મીતૈ, સાગોલસેમ લનચેનબા

February, 2002

મીતૈ, સાગોલસેમ લનચેનબા (જ. 1961, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના કવિ. તેમના ‘હિ નંગ્બુ હોન્દેદા’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1999ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે મણિપુર યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. 1987થી તેઓ ‘ધનમંજરી કલા મહાવિદ્યાલય’માં હિંદીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે. તેઓ મણિપુરી રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી, મણિપુર હિન્દી પરિષદના સાહિત્યિક મંત્રી તથા મણિપુરી સાહિત્ય પરિષદ, ઇમ્ફાલના સંયુક્ત સેક્રેટરી તરીકે સેવા આપે છે. રંગભૂમિ તથા સંગીત એ તેમના વિશેષ શોખના વિષયો છે. તેમણે 5 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો તથા 2 વિવેચનસંગ્રહો પ્રગટ કર્યા છે. નહારોલ સાહિત્યપ્રેમી સમિતિ, ઇમ્ફાલનો પ્રથમ થોકચોચ જોગેન્દ્ર સ્મારક સુવર્ણચંદ્રક (1995) તેમજ મણિપુર સાહિત્ય પરિષદ તરફથી તેલેમ આબિર રોકડ પુરસ્કાર (1999) વગેરે તેમને પ્રાપ્ત થયા છે.

તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં સાંપ્રત મણિપુરી સમાજજીવન તથા તે પરત્વેના કવિના સંવેદનપરક પ્રતિભાવો પ્રવાહી અને ઉલ્લાસપ્રેરક ભાષામાં આલેખાયા છે. તેમની શૈલી નિરાડંબરી અને આયાસરહિત છે. તેમાં પરંપરા અને ઉત્તર-આધુનિક પરિબળો વચ્ચેના સંઘર્ષને વ્યક્ત કરવાની પૂરેપૂરી ક્ષમતા પ્રગટી શકી છે. મણિપુરી કાવ્યસાહિત્યમાં આ કૃતિ યાદગાર નીવડી છે.

મહેશ ચોકસી