મહેતા, તૈયબ (જ. 1925, કપડવંજ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1947થી ’52 સુધી પેન્ટિંગનો અભ્યાસ કરીને 1959માં તે યુરોપ પહોંચ્યા. યુરોપયાત્રા પછી લંડન સ્થિર થઈ 5 વરસ સતત ચિત્રકામ કર્યું અને તે દરમિયાન તેમણે લંડન અને ઑક્સફર્ડમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1965માં તે ભારત પાછા ફર્યા. 1968માં ભારતમાં યોજાયેલા પ્રથમ ત્રિવાર્ષિક (first trienniale) પ્રદર્શનમાં તૈયબને ઍવૉર્ડ મળ્યો. આ જ વર્ષે રૉકફેલર ફેલોશિપ મળતાં તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. આ પછી અમેરિકા, યુરોપ અને ભારતમાં તેમનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. આ ઉપરાંત મહત્વનાં આંતરરાષ્ટ્રીય સમૂહ-પ્રદર્શનોમાં પણ તેમનાં ચિત્રો પ્રદર્શિત થયાં છે; તેમાં મુખ્ય છે – ‘આર્ટ નાઉ’, ‘ધી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑવ્ આર્ટ્સ ઍટ કૅન્સ’ (ફ્રાંસ), ભારતનાં ત્રિવાર્ષિક પ્રદર્શનો, મૅન્ટન ખાતેનું દ્વિવાર્ષિક પ્રદર્શન, ન્યૂયૉર્કનું ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’, ઑક્સફર્ડ ખાતે યોજાયેલ ‘ઇન્ડિયા : મિથ ઍન્ડ રિયાલિટી’.

તૈયબ ઉઠાવદાર પણ સપાટ રંગો વડે અર્ધમૂર્ત માનવ-આકૃતિઓનું આલેખન કરે છે. ચિત્રોમાં સ્પષ્ટ આકારો એક સપાટ રંગથી ભરેલા હોય છે અને તેમની શૈલીમાં રંગોની મિલાવટ હોતી નથી. ઘણી વાર તે ચિત્રોમાં ત્રાંસો પટ્ટો સામસામા ખૂણે દોરીને ચિત્રિત આકૃતિઓને અને સમગ્ર કૅન્વાસને બે ભાગમાં વહેંચી દેતા હોય છે. તેમની માનવ આકૃતિઓ બહુધા નગ્ન, ભારેખમ, અદોદળી હોય છે. તેમને 1965માં લલિત કલા અકાદમીનો ‘નૅશનલ ઍવૉર્ડ’ મળેલો છે.

તૈયબે ‘કુડાલ’ નામની લઘુફિલ્મ પણ દિગ્દર્શિત કરી છે. આ લઘુફિલ્મને ‘ફિલ્મફેર ક્રિટિક્સ ઍવૉર્ડ’ મળેલ છે. એક બંગાળી નવલકથા પરથી સળંગ ફીચરફિલ્મ માટે સ્ક્રિપ્ટ પણ લખી છે.

અમિતાભ મડિયા