મહેતા, દામિની (જ. 6 ઑક્ટોબર 1933, અમદાવાદ) : ગુજરાતી ચલચિત્રો, આકાશવાણી તથા દૂરદર્શનનાં જાણીતાં કલાકાર અને દિગ્દર્શક. પિતા જીવણલાલ શરાફી પેઢી ચલાવતા હતા. તેમનાં માતાનું નામ સરસ્વતી. અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ. ઔપચારિક ભણતર કરતાં રંગભૂમિમાં વધુ રસ. માત્ર બાર વર્ષની ઉંમરે 1945માં ગુજરાતી રંગભૂમિ પર પદાર્પણ. ગુજરાતની પરંપરાગત લોકકલા ભવાઈનાં તેઓ સર્વપ્રથમ સ્ત્રીકલાકાર છે. ભવાઈનાં કલાકાર બનવા માટે તેમને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો; કારણ કે પરંપરાગત રીતે તેનાં બધાં જ પાત્રો-સ્ત્રીપાત્રો પણ – પુરુષ કલાકારો દ્વારા જ રજૂ કરવામાં આવતાં હતાં. 1945–54 દરમિયાન ‘રંગમંડળ’ સંસ્થાનાં નાટકોમાં અભિનય કર્યો અને ત્યારબાદ 1954માં ‘જવનિકા’ સંસ્થામાં જોડાયાં (1954–56). એ પછી 1985માં ‘નટરંગ’ નામથી પોતાની નાટ્યસંસ્થા ઊભી કરી અને તેમાં અભિનય ઉપરાંત નાટ્યદિગ્દર્શનની જવાબદારી પણ અદા કરી.

દામિની મહેતા

તેમણે અમદાવાદની જાણીતી કલાસંસ્થા ‘દર્પણ’ દ્વારા પ્રસ્તુત પ્રશિષ્ટ (classical) નાટ્યકૃતિઓમાં અભિનય ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું અને એ રીતે તેની નાટ્યપ્રવૃત્તિના કેંદ્રમાં રહ્યાં. આ જ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવેલ લોકનાટ્યકૃતિઓ તથા પ્રયોગલક્ષી નાટ્યકૃતિઓના નિર્માણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.  અનેક નાટકોમાં તેમણે મુખ્ય ભૂમિકાઓ સુંદર રીતે ભજવી છે. એમની અભિનયશક્તિનું ફલક વિવિધ પ્રકારનાં પાત્રોને આવરી લે છે. પારંપરિક ભવાઈ-નાટ્યથી માંડી આધુનિક પ્રયોગાત્મક નાટકોનાં પાત્રો સુધી તે વિસ્તરે છે. તેમણે ભજવેલાં નાટકોમાં મૌલિક ગુજરાતી તથા ગુજરાતીમાં રૂપાંતરિત મરાઠી, હિંદી, બંગાળી, અંગ્રેજી તથા સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. બ્રેખ્તના નાટક ‘ગુડ વુમન ઑવ્ સેત્ઝુઆન’ના ગુજરાતી રૂપાંતર ‘કાનન’માંની નાયિકાની અને મધુ રાયનું ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો’માંની કામિનીની ભૂમિકામાં એમની અભિનયકલાની પરાકાષ્ઠા જેવા મળેલી. ‘ભગવદજ્જુકીયમ્’માં ગણિકાની ભૂમિકામાં, લાભશંકર ઠાકરના ‘પીળું ગુલાબ’માં સંધ્યાની, ‘જશમા ઓડણ’માં જશમાની અને ‘ઝંડા-ઝૂલણ’માં ઝૂલણની ભૂમિકામાં તેમણે સૂક્ષ્મ અભિનય કર્યો છે. અન્ય નાટકોમાં પણ તેમની એવી શક્તિ પ્રગટ થઈ છે.

એમણે નાટકોના દિગ્દર્શન-ક્ષેત્રે પણ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એમનાં દિગ્દર્શિત નાટકોમાં ‘સરાઈ કી બહાર’ (હિંદીમાં કિશનચંદ લિખિત), ‘પ્રેમા તુઝા રંગ કસા’ (વસંત કાનેટકર લિખિત), ‘સૌભાગ્યકાંક્ષી’ કેસરબાઈ’ (વસંત બનીસ લિખિત) ‘નવલશા હીરજી’ (ચિનુ મોદી લિખિત) અને ‘પોસ્ટર’ (હિન્દીમાં – ડૉ. શંકર શેષ લિખિત) વગેરે ઉલ્લેખનીય છે. જોકે આ ઉપરાંત પણ બીજાં ઘણાં નાટકોનું કૈલાસ પંડ્યા સાથે તેમણે દિગ્દર્શન કર્યું છે.

તેમણે અત્યારસુધી નાટકને લગતી ઘણી કાર્યશાળાઓનું સંચાલન કર્યું છે; ઘણી સંસ્થાઓમાં વ્યાખ્યાનસહ નિદર્શન (fecture-cum-demonstration)ના પ્રશિક્ષણવર્ગોનું સંચાલન પણ કર્યું છે. 1987માં ઉદયપુર ખાતે આયોજિત અખિલ ભારતીય ‘બાલોત્સવ’ના પશ્ચિમ વિભાગના સમારોહનું પણ તેમણે સંચાલન કર્યું હતું.

તેમણે ડેન્માર્કનાં પાટનગર કોપનહેગનમાં ત્રણ અઠવાડિયાં માટે ત્યાંની સરકારના આમંત્રણથી ભવાઈની કાર્યશાળાનું સંચાલન કર્યું હતું. સોવિયત સંઘ આયોજિત ભારતીય કલા મહોત્સવની સાંસ્કૃતિક સમિતિનાં તેઓ સભ્ય હતાં. વળી ગુજરાત સરકારે શિક્ષણની નવી તરેહના સંદર્ભમાં જે સલાહકાર સમિતિ નીમી તેમાં તેમનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.

આકાશવાણી પર તેમની ઘણી નાટ્યકૃતિઓ (radio plays) રજૂ થઈ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યક્રમોમાં રેડિયો-નાટકોનાં દિગ્દર્શન પણ કર્યાં છે; જેમાં તેમનું ‘પોસ્ટર’ નાટક નોંધપાત્ર રહ્યું છે.

તેમને અત્યાર સુધીમાં ઘણા પુરસ્કારો તથા ઍવૉર્ડો મળ્યા છે. તેમાં આનંદ બઝાર પત્રિકા ક્રિટિક્સ ઍવૉર્ડ ‘અપ્સરા’, ગુજરાત રાજ્ય નાટ્યસ્પર્ધાઓમાં સતત ત્રણ વર્ષ ઉત્કૃષ્ટ અભિનેત્રીના ઍવૉર્ડ, મુંબઈ રાજ્યની નાટ્યસ્પર્ધામાં ઉત્કૃષ્ટ અભિનય માટેનો ઍવૉર્ડ, દિલ્હી ખાતે આયોજિત અખિલ ભારતીય નાટ્યસ્પર્ધામાં ઉત્કૃષ્ટ દિગ્દર્શકનો ઍવૉર્ડ, નાટ્યક્ષેત્રે તેમણે કરેલ આજીવન કલાકાર તરીકેના પ્રદાન માટે ઓંકારનાથ ઠાકુર ઍવૉર્ડ તથા ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારનો સમાવેશ થાય છે.

ગોવર્ધન પંચાલ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે