મુદગલ, શુભા

February, 2002

મુદગલ, શુભા (જ. 1959 – અલ્લાહાબાદ, યુ.પી.) : ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીના ગ્વાલિયર ઘરાણાની શાસ્ત્રીય શૈલી તથા પાશ્ચાત્ય પૉપ સંગીત – આ બંનેમાં નિપુણતા ધરાવતાં ગાયિકા. બે જુદી જુદી સંગીતશૈલીઓ –ભારતીય અને પાશ્ચાત્ય–નું જોડાણ તેમના જેવા કોઈ એક જ કલાકારમાં હોય તે એક વિરલ ઘટના ગણાય. સમગ્ર બાળપણ અને શિક્ષણ અલ્લાહાબાદ ખાતે. માતા અને પિતા બંને શિક્ષક હતાં. ઘરમાં સંગીતના વાતાવરણનો અભાવ હતો. બાલ્યાવસ્થામાં તેમની રુચિ નૃત્ય તરફ સવિશેષ હતી અને તેથી અઢાર વર્ષની ઉંમર સુધી તેમણે અલ્લાહાબાદમાં કથક નૃત્યશૈલીની તાલીમ લીધી. ત્યારપછી તેઓ શાસ્ત્રીય સંગીત તરફ વળ્યાં અને પોતાનું સમગ્ર ધ્યાન તેની તાલીમ પર કેન્દ્રિત કર્યું. અલ્લાહાબાદ યુનિવર્સિટીની સ્નાતક પદવી માટે તેમણે ઐચ્છિક વિષય તરીકે શાસ્ત્રીય સંગીતની પસંદગી કરી હતી અને સમયાંતરે તે જ વિષયમાં તેમણે અનુસ્નાતક પદવી પણ પ્રાપ્ત કરી. તે અરસામાં ‘સુર સિંગાર સંસદ’ નામથી ઓળખાતી શાસ્ત્રીય સંગીતને વરેલી સંસ્થા દ્વારા આયોજિત ‘કલ કે કલાકાર’ સ્પર્ધામાં ભાગ લઈ એક ઊગતા કલાકાર તરીકેની પોતાની છાપ  તેમણે ઊભી કરી. ત્યારબાદ જાહેર મંચ પર તથા આકાશવાણી પર તેમના એકલ કાર્યક્રમો રજૂ થવા લાગ્યા; જેમાં તેમને સારી એવી લોકચાહના મળવા લાગી. સાથોસાથ આકાશવાણીની ‘વિવિધ ભારતી’ ચૅનલ પર અનિયતકાલીન (‘કૅઝુઅલ’) ઉદઘોષક તરીકેની કામગીરીની તેમણે શરૂઆત કરી. ત્યાં સુધી શાસ્ત્રીય સંગીત તરફ વ્યાવસાયિક માધ્યમ તરીકે જોવાની ર્દષ્ટિ તેમણે કેળવી ન હતી, પણ શોખ તરીકે તે ક્ષેત્રમાં વિકાસ કરવા પર તેઓ સતત ભાર મૂકતાં રહ્યાં. ગ્વાલિયર ઘરાણાની ગાયકી ઉપરાંત તેમણે પંડિત રામ આશ્રય ઝા, પંડિત વિનયચંદ્ર મુદગલ, પંડિત વસંત ઠાકર તથા વિખ્યાત શાસ્ત્રીય ગાયક કુમાર ગંધર્વ પાસેથી તાલીમ મેળવી. પૉપ સંગીતની પ્રેરણા તેમને જવાહર વદ્દલ પાસેથી મળી હતી. ત્યારબાદ તેમનાં લગ્ન થતાં અલ્લાહાબાદથી તેઓ દિલ્હી જતાં રહ્યાં અને સમયાંતરે પુત્રપ્રાપ્તિ પણ કરી. લગ્નજીવનના શરૂઆતના આ ગાળામાં પણ તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ચાલુ જ રાખી હતી; પરંતુ ધીમે ધીમે પતિ સાથે અણબનાવ અને મતભેદો શરૂ થયા અને આઠ વર્ષના લગ્નજીવન પછી તેની પરિણતિ મનભેદમાં થઈ. છૂટાછેડા બાદ પુત્ર ધવલનો કબજો પતિને સોંપવો પડ્યો, જેનાથી શુભા ખૂબ વ્યથિત થયાં, છતાં સંગીતની સાધનામાં કોઈ કસર રાખી નહિ. આ બાબત શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પરિચાયક છે. કૌટુંબિક જીવનમાં ક્લેશ અને કલહનું વાતાવરણ છતાં તે અરસામાં તેમણે ઠૂમરી અને દાદરા જેવા ઉપશાસ્ત્રીય સંગીત-પ્રકારોની તથા પાશ્ચાત્ય પૉપ સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. આટલી ગતિશીલતા અને પ્રેરકશક્તિ ભાગ્યે જ અન્ય કલાકારોમાં જોવા મળે છે. અમેરિકાના ચલચિત્ર-વિશ્વના મુખ્ય કેન્દ્ર હોલિવુડમાં નિર્માણ થયેલાં કેટલાંક અમેરિકન ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે શુભા મુદગલે સંગીત આપ્યું છે. આ ઉપરાંત, મીરા નાયર દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘કામસૂત્ર’ ચલચિત્રમાં પણ ‘મહેમાન ગાયિકા’ (guest artiste) તરીકે તેમણે પોતાની કલાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. શુભા મુદગલ ઘેરો અને મીઠો અવાજ ધરાવે છે, જે તેમની ગાયિકા તરીકેની ઓળખાણનું  અગત્યનું પાસું છે.

શુભા મુદગલ

1997–98નાં વર્ષો દરમિયાન કલાકારોના અધિકારો, તેમની સાથે કરવામાં આવતા કરારનું સ્વરૂપ અને પદ્ધતિઓ, તેમને ચૂકવાતા મહેનતાણાની શરતો જેવી બાબતો લઈને શુભા મુદગલને ન્યાયાલયીન વિવાદોમાં પોતાનાં સમય અને શક્તિ ફાળવવાં પડ્યાં. આમ છતાં તે અરસામાં પણ સંગીતક્ષેત્રની તેમની આગેકૂચ વણથંભી જ રહી હતી. આ બાબત તેમની ધીરજ અને ર્દઢતાનો પરિચય આપે છે.

તાજેતરનાં વર્ષો દરમિયાન ભક્તિસાહિત્ય અને ભક્તિસંગીત તરફ તેમનો ઝુકાવ વધી રહ્યો છે. તેમની ર્દષ્ટિએ સંગીતની આ જ સાચી આરાધના છે. 1997માં દેશની સ્વતંત્રતાની સુવર્ણજયંતીના પર્વ પર દિલ્હી ખાતે શાસકીય રાહે જે સમારંભો આયોજિત કરવામાં આવ્યા હતા તેમાં જુદા જુદા કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’ ગીત ગાવામાં આવ્યું હતું. આ ગીત રજૂ કરનારાઓમાં લતા મંગેશકર, પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ અને શુભા મુદગલની વરણી થઈ હતી.

છેલ્લા એક દાયકામાં ભારતનાં જુદાં જુદાં નગરોમાં તથા યુરોપ અને અમેરિકામાં તેમના સંગીત-કાર્યક્રમો થતા રહ્યા છે અને એક લોકપ્રિય ગાયિકા તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વર્ષ 2003માં સંગીતના એક દીર્ઘકાલીન પ્રકલ્પના સંદર્ભમાં તેમણે જર્મનીના ફ્રૅન્કફર્ટ નગરની મુલાકાત લીધી હતી, જ્યાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વાદ્યવૃંદ સંસ્થા ‘એન્સેમ્બલ મૉડર્ન’(Ensemble Moderne)ના નેજા હેઠળ ભારતના સાત અગ્રણી સંગીતકારોએ સામૂહિક સ્વરરચના કરી હતી. આ સાત ભારતીય સંગીતકારોમાં શુભા મુદગલનો પણ સમાવેશ થયો હતો.

અત્યાર સુધી તેમનાં ઘણાં આલબમ બહાર પડ્યાં છે; જેમાં ‘અલી મોરે અંગના’ તથા ‘સાવન કી ઝડી લગ ગઈ, મેરી સાડી ભીગ ગઈ’ વિશેષ રીતે લોકપ્રિય નીવડ્યાં છે. થોડાક સમય પહેલાં તેમણે અનિશ પ્રધાન નામના તબલાવાદક સાથે બીજી વારનાં લગ્ન કર્યાં છે. અમૃત બેજ ફિલ્મ માટે તેમાં ઉત્તમ સંગીત દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ (1996), ગોલ્ડ પ્લાંક ઍવૉર્ડ (1998) અને 2000ની સાલમાં પદ્મશ્રીથી તેઓ સન્માનિત થયાં છે.

ચૅનલ V ઍવૉર્ડ માટે તેમની થયેલી પસંદગી તેમની કારકિર્દીમાં એક સીમાચિહન ગણી શકાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે