માલ્કમ, જૉન (સર) (જ. 2 મે 1769, બર્નફુટ, સ્કૉટલૅન્ડ; અ. 1833) : ભારતમાં બ્રિટિશ વહીવટદાર, મુત્સદ્દી અને મુંબઈનો ગવર્નર. સ્કૉટલૅન્ડના સામાન્ય ખેડૂતનો પુત્ર. 1782માં ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં સૈનિક તરીકે શરૂઆત કરી. તેણે પ્રામાણિકતા, પરિશ્રમ અને સર્વતોમુખી પ્રતિભા દ્વારા બ્રિટિશ રાજકર્તાઓ માટે ઉચ્ચ અભિપ્રાય સંપાદન કર્યો. તે ટીપુ સુલતાન અને મરાઠાઓ સામે યુદ્ધો લડ્યો હતો. 1798માં લૉર્ડ વેલેસ્લીએ તેને હૈદરાબાદના બ્રિટિશ રેસિડન્ટનો મદદનીશ નીમ્યો. સિંધિયા અને હોલકર સાથે સહાયકારી સંધિની મંત્રણા કરવા તેને મોકલવામાં આવ્યો હતો. તેને 1800, 1807 અને 1810માં બ્રિટિશ પ્રતિનિધિ તરીકે મંત્રણા કરવા ઈરાન મોકલવામાં આવ્યો હતો. તેણે મસ્કતમાં બ્રિટિશ રેસિડન્ટ રાખવાની મંજૂરી અને ઓમાનમાં કેટલીક સુવિધાઓ મેળવી હતી. 1826થી 1830 સુધી મુંબઈ ઇલાકાના ગવર્નર તરીકે તેણે સેવા આપી હતી. તેને સરકારે ‘સર’નો ખિતાબ તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટની ઉપાધિ એનાયત કરી હતી. ભારતથી પાછા ફર્યા બાદ તે આમની સભાનો સભ્ય બન્યો હતો. તેણે ‘પૉલિટિકલ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ (1811), ‘હિસ્ટરી ઑવ્ પર્શિયા’ (1818), ‘એડમિનિસ્ટ્રેશન ઑવ્ ઇન્ડિયા’ (1833) અને ‘લાઇફ ઑવ્ ક્લાઇવ’ (1836) પુસ્તકો લખ્યાં છે. તે સહજાનંદ સ્વામી તથા અંગ્રેજ પાદરી બિશપ ટેલરના સંપર્કમાં આવ્યો હતો.

ઈશ્વરલાલ ઓઝા