મહેતા, મંજુ (જ. 23 એપ્રિલ 1945, જયપુર) : વિખ્યાત સિતારવાદક અને શાસ્ત્રીય સંગીતનાં શિક્ષણ અને પ્રસારને વરેલી ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિક’ના ટ્રસ્ટીમંડળનાં સ્થાપક સભ્યોમાંનાં એક. પિતા મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ જયપુર નગરના શાસ્ત્રીય સંગીતના ચાહકવર્ગમાં અગ્રણી સ્થાન ધરાવતાં હતાં. માતાએ ભરતપુર ખાતેની મ્યૂઝિક કૉલેજમાં લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય કરેલું. મંજુ મહેતાનું પ્રાથમિક, માધ્યમિક અને ઇન્ટરમીડિયેટ સુધીનું શિક્ષણ જયપુર ખાતે થયેલું. તેમણે સંગીતક્ષેત્રે ગાંધર્વ વિદ્યાલયમાંથી એમ.એ.(મ્યૂઝિક)ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે, જેમાં તેમણે પ્રથમ વર્ગમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંગીત પ્રત્યે તેમને બાલ્યાવસ્થાથી જ આકર્ષણ ઊભું થયેલું. તેમના મોટા ભાઈ તથા ગુરુ પંડિત શશીમોહન ભટ્ટ રાજસ્થાનના અગ્રણી સિતારવાદક અને સંગીતના પ્રતિષ્ઠિત શિક્ષક હતા. સિતારવાદનની તાલીમ શરૂઆતમાં મોટા ભાઈ પાસેથી લીધા બાદ તેમણે જયપુરના જાણીતા સંગીતજ્ઞ પંડિત દામોદરદાસ કાબરા પાસેથી અને ત્યારબાદ 1980થી પંડિત રવિશંકર પાસેથી સિતારવાદનની ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરી. મૈહર ઘરાનાના આ સિતારવાદકનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1964માં જયપુર ખાતે રજૂ થયો હતો. ત્યારથી અત્યારસુધીમાં તેમણે દેશવિદેશમાં ઘણા જાહેર કાર્યક્રમો આપ્યા છે અને અપાર લોકપ્રિયતા હાંસલ કરી છે. આકાશવાણી દ્વારા આયોજિત ‘પ્રતિભાશોધ’(Talent Search Competition)માં તેમણે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં પણ તેમના સિતારવાદનના કાર્યક્રમો રજૂ થયા છે. છેલ્લાં પાંત્રીસ વર્ષથી તેઓ સંગીતનું અધ્યાપનકાર્ય કરી રહ્યાં છે.

મંજુ મહેતા

અમદાવાદમાં 1980માં સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિકની સ્થાપના થઈ ત્યારથી તેઓ આ સંસ્થાના ટ્રસ્ટીમંડળનાં સભ્ય છે. તે પૂર્વે 1968–80ના ગાળામાં તેઓ દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ સાથે સક્રિય રીતે સંકળાયેલાં હતાં.

તેમને અત્યાર સુધી ઘણા ઍવૉર્ડ એનાયત થયા છે, જેમાં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. વડોદરાની ત્રિવેણી સંસ્થા તથા અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવેલું.

વિખ્યાત ગિટારવાદક અને ગ્રૅમી ઍવૉર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તેમના ભાઈ થાય છે. જાણીતા તબલાવાદક નંદન મહેતાનાં તેઓ પત્ની છે તથા ઊગતાં સિતારવાદક પૂર્વી મહેતા અને તબલાવાદક હેતલ મહેતા તેમની પુત્રીઓ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે