માધવાનલ-કામકંદલા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નાયક માધવ અને નાયિકા કામકંદલાની પ્રેમકથા નિરૂપતી ઉત્તમ કૃતિ. ચૌદથી સત્તરમા શતક સુધીમાં આ કથા વિવિધ કથાકારોએ વિશેષત: પદ્યમાં આપી છે. ચૌદમા શતકમાં આનંદધરે સંસ્કૃતમાં રચેલું ‘માધવાનલાખ્યાનમ્’ મળે છે. તે પછી ભરૂચના કાયસ્થ કવિ ગણપતિએ ઈ. સ. 1518માં રચેલી ગુજરાતી ભાષાની 2,500 દુહા ધરાવતી ‘માધવાનલ-કામકંદલા દોગ્ધક પ્રબંધ’ નામની કૃતિ મળે છે. એમાં આવતી કથા પ્રમાણે શુકદેવના શાપને કારણે કામદેવનો અમરાવતીના બ્રાહ્મણ કુરંગદત્તને ત્યાં માધવ તરીકે અને રતિનો કાંતિનગરના શ્રીપતિ શાહને ત્યાં પુત્રી તરીકે જન્મ થાય છે. એ કન્યાનું વીંઝુ નામની વેશ્યા અપહરણ કરી તેને કામકંદલા તરીકે ઉછેરે છે. યુવાન બનેલા માધવાનલ પાસે પુષ્પાવતીની રાણી કામોપભોગની માગણી કરે છે. માધવાનલે તે ન સ્વીકારતાં રાણી તેના પર આળ મૂકી તેને દેશવટો અપાવે છે. માધવ અમરાવતી પહોંચે છે. એને જોતાં જ નગરની સ્ત્રીઓ વિહવળ બની જાય છે. તેથી મહાજન રાજાને માધવ વિરુદ્ધ ફરિયાદ કરે છે. માધવના રૂપની સ્ત્રીઓ પર થતી આવી અસરની ચકાસણી કરવા માટે રાજા રાણીઓને ઝીણાં વસ્ત્ર પહેરાવી તલ પર બેસાડી માધવાનલને બોલાવે છે. માધવાનલને જોતાં જ વિહવળ બનેલી રાણીઓનાં વસ્ત્ર પર તલ ચોંટી જાય છે. રાજા તેથી તેને દેશવટો આપે છે.

માધવાનલ કામાવતી પહોંચે છે, અને રાજદરબારમાં નૃત્ય કરતી કામકંદલાને રાજાએ આપેલું બીડું ભેટ આપે છે. રાજાને તેમાં અવિનય લાગે છે અને એ અંગે તેને પૂછે છે ત્યારે માધવાનલ જણાવે છે કે કામકંદલાએ તાલભંગ કર્યા વગર જ ફૂંક મારી ભ્રમરને ઉરાડ્યો હતો. કામાવતીનો રાજા પણ તેને દેશવટો દે છે. રાજાની પરવાનગી લઈ માધવાનલ એક રાત કામકંદલા સાથે રહે છે અને તૈલાભ્યંગ, ભોજન, નૃત્ય, સંગીત, પ્રહેલિકા અને કેલિયુદ્ધ જેવા સહજીવનના ભોગ ભોગવી કામાવતીનો ત્યાગ કરી ઉજ્જૈન પહોંચે છે અને ધર્મશાળાની દીવાલ પર પોતાનાં વીતક વ્યક્ત કરતાં લખે છે; ‘પારકાનું દુ:ખ ભાંગે એવો કોઈ અવનિમાં નથી.’ રાત્રિચર્યાએ નીકળેલા રાજા વીર વિક્રમ આ વાંચીને માધવાનલનું દુ:ખ જાણી તે દૂર કરવા કામવતી નગરી પર ચડાઈ કરે છે. જીત મેળવે છે અને માધવાનલ તથા કામકંદલાનો મેળાપ કરાવે છે.

આ કથા ગણપતિ પછી વ્રજભાષામાં માધવ શર્માએ 1600 આસપાસ ‘રસવિલાસ’ નામે આપી હતી. એ પહેલાં સંવત 1560માં કુશળલાભે ચોપાઈમાં તે કથા આપી હતી. ઈ. સ. 1584માં આલમ નામના કવિએ અવધી ભાષામાં, ઈ. સ. 1533માં કોઈ અજ્ઞાત કવિએ તથા ઈ.સ. 1666માં કેસિ નામના કવિએ હિંદી ભાષામાં તે કથા આપી છે. ચત્રભુજદાસ કાયસ્થે પણ આ કથા હિંદીમાં આપી છે. ઈ. સ. 1753માં બોધા નામક કવિએ ‘વિરહવારીસ’માં આ કથા આપી છે. જૂની ગુજરાતીમાં ગણપતિ અને કુશળલાભ પછી ઈ. સ. 1681માં દામોદરે, સત્તરમા શતકના કોઈ અજ્ઞાત કવિએ તેમજ શામળ ભટ્ટે ‘સિંહાસન બત્રીસી’ની છવ્વીસ પૂતળીના મુખે આ કથા રજૂ કરી છે.

આમ, હંસાવતી, કર્પૂરમંજરી, નળદમયંતી, સદેવંત સાવલિંગા, ઢોલામારુ વગેરેની જેમ આ કથા પણ પશ્ચિમ ભારતની અને છેક ઉત્તર અને મધ્ય ભારત સુધી વિસ્તરેલી લોકપ્રિય મધ્યકાલીન પ્રેમકથા છે. હિંદી ભાષાના જાયસી જેવા પ્રખ્યાત કવિ તો ‘જૈસે દુષ્યન્ત હિ સકુન્તલા, માધવ લાઈ કામકંદલા’ કહી તેને દુષ્યન્ત-શકુંતલાની કથા જેવી વિશ્વખ્યાત કથા સાથે સાંકળે છે. અહીં પ્રિયા-પ્રિયતમના કાયમી મિલનમાં વીર વિક્રમની સહાય છે, તેથી આ પ્રેમકથા વિક્રમ-કથાચક્ર-અંતર્ગત ગણાય. વિક્રમ-કથાચક્રનો આરંભ ઈ. સ. 1300 જેટલો તો પ્રાચીન છે જ, એ સમયની જ સ્વતંત્ર એવી માધવાનલ અને કામકંદલાની કથા વિક્રમનાં સાહસ, શૌર્ય, પરોપકારના કથાચક્રમાં સંકળાઈ હશે. સ્થળ અને પાત્રનાં નામો તથા કેટલીક નાનીમોટી ઘટનાઓને બાદ કરતાં મૂળ કથાનું એકંદર માળખું તો બધા જ રચનાકારો જાળવે છે. શુકદેવના શાપને કારણે કામદેવ અને રતિના માનવ તરીકેના જન્મ, વિશિષ્ટ પરિસ્થિતિમાં ગર્ભાધાન અને સંતાનોત્પત્તિ, પક્ષી કે માનવ દ્વારા બાળકનું અપહરણ અને ઉછેર, રાણીની વ્યભિચાર માટેની માગણીના નકારે નાયક પર આળ અને તેનો દેશનિકાલ, નાયકના સૌન્દર્ય-દર્શનમાત્રે સ્ખલિત થતી નગરની સ્ત્રીઓ અને એ કારણે થતી દેશનિકાલની સજા, કલાપરખનું સૂક્ષ્મ ચાતુર્ય, સમસ્યાપૂર્તિ, પદ્યપંક્તિમાં પરિસ્થિતિનું થતું ગર્ભિત સૂચન અને આપત્તિમુક્તિ, પ્રેમનિષ્ઠાની પરીક્ષા, વીર વિક્રમની સહાયે ઈપ્સિતની પ્રાપ્તિ જેવાં અનેક કથાઘટકો અને કથાયુક્તિઓનો પ્રસ્તુત કથાનકમાં ઉપયોગ થયો છે.

હસુ યાજ્ઞિક