મરાઠા શાસનતંત્ર : મરાઠા છત્રપતિઓ અને પેશ્વાઓનું વહીવટી તંત્ર. મરાઠી સામ્રાજ્યના સર્જક છત્રપતિ શિવાજી એક મહાન સેનાપતિ અને વિજેતા હોવા ઉપરાંત કુશળ વ્યવસ્થાપક અને વહીવટકર્તા હતા. અનેક યુદ્ધોમાં વિજય મેળવી એમણે સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એ ઉપરાંત સામ્રાજ્યને અનુરૂપ કાર્યક્ષમ શાસનવ્યવસ્થા કરી હતી. એમણે કરેલી શાસનવ્યવસ્થા થોડા ફેરફારો સાથે પેશ્વાઓના સત્તાકાળ દરમિયાન પણ ચાલુ રહી.

છત્રપતિ (રાજા) : વહીવટી તંત્રના માળખાનો વડો છત્રપતિ હતો. અષ્ટપ્રધાનમંડળના સભ્યોએ પણ રાજાની મંજૂરી લઈને કામ કરવાનું હતું. શિવાજીના અનુગામીઓ તેના જેટલા શક્તિશાળી ન હોવાથી, પેશ્વાઓ વધુ સત્તાધીશ બન્યા હતા. છત્રપતિ શાહુએ મુઘલોનું આધિપત્ય ઔપચારિક રીતે સ્વીકાર્યું હતું. તે પેશ્વા, સચિવ, સુમંત, સેનાપતિ વગેરેની નિમણૂક કરતો હતો.

અષ્ટપ્રધાનમંડળ : શિવાજીએ વહીવટ ચલાવવા માટે અષ્ટપ્રધાનમંડળની રચના કરી હતી. એ આઠ પ્રધાનો નીચે પ્રમાણે હતા :

(1) પેશ્વા અથવા પંતપ્રધાન, જે સમગ્ર વહીવટ ઉપર દેખરેખ રાખતો. (2) અમાત્ય અથવા નાણાપ્રધાન, જે આવક-ખર્ચના હિસાબ રાખતો. (3) મંત્રી અથવા વાકિયાનવીસ, જે રાજાના દૈનિક કાર્યક્રમ અને રાજદરબારની કાર્યવહી પર ધ્યાન આપતો. (4) સચિવ, જે રાજ્યના પત્રવ્યવહારનું કાર્ય કરતો. (5) સુમન્ત, જે વિદેશપ્રધાન જેવો હતો અને યુદ્ધ તથા સંધિની બાબતો ઉપર ધ્યાન આપતો. (6) સેનાપતિ અથવા સરનોબત, જે લશ્કરનો ઉપરી હતો અને લશ્કરી બાબતો સંભાળતો. (7) પંડિતરાવ કે દાનાધ્યક્ષ, જે રાજ્ય તરફથી વિદ્વાનોને માન અને દાન આપવાનું કામ કરતો. (8) મુખ્ય ન્યાયાધીશ, જે હિંદુ કાયદા પ્રમાણે ફોજદારી અને દીવાની ગુનાઓમાં ન્યાય આપતો. આ પ્રધાનો માત્ર સલાહકાર હતા અને દરેક બાબતની આખરી સત્તા છત્રપતિ પાસે હતી. શહેરોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા કોટવાલ નામના અધિકારીઓ હતા.

રાજ્યમાં પત્રવ્યવહારનું કામ કાયસ્થો કરતા અને લશ્કરનું હાજરીપત્રક તથા પગારપત્રક સબનીસો રાખતા. પંડિતરાવ અને મુખ્ય ન્યાયાધીશ સિવાયના બધા અધિકારીઓએ જરૂર પડે તો લશ્કરી કામગીરી કરવી પડતી. વહીવટી તંત્રમાં બ્રાહ્મણોનું પ્રમાણ વિશેષ હતું. શિવાજીએ પોતાના રાજ્યને પ્રાંતોમાં અને પ્રાંતોને પરગણા તથા તર્ફમાં વહેંચ્યા હતા. ગ્રામ એ સૌથી નાનો એકમ હતો; જેમાં પાટીલ, કુલકર્ણી, પોતદાર વગેરે હોદ્દાવાળા કર્મચારીઓ રહેતા હતા.

મહેસૂલ, ચોથ, સરદેશમુખી અને મુલકગીરી : શિવાજીએ જાગીરદારોને બદલે રાજ્યના અધિકારીઓ મારફત ખેડૂતો પાસેથી સીધું જમીનમહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. અનાજની ઊપજનો 30 % હિસ્સો રાજ્ય લેતું. જોકે એ પ્રમાણ પછી 40 % કરવામાં આવ્યું હતું. ખેડૂતો અનાજ કે રોકડ રકમમાં મહેસૂલ આપી શકતા. ખેડૂતોને બિયારણ અને ઢોર ખરીદવા કે કૂવા કરાવવા રાજ્ય તરફથી તગાવી આપવામાં આવતી, જે પછીથી હપતે હપતે વસૂલ કરવામાં આવતી. મહારાષ્ટ્રમાં ડુંગરાળ પ્રદેશને કારણે જમીન મહેસૂલ પૂરતા પ્રમાણમાં આવતું નહિ. તેથી મરાઠી લશ્કરો બાજુના પ્રદેશો, મુઘલ પ્રાંતો અને બીજાપુર રાજ્યમાં ચોથ તથા સરદેશમુખી ઉઘરાવતાં. ચોથ એ મહેસૂલનો ચોથો ભાગ હતો, જ્યારે સરદેશમુખી મહેસૂલનો દશમો ભાગ હતો. શિવાજીએ સૂરતને બે વાર લૂંટી અઢળક નાણું મેળવ્યું હતું. પેશ્વાઓના સમયમાં મરાઠી લશ્કરો ગુજરાત તથા કાઠિયાવાડમાં મુલકગીરી કરી જમાબંદી ઉઘરાવતાં હતાં.

લશ્કરી તંત્ર : લશ્કરી તંત્રમાં હયદળ અને પાયદળ એ બે મુખ્ય વિભાગો હતા. હયદળની બે શાખાઓ હતી : બારગીરો અને શિલાહારો. બારગીરોને રાજ્ય તરફથી શસ્ત્રસામગ્રી અને પગાર આપવામાં આવતાં, જ્યારે શિલાહારોને પોતાના પગારમાંથી શસ્ત્રસામગ્રી વસાવવી પડતી. હયદળ અને પાયદળમાં નાયક, હવાલદાર, જુમલાદાર અને હજારી જેવા હોદ્દાઓ હતા. શિવાજીનું લશ્કર મુઘલોના લશ્કર કરતાં નાનું હોવાથી એમણે લડવામાં છાપામાર કે ગેરીલા પદ્ધતિ અપનાવી હતી. દુશ્મનનું લશ્કર રાતના સમયે આરામ કરતું હોય કે અસાવધ હોય ત્યારે તેના પર હુમલો કરી મરાઠી સૈનિકો ડુંગરાળ પ્રદેશમાં સંતાઈ જતા. જોકે પછીથી પેશ્વાઓએ ખુલ્લા મેદાનમાં લડાઈ કરવાની નીતિ અપનાવી હતી. મહારાષ્ટ્રના લશ્કરી તંત્રમાં કિલ્લાઓનું ઘણું મહત્વ હતું. તેથી શિવાજીએ ડુંગરાળ પ્રદેશોમાં 300 કિલ્લાઓ બાંધી ત્યાં લશ્કરી સૈનિકો રાખ્યા હતા. શિવાજીની રાજધાની પણ રાયગઢ નામના કિલ્લામાં હતી. દરેક કિલ્લામાં અનાજ, પાણી અને શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવતો હતો.

હયદળ અને પાયદળ ઉપરાંત શિવાજીએ હસ્તિદળ, ઊંટદળ, તોપદળ અને નૌકાદળની રચના કરી હતી. નૌકાદળમાં મુંબઈ કિનારાના હિંદુ ખલાસીઓનો સમાવેશ થયો હતો. જોકે પાછળથી પેશ્વાઓના સમયમાં કાન્હોજી આંગ્રે વગેરેના નેતૃત્વ નીચે મરાઠી નૌકાદળ ઘણું શક્તિશાળી બન્યું હતું.

લશ્કરમાં કડક શિસ્તનું પાલન કરવામાં આવતું. લશ્કરમાં કોઈ પણ સ્ત્રી કે નાચનારીને સાથે લઈ જવાની મનાઈ હતી. મરાઠી સૈનિકો લૂંટમાં મળેલી તાંબા કે કાંસાની વસ્તુઓ પોતાની પાસે રાખી શકતા; જ્યારે સોનું, ચાંદી અને ઝવેરાતની કિંમતી વસ્તુઓ એમણે ઉપરી અધિકારીઓ દ્વારા સરકારમાં જમા કરાવવી પડતી. પેશ્વાઓના શાસનકાળ દરમિયાન મરાઠી લશ્કરો સાથે પીંઢારાઓ પણ રહેતા, જે લોકોનાં મકાનો ખોદી કે દીવાલો તોડી એમાં સંતાડેલી કિંમતી વસ્તુઓ જપ્ત કરી લશ્કરમાં જમા કરાવતા. એમાં દયા કે કરુણાને સ્થાન ન હતું. ઈ. સ. 1807માં વૉકર કરાર થયા ત્યાં સુધી મરાઠી લશ્કરો ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં મુલકગીરી કરી જમાબંદી ઉઘરાવતા. કેટલીક વાર ચાર-પાંચ વર્ષની જમાબંદી એકસાથે ઉઘરાવવામાં આવતી. મરાઠી શાસકો લડવામાં શક્તિશાળી હતા, પરંતુ વહીવટી વ્યવસ્થા સ્થાપવામાં ઉપેક્ષા સેવતા. તેથી એમને હમેશાં નાણાકીય તંગીનો અનુભવ કરવો પડતો હતો.

ન્યાયતંત્ર : શિવાજીના સમયમાં ન્યાય આપવાની પ્રાથમિક સ્વરૂપની પદ્ધતિ ચાલુ રાખવામાં આવી હતી. ન્યાય સાદાઈથી આપવામાં આવતો. પટેલ (પાટીલ) પોતાની વગ વાપરીને તકરારનો નિકાલ લાવતો. જરૂર પડ્યે ગામના વડીલો પંચો તરીકે બંને પક્ષોને સાંભળીને ચુકાદો આપતા. પંચાયતના ચુકાદાની અપીલ મામલતદારને કરવામાં આવતી. કેટલાક કેસોમાં અપીલ પેશ્વા અથવા ન્યાયાધીશને કરી શકાતી હતી.

પ્રાંતો અને જિલ્લાનો વહીવટ : શિવાજીના સમય પહેલાં દેશમુખો અને દેશપાંડે પરગણાંનો વહીવટ સંભાળતા હતા. શિવાજીએ તેમની જગ્યાએ કામવીસદારો અને મામલતદારોની નિમણૂક કરી હતી. પેશ્વાઓએ પણ એ પ્રથા ચાલુ રાખી. તેમની ફરજો અને જવાબદારીઓ વ્યાપક હતી. જિલ્લાનું પોલીસદળ તેમના અંકુશ હેઠળ હતું. ગામનો મુખ્ય અધિકારી પાટીલ હતો. તે મહેસૂલ-અધિકારી, કાયદાનો અમલ કરાવનાર તથા ન્યાયાધીશ પણ હતો. તેનો હોદ્દો વારસાગત હતો. મોટાં નગરોમાં પોલીસદળનો વડો કોટવાલ હતો. તે વિશાળ સત્તાઓ ભોગવતો હતો.

મુગટલાલ પોપટલાલ બાવીસી

ચંદ્રબાળા દુદકિયા