મશરીકી, ઇનાયતુલ્લાખાન

January, 2002

મશરીકી, ઇનાયતુલ્લાખાન (જ. 25 ઑગસ્ટ 1888, અમૃતસર; અ. 25 ઑગસ્ટ 1963, પાકિસ્તાન) : ખાકસાર નેતા, હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક, કેળવણીકાર. મશરીકીનો જન્મ અરજીઓ લખવાનો વ્યવસાય કરનાર અતા મુહમ્મદના પરિવારમાં થયો હતો. તેમને અલ્લામા મશરીકી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસલમાનોમાં ધાર્મિક અને સામાજિક સુધારણાક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જનાબ મશરીકી પઠાણ જાતિના હતા. તેમનાં પહેલાં પત્ની વિલાયત બેગમ હતાં. ત્યારબાદ ડૉ. એન. એમ. અલવીનાં દીકરી ઝૈદાબેગમ સાથે તેમની શાદી થયેલી.

વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી હતી. 19 વર્ષની વયે પંજાબ યુનિવર્સિટીની ગણિત વિષયમાં અનુસ્નાતક ઉપાધિ મેળવીને તેમણે યુનિવર્સિટીમાં ગુણવત્તાનો નવો વિક્રમ સ્થાપ્યો હતો. ત્યારબાદ વિશેષ અભ્યાસ કરવા તેઓ ઇંગ્લૅન્ડ ગયા, જ્યાં તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવી. ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1911માં ભારતીય ભાષાઓમાં તેમણે ટ્રિપોસ – TRIPOS – કૅમ્બ્રિજ યુનિવર્સિટીની માન સાથેની ઉપાધિ સાથે પ્રથમ વર્ગ મેળવ્યો અને 1912માં યાંત્રિક (મિકૅનિકલ) વિષયો રાખીને ટ્રિપોસ સાથે ઉત્તીર્ણ થયા.

પેશાવરની ઇસ્લામી કૉલેજના અરબી ભાષાના પ્રાધ્યાપક મૌલવી મુહમ્મદની તેમના પર અસર હતી. તેઓ પરાક્રમી અને શિસ્તબદ્ધ જીવન જીવવામાં માનતા હતા. તેઓ રૂઢિચુસ્ત મુસ્લિમ હતા; તેથી એવું માનતા હતા કે ઇસ્લામી જીવન જીવવાની પદ્ધતિ અપનાવવાથી આ દુનિયાનાં દુ:ખો તથા સંતાપને દૂર કરી શકાશે. પવિત્ર કુરાન બાબત તેઓ કહેતા કે ‘તે પવિત્ર ઈશ્વરની પૂર્ણ અને શ્રેષ્ઠ વાણી છે.’ તેમના મત પ્રમાણે વિશ્વમાં રાષ્ટ્રીય ઘડતર તેમજ સમાજની નૈતિક તાકાત માટે ઇસ્લામ એકમાત્ર યોગ્ય ધર્મસિદ્ધાંત છે.

મશરીકી ઇનાયતુલ્લાખાનનાં પસંદગીનાં ક્ષેત્ર તો શિક્ષણ અને રાજકારણ હતાં. તેમણે પોતાનું કાર્યક્ષેત્ર એ સમયના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતો પંજાબ, સિંધ અને સરહદપ્રાંતને બનાવ્યું. 1913માં ઇંગ્લૅન્ડથી પરત આવીને પેશાવરની ઇસ્લામી કૉલેજના ઉપાચાર્યનો કાર્યભાર તેમણે સંભાળી લીધો. ત્યારબાદ તેઓ ઑક્ટોબર 1919માં અખિલ ભારતીય શિક્ષણ સેવામાં જોડાયા. 1922માં તેમની નિમણૂક સરહદ પ્રાંતની સરકારી પ્રશિક્ષણ કૉલેજના આચાર્ય તરીકે કરવામાં આવી. 1931 સુધી તેમણે બ્રિટિશ ભારતના શિક્ષણવિભાગમાં અનેક જવાબદારીભર્યાં સ્થાનો સંભાળી નોંધપાત્ર કામગીરી કરી. તેમાં રાજ્યપરીક્ષા પરિષદના મહામાત્ર, શાળાઓના નિરીક્ષક અને પેશાવર હાઈસ્કૂલના આચાર્યની જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. 1931માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

જનાબ ઇનાયતુલ્લાખાન અખિલ ઇસ્લામવાદના ચુસ્ત પુરસ્કર્તા હતા. તેથી તેમણે 1926માં કેરોમાં ભરાયેલી ઇસ્લામી પરિષદમાં હાજરી આપી. આ પરિષદમાં તેમણે ઇજિપ્તના સુલતાનને ‘ખલિફુ-તુલ-મુસલમાન’ અર્થાત્ સમગ્ર ‘મુસ્લિમ જગતના ખલીફા’ તરીકે ચૂંટવાની દરખાસ્તનો વિરોધ કર્યો; કારણ કે તેમનો ર્દઢાગ્રહ હતો કે ગુલામ શાસક વિશ્વભરના મુસલમાનોનો આધ્યાત્મિક વડો થઈ શકે નહિ. આ પરિષદમાં તેમણે 20,000 પાઉન્ડની મૂડી સાથેનો ‘બૈત-ઉલ-મલ’ અર્થાત્ ‘મુસલમાનોના કલ્યાણ માટેનો નિધિ’ શરૂ કર્યો.

1931માં તેમણે પોતાનો રાજકીય પક્ષ ‘ખાકસાર’ (અર્થાત્ ખુદાના બંદા) સ્થાપ્યો. ભારતીય રાષ્ટ્રીય મહાસભાના તેઓ વિરોધી હતા; કારણ કે તેમના મતે કૉંગ્રેસનાં મૂળ હિન્દુ પ્રણાલિકાઓમાં હતાં. આ ઉપરાંત તેઓ ગાંધીજીની અહિંસક ચળવળની સફળતા માટે પણ શંકાશીલ હતા. આવી વિચારસરણીને કારણે તેમનો મેળ મુસ્લિમ લીગ સાથે પણ જામતો નહોતો. પરિણામે તેમણે ખાકસાર ચળવળ શરૂ કરી. આ ચળવળનો ઉદ્દેશ મુસલમાનોની વિશ્વવિજયની પ્રણાલિકાને પુનર્જીવિત કરવાનો હતો. તેઓ કહેતા કે ‘આપણો ઉદ્દેશ ફરી એક વાર આ પૃથ્વીના રાજાઓ, શાસકો, વિશ્વવિજેતાઓ અને સર્વોચ્ચ માલિક બનવાનો છે. આ જ આપણો ધર્મ, આપણો ઇસ્લામ, આપણો પંથ અને આપણો વિશ્વાસ છે.’

આ રીતે તેમણે ભારતીય રાજકારણમાં મુસ્લિમ રાષ્ટ્રવાદી અભિગમનાં મંગળાચરણ કર્યાં; આમ છતાં પોતાના પક્ષનો ઉદ્દેશ  સમાનતા અને સ્નેહ હોવાનું તેઓ દર્શાવતા હતા. સમાનતા જળવાઈ રહે તે માટે તેઓ પોતાના અનુયાયીઓેને એક જ રંગનો – પ્રકારનો ગણવેશ પહેરવાનું આવશ્યક ગણતા હતા. તેઓ ગરીબો અને મજૂરોના પ્રવક્તા હતા અને કોઈ પણ પ્રકારના મૂડીવાદના વિરોધી હતા. તેમની ર્દષ્ટિએ લોકશાહીનો અર્થ ઇસ્લામી સમાજવાદ થતો હતો. આને કારણે તેમણે પોતાના પક્ષના ઓળખચિહ્ન તરીકે કોદાળીને પસંદ કરી હતી.

પોતાના વિચારોનો પ્રચાર કરવા માટે તેઓ વર્તમાનપત્રો અને જાહેર મંચનો ઉપયોગ કરતા હતા. લાહોરથી દર અઠવાડિયે પ્રકટ થતા પક્ષના મુખપત્ર ‘અલ-ઇસ્લામ’માં પોતાના વિચારોને તેઓ અક્ષરદેહ આપતા હતા. તેમણે મોટી સંખ્યામાં લેખો પ્રસિદ્ધ કર્યા. વળી તેમણે અનેક ગ્રંથો પણ લખ્યા છે; જેમાં ‘તઝકારા’ (ઉર્દૂ અને ફારસીમાં, 1924) ‘ઇશરત’ (1931), ‘ખરિતા’ અને ‘કવાલ-ઇ-ફૈઝલ’નો સમાવેશ થાય છે.

1939માં બે વખત તેમજ 1940–’43 દરમિયાન પણ બે વખત – એ રીતે કુલ ચાર વખત તેમને કેદમાં મોકલવામાં આવ્યા હતા. આ જેલવાસમાંનું એક વર્ષ તેમણે ચેન્નઈ(મદ્રાસ)માં પસાર કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ કોમવાદી તરીકે કર્યો, પરંતુ 1940માં હિન્દુ-મુસ્લિમ એકતાના તેઓ સમર્થક પણ બની ગયા; તેથી તેમણે ઝીણાને કૉંગ્રેસ સાથે માનભેર સમાધાન કરી લેવા સલાહ આપેલી.

તેઓ ભારતના મુસ્લિમ રાજકારણના પ્રબળ આધારસ્તંભ હતા; જ્યારે બિન-મુસ્લિમોની ર્દષ્ટિમાં તેઓ કોમવાદ અને ધિક્કારના પ્રતીક બન્યા હતા. પોતાના જીવનનાં પાછળનાં વર્ષોમાં તેમણે આ બાબતને ગંભીર ગણી નહોતી.

ઈશ્વરલાલ ઓઝા