મસિયેં, ઑલિવિયે

January, 2002

મસિયેં, ઑલિવિયે (Messiaen Olivier) (જ. 1908, ફ્રાન્સ; અ. 1992) : વિશ્વવિખ્યાત આધુનિક ફ્રેન્ચ સંગીતનિયોજક. ઝાં ગૅલોં (Jean Gallon), નોઅલ ગૅલોં (Noel Gallon), માર્સેલ દુપ્રે (Marcel Dupre) અને મૉરિસ ઇમાન્યુઅલના તેઓ શિષ્ય હતા.

ઑલિવિયે મસિયેં

1931માં પૅરિસના લ ત્રિનિતે ચર્ચના ઑર્ગનવાદક તરીકે તેમની નિમણૂક થઈ. એ જ વર્ષે તેમની મુખ્ય કૃતિ (Magnum opus) ‘લ ઓફ્રાન્દે ઓબ્લી’ (Les Offrande Oubliees) પ્રકાશિત થઈ અને ખ્યાતિ પામી. એ જ વર્ષે પૅરિસ કૉન્ઝર્વેટરી ખાતે મસિયેં માટે ખાસ ‘ચૅર ઑવ્ મ્યુઝિકલ ઍનાલિસિસ’ ઊભી કરવામાં આવી.

કારકિર્દીના પ્રારંભથી જ મસિયેંને પ્રશિષ્ટ સરગમ (classical tonality) ઉવેખીને નવીન સાંગીતિક ભાષા ઉપજાવવાની જરૂર જણાઈ હતી. આ માટે મેલડી (melody) અને લય (rhythm) – એ બંને અંગે તેમણે વિચાર્યું. આ માટે કુદરતનો અભ્યાસ કરી તેમણે નવી પદ્ધતિ શોધી. પંખીઓના ગાનનો ઊંડો અભ્યાસ કરી નવી સરગમ સર્જી. ભારતીય સંગીતનો તલસ્પર્શી અભ્યાસ કરી ભારતીય તાલપદ્ધતિની અસર હેઠળ કેટલાક નવા લય સર્જ્યા. આમ યુરોપની પ્રશિષ્ટ પ્રણાલીથી જુદી પડતી કલાપદ્ધતિ અપનાવી. આમ છતાં, મસિયેંનું મોટાભાગનું સંગીત ખ્રિસ્તી – ધાર્મિક છે : ‘‘લ’ અપારિશન દ લ’ એગ્લિસ એતર્નેલે’’ (L’ Apparition de l’ Eglise eternelle), ‘‘લ’ એસેન્શન લ કૉર ગ્લૉરિયુ’’ (L’ Ascension le Corps Glorieux), ‘‘મેસે દ લા પેન્તેકોત’’ (Messe de la Pentecote) અને ‘‘લિવ્ર દ’ ઑર્ગ્યુ’’ (Livre d’ Orgue) – 1932થી 1951 દરમિયાન સર્જાયેલી આ કૃતિઓમાં ઑર્ગનનો પ્રશિષ્ટ પ્રણાલીથી અલગ રીતિનો વિશિષ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે.

મસિયેંની પિયાનો-રચનાઓ પણ વિશિષ્ટ પ્રકારની છે અને તેનું વાદન વાદક પાસેથી અતિ ઉચ્ચ પ્રકારની કાબેલિયત માંગી લે છે. આ રચનાઓ સૌપ્રથમ મસિયેંના શિષ્ય ઇવૉન લૉરિયો(Yvonne Lorioo)એ વગાડી હતી.

વિશાળ કદના વાદ્યવૃંદ માટે પણ મસિયેંએ રચનાઓ કરી છે; જેમ કે, ‘‘ત્રૉય પિતાઇત લિતર્જી દ લા પ્રેઝન્સ દિવાઇન’’ (Troi Petites Liturgies de la Presence Divine) (1944) તથા ‘તુરંગલીલા – સિમ્ફની’ (1948).

1944માં પ્રકાશિત થયેલ મસિયેંનો ગ્રંથ ‘‘તકનીક દ મોં લૅન્ગેજ મ્યુઝિકલ’’ (Technique de mon Langage musical) ત્યાર સુધી(1944)ના સાંગીતિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. 1956 પછી લય વિશે પણ એક ભાષ્ય (treatise) મસિયેંએ રચ્યું હતું.

મસિયેંનો 1940 પછી પ્રસિદ્ધિ પામેલા અનેક યુરોપિયન અને અમેરિકન સંગીતકારો પર ગાઢ પ્રભાવ પડ્યો છે.

અમિતાભ મડિયા