મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ

January, 2002

મશરૂવાળા, કિશોરલાલ ઘનશ્યામલાલ (જ. 5 ઑક્ટોબર 1890, મુંબઈ; અ. 9 સપ્ટેમ્બર 1952) : જીવન અને કેળવણીના સમર્થ ચિંતક, ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. મૂળ વતન સૂરત. પિતાનું નામ ઇચ્છારામ. નાનપણમાં આકસ્મિક રીતે કિશોરલાલ મરતાં મરતાં બચી ગયેલા. એ બાબતને ઠાકોરજીની કૃપા માનીને સ્વામિનારાયણી પિતાએ પોતાની જગાએ પિતા તરીકે સહજાનંદનું ‘ઘનશ્યામ’ નામ લખવાનું નક્કી કર્યું. એમનો મશરૂનો વ્યવસાય હોવાથી મશરૂવાળા અટક હતી.

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

કિશોરલાલ વિદ્યાર્થી તરીકે તેજસ્વી. પ્રાથમિક શિક્ષણ મુંબઈ અને આકોલામાં. તેથી ગુજરાતીની સાથે મરાઠી ભાષા પણ શીખી લીધી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી ઐચ્છિક વિષયો પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર સાથે 1909માં બી.એ., 1913માં એલએલ.બી. આકોલામાં વકીલાતનો પ્રારંભ. તે વ્યવસાયમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી. વેપાર પણ અજમાવી જોયો, પણ તેમાં ફાવ્યું નહિ. રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈ ગાંધીજીનાં પ્રેરણા અને આગ્રહથી 1917થી 1919 સુધી આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક. ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર. ગાંધીજીના કહેવાથી દેશવ્યાપી સંસ્થા ગાંધી સેવા સંઘના પ્રમુખ (1934થી 1938). 1930, 1932 અને 1942માં સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લેવા બદલ ઓછાવત્તા પ્રમાણમાં કારાવાસ. 1942 અને 1946માં અને ગાંધીજીના અવસાન બાદ સાડાત્રણ વર્ષ લગી ‘હરિજન’ પત્રનું સંચાલન.

ગ્રંથપ્રામાણ્ય તેમજ મહાપુરુષોનાં પરસ્પરવિરોધી વચનો પરની શ્રદ્ધાને લીધે અનેકાનેક પ્રશ્નો જાગવાને કારણે કિશોરલાલમાં આવેલી વ્યાકુળતાને, તેમના પ્રશ્નોનું સમાધાન કરી, આધ્યાત્મિક ગુરુ કેદારનાથજીએ શમાવી. શ્રેયાર્થી સાધક અને જીવનચિંતક તરીકે તેમનો નવો જન્મ થયો. તે પછી તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ (1922) થયો.

કિશોરલાલના ઘડતરમાં મુખ્ય પ્રભાવ સહજાનંદ સ્વામી, ગાંધીજી અને કેદારનાથજીનો. ચારિત્ર્યને અનુલક્ષીને કરેલા મૂલ્યબોધ પાછળ સત્સંગના સંસ્કાર દેખાય છે. ગાંધીજીના આદર્શો અને વિચારોનું કરેલું વર્ણન એટલું અધિકૃત કે ગાંધીજીએ પણ તે સ્વીકારેલું. ‘ગાંધીવિચારદોહન’ તથા ‘ગાંધીજી અને સામ્યવાદ’માં ગાંધીજીના વિચારોનો અર્ક રજૂ થયો છે. કેદારનાથજીના આધ્યાત્મિક માર્ગદર્શન છતાં શ્રેયાર્થી સાધક અને સત્યશોધક લેખે તેમણે આદરેલી પ્રવૃત્તિ અને પદ્ધતિ મૌલિક છે. કિશોરલાલે વિવેકબુદ્ધિને ઇષ્ટદેવતા સમી પૂજ્ય ગણી છે. તેઓ તત્વદર્શી સ્વતંત્ર વિચારક અને લોકહિતકારી સુધારક લેખે સફળ થયા છે.

‘રામ અને કૃષ્ણ’ (1923), ‘ઈશુ ખ્રિસ્ત’ (1925), ‘બુદ્ધ અને મહાવીર’ (1926) અને ‘સહજાનંદ સ્વામી’ (1926) ચરિત્રગ્રંથોમાં એ અવતારી મનાતા મહાપુરુષોના જીવનમાંથી ચમત્કારનું તત્વ બાદ કરીને તેમનામાં રહેલ માનવીય ગુણ અને દોષ બંને બતાવ્યા છે. વળી તે મહાપુરુષો કેવા જગહિતકારી ને તેથી પૂજનીય છે તે વાત તેમના ચરિત્રગુણો દ્વારા ઉપસાવી આપી છે.

‘કેળવણીના પાયા’ (1925), ‘કેળવણીવિવેક’ (1949) અને ‘કેળવણીવિકાસ’ (1950) – એ ત્રણ પુસ્તકોમાં તેમનું કેળવણી વિશેનું સ્વતંત્ર ચિંતન વ્યક્ત થયું છે. ‘કાન્ત’ના ‘શિક્ષણનો ઇતિહાસ’ ગ્રંથ પછી કેળવણી વિષયમાં આમૂલ સ્વતંત્ર વિચાર રજૂ કરતો આ બીજો મહત્વનો પુરુષાર્થ છે.

‘જીવનશોધન’ (1929), ‘સ્ત્રીપુરુષમર્યાદા’ (1937), ‘અહિંસા-વિવેચન’ (1942), ‘ગીતામંથન’, ‘સત્યમય જીવન યાને સત્યાસત્ય વિચાર’, ‘સમૂળી ક્રાન્તિ’ (1948) તથા ‘સંસાર અને ધર્મ’ (1948)ના બે ભાગમાં કિશોરલાલે જીવનનાં સનાતન મૂલ્યોને અનુલક્ષી મૂલગામી, વિવેકપૂત, સૂક્ષ્મ, વિશદ અને અસંદિગ્ધ તત્વનિરૂપણ કરેલું છે. વક્તવ્યને સ્ફુટ કરવા શાસ્ત્ર અને વિજ્ઞાનમાંથી ર્દષ્ટાંતો અને ઉપમાઓ લઈ કૂટ વિષયને તેઓ આમજન સમજે તેવી શૈલીમાં વિશદ કરી આપે છે. ‘જીવનશોધન’ આપીને તેઓ આપણા ચિંતનસાહિત્યમાં સ્વતંત્ર વિચારક તરીકે પ્રતિષ્ઠિત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એ 4 પુરુષાર્થોની વિવેચના કરીને તેઓ ચોથા પુરુષાર્થ તરીકે મોક્ષને બદલે જ્ઞાન અથવા શોધને સ્થાપે છે.

‘સમૂળી ક્રાન્તિ’માં પરમાત્મા વિશેની કલ્પનાને વિશેષ શુદ્ધ કરીને રજૂ કરી છે.

તેમણે ‘કાગડાની આંખે’(1947)માં ગાંધીવાદીઓ પરના કટાક્ષાત્મક લેખો આપ્યા છે.

‘ગીતાધ્વનિ’ (1923), ‘વિદાય વેળાએ’ (1935) (ખલિલ જિબ્રાનના ‘The Prophet’નો અનુવાદ), ‘તિમિરમાં પ્રભા’ (1936) (ટૉલ્સ્ટૉય કૃત The light shines in Darkness), ‘ઊધઈનું જીવન’ (1940) (The life of the white Ant – લે. મૉરિસ મેટરલિંક), ‘માનવી ખંડિયેરો’ (1946) (અમેરિકન લેખક પેરી બર્જેસની નવલકથા ‘Who Walk Alone’) અને ‘સંત તુકારામની વાણી’ આદિ તેમનું નોંધપાત્ર અનુવાદસાહિત્ય છે.

‘ગીતાધ્વનિ’ સમશ્લોકી અનુવાદ છે. ‘ઊધઈનું જીવન’ તો મૌલિક ગ્રંથ સમું રસિક બન્યું છે. લેખકની શ્રેયાર્થી જીવનર્દષ્ટિ એમાં દેખાય જ છે. ‘વિદાય વેળાએ’માં લેખકે મૂળ ચિંતક-લેખકના જેવી જ રસાળ સૂત્રાત્મક ભાષાનો ઉપયોગ કર્યો છે. ‘હરિજન’ના તંત્રી તરીકે કિશોરલાલે ગાંધીજીની ખોટ ન સાલે તેવા નિર્ભીક અને રાષ્ટ્રહિતચિંતક પત્રકાર તરીકે એક આદર્શ રજૂ કર્યો છે.

સમસ્ત ગુજરાતી સમાજના સાચા શિક્ષક, જીવનોત્કર્ષલક્ષી સ્વતંત્ર વિચારક, જીવનલક્ષી તત્વજ્ઞાની, સફળ અનુવાદક અને નિર્ભીક પત્રકાર લેખે ગુજરાતી સાહિત્યમાં કિશોરલાલ માનભર્યું સ્થાન પામ્યા છે.

પ્રાગજીભાઈ ભાંભી