મીર ઝમીર [જ. –; અ. 18 જૂન 1865 (હિ. 23 મોહર્રમ 1282)] : ઉર્દૂના કવિ. તેમનું નામ મુઝફ્ફરહુસેન અને તેમનું કવિનામ ‘ઝમીર’ હતું. ઉર્દૂ સાહિત્ય-જગતમાં તે ‘મીર ઝમીર’ના નામે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ મીર કાદરહુસેન હતું. તેમની જન્મતારીખ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

10 વર્ષની નાની વયથી જ મીર ઝમીરે કાવ્યરચનાનો આરંભ કર્યો હતો. તેનો ઉલ્લેખ તેમણે પોતાની પ્રસિદ્ધ મસ્નવી ‘મઝહરુલ અજાઇબ’માં કર્યો છે. કાવ્યરચનાની શરૂઆત તેમણે ગઝલ-પ્રકારથી કરી હતી અને તેમના સમયમાં તે ઘણી લોકપ્રિય બની હતી.

મીર ઝમીરે ઉર્દૂ ઉપરાંત ફારસી તથા અરબીમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી હતી. ફારસી ભાષામાં તેમણે મરસિયા લખ્યા છે. તેમણે ગઝલ, મરસિયા, મસ્નવી, કસીદા, મુખમ્મસ, રુબાઈ જેવાં વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે.

મીર ઝમીરની ‘મસ્નવી મઝહરુલ અજાઇબ’, ‘નુસ્ખ-એ-મોહબ્બત’, ‘મસ્નવી મોઅજેઝએ ઇમામ હુસૈન’ તથા ‘મેઅરાજનામા’ પ્રસિદ્ધ છે.

મસ્નવી ઉપરાંત તેમણે ઘણા મરસિયા પણ લખ્યા છે. તે સમયમાં લખનૌ ઉર્દૂ મરસિયાનો ગઢ મનાતું હતું અને અવધના રાજાઓ, ખાસ કરીને રાજા નસીરુદ્દીન હૈદર, તેને બહુ ઉત્તેજન આપતા હતા.

મરસિયા ઉપરાંત તેના અંદાજ પર હર્સિયા પણ લખાતા હતા. મીર ઝમીરે લખેલા હર્સિયા પણ ઘણા પ્રસિદ્ધ હતા. મરસિયાના બંધની સંખ્યામાં વધારો કરવાનું શ્રેય મીર ઝમીરના ફાળે જાય છે. તેમના મરસિયાની સંખ્યા ઘણી ઓછી છે.

નસીરમિયાંં મહેમૂદમિયાં કાઝી