મીર, ઈઝરા (જ. 1903, કૉલકાતા; અ. 1993, મુંબઈ) : ભારતમાં વૃત્તચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સર્જક. કૉલકાતાના ખ્યાતનામ માદન થિયેટર્સ સાથે 1922માં જોડાયા ત્યારથી 1961માં ફિલ્મ વિભાગના મુખ્ય નિર્માતાપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધી એકધારાં ચાળીસ વર્ષ તેમણે ચલચિત્રોનું અને ખાસ કરીને દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું. સ્નાતક થયા ત્યાં સુધીમાં તેમને સાહિત્ય, ચિત્રકલા, સંગીત અને આધ્યાત્મિક વિષયોમાં રસ પડવા માંડ્યો હતો. પરિણામે સ્નાતક થયા પછી પિતાના વ્યવસાયમાં જોડાવાને બદલે તેમણે સંગીતમંડળી બનાવી, પણ તેમાં સફળતા ન મળતાં અંતે 1922માં માદન થિયેટર્સ સાથે જોડાયા અને ત્યાં નિર્માણ પામતાં ચિત્રોમાં રસ લેવા લાગ્યા. માદન કંપનીની બાગડોર ત્યારે જે. એફ. માદનના પુત્ર જહાંગીર માદન સંભાળી ચૂક્યા હતા. તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા ચિત્રમાં ઈઝરા મીર તેમના સહાયક બન્યા. ચિત્રમાં ઈઝરા મીરે અભિનય પણ કર્યો. પછી તેઓ ન્યૂયૉર્ક જતા રહ્યા. ત્યાં નાનુંમોટું કામ કર્યા પછી તેમણે એક પટકથા લખી. અહીં રહીને ઈઝરા મીરને ખ્યાલ આવ્યો કે ચલચિત્ર એટલે માત્ર કથાચિત્ર જ નહિ, દસ્તાવેજી ચિત્ર પણ તેનો એક પ્રકાર છે અને તે પણ એટલું જ સર્જનાત્મક છે.

આ દરમિયાન તેઓ જાણીતા રેડિયોવૃત્તાંત-નિવેદક મેલવિલ ડિ મેલોના સહાયક બન્યા. દિગ્દર્શક એડવિન કેરેવે માટે ‘ડ્રમ્સ ઑવ્ ઇન્ડિયા’ પટકથા લખી. ફિલિપ્સ ડેલ રે માટે તેમણે લખેલી પટકથા ‘સિમ્બોલિસ્ક્યુ’ મૂક ચિત્રો માટેની શ્રેષ્ઠ પટકથા ગણાય છે. 1930માં તેઓ ભારત આવ્યા ત્યારે તેમની માંગ ખૂબ વધી ગઈ.

1933થી 1941 દરમિયાન ઈઝરા મીરે 12 કથાચિત્રો બનાવ્યાં, પણ તેઓ દસ્તાવેજી ચિત્ર બનાવવાની તક શોધતા હતા જે તેમને 1942માં મળી. 1949માં તેમણે દસ્તાવેજી ચિત્રો બનાવવા ઇન્ડિયા ફિલ્મ એન્ટરપ્રાઇઝ નામની પોતાની માલિકીની સંસ્થા શરૂ કરી. આખા દેશનો પ્રવાસ કરીને તેમણે પર્યટન સંબંધી અને વિવિધ વિષયો પર અનેક દસ્તાવેજી ચિત્રો બનાવ્યાં. 1952માં ઇન્ડિયન ડૉક્યુમેન્ટરી પ્રોડ્યૂસર્સ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે તેમની સર્વાનુમતે વરણી થઈ. 1956માં તેમને કેન્દ્રશાસનના ફિલ્મ વિભાગના મુખ્ય નિર્માતા નિયુક્ત કરાયા ત્યાં સુધી આ હોદ્દા પર તેઓ રહ્યા હતા. પાંચ વર્ષ બાદ 1961માં તેઓ ફિલ્મ વિભાગમાંથી નિવૃત્ત થયા એ દરમિયાન તેમણે 500 દસ્તાવેજી ચિત્રોનાં નિર્માણ, દિગ્દર્શન અને સંપાદનમાં સહયોગ આપ્યો હતો.

હરસુખ થાનકી