મિલ, જૉન સ્ટુઅર્ટ (જ. 20 મે 1806, લંડન; અ. 8 મે 1873, ફ્રાન્સ) : અર્થશાસ્ત્રી અને ઉપયોગિતાવાદ તથા વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી પ્રગતિશીલ અંગ્રેજ ચિંતક. તેમના પિતા જેમ્સ મિલ ખ્યાતનામ ચિંતક હતા. બાળવયથી જ પિતાએ તેમના અભ્યાસનો આરંભ કરાવ્યો. તેજસ્વી બુદ્ધિપ્રતિભાના કારણે 8 વર્ષની વયે તેમણે ઈસપની બોધકથાઓ, ઝેનોફૉનની ‘અનૅબસિસ’ (Anabasis) અને ઇતિહાસકાર હિરૉડોટસને ગ્રીક ભાષામાં વાંચી લીધા હતા. વધુમાં લૅટિન તથા યૂક્લિડની ભૂમિતિનો અભ્યાસ આરંભ્યો હતો. આ સાથે તેઓ કુટુંબનાં નાનાં બાળકોને અભ્યાસ પણ કરાવતા હતા. વિવિધ વિષયોના અભ્યાસમાં રસ હોવા છતાં તેમનો ઇતિહાસના અભ્યાસ પ્રત્યે પક્ષપાત રહેતો હતો. 14 વર્ષની વયે તેમનો લૅટિન, પ્રશિષ્ટ સાહિત્ય, તર્કશાસ્ત્ર, રાજકીય અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને ગણિતનો અનૌપચારિક અભ્યાસ પૂરો થયો. આ અભ્યાસનો લાભ એ સમયે બ્રિટનનાં વિવિધ વર્તમાનપત્રો અને સામયિકોને મળ્યો. વર્ષો સુધી તેઓ ‘ટ્રાવેલર’, ‘મૉર્નિંગ ક્રૉનિકલ’, ‘વેસ્ટ મિન્સ્ટર રિવ્યૂ’, ‘એક્ઝામિનર’, ‘જ્યૂરિસ્ટ’ વગેરે સામયિકોમાં લેખો લખતા. થોડો સમય તેમણે ‘લંડન રિવ્યૂ’નું સંપાદનકાર્ય પણ હાથ ધર્યું હતું. આ લેખો દ્વારા લંડનના બુદ્ધિજીવી વર્તુળોમાં તેમણે પોતાની આગવી છાપ ઊભી કરી અને જૉન ઑસ્ટિન, જેરિમી બૅન્થમ અને મૅલ્થુસ રિકાર્ડો જેવા અગ્રણી ચિંતકો સાથે મિત્રતા કેળવી હતી.

જૉન સ્ટુઅર્ટ મિલ

તેમના પિતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા, તેથી 17 વર્ષની વયે 1823માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ‘ઇન્ડિયા હાઉસ’માં જોડાયા, આ સંસ્થામાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી 1856માં તેના વડા બન્યા અને 1858 સુધી 33 વર્ષ લગાતાર કામગીરી બજાવી નિવૃત્તિ લીધી. 1830માં શ્રીમતી હૅરિટેટ ટાયલર સાથે તેમનો પરિચય થયેલો જે 21 વર્ષ બાદ લગ્નમાં પરિણમ્યો. 1858માં ફ્રાન્સના ઍવિન્યન (Avighon) શહેરની મુલાકાત દરમિયાન તેમનાં પત્નીનું અવસાન થયું અને તેમને ત્યાં જ દફનાવવામાં આવ્યાં. મિલનાં પ્રકાશનો પર તેમનો નિર્ણાયક પ્રભાવ હતો. 1865થી ’68 સુધી અલ્પકાળ માટે બ્રિટિશ આમસભામાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયેલા. ત્યારબાદ ફ્રાન્સ જઈ ઍવિન્યનમાં સ્થિર થયા અને મૃત્યુ પર્યંત ત્યાં જ વસવાટ કર્યો. પત્નીની સાથે જ તેમને દફનાવવામાં આવે એવી તેમની ઇચ્છા મિત્રોએ પરિપૂર્ણ કરી હતી.

તેમણે 18મી સદીના બુદ્ધિવાદને 19મી સદીના ઉદારમતવાદ સાથે જોડ્યો. બેન્થામના ઉપયોગિતાવાદને પોતાના ર્દષ્ટિબિંદુથી મઠાર્યો અને તેમાં માનવતાલક્ષી વૈચારિકતા અને આદર્શવાદના અંશ ઉમેર્યા. વ્યક્તિવાદ અને સ્વતંત્રતાની વિભાવના પોતાની રીતે નવેસરથી ઘડી. સ્વતંત્રતાની વિચારધારાને તેમણે વધુ ઊંડાણ પૂરું પાડ્યું. વ્યક્તિ માત્ર પોતાના શરીરનો નહિ, પણ મસ્તિષ્ક(mind)નો માલિક હોવાથી તેને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવાની હિમાયત કરી. આ અંગે વૈયક્તિક અભ્યાસો દ્વારા તેમણે અનુભવવાદ(empiricistm)નું સમર્થન કર્યું. સ્વતંત્ર સમાજનો પાયો વ્યક્તિ છે, વ્યક્તિ થકી સમાજનો વિકાસ શક્ય બને છે. આથી વ્યક્તિસ્વાતંત્ર્ય, વ્યક્તિ તેમજ સમાજ બંનેનાં હિતમાં છે એમ પુરવાર કરતાં તેમણે વ્યાપક સ્વાતંત્ર્યની ભલામણ દ્વારા સ્વાતંત્ર્યનું આગવું અને અનોખું મૂલ્ય પ્રમાણ્યું. આ દ્વારા લોકશાહીના પાયાઓને તેમણે સ્પષ્ટ, પરિપક્વ અને સુર્દઢ કર્યા.

પ્રત્યક્ષ લોકશાહી શક્ય ન હોવાને કારણે તેમણે પરોક્ષ લોકશાહી આવકાર્ય ગણી અને પ્રતિનિધિત્વને માન્ય રાખતાં પ્રમાણસર પ્રતિનિધિત્વની ઇષ્ટતા દર્શાવી.

તેમની કૃતિઓનું ફલક વ્યાપક છે. તેમના ગ્રંથ ‘સિસ્ટિમ ઑવ્ લૉજિક’(1843)નું પ્રકાશન આ ક્ષેત્રે ઍરિસ્ટૉટલે કરેલા પ્રદાનની સમકક્ષ ગણવામાં આવે છે. ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’(1848)માં તેમણે આર્થિક સિદ્ધાંતો સામાજિક સ્થિતિઓને લાગુ પાડીને રાજકીય અર્થતંત્રનાં વિવિધ પાસાંઓનું આલેખન કર્યું. તદુપરાંત ‘ઑન લિબર્ટી’ (1859), ‘યૂટિલિટેરિયાનિઝમ’ (1863) તેમના જાણીતા ગ્રંથો છે. પ્રારંભનાં વિવિધ સામયિકોનાં લખાણો પાછળથી ‘ડિસર્ટેશન્સ ઍન્ડ ડિસ્કશન્સ’(1859)ના બે ગ્રંથો રૂપે પ્રકાશિત થયેલા, જેનાથી ઇંગ્લિશ ઉદ્દામવાદને નવી દિશા સાંપડી હતી. ‘ધ સબ્જેક્શન ઑવ્ વિમેન’ (1869) ગ્રંથ દ્વારા તેમણે મહિલા-સ્વાતંત્ર્યની અને મહિલા-મતાધિકારની ઉગ્ર ભલામણ કરી હતી. તેમના નિધન બાદ ‘ઑટોબાયૉગ્રાફી’ (1873) અને ‘થ્રી એસેઝ ઑન રિલિજિયન’ (1874) ગ્રંથો પ્રકાશિત થયા હતા.

ગજેન્દ્ર શુક્લ

રક્ષા મ. વ્યાસ