મામુ (1913) : ફકીરમોહન સેનાપતિ કૃત ઊડિયા નવલકથા. નોંધપાત્ર બનેલી આ સામાજિક નવલ, લેખકની શ્રેષ્ઠ રચના ‘ચમન અથા ગૂંથા’ના પ્રકાશન પછી 15 વર્ષે પ્રગટ થયેલી ત્રીજી કૃતિ છે; કૌટુંબિક જીવનની આ કથાનું વસ્તુ 1840–1880ના સમયગાળાના ઓરિસાની સામાજિક તથા આર્થિક પરિસ્થિતિની પશ્ચાદભૂમિકામાં આલેખાયું છે.

‘મામુ’(મામા)નાં વસ્તુગૂંથણી, વિષયમાવજત, સમગ્ર રૂપરેખા તથા મનોવલણ તેમની ઉપર્યુક્ત નામાંકિત કૃતિ સાથે ઘણું સામ્ય ધરાવે છે. તેમાં આર્થિક શોષણખોરી, દ્વેષભાવ, દાંભિક આચાર તથા લોભી સગાં-વહાલાં તરફથી સગીર આશ્રિતો પ્રત્યે આચરાતા અમાનુષી વર્તાવની કથા વિશાળ પટ પર રસપ્રદ શૈલીમાં આલેખાઈ છે.

આ કથામાં લાક્ષણિક ગ્રામીણ વિષય આલેખાયો છે; ગ્રામસમાજનાં આ પાત્રો-પ્રસંગો આલેખવામાં તેમણે અદભુત કસબ દાખવ્યો છે. વર્ણનછટાની સાથોસાથ તેમણે ગ્રામીણ સમાજચિત્રમાં ગ્લાનિ, હાસ્ય, હર્ષ અને સૂક્ષ્મ નિરીક્ષણનું કૌશલ્યપૂર્વક સંયોજન કર્યું છે. આ વિશેષતાને પરિણામે કથામાં પ્રારંભથી અંત પર્યંત વિષય-સાતત્ય તથા રસાળ સળંગસૂત્રતા જળવાઈ રહ્યાં છે. પાત્રોનાં બહુવિધ પરિમાણો પ્રગટાવવામાં તેમની નિપુણતા વ્યક્ત થઈ છે. તેમની ભાષામાં મધુરતા અને લયબદ્ધતાનો રણકો હોય છે. ‘મામુ’માં ગ્રામીણ સમાજનું સમભાવભર્યું સુરેખ ચિત્ર અંકાયું છે. માનવસ્વભાવની સૂક્ષ્મ સંવેદના આલેખવામાં નવલકારે હાસ્ય તથા વ્યંગ્યનો પણ આધાર લીધો છે.

મહેશ ચોકસી