મિર્ઝા મુહમ્મદ હાદી રુસ્વા

February, 2002

મિર્ઝા મુહમ્મદ હાદી રુસ્વા (જ. 1858 લખનૌ; અ. 21 ઑક્ટોબર 1931) : ઉર્દૂ ભાષાના પ્રથમ પંક્તિના લેખક અને સાહિત્યકાર. તેઓ લખનઉના ઉચ્ચ કુટુંબના નબીરા હતા. તેમણે દેશવિદેશની શિક્ષણસંસ્થાઓમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું હતું. તેઓ રસાયણશાસ્ત્રના ખાસ અભ્યાસી હતા. તેમણે રૂરકી યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીનો ડિપ્લોમા તથા એક અમેરિકન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે ભારતીય રેલવેમાં ઓવરસિયર અને શાળામાં શિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. મિર્ઝા હાદી જીવનપર્યંત લખનઉની સંસ્કૃતિ તથા જીવનશૈલીના ઉપાસક રહ્યા હતા. તેમણે ઇસ્લામી કાયદાશાસ્ત્ર વિશે 8 ભાગોમાં એક દળદાર પુસ્તક પણ લખ્યું હતું. તેમણે આગવી રીતે ઉર્દૂ લઘુલિપિ પણ વિકસાવી હતી. મિર્ઝા રુસ્વા કલ્પનાશીલ કવિહૃદય ધરાવતા હતા. તેમની ભાવનાઓ કોમળ હતી. તેમણે તેમની કલ્પનાશીલતા અને કોમળ ભાવનાઓને નવલકથાઓમાં વ્યક્ત કરી હતી. તેમણે ઉર્દૂ ભાષા-સાહિત્યને – ‘ઉમરાવ જાન અદા’, ‘ઝાતે શરીફ’, ‘શરીફ ઝાદા’, ‘અખ્તરી બેગમ’, ‘બેહરામ કી રિહાઈ’, ‘તિલિસ્માત’, ‘ખૂની ભેદ’, ‘ખૂની આશિક’ જેવી ઉત્કૃષ્ટ કૃતિઓની ભેટ ધરી છે. તેમની સૌથી ચિરસ્મરણીય નવલકથા ‘ઉમરાવ જાન અદા’ છે. રુસ્વાની આ ઉર્દૂ નવલકથાનો અનુવાદ ગુજરાતી સહિત ભારતની અન્ય ભાષાઓમાં પણ થયો છે, જે તેની લોકપ્રિયતાનું પ્રમાણ પૂરું પાડે છે. આ નવલકથા દ્વારા લેખક રુસ્વાએ વિષય, વર્ણનો, કથાવસ્તુ તથા ભાષા-શૈલીના નવા પ્રયોગો હાથ ધર્યા છે. તેમણે સમાજની તિરસ્કૃત વેશ્યાના પાત્રની આસપાસ એવી રસસમૃદ્ધ કથા ગૂંથી છે, જે ગાયિકાઓના વ્યવસાયને સમાજમાં માનભર્યું સ્થાન અપાવે છે. સાથે સાથે ઓગણીસમા સૈકાની મરણપથારીએ પડેલી લખનવી જીવનશૈલીને પણ યાદગાર બનાવી રહે છે. ‘ઉમરાવ જાન અદા’ એક સંસ્કૃતિની, એક સમાજની દાસ્તાન છે. ભોગવિલાસ અને વ્યભિચારથી ખદબદતા સમાજનું આ કાવ્યમય ચિત્ર એવું સચોટતાથી રજૂ થયું છે કે તેનાં પાત્રો નિંદા તથા નફરતના સ્થાને, વાચકના હૃદયમાં સહાનુભૂતિ જન્માવે છે. આ આખી કથા નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર ઉમરાવજાનના મુખે કહેવડાવવામાં આવી છે. આ વાર્તા કાલ્પનિક હોવા છતાં તેમાં હકીકતનો આભાસ થાય છે. મિર્ઝા રુસ્વાની બીજી નવલકથાઓ સફળ સાહિત્યિક પ્રયોગો હોવા છતાં, ‘ઉમરાવ જાન અદા’ની છાયામાં ભુલાઈ ગઈ છે.

‘ઉમરાવ જાન અદા’ પરથી 1981માં ‘ઉમરાવ જાન’ નામે ચલચિત્રનું નિર્માણ થયું હતું; જે વ્યાપક રીતે પ્રશંસા અને પુરસ્કાર પામ્યું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી