મસીહ : ઈશ્વરનો મોકલેલ પુરુષ ભવિષ્યમાં પયગંબર તરીકે આવશે અને બધાંનો ઉદ્ધાર કરી ઈશ્વરનું રાજ્ય સ્થાપશે એવી યહૂદી પ્રજાની વિશિષ્ટ ભાવના. હિબ્રૂ ભાષાના આ શબ્દનો મૂળ અર્થ છે અભિષિક્ત. ઇઝરાયલમાં રાજાની જગ્યાએ ગાદીએ બેસનાર રાજકુંવરનો રાજ્યાભિષેક તેલ ચોળીને કરવામાં આવતો. તેથી પ્રત્યેક રાજા અભિષિક્ત ગણાતો. ઈ. પૂ. આઠમી સદીમાં ઇઝરાયલ ઉત્તર અને દક્ષિણ – એમ બે ભાગમાં વિભાજિત થતાં દક્ષિણના રાજાએ સ્વાર્થી વિદેશનીતિ અપનાવવાને કારણે પોતાના ગાદીવારસનો છેદ ઉડાડી દીધો. એ રાજાના અવસાનથી રાજ્ય નધણિયાતું બન્યું ત્યારે એક પયગંબરે આગાહી કરી કે એક વારસ જન્મશે. ત્યારથી દક્ષિણના રાજ્યની પ્રજાને પોતાના આદર્શ રાજવી મળશે એવી આશા બંધાઈ અને તેની ઉત્કંઠાપૂર્વક પ્રતીક્ષા થવા લાગી. એક ગાદીવારસ જન્મ્યો અને સમય પાકતાં તે અભિષિક્ત થઈ ગાદીએ બેઠો. તેણે શરૂઆતમાં સારું શાસન પણ કર્યું, પણ જીવનનાં છેલ્લાં વર્ષોમાં તે પ્રભુને માથે રાખવાનું ચૂકી જઈ મનસ્વીપણે વર્તતાં પ્રજાની આદર્શ રાજવીની આશા પર પાણી ફરી વળ્યું. નિરાશ થવાને બદલે પ્રજાએ પુન: એ રાજાના પુત્રમાં આદર્શ રાજવી જોવાની ઝંખના સેવવા માંડી. આમ અનેક પેઢીઓ પસાર થઈ. દરમિયાનમાં દક્ષિણના એ રાજ્યને પડોશી દેશોએ પરાજિત કરી તેના પર પોતાની હકૂમત જમાવી. આથી પરાધીન બનેલી પ્રજામાં મસીહની ઝંખના વધુ પ્રબળ બની. ત્યાર સુધી મસીહ અંગે રાજકીય ખ્યાલ પ્રવર્તતો હતો. હવે તેમાં ધાર્મિક ર્દષ્ટિ ભળી. પરિણામે ભૌતિક રાજ્યની પુન:સ્થાપનાને સ્થાને ઈશ્વરનું રાજ્ય સ્થપાશે એવી ભાવના પ્રવર્તી.

રોમન સામ્રાજ્યની હકૂમત ઇઝરાયલ પર પ્રવર્તતી હતી તે સમયે ઈસુનો જન્મ થયો. ઈસુએ ત્રીસ વર્ષની ઉંમરે અંગત જીવનને તિલાંજલિ આપી જાહેર જીવન શરૂ કર્યું. એમનાં જીવન, કથન અને કવનમાં પેલી અભિષિક્ત વિશેની અપેક્ષાઓ મૂર્તિમંત થઈ. એમના મૃત્યુ પછી તેઓ ફરીથી સજીવન થતાં એમનાં કથન અને કવનને બહાલી મળી. વસ્તુત: ઈસુએ ઈશ્વરના રાજ્યની સ્થાપના કરી દીધી છે, પણ તે હજી પૂર્ણપણે પાંગર્યું નથી. ‘મસીહ’ શબ્દનો ગ્રીક સમાનાર્થી શબ્દ છે ‘ખ્રિસ્તોસ’. એટલે જ ઈસુને ખ્રિસ્ત કહેવામાં આવે છે.

જેમ્સ ડાભી