માટી-ઉદ્યોગ : માટી અને/અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલાં અને અગ્નિ વડે તપાવેલાં પાત્રો બનાવવાનો કલાકારીગરીવાળો ઉદ્યોગ. તેને મૃત્તિકા-નીપજો(clay products)નો અથવા સિલિકેટ-ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલાં વાસણો સાદાં અથવા કાચીકૃત (vitrified) અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક પ્રકારનાં હોય છે. સિરૅમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જોકે તેને અલગ ઉદ્યોગ પણ ગણવામાં આવે છે. સિરૅમિક ઉદ્યોગમાં હવે ઊંચા તાપમાન અને ભારે દબાણ સહી શકતા, ઉચ્ચ પ્રકારના યાંત્રિક ગુણો ધરાવતા તથા સંક્ષારક (corrosive) રસાયણો સામે ટકી શકે તેવા પદાર્થોની માંગ વધી રહી છે. આ માટે સિલિકેટ રસાયણ, ધાત્વિકી (metallurgy), ઘન-અવસ્થા ભૌતિકી અને કમ્પ્યૂટર-નિયંત્રિત પ્રક્રમોનો સુમેળ સાધવામાં આવે છે. વળી હાલમાં ચીમનીની રાખ (fly ash), ઢાળણરેતી (foundry-sand), ખાણના અંત્ય અવશિષ્ટો (mine-tailings), ભઠ્ઠી-ધાતુમલ (furnace slag) જેવા અકાર્બનિક અવશિષ્ટ પદાર્થોનો ઉપયોગ કરી ઈંટો વગેરે બનાવવાની પ્રવિધિઓ (processes) પણ વિકસાવવામાં આવી છે.

વિવિધ પ્રકારની માટી અને ખનિજોમાંથી બનતી ચીજોના પ્રકાર નીચે પ્રમાણે છે :

(i) શ્વેત પાત્રો (whitewares) : ચિનાઈ પાત્રો (china), મૃત્તિકાપાત્રો (earthenware), કૌલાલકી (pottery), પૉર્સલિન (porcelain), પથ્થરિયાં પાત્રો (stoneware) અને કાચિયાં પાત્રો (vitreous ware).

(ii) માટીની બાંધકામવિષયક પેદાશો (structural clay products) : બાંધકામ માટેની ઈંટો, ટેરાકૉટા (terracotta), ગંદા પાણી માટેની (sewer) પાઇપો અને જલનિકાલ લાદી (drain tile).

(iii) ઉચ્ચતાપસહ પદાર્થો (refractories) : અગ્નિસહ ઈંટો (fire bricks); સિલિકા, ક્રોમાઇટ, મૅગ્નેસાઇટ, મૅગ્નેસાઇટ-ક્રોમાઇટ ઈંટો; સિલિકન કાર્બાઇડ અને ઝર્કોનિયા ઉચ્ચતાપસહ પદાર્થો; ઍલ્યુમિનિયમ સિલિકેટ અને ઍલ્યુમિના-નીપજો.

(iv) વિશિષ્ટ હેતુ માટેની સિરૅમિક પેદાશો :

માટીમાં બે વિશિષ્ટ ગુણો હોય છે : (ક) માટીનાં ઘડેલાં વાસણોનું સ્વરૂપ તેમના સુકાયા પછી બદલાતું નથી, અને (ખ) આ વાસણોને અગ્નિ વડે પકવ્યા પછી તે બરડ છતાં સહેલાઈથી નાશ ન પામે તેવાં કઠણ બને છે. કારણ કે ધાતુઓ તથા સેન્દ્રિય પદાર્થોનું ખવાણ કરતાં તત્ત્વો અને પાણીની અસર અગ્નિ વડે પકવેલાં માટીનાં વાસણો ઉપર દીર્ઘકાળ પર્યન્ત પડતી નથી. સૂર્યના તાપમાં સૂકવેલાં માટીનાં કાચાં વાસણોમાં પાણી ભરવામાં આવે તો તેમનો લોંદો થઈ જાય છે. પરંતુ તેમને તપાવવામાં આવે તો 500° સે. તાપમાને માટીમાં રાસાયણિક ફેરફારો થાય છે. આ પ્રકારનાં વાસણો સાદાં મૃત્તિકાપાત્રો (earthen-ware) કહેવાય છે. તે થોડાં છિદ્રાળુ અને ખરબચડાં હોય છે; પરંતુ પાણીના ગમે તેટલા સંપર્કમાં આવે છતાં તેમના ઘાટમાં કોઈ ફેરફાર થતો નથી. માટીમાં ઉષ્મારોધક (refractory) ગુણ હોવાથી તેને 1,600° સે. સુધી તપાવવામાં આવે ત્યારે જ તે કાચીકૃત બને છે; પરંતુ માટીમાં ઓછા તાપમાને કાચીકૃત થાય તેવા પદાર્થો ભેળવીને તૈયાર કરેલાં વાસણોને તપાવવામાં આવે તો 1,200° સે. તાપમાને માટી કાચીકૃત થતી નથી અને પાત્રના મૂળ ઘાટને જાળવી રાખે છે, જ્યારે મિશ્રણમાં ભેળવેલા અન્ય પદાર્થો કાચીકૃત થાય છે અને પરિણામે છિદ્રો વગરનાં (nonporous), કાચીકૃત અપારદર્શક (opaque) વાસણો (stoneware, પથ્થરિયાં પાત્રો) તૈયાર થાય છે. સફેદ (અથવા સહેજ રતાશ-પડતા) પોટૅશિયમ, સોડિયમ અને કૅલ્શિયમયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટવાળા ફેલ્સ્પાર (feldspar) અથવા આલ્કલાઇન ઑક્સાઇડયુક્ત મટોડી(soap rock/stealite)ને વિશિષ્ટ પ્રકારની માટીમાં ભેળવીને તૈયાર કરેલા મિશ્રણમાંથી બનાવેલાં વાસણો તપાવવામાં આવે તો 1,200°થી 1,450° સે. તાપમાને પૉર્સલિન અથવા ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક (translucent) વાસણો તૈયાર થાય છે. જે વાસણો પ્રકાશમાં ધરતાં અપારદર્શક જણાય તેમને સ્ટોનવેર અને અર્ધપારદર્શક જણાય તો તેમને પૉર્સલિન કહેવાનો રિવાજ પાશ્ચાત્ય જગતમાં છે. બીજી તરફ જે વાસણોને ટકોરા મારતાં રણકો ઉત્પન્ન થાય તેમને પૉર્સલિન કહેવાનો રિવાજ ચીનમાં છે. જોકે આ નિરૂપણો સંતોષકારક નથી અને તેમની વચ્ચેની ભેદરેખા સંદિગ્ધ છે, કારણ કે સ્ટોનવેર અને પૉર્સલિન – એમ બંને પ્રકારનાં વાસણો ઓછાવત્તા અંશે કાચમય હોય છે. સ્ટોનવેર પાતળાં ઘડીને ઊંચા તાપમાને તપાવ્યાં હોય તો તે અપારદર્શકને બદલે અર્ધપારદર્શક બને છે, જ્યારે પૉર્સલિનનાં પાત્રો વજનદાર ઘડ્યાં હોય તો તે અર્ધપારદર્શકને બદલે અપારદર્શક બને છે. રણકો તો માટીનાં સાદાં વાસણોને ટકોરા મારતાં પણ આવે છે.

માટીનાં વાસણો (મૃત્તિકાપાત્રો) (earthenware) બનાવવાનો ઉદ્યોગ પ્રાચીન ઉદ્યોગો પૈકીનો એક છે. ઈ. પૂ. 15000ના સમયનાં માટીનાં પકવેલાં પાત્રોના નમૂના મળી આવ્યા છે. તે પછીનાં હજારેક વર્ષ બાદ ઇજિપ્તમાં આ કળા વધુ વિકસી હતી. વીસમી શતાબ્દીમાં તેમનો વપરાશ વ્યાપક હતો અને એકવીસમી સદીમાં પણ તે વપરાશ વધુ વ્યાપક બને તેવી સંભાવના નકારી શકાય નહિ. આ વાસણો અર્ધકાચિયાં (semivitreous), છિદ્રાળુ અને અપારભાસક (nontranslucent) હળવી ચમક ધરાવે છે. તે ઝાંખા પીળાથી તે ઘેરા લાલ અને ભૂખરાથી તે શ્યામ સુધીના રંગોનાં હોય છે. કેટલીક વાર પીળાશપડતી સફેદ માટી અને પાણીના મિશ્રણથી તેમના ઉપર ચકચકિત સુશોભન કરવામાં આવે છે. માટીનાં વાસણો ગરમી અને ઠંડી બંનેથી દુર્ભેદ્ય હોય છે અને તેથી ખાદ્ય પદાર્થોને રાંધવા, પીરસવા અને થીજવવામાં તેમનો બહોળો ઉપયોગ થાય છે.

ચિનાઈ પાત્રો (china ware) કાચીકૃત અને પારભાસક હોય છે. તે મધ્યમ કક્ષાની ચમક ધરાવતાં હોઈ અપઘર્ષણ(abrasion)નો અમુક અંશે પ્રતિકાર કરે છે. બિનતકનીકી હેતુઓ માટે પણ તેમનો ઉપયોગ થાય છે. આવાં વાસણો ઈ. પૂ. 1400માં ચીનમાં, ઈ. પૂ. 57થી ઈ. સ. 935ના સમયગાળામાં કોરિયામાં અને તેરમી શતાબ્દીમાં જાપાનમાં બનતાં હતાં તેવું માનવામાં આવે છે. સત્તરમી  સદીમાં ચીનમાંથી યુરોપમાં ચાની પેટીઓની આયાત થવા માંડી ત્યારે પેટીઓ સાથે તામ્રવર્ણનાં કાચીકૃત વાસણો યુરોપમાં પહોંચ્યાં હતાં. સમય જતાં ત્યાં તેમનો વપરાશ વધવા માંડ્યો અને ક્રમશ: શ્વેત, લાલ, બદામી, ભૂખરા અને શ્યામ રંગનાં કાચીકૃત વાસણો બનવા માંડ્યાં.

પૉર્સલિન એ કાચિત, પારભાસક પાત્રો છે. તે સખત ચમક ધરાવે છે અને અપઘર્ષણનો મહત્તમ પ્રતિકાર કરે છે. તેમાં રાસાયણિક, રોધક (insulating) અને દંતકીય પૉર્સલિનનો પણ સમાવેશ થાય છે. ચીનમાં તાંગ વંશના સમય (ઈ. સ. 618–907) દરમિયાન પ્રાથમિક રૂપ(primitive form)માં સૌપ્રથમ પૉર્સલિન બનાવવામાં આવ્યું હતું. 1279–1368 દરમિયાન કેઓલિન (kaolin) એટલે કે સફેદ ચીની માટી, પેટુન્ત્સે (petuntse) અને માટીમાંથી વધુ સારું પૉર્સલિન બનાવવામાં આવ્યું. તેને 1,450° સે. તાપમાને પકવવામાં આવતું હતું. મધ્યયુગમાં તેના છૂટાછવાયા નમૂનાઓ યુરોપમાં જવા માંડ્યા. યુરોપના કારીગરો આ વાસણોમાં વપરાતાં રસાયણોથી માહિતગાર ન હતા. તેથી તેમણે દળેલા કાચનો ભૂકો માટી સાથે મિશ્ર કરી વાસણો બનાવવા માંડ્યાં. આ રીતે બનતું પૉર્સલિન ચીનની જાતને ઉપરછલ્લું (superficially) મળતું આવતું હતું. તે 1,200° સે.એ પકવવામાં આવતું હતું તથા તેનાં પાત્રો કાનસ વડે કાપી શકાતાં હોવાથી તે નરમ અથવા કૃત્રિમ પૉર્સલિન તરીકે ઓળખાતું હતું. આ પૉર્સલિનની ઉત્પાદનવિધિમાં 90 % જેટલો બગાડ થતો હોવાથી ઉત્પાદન ઓછું અને પોષણક્ષમ ન હોવાથી ધીરે ધીરે તેનો વપરાશ બંધ પડ્યો. આની સામે 1,450° સે. તાપમાને પકવાતું પૉર્સલિન કઠણ પૉર્સલિન કહેવાતું, કારણ કે તેના પર કાનસની અસર થતી ન હતી.

ચીની પ્રકારને મળતું આવતું કઠણ પૉર્સલિન અઢારમા સૈકાની શરૂઆતમાં (1870માં) સૅક્સનીના અહ્રેનફ્રાઇડ વૉલ્ટર વૉન શીર્નહૌસ (Ehrenfried Walter von Tschirnhaus) નામના ઉદ્યોગપતિએ જોહાન ફ્રિડરિક બોટ્ગર(Johann Freiedrich Bottger)ની મદદથી બનાવ્યું. તેમણે નરમ પૉર્સલિનના સંઘટન(formula)માં દળેલા કાચને બદલે દળેલો ફેલ્સ્પાથિક ખડક વાપર્યો. કઠણ પૉર્સલિન મજબૂત હોય છે અને તેની કાચીકૃત પ્રવૃત્તિને કારણે સહેલાઈથી તેની પતરીઓ ઊખડી જતી હતી. અઢારમા સૈકામાં ઇંગ્લૅન્ડમાં દળેલા કાચમાં હાડકાંની રાખ (ઢોરોનાં હાડકાં બાળવાથી મળતો એક પ્રકારનો કૅલ્શિયમ ફૉસ્ફેટ) ઉમેરી સાચું નરમ પૉર્સલિન  બનાવાયું; ત્યારબાદ જોસિયાહ સ્પોડે(II)એ સાચા કઠિન પૉર્સલિનના સંઘટનમાં હાડકાંની રાખ ઉમેરી ખરેખરું કઠણ પૉર્સલિન બનાવ્યું. આ રીતે મળતો પદાર્થ ‘બોન ચાઇના’ તરીકે પ્રચલિત બન્યો. બોન ચાઇના સહેલાઈથી ઉત્પન્ન કરી શકાતું હતું. તેનાં વાસણો મજબૂત, સહેલાઈથી પતરીઓ ઊખડે નહિ તેવાં અને રંગે હાથીદાંતના જેવાં પીળાશપડતા સફેદ રંગનાં સોહામણાં હતાં. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં તે અત્યંત લોકપ્રિય બન્યાં. પરંતુ યુરોપમાં હજુ કઠણ પૉર્સલિનનાં વાસણો જ વધુ પસંદ કરવામાં આવે છે.

બુનિયાદી કાચો માલ (basic raw materials) : માટી, ફેલ્સ્પાર અને રેતી – એ પરંપરાગત સિરૅમિક પદાર્થો બનાવવા માટેનો મુખ્ય કાચો માલ છે. માટી વધતેઓછે અંશે અશુદ્ધ જળયુક્ત સિલિકેટો છે. કાચી (અપરિષ્કૃત, raw) માટી એ પ્રાથમિક રીતે સાચા મૃત્તિકાકણો તેમજ જે આગ્નેય (igneous) ખડકોના અપક્ષય(weathering)થી તે નીપજ્યા હોય તેમના અન્ય ઘટક-મિશ્રિત અવિઘટિત ફેલ્સ્પારની બનેલી હોય છે. આ ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝનો ગણનાપાત્ર જથ્થો હોવા ઉપરાંત, આયર્નના ઑક્સાઇડ, અબરખ તથા અન્ય પદાર્થો હોય છે. ફેલ્સ્પારનો અપક્ષય નીચે પ્રમાણે દર્શાવી શકાય  :

K2O·Al2O3·6SiO2 + CO2 + 2H2O →  K2CO3 + Al2O3·2SiO2·2H2O + 4SiO2

 પૉટાશ ફેલ્સ્પાર                                                કેઓલિનાઇટ         સિલિકા

મૃત્તિકા-ખનિજો (clay minerals) તરીકે ઓળખાતી અનેક ખનિજ-જાતિઓ (mineral species) છે. તેઓ મુખ્યત્વે કેઓલિનાઇટ, મૉન્ટમોરિલોનાઇટ [(Mg, Ca)·Al2O3·5SiO2· n H2O] અને ઇલાઇટ (illite) (K2O, MgO, Al2O3, SiO2, H2O; બધાં વિવિધ પ્રમાણમાં)નાં મિશ્રણો ધરાવે છે. સિરૅમિક ર્દષ્ટિએ માટી જ્યારે પૂરતા બારીક પ્રમાણમાં દળેલી અને ભીની હોય ત્યારે સુઘટ્ય (plastic) અને ઢાળી શકાય તેવી; જ્યારે સૂકી હોય ત્યારે ર્દઢ (rigid) અને યોગ્ય તાપમાને પકવેલી હોય ત્યારે કાચીકૃત (vitreous) હોય છે.

વ્યાપારી માટીમાં મૃત્તિકા-ખનિજો ઉપરાંત વિવિધ પ્રમાણમાં ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ અને આયર્નના ઑક્સાઇડ જેવી અન્ય અશુદ્ધિઓ હોય છે. સિરૅમિક ઉદ્યોગમાં વપરાતી બધી માટીમાં પાયારૂપ મૃત્તિકા-ખનિજ કેઓલિનાઇટ હોય છે. જોકે જ્યાં વધુ સુઘટ્યતા (plasticity) જોઈતી હોય ત્યાં મૉન્ટમોરિલોનાઇટ આધારિત બેન્ટોનાઇટ વપરાય છે.

આ ત્રણ મુખ્ય કાચા માલ ઉપરાંત અન્ય ખનિજો/પદાર્થો પણ વપરાય છે; દા.ત. બૉરૅક્સ, ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ, લેડ ઑક્સાઇડ વગેરે. આવા લગભગ 450 પદાર્થો છે.

બનાવવાની વિધિઓ અને તકનીકો (forming processes and techniques) : વિભિન્ન સ્થળોની માટીનું સંઘટન અને તેની વર્તણૂક તથા સુઘટ્યતા થોડાં અલગ પડતાં હોય છે. સામાન્ય (coarse) માટીનાં વાસણો સ્થાનિક જમીનમાંથી જે માટી મળે તેમાંથી બનાવવામાં આવે છે; જ્યારે કૌલાલકી (pottery) માટે ખાસ પ્રકારની માટી અને તેને યોગ્ય ગુણધર્મો આપવા તેમાં અન્ય પદાર્થો ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને મૃત્તિકાપિંડ (clay body) અથવા ખંડ (batch) કહે છે. આ ખંડ તૈયાર કરવા માટે ઘટકો(ingredients)ને પાણી સાથે મેળવી જોઈતા પ્રમાણમાં બારીક બનાવવામાં આવે છે. પછી વધારાનું પાણી દૂર કરવામાં આવે છે.

પહેલાંના વખતમાં વાસણોને ઘાટ આપવા માટે આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરવામાં આવતો. જોકે હજુ પણ આ પ્રથા ચાલુ છે. ચોરસ અથવા લંબચોરસ (oblong) પાત્રો બનાવવા માટે માટીના સપાટ પટ્ટા (slab) ને ઝીણી ચીકણી માટી(clay slip)નો આસંજક તરીકે ઉપયોગ કરી તેમાં હવા ન રહે તેવું ગારાલેપન કરવામાં આવતું. આવા જ પટ્ટામાંથી સપાટ પાયાવાળા નળાઓ બનાવી શકાતા.

પાત્રો બનાવવા માટે કુંભારના ચાકડા(potter’s wheel)નો ઉપયોગ ક્યારે શરૂ થયો તે કહેવું શક્ય નથી. આ સાધનમાં પૂરતા અનુભવની જરૂર પડે છે. સમય જતાં પગ વડે ચલાવાતા ચાકડાનો ઉપયોગ શરૂ થયો. આ કામમાં કારીગર ગોળ ફરતા ચાકડા ઉપર માટીનો લોંદો મૂકી, બંને હાથનો ઉપયોગ કરી પાત્રને ધાર્યો ઘાટ આપે છે. આને લીધે ઇચ્છિત ચોકસાઈ અને સપ્રમાણ (symmetrical) ઘાટવાળાં પાત્રો બનાવી શકાય છે. ચીનાઓ આ બાબતમાં વધુ માહેર હતા. સોળમા સૈકામાં પ્રચલિત બનેલા ખાસ પ્રકારના વાઝ (vases) બનાવવા બે અલગ ખંડમાં તેમને બનાવવામાં આવતા અને પછી બંને ભાગોને જોડી દેવામાં આવતા. ઓગણીસમી સદીથી ચાકડાને ફેરવવા યંત્રોનો ઉપયોગ શરૂ થયો.

એકસરખાં પાત્રોનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે અઢારમી સદીમાં જૉલી (jolly) અથવા જિગર(jigger)નો ઉપયોગ શરૂ થયો. વીસમી સદીમાં કપ, પ્લેટ વગેરેનું મોટા પાયા પર ઉત્પાદન કરવા માટે આ સિદ્ધાંત પર આધારિત સ્વચાલિત યંત્રોનો ઉપયોગ દાખલ થયો. પાત્રોના હાથા અલગ બનાવી મૂળ ઘાટ સાથે જોડી દેવામાં આવતા હતા.

શુષ્કન (drying), સંઘાડીકામ (turning) અને ઉત્તાપન (firing) : નવાં બનાવેલાં અવનવા ઘાટવાળાં પાત્રો અગાઉના વખતમાં ધીરે ધીરે હવામાં સુકાવા દેવામાં આવતાં. વીસમી સદીમાં આ માટે સ્વચાલિત શુષ્કકો(dryers)નો ઉપયોગ શરૂ થયો. આ માટે સૂકી ટનલમાંથી પાત્રોને પસાર કરવામાં આવે છે.

સંઘાડીકામ એ કાચાં વાસણોને, જ્યારે તેઓ ચામડા જેવાં કઠણ બને ત્યારે તેને ઉઠાવ અથવા ઓપ આપવા માટેની પ્રવિધિ છે. ચાકડા અથવા જિગર ફરતાં હોય ત્યારે આ કામ કરવામાં આવે છે.

શરૂઆતનાં વાસણો, જે તડકામાં સૂકવેલાં પણ અગ્નિમાં પકવેલાં ન હતાં, તેમનો ઉપયોગ અનાજ અને એવા કોરા પદાર્થોને ભરવા માટે થતો હતો. આવાં પાત્રોમાં પાણી ભરતાં તે પ્રવાહીને શોષી લઈ, નરમ બની, ભાંગી જતાં. જો આવાં પાત્રને અગ્નિમાં તપાવવામાં આવે તો 500° સે. તાપમાને તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતાં તે પાછું સુનમ્ય (plastic) અવસ્થામાં ફેરવાતું નથી. આથી પાત્રને બરાબર સૂકવ્યા પછી તેને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. અગાઉ (કેટલેક ઠેકાણે હાલ પણ) જમીનમાં છીછરો ખાડો કરી તેમાં પાત્રોને જુદા જુદા થરમાં ગોઠવવામાં આવતાં. થરોની વચ્ચે તેમજ આજુબાજુ જલાઉ સાંઠી ગોઠવવામાં આવતી અને દહન માટે જરૂરી હવા મળી રહે તે માટે વચ્ચે વચ્ચે બાકોરાં રાખવામાં આવતાં. પાછળથી કોલસા અને લાકડાના ઉપયોગવાળી ભઠ્ઠીઓ શરૂ થઈ; જ્યારે હાલમાં આ માટે દહનશીલ વાયુ અને વીજળીનો ઉપયોગ કરતી ભઠ્ઠીઓ વપરાશમાં આવી છે. આમાં ટનલ ભઠ્ઠી (tunnel kiln) વધુ ઉપયોગી અને સફળ નીવડી છે. તેમાં ટનલના એક (ઠંડા) છેડેથી પાત્રો દાખલ થાય છે. મધ્યમાં ઊંચા તાપમાને તેઓ શેકાઈ પાકાં બને છે, જ્યારે અંતમાં બહાર આવતી વખતે તેઓ ધીરે ધીરે ઠંડાં પડે છે.

શેકાયેલાં પાત્રોનો રંગ માટીના સંઘટન અને ઉત્તાપન સમયના ભઠ્ઠીના વાતાવરણ પર આધાર રાખે છે. મૃત્તિકાપાત્રો માટેની માટીમાં લોહ (iron) એ સર્વવ્યાપક (ubiquitous) તત્ત્વ છે અને ભઠ્ઠીમાંના ઊંચા તાપમાને તેનું ઉપચયન થાય છે. આને લીધે પાત્રો લોહના પ્રમાણ મુજબ આછા ગુલાબીથી ઘેરો લાલ રંગ પકડે છે. અપચયનકારી (reducing) વાતાવરણમાં (હવાનો પ્રવાહ મર્યાદિત હોવાથી કાર્બન મોનૉક્સાઇડની હાજરીને કારણે) લોહ (iron) પાત્રોને ભૂખરા(gray)થી માંડીને કાળો રંગ આપે છે. જોકે ધુમાડાને કારણે પણ કાળો રંગ આવી શકે છે.

સુશોભનવિધિઓ અને તકનીકો (decorating processes and techniques) : સુશોભન માટેની પુરાણી રીત કાચી માટીમાંથી તૈયાર થતાં પાત્રોને મુદ્રાંકિત કરવાની (stamping) અથવા તેમના પર છાપ ઉપસાવવાની (impressing) છે. આ માટેની જૂની પદ્ધતિમાં આંગળાંની કે દોરડાંની છાપ ઉપસાવવામાં આવતી અથવા પાત્રને ટીપીને ઘડવામાં આવતાં. પાત્રની અંદરની દીવાલને દબાવીને પણ ડિઝાઇન ઉપસાવવામાં આવે છે અથવા સુશોભન માટે અલગ તૈયાર કરેલ આકૃતિ પાત્ર ઉપર લગાવવામાં આવે છે. લાકડાની અણીદાર પટ્ટી અથવા નખ વડે પણ આકૃતિ ઉપસાવી શકાય છે. કાળાં પાત્રો પર કોતરેલી આવી ડિઝાઇનમાં ચૂનો ભરવાથી વધુ ઉઠાવ આવે છે. કેટલીક વાર સુશોભન માટે પાત્ર ઉપર રંગ લગાડવામાં આવે છે.

આ ઉપરાંત કેટલાંક પાત્રોને ઘસીને અથવા પૉલિશ કરીને સુંવાળાં બનાવ્યાં પછી પકવવામાં આવે છે, તો કેટલાંક પાત્રોની છિદ્રાળુતા ઓછી કરવા તેમના પર વાર્નિશ લગાવવામાં આવે છે. વધુ સારો ઉઠાવ આપવા પકવેલા પાત્ર પર ઓપ કે ચમક ચડાવવામાં આવે છે. આ માટે પાત્ર ઉપર આ અંગેનું મિશ્રણ લગાવી તેને ફરીથી પકવવામાં આવે છે; જેથી બહારની સપાટી સુંવાળી અને ચળકતી બને છે અને પાત્રની છિદ્રાળુતા ઓછી થઈ જાય છે.

ભારતમાં ઈ. પૂ. 2500થી કુંભારકામ પ્રચલિત છે. હડપ્પા અને લોથલનાં ઉત્ખનનમાં જુદા જુદા ઘાટનાં કલાત્મક વાસણો મળી આવ્યાં છે. ભારતમાં માટીનાં વાસણો અને ઈંટોનું ઉત્પાદન કુટુંબ દ્વારા અથવા અસંગઠિત ક્ષેત્રના લઘુ એકમો દ્વારા કરવામાં આવે છે. ભારતના અને ગુજરાતના કુંભારો તેમની આ પ્રજાકીય સેવા માટે પોતાને પ્રજાપતિ તરીકે ઓળખાવે છે. તેઓ પોતાની મહેનતે અને સ્ત્રીવર્ગ તથા કારીગરોની મદદથી જુદા જુદા આકારનાં માટલાં, ઘડા અને કૂંજા જેવાં વાસણો, લંબઅર્ધગોળાકાર સાદાં નળિયાં અને ઈંટો બનાવે છે. માટીનાં વાસણો, કૂંડાં, કોડિયાં અને સાદાં નળિયાંના ઉત્પાદન માટે લાલ તથા કાળી માટી, ચાકડો, બળતણનાં લાકડાં અને તૈયાર માલ રાખવા માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. ઉત્પાદિત માટીનાં વાસણોનો વપરાશ સાંપ્રત સમયમાં પણ વ્યાપક રહ્યો છે; પરંતુ સાદાં નળિયાંનો વપરાશ ક્રમશ: ઘટી રહ્યો છે અને તેમનું ઉત્પાદન મંદ પડ્યું છે. આમ છતાં ચકચકિત સપાટ મૅંગ્લોરી નળિયાંનો વપરાશ હજુ જળવાઈ રહ્યો છે. તેથી મોરબી અને આજુબાજુનાં ક્ષેત્રોમાં તેમનું ઉત્પાદન લઘુક્ષેત્રે ચાલુ રહ્યું છે. ઈંટોના ઉત્પાદન માટે બહુ ગોરાડુ નહિ અને બહુ કાળી નહિ તેવી કાંકરા વગરની માટી, પૂરતા પ્રમાણમાં પાણી, લોખંડનાં બીબાં, લાકડાં, બારીક રેતી અને મુખ્યત્વે શહેર અથવા નગર પંચાયત અથવા ગ્રામ પંચાયતના વિસ્તારની બહાર સમથળ જમીનના ખુલ્લા પ્લૉટની જરૂર પડે છે. તેમના ઉત્પાદન માટે અને કેટલા ફૂટ ઊંડે સુધી માટી ખોદવી તે માટે તાલુકા પંચાયતની મંજૂરી મેળવવી પડે છે. ભઠ્ઠીમાં બનાવેલી ઈંટોની ગુણવત્તા ખરાબ થઈ જાય નહિ તે માટે પૂરતા પ્રમાણમાં ગરમી આપવાનો અનુભવ ધરાવતા કારીગરોની જરૂર પડે છે. કાચીકૃત અને ચિનાઈ માટીનાં વાસણો સુશોભિત બનતાં હોવાથી તેમની માંગ વધી રહી છે. કલાકારીગરીવાળાં અને ચિત્રો ઉપસાવેલાં કપ, રકાબી, મગ, કાચની મૂર્તિઓ અને બરણીઓની માંગ વધતી જાય છે; તેથી જે જગ્યાએ માટીનાં સાદાં વાસણો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે તે સ્થળોએ કાચિયાં અને ચિનાઈ માટીનાં વાસણોનો ઉદ્યોગ લઘુક્ષેત્રે વિકસ્યો છે. સૌરાષ્ટ્રમાં થાનગઢ, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતમાં વિજાપુર અને હિંમતનગરમાં આ ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો છે. આ ઉદ્યોગના એકમો ચિનાઈ માટીનાં વાસણો, સાદાં કપ-રકાબી, પ્લેટ, ડિનર-સેટ અને ભેટ આપવાલાયક વસ્તુઓ વગેરેનું ઉત્પાદન કરીને તેમના ઉપર રંગરોગાન કરવાનું, ફૂલો, ચિત્રો, સુંદર ડિઝાઇનો અને સોનેરી  રેખાઓ દોરવાનું અને ગ્રાહકોનાં નામ લખવાનું જૉબવર્ક કુશળ કારીગરો પાસે કરાવે છે.

સ્વરૂપગત રીતે જોતાં આ ઉદ્યોગમાં બનતી વસ્તુઓ મહદ્અંશે રોજબરોજના ઉપયોગમાં આવતી વસ્તુઓ હોય છે. તેનું ઉત્પાદન નાના નાના ઉત્પાદન-ઘટકોમાં થતું હોવાથી તેને અસંગઠિત ક્ષેત્રમાં સામેલ કરવામાં આવે છે.

જ. દા. તલાટી

જયન્તિલાલ પો. જાની