મહેતા, માનશંકર પીતાંબરદાસ

January, 2002

મહેતા, માનશંકર પીતાંબરદાસ (જ. 21 માર્ચ 1863, સાવરકુંડલા, જિ. ભાવનગર; અ. 16 ઑગસ્ટ 1937, ભાવનગર) : ગુજરાતી સાહિત્યકાર. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં પીતાંબરદાસ બાપુભાઈ મહેતાને ત્યાં થયો. માતાનું નામ ઉમેદકુંવર. નવ વર્ષની વયે, 1872માં ઇચ્છાલક્ષ્મી સાથે ભાવનગરમાં જ લગ્ન થયું. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પતાવી 1884માં મૅટ્રિક થયા. પ્રારંભે તે તેજસ્વી વિદ્યાર્થી રહ્યા. 1885ના જાન્યુઆરીમાં ભાવનગરમાં કૉલેજ સ્થપાતાં તે પ્રથમ વર્ષમાં દાખલ થયા. તે વખતે પ્રો. બલવંતરાય ઠાકોર અને ગાંધીજી તેમના સહાધ્યાયી હતા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી સંસ્કૃતના પ્રોફેસર હતા. માનશંકર તેમના પ્રિય વિદ્યાર્થી હતા. તેમને કાલિદાસ વિશે સંસ્કૃતમાં નિબંધ લખવાની સ્પર્ધામાં ઇનામ મળેલું. કુટુંબના સંજોગોને કારણે તેઓ આગળ અભ્યાસ કરી શકેલા નહિ; પરંતુ સંસ્કૃતના વિદ્વાન તરીકે તેમની ગણના થતી. 1886માં ભાવનગર રાજ્યની સેવામાં જોડાયા. તે કામ નિષ્ઠા અને દક્ષતાથી સંભાળ્યું. 1918માં નિવૃત્ત થયા.

અભ્યાસકાળમાં જ તેમણે લેખનકાર્ય આરંભ્યું. વિશાળ વાચનથી તેમણે પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય આદિ વિષયોનું ઊંડું જ્ઞાન મેળવ્યું. લેખનકાર્યમાં તે ઉપયોગી નીવડ્યું. તેમનાં લખાણોમાં વિદ્વત્તાનો અંશ જોવા મળ્યો. શિક્ષણથી તે જે ના પામી શક્યા તે જ્ઞાન તેમણે વ્યવસાયમાંથી મળતા સમયનો સદુપયોગ કરીને મેળવ્યું. તેમણે સામયિકોમાં લેખો લખ્યા. મણિલાલ દ્વિવેદીના ‘સુદર્શન’ માસિકમાં માનશંકરે કરેલ ‘વેદાન્તસાર’નો જે અનુવાદ હપ્તાવાર પ્રગટ થયેલ તેને 1890માં શ્રેષ્ઠ લેખ તરીકે ‘સુદર્શન’ તરફથી ચંદ્રક મળેલો. સાહિત્ય પરિષદો જેવા સમારંભોમાં તેઓ નિબંધો વાંચતા. તેમણે પોતાની નાગર જ્ઞાતિની સેવા પણ કરી. નાગરોની ઉત્પત્તિ વિશે કષ્ટપૂર્વક ઝીણી ઝીણી માહિતી એકત્ર કરીને પુસ્તકમાં મૂકેલી. દસ વર્ષ સુધી ‘નાગર ત્રિમાસિક’ સામયિકનું સંપાદન કર્યું. તેમાં જ્ઞાતિના વિષયો ઉપરાંત સર્વોપયોગી લેખો પણ આપતા.

નિવૃત્તિ પછી તેમણે સાર્વજનિક પ્રવૃત્તિ વિસ્તારી. સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદની સફળતા માટે તેમણે ભારે પરિશ્રમ લીધો હતો.

પાછલાં વર્ષોમાં ધર્મમાં અનુરાગી થયા. વેદાદિ ધર્મગ્રંથોનો પાઠ કેવળ ધાર્મિક ર્દષ્ટિથી નહિ, પણ અભ્યાસની ર્દષ્ટિથી કરીને ઉપયોગી વિગતો તારવી.

તેમનું પ્રથમ પુસ્તક ‘નીતિવિચાર’ 1880માં પ્રગટ થયું. તે જ વર્ષે ‘સત્ય’ અને ‘જનસ્વભાવ’ પુસ્તકો પ્રગટ થયાં. 1890થી 1908 સુધીમાં આધ્યાત્મિક વિષયોનાં ‘વાક્યસુધા’ (1890) અને ‘વેદાન્તસાર’ 1890) જેવાં ચાર પુસ્તકો આપ્યાં. 1912માં ‘નાગરી લિપિ અને નાગરો’ (1912) નામે વિશિષ્ટ પુસ્તક લખ્યું. ‘વિવાહસંસ્કાર’ (1917), ‘વૈદિક ભારતનું યુદ્ધ’ (1920), ‘નાગરોત્પત્તિ’ (1923), ‘આહ્નિક મીમાંસા’ (1927), ‘મેવાડના ગુહિલો’ (1928), ‘સહુનવર’ નામનો મંત્ર અને ‘રાજા છબીલારામ બહાદુર અથવા નાગરવીર સપ્તક’ તેમના બીજા ગ્રંથો છે.

બંસીધર શુક્લ