દિવસે સવારે નહિ, પણ ત્રીજે દિવસે સવારે છાપામાં આવતી. નેતાઓની છબીઓના બ્લૉક તૈયાર રખાતા એટલે જ્યારે એ નેતાનો ફોટો મૂકવાનો હોય ત્યારે એકનો એક ફોટો વાચકના માથે મરાય છે એમ લાગ્યા કરતું. કમ્પ્યૂટર અને ઑફસેટ-પ્રિન્ટિંગ આવતાં હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે. કમ્પ્યૂટર અને સ્કૅનરની મદદથી છબી પરથી જોઈતી સાઇઝની સ્કૅન કરેલી પૉઝિટિવ કે નૅગેટિવ ગણતરીની મિનિટોમાં મેળવી તે પરથી ઑફસેટની પ્લેટ બનાવી મુદ્રણ કરી શકાય છે. આને કારણે તસવીરોનું છાપકામ સરળ થતાં સામયિકોમાં અને દૈનિકોમાં તસવીરોનું પ્રમાણ પણ વધી ગયું છે. પહેલાં બેસણાની જાહેરખબરમાં દિવંગત વ્યક્તિનો ફોટો ભાગ્યે જ છપાતો. આજે લગભગ બધી જ બેસણાની જાહેરાતમાં દિવંગતની તસવીર જોવા મળે છે. આ પરિવર્તન મુદ્રણમાંના કમ્પ્યૂટરના ઉપયોગને આભારી છે. તેવી જ રીતે દૈનિકોમાં નેતાની એકની એક તસવીરને બદલે હવે નિતનવી તસવીર છપાયેલી જોવા મળે છે. તે પણ તસવીર છાપવામાં કમ્પ્યૂટરની મદદથી સ્કૅનિંગ કરવામાં થઈ ગયેલી સરળતાને આભારી છે.

રંગીન તસવીરોથી ઊભરાતાં સામયિકો : આજથી પચીસ વરસ પર દૈનિકો કે સામયિકોમાં રંગીન છબીઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી. સિને-સાપ્તાહિકોમાં રંગીન છબીઓ આવતી ખરી, પણ તે ઘણા સમય પહેલાં છાપી લેવી પડતી. કારણ કે રંગીન છબી છાપવાનું કામ સામાન્ય છબી છાપવા કરતાં પણ વધુ અઘરું, ચીવટ અને સમય માગી લેનારું હતું. શ્વેત-શ્યામ તસવીર માટે નૅગેટિવ-પૉઝિટિવ પરથી એક બ્લૉક બનાવવો પડે છે, જ્યારે રંગીન તસવીર માટે કલર-ફિલ્ટરનો ઉપયોગ કરી ચાર નૅગેટિવ-પૉઝિટિવ બનાવવાં પડે છે ને ચાર બ્લૉક બનાવી એક ને એક કાગળને ચાર વાર છાપવો પડે છે, એટલે કે તેને છાપકામ માટેના મશીનનાં ચાર યુનિટમાંથી પસાર કરવો પડે છે.

મુદ્રણમાં કમ્પ્યૂટરના પ્રવેશની સાથે હવે ચતુરંગી તસવીરના ચાર રંગ જુદા પાડી તેની ચાર નૅગેટિવ-પૉઝિટિવ કે પ્રિન્ટ મેળવવાનું કામ સાવ સરળ થઈ ગયું છે. કમ્પ્યૂટરની મદદથી ચાલતા સ્કૅનર અને લેઝર-પ્રિન્ટરની મદદથી, જે કામ કરતાં દિવસો લાગતા, તે હવે ગણતરીની મિનિટોમાં થઈ જાય છે. આજનાં સામયિકો રંગીન તસવીરોથી ઊભરાય છે અને દૈનિકો પણ આગલે દિવસે સાંજે બની ગયેલા બનાવોની રંગીન તસવીર સવારના છાપામાં વાચક સમક્ષ રજૂ કરી શકે છે તે મુદ્રણમાં કમ્પ્યૂટરના પ્રવેશથી ચતુરંગી છબીમાંથી ચાર રંગ છૂટા પાડવામાં થઈ ગયેલી સરળતાને આભારી છે.

સૅટેલાઇટ-કોમ્યુનિકેશન દ્વારા કમ્પ્યૂટરની મદદથી ટાઇપ-સેટિંગ કરી તૈયાર કરેલાં વર્તમાનપત્રનાં પાનાં એક સ્થળેથી બીજે સ્થળે ગણતરીની મિનિટોમાં મોકલી શકાય છે. યુ.એસ.માંથી પ્રસિદ્ધ થતું ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત ટાઇમ્સ’ અમદાવાદની સી. જી. રોડ પર આવેલી એક નાનકડી ઑફિસમાં તૈયાર થાય છે. આ ઑફિસ તેનાં બત્રીસ પાનાં કમ્પ્યૂટરની મદદથી થતા ટાઇપ-સેટિંગ દ્વારા તૈયાર કરી સૅટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા ‘ઇન્ડિયા એબ્રૉડ’ની ન્યૂયૉર્કસ્થિત ઑફિસમાં પહોંચાડે છે. અમદાવાદમાં કમ્પ્યૂટરની સ્ક્રીન પર દેખાતું ટેબલોઇડ સાઇઝનું એક પાનું ન્યૂયૉર્કની ઑફિસમાં ત્રણથી પાંચ મિનિટમાં એવું ને એવું જ ઉતારવામાં આવે છે અને તે છાપકામ માટે સીધેસીધું કામમાં લઈ શકાય છે. એવી રીતે શનિવારે મોકલાતાં બત્રીસ પાનાંમાં આઠેક સ્થાનિક પાનાં ઉમેરી ચાળીસ પાનાંના સાપ્તાહિકની પચાસ હજાર નકલ યુ.એસ.નાં જુદાં જુદાં રાજ્યોનાં ગુજરાતી ઘરોમાં પહોંચી જાય છે. આ કમ્પ્યૂટરના મુદ્રણમાંના પ્રદાનને પગલે શક્ય બન્યું છે. યુ.એસ.માં વસતાં પંજાબીઓ માટે ‘શેરે પંજાબ’ નામનું સાપ્તાહિક લુધિયાણામાં તૈયાર થાય છે અને ‘ગુજરાત ટાઇમ્સ’ની જેમ જ સૅટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા લુધિયાણાથી ન્યૂયૉર્ક પહોંચી, ત્યાં છપાઈ, યુ.એસ.માં વસતાં પંજાબી કુટુંબોમાં સોમ કે મંગળવારે પહોંચી જાય છે. થોડાં વરસ પર પ્રકાશનનું આવું સાહસ કરવાનું લગભગ અશક્ય હતું. મુદ્રણક્ષેત્રે કમ્પ્યૂટરના ઉપયોગથી સ્થળ અને કાળનાં અંતર લગભગ અલોપ થઈ ગયાં છે.

પ્રિપ્રેસ’, ‘પ્રિન્ટિંગઅનેપોસ્ટ પ્રેસ : મુદ્રણમાં કમ્પ્યૂટરના આગમન અને ચલણ પહેલાં મુદ્રણ એટલે કંપોઝ, પ્રિન્ટિંગ અને બાઇન્ડિંગ–એમ ત્રણ પ્રક્રિયા ગણાતી. કમ્પ્યૂટર આવ્યા પછી ‘પ્રિપ્રેસ’, ‘પ્રિન્ટિંગ’ અને ‘પોસ્ટ પ્રેસ’ એવી પરિભાષા વપરાતી થઈ છે. આપણે કમ્પ્યૂટરનો જે ઉપયોગ જોયો તે પ્રિપ્રેસ એટલે કે પ્રિન્ટિંગ મશીન પર પ્લેટ છાપવાની શરૂ થાય ત્યાં સુધીનો છે, અને પ્રિન્ટિંગ કરતાં, પ્રિપ્રેસનો તબક્કો જ મહત્વનો છે. અગાઉ તે તબક્કાનું મોટાભાગનું કામ હાથની કળા હતી. ચિત્રો છાપવા માટે લાકડાના પાટિયા પર એવું સુંદર કોતરકામ કરી બ્લૉક બનાવાતા કે તેનું પરિણામ જોઈ આપણે દંગ થહી જઈએ. બીજે તબક્કે મશીને તે કામ લીધું અને હવે કમ્પ્યૂટરે લગભગ પ્રિપ્રેસનું કામ સંપૂર્ણપણે લઈ લીધું છે. તેમ થતાં સમયની ખાસ્સી બચત થઈ છે અને જે કામ વૈતરા જેવું કંટાળાજનક હતું તે હવે સરખામણીમાં સાવ સરળ થયું છે.

પ્રિન્ટિંગના તબક્કે મુખ્યત્વે તો મશીને કામ કરવાનું હોય છે. પરંતુ આ મશીન ગુણવત્તાવાળું મુદ્રણ કરે તે માટે હવે તેની મદદે કમ્પ્યૂટર આવ્યું છે. શાહીના રંગ, શાહીની ઘનતા, ચતુરંગી મુદ્રણમાં ‘ડૉટ ટુ ડૉટ રજિસ્ટ્રેશન’ જેવાં કામોમાં કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રૉનિક સેલ ગુણવત્તાવાળું કામકાજ થાય તેની તકેદારી રાખે છે. ગુણવત્તાના ધોરણમાં સહેજ કચાશ આવી, જેમ કે ‘ડૉટ ટુ ડૉટ રજિસ્ટ્રેશન’માં સહેજ ફેરફાર થયો, તો કમ્પ્યૂટર મશીનને થંભાવી દે છે. થોભેલું મશીન જ્યાં સુધી ખામી દૂર કરી ગુણવત્તાવાળા છાપકામની સ્વીકૃતિ માટે તૈયાર ન થાય ત્યાં સુધી ચાલતું નથી ! પ્રિન્ટિંગ મશીનમાં ગુણવત્તાવાળું શ્રેષ્ઠ મુદ્રણ મળતું રહે તે માટે કમ્પ્યૂટરની મદદથી એવી  ચકાસણી ને અંકુશ મુકાતાં જાય છે કે ભવિષ્યમાં ખામીવાળું મુદ્રણ જોવા મળશે કે કેમ તે પશ્ન છે ! અને આવી સુખદ સ્થિતિ સર્જવામાં કમ્પ્યૂટરનો ફાળો મહત્વનો છે.

પોસ્ટપ્રેસ એટલે કે છાપકામ થઈ ગયા પછી બાઇન્ડિંગ-વિભાગમાં પણ કમ્પ્યૂટર બાઇન્ડિંગ મશીનોનું સંચાલન કરે છે. બાઇન્ડિંગની ઘણી પ્રક્રિયાઓ એવી છે કે એકધારી રીતે વારંવાર કરવાની હોય છે. જેમ કે કાગળનાં મોટાં રીમની ધારો કાપી, એકસરખી નાની સાઇઝમાં તે ફેરવવાનાં હોય છે. આમાં કટિંગ મશીન પર બેસાડેલા કમ્પ્યૂટરના પ્રોગ્રામમાં કાગળની ધારો કેટલી કાપવાની છે, કઈ સાઇઝ પાડવાની છે વગેરે વિગતો ભરી દીધા બાદ કટિંગ-મશીન ચાલુ કરતાં કટિંગ-મશીનની કાગળના રીમને આગળપાછળ લઈ જતી ઠેસી તથા કટિંગની છરી તેને કમ્પ્યૂટરે આપેલી સૂચના મુજબ આપોઆપ પડતી રહે છે. આમાં કટિંગનું કામ ઝડપી, ક્ષતિરહિત અને એકધારું થાય છે. પુસ્તકોનો એક આખો જથ્થો કમ્પ્યૂટરની મદદ વગર ચાલતા કટિંગ-મશીન પર કાપવામાં આવે ત્યારે તેમાં કોઈક થપ્પી સહેજસાજ નાની કે મોટી થવાનો સંભવ રહે છે, જ્યારે કમ્પ્યૂટરની મદદથી ચાલતા કટિંગ-મશીન પર કાપેલ પુસ્તકોની એકેએક થપ્પી એટલે કે તમામ  પુસ્તકો મિલીમીટર સુધીની કદની ચોકસાઈમાં એકસરખાં કપાય છે. પોસ્ટપ્રેસમાં કમ્પ્યૂટરના ઉપયોગને સમજવા આ એક ઉદાહરણ પૂરતું છે. બાકી, વારંવાર એકધારી રીતે કરવાની પ્રક્રિયા માટે હવે બાઇન્ડિંગ વિભાગના મશીન સાથે કમ્પ્યૂટર જોડી તે પ્રક્રિયાને ચોકસાઈવાળી ને સરળ બનાવાઈ રહી છે. રોટરી મશીન પર છપાતા મૅગેઝીનના ફરમાનું ફોલ્ડિંગ થઈ જાય, ફોલ્ડ થયેલા ફરમાની મેળવણી થઈ જાય, તેને વચમાં પિન વાગી જાય, પછી ત્રણ ધાર ફટાફટ કપાઈ જાય, તૈયાર મૅગેઝીન પર રૅપર ચઢી જાય અને એવા રૅપર ચઢાવેલા મૅગેઝીનની જોઈતી સંખ્યાની થપ્પી મળી જાય તેવું મૅગેઝીનનું બાઇન્ડિંગ કરતું કમ્પ્યૂટરની મદદથી ચાલતું યંત્ર ઉપલબ્ધ છે.

આમ, આધુનિક મુદ્રણમાં હસ્તપ્રત વાંચવાથી મૅગેઝીન છપાઈને રવાના થાય ત્યાં સુધી અનેક તબક્કે કમ્પ્યૂટરનો ઉપયોગ વિસ્તરેલો છે.

જિતેન્દ્રભાઈ દેસાઈ