મિનૅન્ડર (જ. ઈ. સ. પૂ. આશરે 343, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 291, ઍથેન્સ) : પ્રાચીન ગ્રીસના કૉમેડી-લેખક. પ્રાચીન કાળમાં ખૂબ ખ્યાતનામ અને પ્રભાવશાળી સર્જક લેખાતા. વિવેચકોએ તેમને ‘નવ્ય (new) ગ્રીક કૉમેડી’ના સર્વોચ્ચ કવિ લેખ્યા હતા. ઍથેન્સની રંગભૂમિના કૉમેડી નાટ્યપ્રકારના આ છેલ્લા શ્રેષ્ઠ સર્જકને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ મર્યાદિત સફળતા સાંપડી હતી. તેમણે 100 કૉમેડીઓ લખી; પરંતુ ઍથેન્સના નાટ્ય-મહોત્સવમાં તેમની રચનાઓ ફક્ત 8 વાર જ વિજેતા બની હતી.

તેમનું નાટ્યસર્જન વિપુલ હોવા છતાં તેમની બહુ થોડી કૃતિઓ વિશે જાણવા મળ્યું છે. છેક 1906માં તેમનાં 4 જુદાં જુદાં નાટકોની 132 પંક્તિઓ ધરાવતું એક પૅપિરસ ઇજિપ્તમાંથી મળી આવ્યું હતું. પ્લૉટસ તથા ટેરેન્સ જેવા લેખકોએ મિનૅન્ડરની નાટ્ય-રચનાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કર્યો અને તેમની જ મારફત રેનેસાંથી માંડીને યુરોપિયન કૉમેડીના વિકાસ પર મિનૅન્ડરનો ખાસ્સો પ્રભાવ રહ્યો. એ બંને લેખકોના પરિશ્રમને પરિણામે મિનૅન્ડરની વેરવિખેર થયેલી કે ખોવાયેલી કૃતિઓમાં થોડીક પુરવણી થઈ શકી. 1958માં જિનીવામાં છપાયેલી એકમાત્ર ‘ડાઇસ્કૉલસ’ (ધ બૅડ-ટેમ્પર્ડ મૅન) નામક કૃતિનો સંપૂર્ણ પાઠ સુલભ છે.

તેમના નાટ્યવિષયમાં તત્કાલીન ગ્રીસનો દેશકાળ આલેખાયો છે. તેમના સમયમાં કૉમેડીના ઘટનાજગતમાંથી જાહેર જીવનની વાસ્તવિક બાબતોને તિલાંજલિ અપાઈ હતી. તેના સ્થાને સામાન્ય જનજીવન કે ઘરેલુ-ગૃહસ્થી જીવનનાં કલ્પિત પાત્રો-પ્રસંગો તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું. રજૂઆતની બાબતમાં કોરસનો ઉપયોગ કેવળ અવાંતર ગાળા પૂરતો જ રહ્યો અને અભિનેતાઓનાં મહોરાં પણ કૉમેડી ઑવ્ મૅનર્સનું પાત્રવૈવિધ્ય દર્શાવવા પૂરતાં જ રહ્યાં.

મિનૅન્ડરની ભાષા શિષ્ટ-શુદ્ધ ઍટિક પ્રકારની હતી અને ત્યારના ગ્રીકભાષી જગતની તે સાહિત્યિક ભાષા લેખાતી હતી. તેમણે કડક સ્વભાવના અને શિસ્તના આગ્રહી પિતા, યુવાન પ્રેમીઓ, ભદ્ર સમાજની લોભી-લાલચુ મહિલાઓ, અજ્ઞાત માબાપનાં ત્યક્ત બાળકો, અપહરણ કરાયેલી પુત્રીઓ તેમજ કાવતરાખોર ગુલામ-સેવકો જેવાં પાત્રો આલેખવામાં નિપુણતા દાખવી છે. તેમનાં પાત્રો જીવનમાંથી જડેલાં હોય એવાં વાસ્તવિક લાગે છે અને તેથી જ પ્રાચીન કાળમાં જિવાતા જીવનના આલેખક તરીકે તેમની નામના રહી છે.

તેમના જીવન વિશે સ્વલ્પ માહિતી મળે છે. તેઓ શ્રીમંત અને સુખી કુટુંબના હોવાનું કહેવાય છે. ઍરિસ્ટૉટલના અનુયાયી થિયૉક્રિટસના તેઓ વિદ્યાર્થી હતા. મોટાભાગનું જીવન તેમણે ઍથેન્સમાં જ ગાળ્યું અને મૅસિડોનિયા તથા ઇજિપ્તમાંથી મળતાં નિમંત્રણોને તેઓ અવગણતા રહ્યા. ઍથેન્સના બંદરકાંઠે ડૂબી જતાં તેમનું અવસાન થયાનું કહેવાય છે.

મહેશ ચોકસી