માટિર માનુષ (1930) : કાલિંદીચરણ પાણિગ્રહીની ઊડિયા નવલકથા. 1930ના અરસામાં સમગ્ર ભારત બ્રિટિશ શાસન સામેની લડતમાં પ્રવૃત્ત હતું, ત્યારે આ નવલનું પ્રકાશન એક મહત્વની સાહિત્યિક, સામાજિક તથા રાજકીય ઘટના બની રહી. કટક જિલ્લામાં વિટુપા નદીના કાંઠે આવેલા પધાનપરા ગામમાં રહેતા નમ્ર અને રૂઢિપરાયણ ખેડૂત પરિવારની રસપ્રદ કથા આમાં આલેખાઈ છે.

ગ્રામીણ માનવોની હૃદયસ્પર્શી જીવન-કથનીનું આમાં વિસ્તારપૂર્વક ચિત્રણ કરાયું છે. કથાના છેલ્લા ભાગમાં ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકાર આંદોલનનો ઊંડો પ્રભાવ ઝિલાયો છે. તેમણે નવલકથાનાં વસ્તુવિષયની ખૂબ કુશળતાપૂર્વક ગૂંથણી કરી છે; તેમના પાત્રચિત્રણ વિશેના પ્રભુત્વ પરથી માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓ વિશેની તેમની ઊંડી સૂઝ વ્યક્ત થાય છે.

માનવસ્વભાવ પ્રત્યેના તેમના સમભાવનાં પણ કથાના ઘટનાજગતમાં દર્શન થાય છે. નવલકથાની ભાષામાં બોલચાલનાં લઢણ-લહેકા જોવા મળે છે અને તેમાં તળપદી ગ્રામીણ બોલીની મીઠાશનો આસ્વાદ મળે છે.

મહેશ ચોકસી