માધવી (જ. 1872, ચેન્નાઈ; અ. 1925, ચેન્નાઈ) : તમિળ ભાષાના ત્રણ શ્રેષ્ઠ નવલકથાકારો પૈકીના એક. તેઓ મદ્રાસની મિલર કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ આબકારી ખાતામાં અધિકારી તરીકે જોડાયા હતા; લેખનકાર્ય તેમના શોખનો વિષય હતો. તેમણે તમિળ તેમજ અંગ્રેજી એ બંને ભાષાઓમાં ઘણી નવલકથાઓ લખી છે.

તેમણે 24 વર્ષની વયે ‘પદ્માવતીચરિત્રમ્’ નામક પ્રથમ નવલકથા તમિળમાં 1896માં લખી હતી. તે શ્રેષ્ઠ કૃતિ તરીકે પુરવાર થઈ હતી. તેમાં તેમણે સામાજિક સુધારો, સ્ત્રી-કેળવણી અને સ્ત્રીઓના ઉત્કર્ષના વિષયવસ્તુની સુંદર ગૂંથણી કરી છે. તેમની નવલકથાઓમાં અશિક્ષિત મહિલાઓની અપંગતા અને પુરુષોની તાબેદારીનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે. તેમાં તેમણે સ્ત્રીઓને શિક્ષણ આપવાના અને તેમને રૂઢિ-મુક્ત કરવાના ફાયદા સમજાવ્યા છે; તેની સાથોસાથ તેમણે વાસ્તવિક જીવનમાં જોયેલાં પાત્રોનું ચિત્રણ કર્યું છે. સ્ત્રીઓ અને પુરુષો માટે અંગ્રેજી શિક્ષણ અને તેમની વચ્ચે સમાનતા અને વિધવાવિવાહની હિમાયત કરી છે.

તેમની બીજી તમિળ નવલકથા ‘વિજયમાર્તંડમ્’ તિરુનેલવેલીની મારવા જાતિના જીવનનું ચિત્રણ કરે છે. કર્તવ્યમાં શ્રદ્ધા તથા કોઈની સાથે છેતરપિંડી ન કરવી તે તેમના જીવનના સિદ્ધાંતોનું આમાં નિરૂપણ છે.

તેમની ત્રીજી નવલકથા ‘મુટ્ટુમીનાક્ષી’માં વિધવા સ્ત્રીના પુનર્લગ્નનો પ્રશ્ન છે. માત્ર નવમા વર્ષે વિધવા બનેલી નાયિકાને વિધવાનાં વસ્ત્રો પહેરવાની ફરજ પાડવામાં આવે છે; તેની અપર માતા તેને ત્રાસ આપે છે. આ પરિસ્થિતિમાંથી તેના ભાઈનો મિત્ર મદદે આવે છે, તેના શિક્ષણની વ્યવસ્થા કરે છે, અંતે તેની સાથે લગ્ન કરી તેનું જીવન સફળ બનાવે છે.

તેમની અંગ્રેજી નવલકથા ‘તિલ્લાઈ ગોવિન્દન’ 1912માં ઇંગ્લૅન્ડમાં પ્રગટ થયેલી. તેમાં ભારતીય યુવાનમાં અંગ્રેજી શિક્ષણ દ્વારા આવતું પરિવર્તન આલેખ્યું છે. ‘ક્લોરિન્ડા’ નામની કૃતિ ઐતિહાસિક નવલકથા છે. તેમાં તાન્જાવુરમાં રાજવી કુટુંબમાં જન્મેલ ક્ષત્રિય મહિલાને તેનાં સગાંસંબંધી કેવો ત્રાસ આપે છે, તે કેવી રીતે વિધવા બને છે, કેવા સંજોગોમાં તે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને એક અંગ્રેજ સૈનિક સાથે લગ્ન કરીને કેવી રીતે મુક્ત થાય છે તેનું સવિસ્તર ચિત્રણ જોવા મળે છે. તેમની ‘લેફ્ટેનેન્ટ પંજુ’ અને એવી અન્ય અંગ્રેજી નવલકથાઓ એટલી જાણીતી નથી.

તેઓ કવિ હતા અને કાવ્ય-સ્પર્ધામાં પ્રથમ ઇનામ પણ મેળવેલું. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ બે વર્ષ સુધી તેમણે સામયિક ‘પંચામિર્થમ’નું સંપાદન સંભાળ્યું. તેમણે કેટલાક વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે, જે આજે પણ લોકપ્રિય છે. તેઓ વર્ષો સુધી મદ્રાસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહેલા. યુનિવર્સિટીની સિન્ડિકેટમાં પ્રવચન આપતી વેળા તેમનું હૃદય બંધ પડવાથી અવસાન થયેલું.

બળદેવભાઈ કનીજિયા