મિશ્ર, ગોપાલ (જ. 1921; અ. 1977) : ભારતના અગ્રણી સારંગીવાદક. સારંગીવાદનમાં તેમની ગણના દેશના ટોચના કલાકારોમાં થાય છે. તેમના પિતા પંડિત સુરસહાય મિશ્ર એ સમયના પ્રખ્યાત સારંગીવાદક હતા. દસેક વર્ષની ઉંમરથી જ ગોપાલ મિશ્રે પિતા પાસે સારંગીવાદન શીખવાની શરૂઆત કરી. સારંગીવાદનની ખૂબીઓનો બરાબર અભ્યાસ કર્યા પછી સંગીત-સમ્રાટ બડે રામદાસજી પાસેથી ક્લિષ્ટ ગાયકી સાથે સંગત કરવા માટેની તાલીમ તેમણે લીધી. સાથે સાથે સ્વતંત્ર સારંગીવાદન માટેની પણ ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરી.

વીસેક વર્ષની ઉંમરથી જ પંડિતજીની ખ્યાતિ દેશભરમાં ફેલાવા લાગી અને ઠેકઠેકાણેથી સંગીતસંમેલનોમાં સારંગી વગાડવા માટેનાં આમંત્રણો આવવા માંડ્યાં. ભારતનાં ઉચ્ચકોટિના લગભગ બધા જ ગાયકો જોડે તેમને સંગત કરવાનું ગૌરવ મળેલું. આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પરથી તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત થયેલા. તાલ અને લય પર પૂર્ણ કાબૂ એ એમના વાદનની ખાસિયત રહી છે. સમ પર આવતાં પહેલાં વિભિન્ન પ્રકારની તિહાઈ લેવાની પણ તેમની વિશેષતા કહી શકાય. અત્યંત સુરીલું અને મધુર એવું તેમનું સારંગીવાદન હતું, જે સાંભળી જાણે કોઈ ગાતું હોય એવી અનુભૂતિ શ્રોતાઓને થતી.

ગોપાલ મિશ્ર

આઝાદી પૂર્વે પતિયાળા, વડોદરા, કાશ્મીર જેવી ભારતની જૂની રિયાસતોના રાજવીઓ દ્વારા તથા આઝાદી બાદ ભારતભરમાં ઘણાં સંગીત-સંમેલનોમાં પંડિતજીનું સન્માન કરવામાં આવેલું. વ્હી. શાંતારામની ‘ઝનક ઝનક પાયલ બાજે’ નામની ફિલ્મમાં પણ સારંગીવાદક તરીકે તેમને સામેલ કરવામાં આવ્યા હતા.

પંડિતજીના બે ભત્રીજાઓ રાજન મિશ્ર તથા સાજન મિશ્ર હાલ (2012) સંગીતજગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

નીના ઠાકોર