માલ્થસ, ટૉમસ રૉબર્ટ

January, 2002

માલ્થસ, ટૉમસ રૉબર્ટ (જ. 1766, રૉકેરી; સરે પરગણું, ઇંગ્લૅંડ; અ. 1834, હેલિબરી, ઇંગ્લડ) : વસ્તીવિજ્ઞાનના સંસ્થાપક ગણાતા અર્થશાસ્ત્રી. પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ. સેન્ટ જૉન્સ કૉલેજ, કેમ્બ્રિજમાંથી 1788માં ગણિત, તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્ર વિષયોમાં સ્નાતકની પરીક્ષા ઑનર્સ સાથે પાસ કરી અને તુરત જ જિસસ કૉલેજમાં ફેલો નિમાયા. થોડાક સમય બાદ કેમ્બ્રિજ છોડી સરે પરગણાના ખ્રિસ્તી દેવળમાં પ્રૉટેસ્ટન્ટ ધર્મના પાદરી બન્યા. 1799માં યુરોપના સ્વીડન, નૉર્વે, ફિન્લૅન્ડ અને રશિયા જેવા દેશોનો પ્રવાસ કર્યો. 1805માં લંડન નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હેલિબરી કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા અને અવસાન સુધી ત્યાં અધ્યાપનકાર્ય કર્યું (1805–1834). 1798માં તેમનું વસ્તી-વિષયક પુસ્તક લેખકના નામનિર્દેશ વગર પ્રસિદ્ધ થયું, જેની સુધારેલી આવૃત્તિ 1803માં પ્રકાશિત થઈ. વસ્તીની સમસ્યા પર વિશ્વનું ધ્યાન આકૃષ્ટ કરનારા તેઓ પ્રથમ વિચારક હતા. તેમના મતે વસ્તીમાં ભૌમિતિક શ્રેણીમાં વધારો થતો હોય છે, જ્યારે વસ્તીનું પોષણ કરનારા અનાજનું ઉત્પાદન અંકગણિતની શ્રેણીમાં વધતું હોય છે અને તે માટે માલ્થસના મતે પ્રાકૃતિક પરિબળો જવાબદાર હોય છે. વસ્તીવૃદ્ધિને મનુષ્યસર્જિત નિયમ લાગુ પડે છે; જ્યારે અનાજના ઉત્પાદનને પ્રાકૃતિક નિયમ લાગુ પડતો હોય છે, જેના પર મનુષ્યનો કોઈ અંકુશ હોતો નથી. વસ્તીવૃદ્ધિનો દર અને અનાજના ઉત્પાદનનો વૃદ્ધિદર આ બંને વચ્ચેની વિષમતામાંથી અનાજની અછતનું અને ભૂખમરાનું આર્થિક સંકટ ઊભું થાય છે અને જો વસ્તીવૃદ્ધિના દરનું સમયસર અને અસરકારક નિયંત્રણ કરવામાં નહીં આવે તો માનવજાતિ સર્વનાશ તરફ ધકેલાઈ જશે. તેમની આ એકાન્તિક વિચારસરણીને લીધે માલ્થસને ‘પ્રલયના પયગંબર’ (Prophet of Doom) તરીકે વર્ણવવામાં આવે છે. માલ્થસ પૂર્વે કૉન્ડરસેટ અને ગૉડવિન જેવા વિચારકોએ પૃથ્વી પર સ્વર્ગ સ્થપાશે એવી વિચારસરણી પ્રસ્તુત કરી હતી. ઇંગ્લડના વેપારવાદીઓ તથા ફ્રાન્સના નિસર્ગવાદીઓ વસ્તીમાં થતા વધારાને આશીર્વચન ગણતા હતા; એટલું જ નહિ, પરંતુ જીવનનિર્વાહનાં સાધનોની અછતને લીધે વસ્તીવૃદ્ધિ પર આપમેળે નિયંત્રણ આવી જશે એવા વૈચારિક ભ્રમમાં તેઓ રહેતા હતા. માલ્થસના પિતાએ ગૉડવિન જેવાની વિચારસરણીને ટેકો પણ આપ્યો હતો; પરંતુ પાછળથી પિતા અને પુત્ર વચ્ચેની ચર્ચાના ફળસ્વરૂપે 1798માં માલ્થસનો વસ્તી-વિષયક સિદ્ધાંત રજૂ થયો હતો.

અર્થશાસ્ત્ર કે વસ્તીશાસ્ત્રમાં માલ્થસનું વિશેષ મહત્વનું યોગદાન તો વસ્તીનિયંત્રણ માટે તેમણે જે ઉપાયો સૂચવ્યા છે તેમાં રહેલું છે. અલબત્ત, તેમાં પણ તેમણે આંશિક ભૂલો તો કરી છે જ. અતિવસ્તીને કારણે ઊભા થતા અસંતુલનનું નિવારણ તેમના મતે વસ્તી પર કડક અને સતત નિયંત્રણ રાખવામાં રહેલું છે. વસ્તીનિયંત્રણ માટે તેઓ બે પ્રકારના ઉપાયોનો નિર્દેશ કરે છે : (1) પ્રાકૃતિક (positive) ઉપાયો; જેમાં ભૂખમરો, દુષ્કાળ, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, રોગચાળો, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ ઉપરાંત યુદ્ધ, બાળમૃત્યુના પ્રમાણમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાંને કારણે વસ્તીના કદમાં ઘટાડો થાય છે એ ખરું, પરંતુ કુદરતી આપત્તિઓ અતિવસ્તીને લીધે ઉદભવતી હોય છે. આ તેમની રજૂઆત અવૈજ્ઞાનિક અને બિનઐતિહાસિક છે. આ પ્રકારના તેમના વિચારોને લીધે માલ્થસ અર્થશાસ્ત્રમાં ‘નિરાશાવાદી વિચારસરણીના જનક’ (Founder of Pessimistic School) ગણાય છે. (2) પ્રતિબંધક (preventive) ઉપાયો; જેમાં માલ્થસ સંયમ, મોડાં લગ્નો, નૈતિક અંકુશ, લગ્ન વિનાનું જીવન જીવવું વગેરેનો ઉલ્લેખ કરે છે. વસ્તી અંગેની બે અન્ય માન્યતાઓ તેઓ ધરાવતા હતા – એક તો એ કે જે દેશમાં આર્થિક સમૃદ્ધિ હોય છે તે દેશમાં વસ્તીવૃદ્ધિને ઉત્તેજન મળે છે; બીજી એ કે પચીસ પચીસ વર્ષના ગાળે દરેક દેશની વસ્તી બમણી થતી હોય છે.

ટૉમસ રૉબર્ટ માલ્થસ

માલ્થસનો વસ્તી-વિષયક સિદ્ધાંત મોટેભાગે અવૈજ્ઞાનિક, બિન-ઐતિહાસિક અને પાયા વગરનો ગણાય છે; તેમ છતાં વિશ્વના વિકાસશીલ દેશોમાં ઝડપી વસ્તીવૃદ્ધિને લીધે જે આર્થિક વિટંબણાઓ ઊભી થઈ છે તે જોતાં માલ્થસે સૂચવેલ પ્રતિબંધક ઉપાયો આજે પણ પ્રસ્તુત જણાય છે.

વસ્તી ઉપરાંત માલ્થસે આર્થિક ભાડું, બજારમાં માલનો ભરાવો વગેરે અંગે પણ પોતાના છૂટાછવાયા વિચારો વ્યક્ત કર્યા છે.

વસ્તી-વિષયક સિદ્ધાંત – ‘એસે ઑન ધ પ્રિન્સિપલ ઑવ્ પૉપ્યુલેશન ઍઝ ઇટ ઍફેક્ટસ્ ધ ફ્યૂચર ઇમ્પ્રૂવમેન્ટ ઑવ્ સોસાયટી’ (1798), ‘ઍન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર ઍન્ડ પ્રોગ્રેસ ઑવ્ રેન્ટ’ (1815), ‘ધ પુઅર લૉ’ (1817), ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (1820) અને ‘ડેફિનિશન્સ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (1827) આ તેમના ગ્રંથો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે