માલ્ટા : ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં યુરોપ અને આફ્રિકા વચ્ચે આવેલો નાનકડો ટાપુ – દેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 53´ ઉ. અ. અને 14° 27´ પૂ. રે. પર, સિસિલીથી દક્ષિણે આશરે 50 કિમી.ને અંતરે આવેલો છે. વાસ્તવમાં તો તે દ્વીપસમૂહ છે. તેમાં વસ્તીવાળા ત્રણ ટાપુઓ માલ્ટા, ગોઝો અને કોમિનો તથા વસ્તીવિહીન ઘણા જ નાના ત્રણ ટાપુઓ કોમિનોટો, ફિલ્ફલા અને સેલમનેટ (સેન્ટ પૉલનો ટાપુ) આવેલા છે. માલ્ટાનો કુલ વિસ્તાર માત્ર 316 ચોકિમી. જેટલો જ છે. માલ્ટા 246 ચોકિમી., ગોઝો 67 ચોકિમી. અને કોમિનો 3 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. માલ્ટા દુનિયાનો ઘણો જ ગીચ વસ્તીવાળો દેશ ગણાય છે.

ભૂપૃષ્ઠ : માલ્ટાનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે પ્રાચીન પરવાળાંના ખરાબાઓમાંથી તૈયાર થયેલા ચૂનાખડકોથી બનેલું છે. ટાપુનો પશ્ચિમ ભાગ ઓછી ઊંચાઈવાળો ઉચ્ચપ્રદેશ છે. દક્ષિણ ભાગમાં મેદાન આવેલું છે. દક્ષિણ કિનારો ઉગ્ર ઢોળાવવાળી ભેખડોથી બનેલો છે. અહીંની નીચી ટેકરીઓના ઢોળાવો સીડીદાર ખેતરોથી છવાયેલા છે. આ કારણે તે વિશાળ સોપાનોની શ્રેણીથી બનેલો હોવાનું ર્દશ્ય ઊભું કરે છે. અહીં સપાટી પર નદીઓ જોવા મળતી નથી. મોટા ભાગનો જળપરિવાહ ભૂગર્ભીય છે. અહીંનો દરિયાકિનારો નાની ભૂશિરો, બારાં, રેતાળ કંઠાર-ભાગો અને ખડકાળ અખાતોથી વિલક્ષણ દેખાય છે. અખાતો પરનો કિનારો ખૂબ જ ખાંચાખૂંચીવાળો છે. માલ્ટાના મુખ્ય ટાપુથી વાયવ્યમાં આવેલા ગોઝો ટાપુનું ઉત્તર-તરફી ભૂપૃષ્ઠ ઊંચાણવાળું છે તથા દક્ષિણ ભાગમાં મેદાન આવેલું છે. આ ટાપુની ભૂમિ ભેજસંગ્રહક્ષમતા ધરાવતી માટીના આવરણથી છવાયેલી છે; તેથી તે ટાપુ માલ્ટાની સરખામણીએ વધુ લીલોછમ લાગે છે.

માલ્ટા

આબોહવા : માલ્ટાની આબોહવા ભૂમધ્ય સમુદ્રીય પ્રકારની નરમ છે. શિયાળા ભેજવાળા તથા ઉનાળા ગરમ અને સૂકા રહે છે. શિયાળામાં દિવસો ભાગ્યે જ ધુમ્મસવાળા બને છે. ઉનાળાની ગરમી દરિયાઈ લહેરોથી સમધાત બની રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 500 મિમી. જેટલો પડે છે. મોટા ભાગનો વરસાદ ઑક્ટોબરથી માર્ચ દરમિયાન પડી જાય છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 12° સે. જેટલું અને જૂનનું 26° સે. જેટલું રહે છે. વાયવ્યના પવનો શરદ ઋતુ અને શિયાળામાં વાવાઝોડાં (હરિકેન) લાવે છે.

અહીંની સમધાત ભૂમધ્યસમુદ્રીય આબોહવા, દુનિયાભરમાં જૂનામાં જૂનાં ગણાતાં નવપાષાણયુગનાં મંદિરોનાં ખંડિયેરો તથા પ્રાચીન કલા અને સ્થાપત્યના નમૂનાઓ પ્રવાસીઓને માલ્ટાની મુલાકાત લેવા આકર્ષે છે.

અર્થતંત્ર : માલ્ટામાં કોઈ ખનિજ-સંપત્તિ કે કુદરતી સંપત્તિ નથી, માત્ર ચૂનાખડકો અને મીઠું જ મળે છે. મોટાભાગના લોકો બારાં પરની ગોદીઓમાં, ઉદ્યોગોમાં કે બાંધકામ-ક્ષેત્રે કામ કરે છે. પ્રવાસન-ઉદ્યોગ અહીં ઝડપથી વિકસતો જાય છે. 1968માં જાહેર નિગમ તરીકે શરૂ થયેલી બ્રિટિશ નૌકામથકની ગોદીઓ હવે જહાજ-બાંધકામ અને તેના સમારકામના ઉદ્યોગમાં ફેરવાઈ છે. ઘણા નાના ઉદ્યોગો પણ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં દારૂ, કાપડ, રસાયણો અને વીજયંત્રોનાં સાધનોના ઉત્પાદનનો, ખાદ્ય-પ્રક્રમણનો સમાવેશ થાય છે. અહીં નવા ઉદ્યોગો સ્થપાય અને ત્યાંના વતનીઓને કામ મળે તે હેતુથી સરકાર પ્રોત્સાહન આપે છે. વિદેશીઓને અહીં ઉદ્યોગો સ્થાપવા સરકાર તરફથી આકર્ષક લાભયોજનાઓ મૂકવામાં આવેલી છે.

અહીંના ખેડૂતો જવ, ખાટાં ફળો, દ્રાક્ષ, ડુંગળી, બટાટા અને ઘઉંનું વાવેતર કરે છે; જોકે અહીંની જમીનો ખડકાળ હોવાથી પાકનો ઉતાર ઓછો આવે છે. માલ્ટા તેની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટા ભાગની ખોરાકી ચીજો, તૈયાર માલસામાન, ઉદ્યોગો માટેનો કાચો માલ, ઇંધન વગેરેની આયાત કરે છે તથા હસ્તકારીગરીની માળાઓ, વીજળીનાં સાધનો, શાકભાજી અને ગૂંથેલાં કપડાંની નિકાસ કરે છે. અહીં માછીમારીનો ઉદ્યોગ નાના પાયા પર ચાલે છે. નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધી જાય છે. તેનો મોટા ભાગનો વેપાર ગ્રેટબ્રિટન, ઇટાલી અને જર્મની સાથે ચાલે છે.

પરિવહન : દેશમાં સડકમાર્ગોની જાળ સારી રીતે પથરાયેલી છે. સ્થાનિક બસસેવાની સુવિધા વિસ્તૃત પ્રમાણમાં ઉપલબ્ધ છે. માલ્ટા–ગોઝો ફેરી-સેવાથી સતત સંકળાયેલાં રહે છે. માલ્ટામાં લુકા ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. આ દેશ ‘ઍરમાલ્ટા’ નામની પોતાની હવાઈ સેવા પણ ચલાવે છે.

વહીવટ : માલ્ટા લોકશાહી પ્રજાસત્તાક દેશ છે. દેશનો બધો જ વહીવટ પાટનગર વૅલેટાથી થાય છે. પાંચ વર્ષના સત્ર માટે લોકો પ્રતિનિધિ-સભા(House of Representatives)ના 69 સભ્યોની ચૂંટણી કરે છે. એ જ રીતે પાંચ વર્ષ માટે પ્રમુખની નિયુક્તિ થાય છે. સંસદમાં બહુમતીથી ચૂંટાઈ આવતો પક્ષ પોતાનો નેતા નક્કી કરે છે. તે વડાપ્રધાન તરીકે વહીવટ સંભાળે છે અને પ્રધાનમંડળ તેને મદદ કરે છે.

લોકો : 1996 મુજબ માલ્ટાના ત્રણેય ટાપુઓની વસ્તી 3,73,000 જેટલી છે. આ પૈકી 87 % શહેરી અને 13 % ગ્રામીણ વસ્તી છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી.દીઠ 1,120 વ્યક્તિઓની છે. અહીં મુખ્યત્વે યુરોપીય પ્રજા વસે છે. તે લોકો મૂળ ઉત્તર આફ્રિકી રાજ્યોમાંથી આવીને સ્થાયી થયેલા છે. તેઓ મધ્યમ ઊંચાઈવાળા,

માલ્ટાનું પાટનગર અને પ્રાકૃતિક રીતે વિકસિત બંદર વૅલેટા

કાળા વાળ અને ઘેરી આંખોવાળા છે. માલ્ટેઝ અને અંગ્રેજી અહીંની સત્તાવાર ભાષાઓ છે. દૈનિક પત્રો બંને ભાષાઓમાં બહાર પડે છે. અદાલતોમાં માત્ર માલ્ટેઝ ભાષાનો જ ઉપયોગ થાય છે. દેશના 98 % લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. પાટનગર પૉર્ટ વૅલેટા ઉપરાંત રબાત બીજું મુખ્ય શહેર તથા માર્સેક્સલોક બીજું મુખ્ય બંદર છે.

માલ્ટા સાહિત્યક્ષેત્રે પદ્ય, નાટકો અને નવલકથાઓનો સમૃદ્ધ વારસો ધરાવે છે. ડુન કાર્મ માલ્ટાના રાષ્ટ્રીય કવિ ગણાય છે. અન્ય કવિઓમાં રઝાર બ્રિફ અને કર્મેનુ વૅસૅલો છે. નાટ્યકારો તરીકે ફ્રાન્સિસ એબેજર અને વિગી રૉઝૅટૉ તથા નવલકથાકારો તરીકે ગુઝે ચેતકૂટી અને ગુઝે એલુલ મર્સર છે.

અહીં 6થી 16 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. દેશનાં બધાં જ નગરો–શહેરોમાં પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓની સગવડ છે; 45 માધ્યમિક અને તકનીકી શાળાઓ છે; 28 વેપારી શિક્ષણ આપતી સરકારી શાળાઓ છે; રોમન કૅથલિક ચર્ચ સંચાલિત આશરે 80 જેટલી ખાનગી શાળાઓ પણ છે. શિક્ષણનું માધ્યમ માલ્ટેઝ અને અંગ્રેજી છે. વૅલેટા નજીક આવેલા મસિદા ખાતે માલ્ટા યુનિવર્સિટી આવેલી છે. તે 1592માં અહીં સ્થપાયેલી જેસ્યુઇટ કૉલેજમાંથી ઊભી થયેલી છે. માલ્ટામાં ઇન્ટરનૅશનલ ઓશન ઇન્સ્ટિટ્યૂટ અને ફાઉન્ડેશન ફૉર ઇન્ટરનૅશનલ સ્ટડિઝ જેવી સંસ્થાઓ પણ છે. 1988માં યુનાઇટેડ નૅશન્સના સેક્રેટરી જનરલ દ્વારા યુનાઇટેડ નૅશન્સ ઇન્સ્ટિટ્યૂટ ખુલ્લી મૂકવામાં આવેલી છે. વળી ઇન્ટરનેશનલ મૅરિટાઇમ ઑર્ગેનાઇઝેશનની દોરવણી હેઠળ અહીં દરિયાઈ કાયદાની સંસ્થા પણ શરૂ થયેલી છે.

ઇતિહાસ : માલ્ટા ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં કાર્થેજના શાસન હેઠળ આવ્યું. ઈ. સ. 60માં સંત પૉલ માલ્ટામાં સર્વપ્રથમ ખ્રિસ્તી ધર્મ લાવ્યા. ઈ. સ. 395માં રોમન સામ્રાજ્યના વિઘટન વખતે માલ્ટા કૉન્સ્ટન્ટિનોપલના સામ્રાજ્યનો ભાગ બન્યું. 870માં માલ્ટા આરબો સામે હારી ગયું. ત્યારબાદ 1090માં નૉર્મન સરદાર કાઉન્ટ રૉજરે આરબોને હરાવીને માલ્ટા કબજે કર્યું. 1530 પછી ત્યાં સ્પેનનું સામ્રાજ્ય સ્થપાયું. 1565માં તુર્કોના હુમલાનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવ્યો. ઈ. સ. 1675માં અંગ્રેજો યુદ્ધજહાજ સહિત ત્યાં ગયા અને તેર વરસના સંઘર્ષ બાદ રાજધાની વૅલેટા કબજે કરી. જૂન, 1798માં નેપોલિયન બોનાપાર્ટે માલ્ટા કબજે કર્યું. ફેબ્રુઆરી, 1799માં બ્રિટિશ નૌકાસેનાપતિ નેલ્સને માલ્ટા જીતી લીધા બાદ, 1802ની સંધિ પ્રમાણે આ ટાપુ પર અંગ્રેજો અને ફ્રેન્ચો બન્નેનો અંકુશ માન્ય રાખવામાં આવ્યો.  1814ની પૅરિસની સંધિ મુજબ એકમાત્ર અંગ્રેજોની હકૂમત માન્ય રાખવામાં આવી. સર ટૉમસ મેઇટલૅન્ડના ગવર્નર તરીકેના અમલ દરમિયાન બ્રિટિશ પદ્ધતિની અદાલતો સ્થપાઈ. ગવર્નરની કાઉન્સિલ રચવામાં આવી અને વાણીસ્વાતંત્ર્ય માન્ય રાખવામાં આવ્યું. 1856–58ના ક્રિમિયાના વિગ્રહને કારણે ગ્રાન્ડ હાર્બર બંદરનો વિકાસ થયો તથા બીજાં ક્ષેત્રોમાં આર્થિક લાભ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન માલ્ટા મિત્રરાષ્ટ્રોનું ભૂમધ્ય સમુદ્રનું મહત્વનું નૌકામથક બન્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન માલ્ટાએ જર્મની અને ઇટાલીના હવાઈ હુમલાનો સતત સામનો કર્યો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ માલ્ટાના વિકાસાર્થે મોટી રકમ ખર્ચવામાં આવી. 21 સપ્ટેમ્બર, 1964ના રોજ માલ્ટા સ્વતંત્ર બંધારણીય રાજાશાહી બન્યું અને બૉર્ગ ઑલિવિયર વડોપ્રધાન બન્યો. 13 ડિસેમ્બર, 1974ના રોજ માલ્ટા પ્રજાસત્તાક બન્યું. 31 માર્ચ, 1979ના રોજ માલ્ટા અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચેનો કરાર પૂરો થતાં માલ્ટા યુનાઇટેડ કિંગ્ડમનું લશ્કરી મથક ન રહ્યું. 1987માં બંધારણીય સુધારા કરવામાં આવ્યા. તે પછી એડ્વર્ડ કિનેક અદામી ત્યાંના વડાપ્રધાન બન્યા.

ઈશ્વરલાલ ઓઝા

ગિરીશભાઈ પંડ્યા